• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Unfulfilled Dream Of Sardar Patel, The Founder Of Sandi Seva ... Sandi Seva Could Not Be Freed From The Tradition Of Patriarchy And Sahebgiri

ઈતિહાસ ગવાહ હૈ:સનદી સેવાના સંસ્થાપક સરદાર પટેલનું અધૂરું સ્વપ્ન... સનદી સેવા બાબુશાહી અને સાહેબગીરીની પરંપરામાંથી મુક્ત ન થઈ શકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બ્યુરોક્રસી કહ્યાગરી નહીં, રાષ્ટ્રના હિતમાં નીડર બને
  • વલ્લભભાઈ તો મુલ્કી અધિકારીઓના આરાધ્યદેવ
  • કાયમી નોકરશાહી પક્ષાપક્ષીથી પર રહેવી જોઈએ

થોડા વખત પહેલાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ હૈદરાબાદમાં ‘મારી ચન્ના રેડ્ડી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ’ ખાતે અખિલ ભારતીય સનદી સેવાના અધિકારીઓને સંબોધનમાં IAS (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ના સંસ્થાપક અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોના અનુસરણની સલાહ આપી. સનદી સેવકોને આઝાદીના ઉષાકાળે સરદાર થકી મેટકાફે હાઉસમાં 21 એપ્રિલ 1947ના રોજ અપાયેલા સરદારના વ્યાખ્યાનનું સ્મરણ કરવું યોગ્ય થઈ પડશે. ભારતભરમાં 21 એપ્રિલને IASના સ્થાપના દિવસ તરીકે મનાવાય છે. સત્તાધીશોએ દિવસ નિમિત્તે ભવિષ્યના સનદી અધિકારીઓને ઉપદેશ કરવામાં ભાગ્યે જ કોઈ મણા રાખે છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેલંગણની રાજધાની હૈદરાબાદમાં સરદારનું સ્મરણ કરીને એમનાં કેટલાંક વાક્યો ટાંક્યાં અને કહ્યું કે ભવિષ્યના સનદી અધિકારીઓએ ‘પ્રજા પ્રત્યે સહાનુભૂતિ જાળવીને, પોતાની શ્રેષ્ઠ ક્ષમતા દાખવી, તટસ્થતાપૂર્વક અને ભ્રષ્ટાચારથી મુક્ત રહીને રાષ્ટ્રના હિતમાં સદૈવ કાર્યરત રહેવું જોઈએ.

સરદારનું આગોતરું આયોજન
ભારતના બંધારણના ઘડવૈયાઓએ કાયમી બ્યુરોક્રસી અને વેસ્ટમિન્સ્ટર શાસન પદ્ધતિ અમલમાં લાવવાનું યોગ્ય લેખ્યું હતું. અંગ્રેજો ભારતમાંથી ઉચાળા ભરવાના હતા એ સમયગાળામાં વલ્લભભાઈ પટેલે તાજના નિષ્ઠાવંત ICS અને IP અધિકારીઓને સ્થાને ભારતના વહીવટી માળખાને મજબૂત રાખવા માટે સ્વદેશી ભારતીય વહીવટી સેવા (IAS) સ્થાપવા માટે 1946માં વિવિધ પ્રાંતોના પ્રીમિયરો (મુખ્ય પ્રધાનો)ને તેડાવીને પોતાની ભૂમિકા માંડી તેમજ તેમનો મત પણ જાણ્યો હતો. સામાન્ય રીતે શાસકોને કહ્યાગરી નોકરશાહી (બ્યુરોક્રસી) અને ન્યાયતંત્ર (જ્યુડિશિયરી)નો ખપ હોય છે. વર્ષ 1947માં ભારતીય વિદેશ સેવા (IFS)માં પસંદ થયેલાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના અગ્ર સચિવના હોદ્દે કાર્યરત રહેલા અને ‘પદ્મભૂષણ’ ઇલકાબ લેવાનો નન્નો ભણનારા પી. એન. હકસરના શબ્દોમાં કહીએ તો સરદાર પટેલ ‘દેશના મુલ્કી અધિકારીઓના આરાધ્યદેવ’ હતા. સરદારને કહ્યાગરી બ્યુરોક્રસી કે કહ્યાગરું ન્યાયતંત્ર ખપતું નહોતું. તેમણે તો નોકરશાહીને ‘લોકાભિમુખ’ અને ‘રાષ્ટ્રીય હિતોની સંરક્ષક’ (કસ્ટોડિયન) ગણાવી હતી. કમનસીબે સમયાંતરે સરદારની વિભાવનાને લૂણો લાગતો રહ્યો અને રાજકીય શાસકો અને નોકરશાહોના મેળાપીપણાથી વલ્લભભાઈએ કલ્પેલી નોકરશાહીએ અવળી જ દિશા પકડી લીધી છે. આ મેળાપીપણામાં પારસ્પરિક હિતની જાળવણી કરીને દેશની લૂંટ અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે.

પ્રાચીનથી અર્વાચીન સનદી સેવા
‘ભારતીય સનદી સેવાના સંસ્થાપક: સરદાર પટેલ’ નામક મહાનિબંધમાં ડૉ. અંકિત પટેલ વૈદિકકાળથી લઈને વર્તમાન સુધીના સનદી સેવાના ઈતિહાસને પ્રસ્તુત કરીને નોંધે છે કે ‘ભારતીય વહીવટી તંત્રના મહર્ષિ કૌટિલ્યલિખિત ‘અર્થશાસ્ત્ર’ને તમામ તબક્કાઓમાં ભારતીય વહીવટી તંત્રના હિંદીકરણ માટેનો માર્ગદર્શક ગ્રંથ લેખી શકાય.’ સરદારે વડાપ્રધાન પંડિત નેહરુને 27 એપ્રિલ, 1948ના રોજ લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે, ‘કાર્યદક્ષ, શિસ્તબદ્ધ અને સંતોષી અધિકારીઓ તેમના મહેનતભર્યા અને વફાદાર કામના પરિણામે પોતાના ભાવિ અંગે નિશ્ચિતતા હોય એ હકીકત, આપખુદ શાસન કરતાંય વધુ તો લોકશાહીમાં મજબૂત વહીવટની પૂર્વશરત બની રહે છે એ વાત પર મારે ભાર મૂકવાની ભાગ્યે જ જરૂર હોય. આ અધિકારીઓ પક્ષથી અલિપ્ત રહેવા જોઈએ અને તેમની ભરતી, શિસ્ત કે અંકુશની બાબતમાં રાજકીય ગણતરીઓને સદંતર નાબૂદ ન કરી શકાય તો પણ તે ઓછામાં ઓછો ભાગ ભજવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ.’

મેટકાફે હાઉસનાં બોધવચન
IAS સંસ્થાપક અને દેશી રજવાડાંના એકીકરણના પ્રણેતા એવા પ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલે ભારતીય સનદી સેવા (IAS)ની પ્રથમ બેચના પ્રોબેશનર્સ સમક્ષ માર્ગદર્શિકા રજૂ કરી હતી. સરદાર થકી 21 એપ્રિલ, 1947ના એ વ્યાખ્યાનમાં ત્રણ બાબતો પર ભાર મુકાયો હતોઃ એક, ભારતીય શાસન વિદેશીને બદલે સ્વદેશીઓના હાથમાં આવે છે. બીજું, ભારતીય સનદી સેવા સંપૂર્ણપણે સ્વદેશી એટલે કે ભારતીયોના અખત્યાર હેઠળ મૂકાય છે. ત્રીજું, સનદી સેવા હવે સ્વદેશી હિતની સુરક્ષા માટે ખરા અર્થમાં ભારતીય સેવા કરવા માટે મુક્ત બની રહેશે અને ભૂતકાળનો અનુભવ આડે આવશે નહીં. સરદારના વડપણ હેઠળ ભારતીય સનદી સેવાને દેશનાં હિતના ખરા અર્થમાં સંરક્ષક (કસ્ટોડિયન) ગણાવવાનું નક્કી થયું હતું. ભૂતકાળમાં બાબુશાહી અને સાહેબગીરીની પરંપરા બ્રિટિશ માલિકોના માલિકીના ભાવમાંથી પ્રગટી હતી, એમાંથી નવી સનદી સેવા મુક્ત થાય એવી સરદારને અપેક્ષા હતી. જો કે, હજી આજે પણ ભારતીય સનદી સેવાના અધિકારીઓ પહેલા પ્રજાના સેવક બની રહેવાના સંકલ્પમાં ઝાઝી સફળતા મળી નથી. હજી પણ પ્રજાના માલિક હોય એ રીતે પ્રજાના પ્રતિનિધિઓ આવેદનપત્ર આપવા આવે ત્યારે બેઠાં બેઠાં જ એને સ્વીકારવાની મોટાઈ પ્રજાના કરમાંથી પગાર મેળવનારા IAS અધિકારીઓ જ નહીં, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ પણ જાળવે છે.

ગરિમા, નિષ્ઠા અને ભ્રષ્ટાચારમુક્તિ
સરદાર પટેલે શીખ આપી હતી કે શાસન-પ્રશાસનમાં સંબંધિતોની ગરિમા જળવાય, નિષ્ઠા સચવાય અને પ્રજા પ્રત્યે સહાનુભૂતિ દાખવીને જનહિતના પ્રશ્નો ત્વરાથી તથા ભ્રષ્ટાચાર આચર્યા વિના ઉકેલાય એ દિશામાં બ્યુરોક્રસી કાર્યરત રહે. બ્યુરોક્રસી પ્રજા પ્રત્યે સંવેદના ધરાવતી હોય અને રાજકીય પક્ષાપક્ષીથી પર રહે એ સરદારનો મુખ્ય મંત્ર હતો. જો કે, ક્યારેક સત્તાપક્ષ અને બ્યુરોક્રસીમાં મહત્ત્વના હોદ્દે બેઠેલાઓ એકાકાર થઈ જાય એવું જોવા મળે ત્યારે તટસ્થપણે નિર્ણય લેવાની અપેક્ષા ધૂળમાં મળવી સ્વાભાવિક છે. ‘તમે કોઈ અનપેક્ષિત લાભ ખાટીને કોઈની તરફેણમાં નિર્ણય નહીં કરતા’ એવી સ્પષ્ટ વાત સરદારે કરી હતી. જો કે, ઉદ્યોગ ગૃહોની લોબીમાં રાજકીય પક્ષોના નેતાઓ, શાસકો, બ્યુરોક્રેટ્સ અને જનપ્રતિનિધિઓના હિતમાં કાર્ય કરનાર મનાતાં સંગઠનો પણ જોડાવામાં હરખ અનુભવે હોય એવાં દૃશ્યો નિહાળીને સરદારનો આત્મા જ્યાં પણ હોય ત્યાં કણસતો હોવો સ્વાભાવિક છે.

શાસકોથી નોખો મત પણ રજૂ કરો
સરદાર પટેલે ભારતીય બંધારણ સભામાં સનદી સેવકોને બંધારણીય સુરક્ષા પ્રદાન કરતી જોગવાઈઓ બંધારણમાં જોડવા સંદર્ભે કરેલા આગ્રહને પગલે બ્યૂરોક્રસીને કહ્યાગરી બની રહેવાને બદલે રાષ્ટ્રના હિતમાં નીડર અને સ્પષ્ટ મત વ્યક્ત કરનારી થવાનો આગ્રહ રાખ્યો હતો. બ્યુરોક્રસી એના રાજકીય શાસકોની કહ્યાગરી ન થાય અને તટસ્થપણે નિર્ણયો લેનારી બની રહે એવી સરદારે પોતાનાથી જ શરૂઆત કરી હતી. સાચી વાત કરનાર કે તટસ્થ નિર્ણય કરનાર અધિકારી દંડાય નહીં એ માટેની બંધારણીય સુરક્ષા બક્ષવાના પક્ષધર નાયબ વડાપ્રધાને બંધારણ સભામાં જ પોતાના પક્ષના વિવિધ મુખ્ય પ્રધાન - પ્રધાનો થકી અધિકારીઓને નોકર ગણીને દબડાવવાની વૃત્તિનો પણ ઉધડો લીધો હતો.

રાજકીય દખલગીરી ટાળવાની જરૂર
સરદાર પટેલે અધિકારીઓને મોકળાશ બક્ષવાની બાબત પર ભાર મૂક્યો હતો. એ જ અનુસંધાનમાં સનદીસેવાના અભ્યાસી ડૉ.અંકિત પટેલ ચેતવણીના સૂર સાથે તારણ મૂકે છે કે બ્રિટિશ શાસન વખતના સનદી અધિકારીઓને તાલીમ આપવાની જે ચુસ્ત વ્યવસ્થા હતી એ તાલીમી વ્યવસ્થા તો સ્વતંત્ર ભારતમાં IAS અને IPS અધિકારીઓ માટે પણ ચાલુ રાખવામાં આવી હોવા છતાં તેમને તાલીમ આપવા માટે નિવૃત્ત કે વરિષ્ઠ IAS કે IPS અધિકારીઓ સિવાય બહારના નિષ્ણાતોને ખૂબ ઓછા પ્રમાણમાં તેડાવવામાં આવતા હોવાથી નવા વિચારો અને વ્યાવસાયિક કુશળતા કેળવવાની તક ઓછી રહે છે. ભ્રષ્ટાચાર કે ગેરરીતિઓનાં પ્રકરણોમાં સંડોવાયેલા અધિકારીઓ સામેની કાર્યવાહી પણ રગશિયા ગાડા જેવી ચાલે છે. તેમાં રાજકીય દખલગીરી ઘણો મોટો ભાગ ભજવે છે.’ સરદાર પટેલની અપેક્ષા અને સ્વપ્ન સાકાર કરવાની મથામણમાં વર્તમાન શાસકો અને પ્રશાસકોએ સાથે મળીને કામે વળવાની જરૂર છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)