'મારી પાસે બેસ ને' મૌલીએ કહ્યું.
'ના હોં! કંઈ તારી જેવો નવરો નથી, ઘણાં કામ હોય છે' ૠષભે જાણે વાત જ કાપી નાખી અને તૈયાર થઈને ઓફિસ જતો રહ્યો.
ઘરમાં કામવાળા કામ કરે, રસોઈવાળી રસોઈ કરીને જતી રહે એ પછી આવડા મોટા ઘરમાં માણસનાં નામે ખાલી મૌલી જ હોય. મૌલીને આ એકાંત વધુ એકલું લાગતું. ૠષભ આખો દિવસ ઓફિસે હોય, ઘર માટે સામાન લાવવો, મૂકવો, શોપિંગ કરવું એ સિવાય મૌલીનાં ભાગે કોઈ પ્રવૃત્તિ ન રહેતી. ૠષભને કંઈ જ ન ગમતું.
મૌલીએ ક્યાંય જવાનું નહીં, કિટીમાં કે સગાં-વ્હાલાંને ત્યાં કે પછી પાર્ટીમાં. હા, પોતાની ઓફિસની પાર્ટી હોય તો ઈચ્છે કે મૌલી ત્યાં રાજીખુશીથી આવે અને પાર્ટીની રોનક બની જાય. હવે મૌલી પણ આવી ઘરેડથી ઊબકાઈ ગઈ હતી. ચહેરા પર હવે થોડી ઉંમર દેખાતી હતી, વાળમાં સહેજ સફેદી આવી હતી. મન તો ક્યારનુંય ઘરડું થઈ ગયું હતું.
આજે એણે ૠષભને થોડીવાર બેસવાનું કહ્યું, પણ એ તો પોતાની જ દુનિયામાં રહેતો. ઘણીવાર એ પોતાનાં પેટ ઉપર હાથ ફેરવતી અને આંખનાં ખૂણે આંસુ આવીને અટકી જતાં. હા, એને બાળક હોત જો ૠષભે જીદ કરીને એબોર્શન ન કરાવડાવ્યું હોત તો.
લગ્નને બે વર્ષ થવા આવ્યાં હતાં. એક દિવસ વહેલી સવારે મૌલીએ જાતે ૠષભને ભાવતો નાસ્તો બનાવ્યો, નાહીને ભીનાં વાળ ઝંકોર્યા, સરસ મજાની આછા પીળા રંગની શિફોન સાડી પહેરીને બે-ત્રણવાર અરીસામાં પોતાની જાતને બરાબર સજી છે કે નહીં એની ખાત્રી કરી ૠષભને ઉઠાડવા ગઈ, ઊઠતાવેંત જ ગુડ ન્યૂઝ આપીશ એવું વિચારી ૠષભને ઉઠાડ્યો, ચા આપી. એની સાથોસાથ ૠષભનો હાથ લઈ પોતાનાં પેટ ઉપર મૂકીને શરમાતાં- શરમાતાં કહ્યું, 'ૠષભ તમે પપ્પા બનવાના છો' ૠષભની માથે જાણે વીજળી પડી એવી ત્વરાથી અને ગુસ્સાથી એ ઊભો થઈ ગયો અને બરાડવા લાગ્યો, 'તને કહ્યું હતું ને મેં કે મારે બાળક નથી જોઇતું... તો પછી આ બધું શું છે? મને તું જીવનભર આ જ ફિગરમાં અને આવી ને આવી જ જોઈએ. બાળક નહીં એટલે નહીં.' અને ૠષભની જીદ સામે મૌલીએ ઝૂકવું પડ્યું, ત્રણ મહિના પછી એબોર્શન. આજે ૠષભના ગયા પછી એ બગીચામાં ગઈ અને છોડવાઓને પાણી પાવા લાગી, જાણે પોતાની અધુરપ આ રીતે સરભર કરવી ન હોય!
બપોરે જમ્યા પછી બેડરૂમમાં ઊંઘવા ગઈ, સૂવાનું તો શું એને તો પડખાં જ ફેરવવાનાં હોય, એમ-એમ કરતાં એ ભૂતકાળમાં સરી પડતી. કોલેજના દિવસો, ૠષભ સાથેની સગાઈ, લગ્ન... અચાનક ફુલ એસીવાળા રૂમમાં પણ એને પરસેવો વળી ગયો અને એ બેઠી થઈ ગઈ.
વૈભવનો ચહેરો આંખ સામે આવી ગયો. હા, વૈભવ,એનો નાનપણનો સાથી. બંને સાથે ભણ્યાં, બાજુબાજુમાં રહેતાં એટલે લગભગ સાથે જ હોય. વૈભવ એનો બેસ્ટ ફ્રેન્ડ હતો. ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ? બંને તરફથી એકસરખી લાગણી હતી. વૈભવ ઘણીવાર કહેતો, 'મૌલી, યાર લગ્ન કરી લઈએ' પણ મૌલીનાં ઘરનાં બધા રૂઢીચુસ્ત. લવ મેરેજ શક્ય જ નહોતાં.
આજે ફરી વૈભવ યાદ આવ્યો, એણે મૌલીનાં લગ્નને આગલે દિવસે છેલ્લીવાર મૌલીને મનાવી જોઈ.
'ચાલ, હું વાત કરું ઘરે', પણ મૌલીને પરિણામ ખબર હતું. એણે એનો પહેલો પ્રેમ જતો કર્યો. વૈભવે તો'ય વચન આપ્યું કે, 'તારી મજબુરી છે પણ તારો પ્રેમ સાચો છે. હું જીવનભર તારી રાહ જોઈશ.'
અને મૌલી બધું ભૂલીને ૠષભમાં પરોવાઈ ગઈ. આજે એણે એનું ઘણું બધું ગુમાવ્યું હતું. એમ પૂછોને કે મેળવ્યું શું? ૠષભ સાથેનાં જીવને એને રોજેરોજનાં અપમાન, બંધન, શંકા અને રોજ રાત્રે શારીરિક અને પછી માનસિક રીતે બળજબરી. એવું પણ કહી શકાય કે જાણે રોજની રાત પસાર કરવા જ ૠષભે મૌલી સાથે લગ્ન કર્યાં હતાં. પ્રેમ... એવું તો કંઈ ક્યાં હતું જ...
મૌલી પણ હવે અકળાઈ હતી. ૠષભે ધીમે-ધીમે પીયરવાટ પણ બંધ કરાવી હતી. રાચરચીલું, નોકર ચાકર અને મૌલી... બધી જ વસ્તુ ૠષભને એની જગ્યાએ જ જોઈતી હતી. હા, મૌલી વસ્તુ જ હતી.
લગ્નનાં 18 વર્ષ... ઓછો ભોગ ન કહેવાય. મૌલીને એકલી હોય ત્યારે રાડો પાડવાનું, રડવાનું અને ભાગી જવાનું મન થતું. અંદરથી સતત બળવો પોકારતું મન. છેલ્લાં બે-ત્રણ દિવસથી એ સતત રડ્યે જતી હતી. ૠષભ કહેવાતી બિઝનેસ ટૂર પર હતો. આજે બપોરનું એનું ચિત્ત વૈભવમાં અટક્યું હતું. એક ફોન નંબર હતો તો ખરો એની પાસે પણ ફોન કરવો કે ન કરવો એવી અવઢવ હતી. મોડી રાત્રે પણ એ જાગતી હતી આજે. અંતે લગાવ્યો ફોન.
'હેલો... હેલો... સામે ખૂણેથી બે-ચાર વાર પુછાયું અને ફોન મુકાઈ ગયો. ફરી જોડ્યો... આ વખતે મૌલીએ પણ હેલો કહ્યું અને સામે ખૂણેથી ઉષ્માસભર ઉદબોધન થયું. હેય... ઈટ્સ યુ... મૌલી... યુ નો... હું રોજ તારી રાહ જોઉં છું. એટલે તો નંબર પણ નથી બદલ્યો... બોલ બોલ, કેમ છે તું? ૠષભ કેમ છે?' અને મૌલીથી રડી પડાયું. વૈભવે એને રડી લેવા દીધી... ધીમે-ધીમે મૌલી શાંત થઈ અને વૈભવને મળવા બોલાવ્યો.
બીજે દિવસે બંને જણાં એક કોફી કાફેમાં મળ્યાં. બોલવાની શરૂઆત વૈભવે જ કરી.. 'મૌલી, ક્યાં ગઈ ઊછળતી કૂદતી મૌલી..? ક્યાં ખોવાઈ ગઈ એ મૌલી..? શું થયું? આમ અચાનક હું સાંભર્યો તને? નક્કી કોઈ તકલીફમાં હશે તું.'
મૌલીએ નિરાંતે વાતો કરી વૈભવ સાથે અને હળવેકથી એક પ્રશ્ન પૂછ્યો, 'વૈભવ, હું ૠષભ સાથે ડિવોર્સ લેવા માગું છું. તું મને અપનાવીશ?'
વૈભવે મૌલીનો હાથ હાથમાં લીધો અને કહ્યું, 'મૌલી, તારી રાહ જોઈશ.. કહ્યું હતું મેં... ચાલ, આપણે બંને મળીને નવો એકડો માંડીએ.'
એ દિવસે 18 વર્ષ પહેલાં મૌલીએ ગુમાવેલું બધું જ વ્યાજ સહિત તેને પાછું મળ્યું.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.