ઇતિહાસ ગવાહ હૈ:રાષ્ટ્રગૌરવસમા રાષ્ટ્રગીતના નામે નિરર્થક વિવાદ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાહર, સરદાર, ડૉ.આંબેડકર, શ્યામાબાબુ જેવા મહાનુભાવોએ ઘડેલા બંધારણ વિશે ઉંબાડિયાં
  • પંડિત નેહરુએ જ 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગીત તરીકે કોંગ્રેસ અધિવેશનમાં પ્રસ્તાવિત કર્યું હતું
  • સુપ્રીમ કોર્ટનો રાષ્ટ્રગીત ગાવાની ફરજ ના પડવાનો નન્નો, નવું જ સર્વસ્વીકૃત રાષ્ટ્રગીત જરૂરી

ભારતીય બંધારણસભામાં બિરાજતા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સ્વતંત્ર ભારતના સૂત્રધારોએ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન અંગે 24 જાન્યુઆરી 1950ના રોજ અનુક્રમે 'જન ગણ મન' (કવિવર રવીન્દ્રનાથ ઠાકુરરચિત) અને 'વંદે માતરમ્' (બંકિમચંદ્ર ચટોપાધ્યાયરચિત)ને માન્યતા આપી. બંધારણસભાની ડિબેટના અંતિમ ગ્રંથમાં એની નોંધ પણ છે કે બંને ગીતને સમાન દરજ્જો અપાયો છે. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. બંધારણસભામાં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.બાબાસાહેબ આંબેડકર, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી, મૌલાના આઝાદ જેવા મહાનુભાવો બિરાજતા હતા. એમણે ઘડેલા બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અંગે વિવાદો સર્જવામાં આવે ત્યારે વ્યથા થવી સ્વાભાવિક છે. કમનસીબે આજે સાત દાયકા પછી પણ રાષ્ટ્રગીત જ નહીં, બંધારણ વિશે પણ વિવાદો સર્જવામાં કેટલાક અટકચાળા મહાનુભાવો પરપીડન વૃત્તિનો આનંદ લેવાનું ચૂકતા નથી. હજુ હમણાં જ ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણિયન સ્વામીએ ઉંબાડિયું કર્યું અને નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના રાષ્ટ્રગીતને સ્વીકારવાની વાત વહેતી મૂકી. 'જન ગણ મન' જ નેતાજીએ પોતાની ફોજના રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું હતું. આ પહેલાં પણ રાષ્ટ્રગીત વિશે વિવાદો ચગતા રહ્યા છે. અદાલતોમાં અને જાહેર મંચ પર રાષ્ટ્રગૌરવ સમા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય વ્યક્તિત્વોને હીણા દર્શાવવાના પ્રયાસ થયા છે. રાષ્ટ્રગીત એ રાષ્ટ્રના ગૌરવ સમાન ગણાય અને એ સર્વસ્વીકૃત હોવું અનિવાર્ય છે.

'જન ગણ મન'નો ઈતિહાસ
ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતીય રાષ્ટ્રગીત તરીકે 24 જાન્યુઆરી 1950ના રોજ ‘જન ગણ મન’ને માન્યતા આપી છે અને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં ઐતિહાસિક યોગદાન કરનાર ‘વંદેમાતરમ્‌’ને સમાનસ્તરે મૂકીને આદર આપવાનું જાહેર કરાયું હતું. કોલકાતામાં 26-28 ડિસેમ્બર 1911 દરમિયાન મળેલા કોંગ્રેસના અધિવેશનમાં 27મીએ સવારે બાર વાગે સૌપ્રથમ ‘જન ગણ મન’ ગીત ગવાયું હતું. આ ગીત વિશેના વિવાદ સંદર્ભે ‘વિશ્વભારતી’ના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પુલિન બિહારી સેનને પ્રત્યુત્તર વાળતાં રવીન્દ્રનાથે 20 નવેમ્બર 1937ના રોજ લખ્યું હતું કે, ‘'એ વર્ષે (1911માં) ભારતના સમ્રાટના આગમનનું આયોજન થયું હતું. સરકારમાં અગ્રસ્થાને બિરાજેલા મારા એક મિત્રે સમ્રાટના આગમન વખતે એક જયગાન લખવાનો મને ખાસ આગ્રહ કર્યો. સાંભળીને આશ્ચર્ય થયું હતું. તે આશ્ચર્ય સાથે ભારે ખેદ પણ થયો હતો. તેની પ્રબળ પ્રતિક્રિયાના ધક્કાથી જ મેં 'જન ગણ મન અધિનાયક' ગીતમાં તે ભારત ભાગ્યવિધાતાની જયઘોષણા કરી, જે વતન અભ્યુદયના ખાડાટેકરાવાળા રસ્તે યુગયુગથી દોડી રહેલા યાત્રીઓના ચિરસારથિ છે, જે જન ગણના અંતર્યામી પથપરિચાયક છે, તે યુગયુગાન્તરના માનવભાગ્યરથના ચિરસારથિ કોઈ પાંચમા કે છઠ્ઠા જયોર્જ કદી પણ ન હોઈ શકે તે વાત પેલા રાજભક્ત મિત્ર સમજી શક્યા હતા.'

સમ્રાટનું સ્તુતિગાન નથી
સ્વયં રવીન્દ્રનાથ ઠાકુરની આટલી સ્પષ્ટતાને સ્વીકારી નહીં શકનારા સંઘ પરિવારવાળાઓના અગ્રણી એવા કલ્યાણસિંહ પાછા કહે છે કે મને રવીન્દ્રનાથ ઠાકુર માટે માન છે. 1911ના કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં રવીન્દ્રનાથના ‘જન ગણ મન’ ઉપરાંત સમ્રાટ જયોર્જ પંચમના માનમાં હિંદીમાં રામભુજ ચૌધરીરચિત સ્તુતિ ગાન ગવાતાં અંગ્રેજી મીડિયાએ કરેલા ગોટાળાથી ‘જન ગણ મન’ને ભૂલથી સમ્રાટનું સ્તુતિગાન ગણી લેવાયું! અપપ્રચારને પાંખો ખૂબ ફૂટતી હોય છે. 1913માં જેમને ‘ગીતાંજલિ’ માટે નોબેલ પારિતોષિક મળે છે અને જેમણે રચેલું ‘આમાર સોનાર બાંગલા’ આજે પણ બાંગલાદેશનું રાષ્ટ્રગીત છે એ રવીન્દ્રનાથ ભણી આદર વ્યક્ત કરવાની સંઘપરિવારની નીતિરીતિ નોખી છે. સંઘ પરિવારનો આગ્રહ છે કે ‘વંદેમાતરમ્‌’ને જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવે. આ તબક્કે ઉલ્લેખ કરવા જેવો છે કે વર્ષ 1882માં બંકિમ ચેટરજીલિખિત ‘આનંદમઠ’ નવલમાં પ્રકાશિત ‘વંદેમાતરમ્‌’ને 1905માં વારાણસીના કોંગ્રેસના અધિવેશનમાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું અને સૌપ્રથમ રવીન્દ્રનાથ ઠાકુરે જ 1896ના કોલકાતા અધિવેશનમાં ગાયું હતું! એ પહેલાં તેમણે બંકિમબાબુ સમક્ષ પણ એનું ગાન કર્યું હતું. ‘વંદેમાતરમ્‌’ સામે મૂર્તિપૂજાના મુદ્દે પાછળથી મુસ્લિમોમાં વિરોધ ઊઠ્યો પણ રવીન્દ્રનાથે 1896ના કોંગ્રેસના જે અધિવેશનમાં એ ગાયું તેના અધ્યક્ષપદે એક ગુજરાતી મુસ્લિમ અગ્રણી નામે રહીમતુલ્લાહ સાયાની હતા. 1905ના વારાણસીના કોંગ્રેસના અધિવેશનમાં એને રાષ્ટ્રગીત તરીકે ગોપાળકૃષ્ણ ગોખલેના અધ્યક્ષપદે માન્યતા મળી અને એ વેળા મોહમ્મદઅલી ઝીણા પણ કોંગ્રેસ કારોબારીમાં હતા. 1906માં મુસ્લિમ લીગની સ્થાપનાને એમણે દેશને તોડવાનો કારસો ગણાવવાનું પસંદ કર્યું હતું. એ જ ઝીણાએ મુસ્લિમ લીગનું નેતૃત્વ લીધું અને 1935માં ‘વંદેમાતરમ્‌’નો જોરદાર વિરોધ કરવા ઉપરાંત 1947ની 14 ઓગસ્ટે અલગ પાકિસ્તાન મેળવ્યું! 1938માં મુસ્લિમ લીગની 11 માગણીઓમાં ‘વંદેમાતરમ્‌’ને રાષ્ટ્રગીત તરીકે પડતું મૂકવાનો આગ્રહ પણ હતો. એ વેળા કોંગ્રેસે એક સમિતિ નીમી, જેમાં મૌલાના અબુલ કલામ આઝાદ, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ અને નરેન્દ્ર દેવ હતા. સમિતિએ રવીન્દ્રનાથની સલાહ લઈને એક રાષ્ટ્રીયગાન (નેશનલ એન્થમ) નક્કી કરવાનું હતું. સમિતિનો ઠરાવ નેહરુનો હતો. ‘વંદેમાતરમ્‌’ને રાષ્ટ્રગીત તરીકે તેની પ્રથમ બે કડી સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. આ બધા જ તબક્કે કોંગ્રેસમાંના મુસ્લિમ નેતાઓને પણ એ માન્ય હતું.

બંકિમબાબુ તો બ્રિટિશ નોકર
1882માં બ્રિટિશ સરકારના વરિષ્ઠ અધિકારી બંકિમચંદ્ર ચેટરજી-ચટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ સૌપ્રથમ પ્રકાશિત થઈ હતી. જો કે, ‘વંદેમાતરમ્‌’ ગીત તેમના પરિવારના સામાયિક ‘બંગદર્શન’માં 1880માં પ્રગટ થયું હતું. તેમાં ‘આનંદમઠ’ હપ્તાવાર પ્રગટ થઈ હતી. બંગભંગવિરોધી આંદોલન(1905) વખતે ‘વંદેમાતરમ્‌’ પ્રત્યેક બંગાળી ગાવા માંડ્યો. અહીં હિંદુ-મુસ્લિમનો ભેદ નહોતો. બંકિમબાબુએ પોતાની બ્રિટિશ નોકરી બચાવવા માટે ‘આનંદમઠ’માં અનેકવાર ફેરફાર કર્યા અને સૌપ્રથમ આવૃત્તિમાં ‘બ્રિટિશ’ અને ‘અંગ્રેજ’ શબ્દ હતા. એ રાજદ્રોહની કાર્યવાહી ખાળવા માટે પાંચમી આવૃત્તિ સુધીમાં ‘મુસલમાન’ ‘યવન’ ‘વિધર્મી’ થતા રહ્યા. નવલકથાનો મુખ્ય સ્વર અંગ્રેજ શાસકો વિરુદ્ધનો રહ્યા છતાં રાષ્ટ્રદ્રોહના ખટલાથી બચવા બંકિમબાબુએ એને મુસ્લિમ વિરુદ્ધનો ઓપ આપવાનો પ્રયાસ કરવો પડ્યો. એના જ પરિણામે ‘આનંદમઠ’ નવલે મુસ્લિમસમાજનો વિરોધ વહોરવો પડ્યો. સંઘ પરિવારને મુસ્લિમ વિરોધ માફક આવવો સ્વાભાવિક છે.

'અધિનાયક’એટલે કોણ ?
કલ્યાણસિંહ રાજ્યપાલ જેવા અગાઉ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને રાજસ્થાનના રાજ્યપાલ જેવા બંધારણીય હોદ્દે બિરાજતા હતા છતાં રાષ્ટ્રગીત અંગેના વિવાદથી પર રહી શક્યા નહોતા. ભારતીય રાષ્ટ્રગીતમાં ‘અધિનાયક’ શબ્દપ્રયોગ અંગ્રેજશાસક એટલે કે સમ્રાટ જયોર્જ પંચમ માટે વપરાયો હોવાથી એને દૂર કરીને એને સ્થાને ‘મંગલ’ શબ્દ મૂકવાનું કલ્યાણસિંહે સૂચવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂંઝવણ વધારવા જેવું પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહે કર્યું. ઓછામાં પૂરું કલ્યાણસિંહની જેમ જ પશ્વિમ બંગાળના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના સ્વયંસેવક અને ત્રિપુરાના રાજ્યપાલ રહેલા તથાગત રોયે પણ રાષ્ટ્રગીતના વિવાદમાં સામેલ થઈને કર્યું. જો કે, પશ્વિમ બંગાળ ભાજપના અધ્યક્ષ રહેલા તથાગત રોયના મતે, ‘દેશના રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃતિ પામેલા જન ગણ મનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.’ બંગાળમાં રવીન્દ્રનાથ આરાધ્યદેવ લેખાય છે. સંઘ પરિવારમાં એવી માન્યતા પ્રવર્તે છે કે રવીન્દ્રનાથ ઠાકુર અંગ્રેજ સમ્રાટની ભારત મુલાકાત વખતે એમની પ્રશસ્તિ માટે રચેલું ગીત સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રગીત થઈ શકે નહીં. એને બદલે ‘વંદેમાતરમ્‌’ નામક બંકિમચંદ્ર ચેટરજીએ લખેલા ગીતને રાષ્ટ્રગીત તરીકે માન્યતા મળવી જોઈએ. જો કે, રખે એ ભૂલાય કે બંકિમબાબુ તો અંગ્રેજ સરકારના નોકરિયાત હતા. એમની નવલકથા 'આનંદમઠ'ના પ્લોટ એકથી વધુ વખત બદલ્યા છે. રાષ્ટ્રગીતમાં ‘અધિનાયક’ એ કોઈ અંગ્રેજ શાસક નહીં, પરંતુ દેશની પ્રજાહોવાનું ત્રિપુરાના રાજ્યપાલ રહેલા તથાગત રોયનું કથન વાસ્તવમાં સાચું છે. રાષ્ટ્રગીતના ઇતિહાસનો અભ્યાસ કરવાથી અનેક તથ્યો ઉજાગર થાય છે. ઓછામાં પૂરું ડો.સુબ્રમણિયન સ્વામીએ સંઘ પરિવારના હિંદુત્વના એજન્ડાને અમલી બનાવવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહ હતા ત્યારે એમને પત્ર લખ્યો અને શાહે એનો ઉત્તર નહીં વાળ્યો એટલે સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આની ફરિયાદ કરી હતી.

અટલ-આડવાણીનો નોખો મત
સત્તામાં હોવું અને વિપક્ષે હોવું એ બે વચ્ચેની ભેદરેખા સંઘ પરિવારમાં ઉછરેલા રાજનેતાઓ ક્યારેક વિસારે પાડે છે. દેશના વડાપ્રધાન પદે સંઘના જ સ્વયંસેવક-પ્રચારક અટલ બિહારી વાજપેયી હતા ત્યારે સંઘ પરિવારના સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વતી આવેદનપત્ર અપાયું હતું કે, જન ગણ મનને રાષ્ટ્રગીત તરીકે દૂર કરવામાં આવે. છ વર્ષ વાજપેયી શાસન રહ્યું, પણ એ દિશામાં કોઈ નિર્ણય લેવાનું તેમને વાજબી લાગ્યું નહોતું. હવે મોદી જેવા અટલજી કરતાં વધુ આક્રમક સ્વયંસેવક ગણાતા સંઘ પરિવારના જ પ્રતિનિધિ ભારે બહુમતી સાથે શાસન કરી રહ્યા છે ત્યારે જન ગણ મન વિશે કાંઈ કાર્યવાહી કરવાને બદલે એ જ જૂનો વિવાદ આગળ ધપાવે એના કરતાં રાષ્ટ્રગીતને બદલવાની ભૂમિકા સ્વીકારે અને સર્વસ્વીકૃત રાષ્ટ્રગીત અપનાવાય એ જરૂરી છે. અન્ય દેશોમાં આ બન્યું છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ. સંઘની શાખાઓમાં ‘વંદેમાતરમ્‌’ આખું ગવાય છે.

1999માં ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતા કલ્યાણસિંહની સરકાર હતી. ‘વંદેમાતરમ્‌’ના શતાબ્દીવર્ષમાં જ શાળાઓમાં ‘વંદેમાતરમ્‌’ અને ‘સરસ્વતીવંદના’નું ગાન ફરજિયાત કરાયા અંગે વિવાદ થયો હતો. કલ્યાણસિંહ સરકારના શિક્ષણપ્રધાન રવીન્દ્ર શુકલાએ એ વેળા નિવેદન કર્યું હતું કે, માયાવતી બહુજન સમાજ પાર્ટી અને ભાજપની સંયુક્ત સરકારનાં મુખ્યમંત્રી હતાં ત્યારથી ‘વંદેમાતરમ્‌’ને રાજ્યની શાળાઓમાં ફરજિયાત બનાવવાનો આદેશ બહાર પડાયો હતો. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને એમની સરકારના ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણીએ એ વેળા એવી ભૂમિકા લીધી હતી કે ‘વંદેમાતરમ્‌’ને શાળાઓમાં ગવડાવવાની ફરજ પાડી શકાય નહીં! વાજપેયી સરકારના માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે મુખ્તાર અબ્બાસ નકવીએ ‘વંદેમાતરમ્‌’નો વિરોધ કરનારાઓને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા. પરંતુ કલ્યાણસિંહે પોતાના શિક્ષણપ્રધાન શુક્લાને ગડગડિયું આપ્યું એટલું જ નહીં, શાળાઓમાં ‘વંદેમાતરમ્‌’ અને ‘સરસ્વતીવંદના’ ગાવાનું ફરજિયાત કરતો સરકારી આદેશ રદ કર્યો હતો! આઝાદી પછી બંધારણસભાએ રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન’ને માન્યતા આપી અને ‘વંદેમાતરમ્‌’ને એની સમકક્ષ મૂક્યું, છતાં ગુજરાતની વડીઅદાલતે સૌપ્રથમ ચુકાદો આપ્યો કે રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો અને છેવટે સુપ્રીમકોર્ટે પણ રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં એવો ચુકાદો આપ્યા છતાં વિવાદ હજુ શમતો નથી.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

અન્ય સમાચારો પણ છે...