એક્સપ્લોર ઇન્ડિયા:આંતરરાષ્ટ્રીય ફલક પર વૈશ્વિક ધરોહર તરીકે જાણીતી અને કલાપ્રેમીઓની માનીતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ - ગુજરાતની રાણકી વાવ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફરવું એ આપણા ગુજરાતી લોકોની ગમતી પ્રવૃત્તિ કહો તો પ્રવૃત્તિ અને શોખ કહો તો શોખ છે. હરવા ફરવાનાં નવા સ્થળ વિશે જાણ થાય કે આપણે લોકો થેપલાં - ભાખરી લઈને સહપરિવાર ફરવા નીકળી પડીએ છીએ. હિમાલયથી લઈને જંગલો હોય કે દરિયા કાંઠાથી લઇને રાજસ્થાનનાં રજવાડાંઓ હોય આપણે કંઈ બાકી નથી રાખ્યું. પરંતુ ક્યારેક આપણે ઘરથી દૂર ફરવા જવાની ઘેલછામાં આપણા જ રાજ્યમાં રહેલા અજાયબી સમા સ્થળોને ભૂલી જતા હોઈએ છીએ અને જ્યારે એવા સ્થળો વૈશ્વિક ધરોહરમાં સ્થાન પામે ત્યારે આપણને એહસાસ થાય કે આપણે કેટલો અદભુત વારસો ધરાવીએ છીએ. દેશ તો ઠીક પણ ગુજરાતમાં પણ મોટાભાગે પ્રવાસની વાત આવે એટલે રણોત્સવ, સાપુતારા, પોળો ફોરેસ્ટ વગેરેને આપણે વધુ મહત્ત્વ આપતા હોઈએ છીએ. પરંતુ ગુજરાતમાં એવાં ઘણાં સ્થળો છે જે બહુ ઓછા એક્સપ્લોર થયાં છે. આપણે બધાએ સો રૂપિયાની નોટ તો જોઈ જ હશે. તેની પાછળ જે ચિત્ર અંકિત થયું છે તેનાથી વાકેફ પણ બધા હશે. પરંતુ ત્યાંની મુલાકાત લીધી હોય કે મુલાકાત લેવાનો રસ ધરાવતા હોય એવા લોકો બહુ ઓછા હશે. આ સ્થળ વૈશ્વિક ફલક પર ખૂબ જ આગવું મહત્ત્વ ધરાવે છે. માત્ર કલાપ્રેમીઓ જ નહીં પણ વિશ્વભરના જીજ્ઞાસુઓ અહીં આ સ્થળની મુલાકાતે ખાસ આવે છે. મેટ્રો શહેરના સોલો ટ્રાવેલર્સના લિસ્ટમાં પણ આ નાનકડું સ્થળ પહેલું સ્થાન ધરાવે છે.

કુદરતમાં મહાલતાં મહાલતાં હું હંમેશાં અચંબિત થયો છું અને આજની તારીખે માનવો જે સર્જન કરે છે એ જોઈને માનવસર્જિત મહાકાય શહેરોથી અલિપ્ત પણ થયો છું. પરંતુ આપણા પૂર્વજોનાં કેટલાક બેજોડ સર્જનોને જોઈને એમની દીર્ઘદૃષ્ટિ, એમનું કુદરત પ્રત્યેનું સમર્પણ, પ્રકૃતિને સહેજ પણ આભડછેટ ન આવે એ રીતે પ્રકૃતિને જ ધ્યાનમાં લઈને બનાવેલી ગુજરાતની 'રાણકી વાવ' જોતાં જ સહજપણે હોઠમાંથી 'વાઉ' શબ્દ સરી પડે. ઉત્તર ગુજરાતના પાટણમાં આવેલી 'રાણકી વાવ' ગુજરાતનું વૈશ્વિક ગૌરવ છે. યુનેસ્કોને જેમાં રસ પડ્યો એવી એક હજાર વર્ષ જૂની 'રાણકી વાવ' કે જેના અપ્રતિમ સૌંદર્યને કારણે તે સમગ્ર વિશ્વમાં જાણીતી છે તેને ભારતમાં વાવોની રાણીની ઉપાધિ આપવામાં આવી છે. અનેક વિદેશીઓ પણ આ Queen of stepwell જોવા આવે છે અને અહીંના ભવ્ય સ્થાપત્ય અને બાંધકામને જોઈને અભિભૂત થઇ જાય છે. ભારતની બધી જ વાવમાં આ રાણકી વાવ તેની ભવ્યતા, બાંધકામ, બારીક શિલ્પો, પથ્થર પર ખૂબ જ બારીકાઈથી કોતરેલી ભારતીય પરંપરાની વાર્તાઓ અને આ સિવાય તેની અનન્ય રચનાને લીધે જ વાવોની રાણી કહેવાય છે.

અગિયારમી સદીમાં સોલંકી વંશના પ્રતાપી રાજા ભીમદેવ પ્રથમના અવસાન બાદ તેમની રાણી ઉદયમતીજી દ્વારા ભીમદેવજીની યાદમાં આ વાવ બંધાવવામાં આવી હતી. સામાન્ય રીતે આપણે એવું ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ રાજા કે બાદશાહ દ્વારા તેમની રાણીઓ અને બેગમોની યાદમાં ભવ્ય સ્મારકો બંધાવ્યાં છે. પરંતુ રાણી દ્વારા રાજાની યાદમાં લોકકલ્યાણના હેતુથી બંધાવ્યું હોય એવી બાબત તો રાણકી વાવમાં જ જોવા મળે છે. સદીઓ સુધી પાટણ અણહિલવાડ પાટણના નામથી ગુજરાતની રાજધાની રહ્યું અને શાસકો દ્વારા અહીંયા વિવિધ પ્રકારનાં બાંધકામો કરવામાં આવ્યાં હતાં. જેમાંનું એક મુખ્ય સ્થાપત્ય એટલે રાણકી વાવ. પાટણની પવિત્ર અને પ્રાચીન નદી સરસ્વતીના કાંઠે આ વાવ બાંધવામાં આવેલી. સમયપટ પર ભૌગોલિક પરિવર્તનની અસર અને સરસ્વતી નદીમાં પૂરના કારણે વાવ કાદવથી ભરાઇને દટાઈ જાય છે અને ધીરે ધીરે માનવ સ્મૃતિમાંથી પણ વિસરાઈ જાય છે. ભૂકંપ અને સરસ્વતી નદીમાં પૂર જેવા કારણોસર જમીનમાં લપાઈ ગયેલી આ રાણકી વાવની હયાતીના પુરાવા ફરીથી વર્ષ 1940 આસપાસ મળ્યા. તેથી, ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા અહીં ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું અને 1980ના દાયકા આસપાસ અહીંનું બાંધકામ અને શિલ્પ સ્થાપત્ય તેના મૂળ સ્વરૂપમાં મળી આવ્યું. રાણકી વાવ એ જળ વ્યવસ્થાપનના બાંધકામની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલું બેનમૂન ઐતિહાસિક સ્મારક છે.

રાણકી વાવને જળ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે
રાણકી વાવને જળ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે

ગુજરાત અને રાજસ્થાનમાં પગથિયાંવાળા સુશોભિત કૂવાઓ જોવા મળે છે, જેને વાવ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં પ્રાચીન કાળથી જ ધોળાવીરા અને લોથલમાં કૂવાઓ મળી આવ્યા છે. જે ધીમે-ધીમે સુશોભિત થતા ગયા અને તેમાં ધાર્મિક તત્ત્વ ઉમેરાતું ગયું. મારું ગુર્જરા સ્થાપત્યશૈલીમાં બંધાયેલી આ રાણકીવાવ ગુજરાતના ગર્વ સમાન સ્થાપત્ય છે. તેના બાંધકામ અને હેતુ બંને દૃષ્ટિએ તે અનન્ય છે. ગુજરાત અને રાજસ્થાનના સૂકા વિસ્તારમાં મુખ્યત્ત્વે આવા વાવ પ્રકારનાં સ્થાપત્યો જોવા મળે છે. પહેલાંના સમયમાં લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોની તરસ છીપે અને તેમને થોડો સમય આરામ ફરમાવી શકાય એવા હેતુથી આવા સ્થાપત્યનું બાંધકામ થતું હતું. ભૂતકાળમાં પાણીની બોટલો દુકાનો પર મળતી નહોતી એટલે કે પાણી પીવડાવે એનાં પાંચ પુણ્ય એવું નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ. એટલે વટેમાર્ગુઓની સેવા કરી તેમની તરસ છીપાવવાનાં પાવન કાર્ય માટે વાવ બાંધવામાં આવતી. વાવને જળ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. વાવને તેના પ્રવેશદ્વારના આધારે ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક પ્રવેશદ્વાર વાળી વાવ નંદા, બે પ્રવેશદ્વાર વાળી વાવ ભદ્રા, ત્રણ પ્રવેશદ્વારવાળી વાવ જયા અને ચાર પ્રવેશદ્વાર વાળી વાવ વિજયા તરીકે ઓળખવામાં આવે છે. રાણકી વાવ જયા પ્રકારની વાવ છે. ગુજરાતમાં આવી અનેક વાવો આવેલી છે. જૂનાગઢની અડીકડીની વાવ, બાઈ હરિની વાવ, ગંગા વાવ, માધા વાવ, બત્રીસ કોઠાની વાવ, અડાલજની વાવ, નવલખી વાવ, શામળાજીની વાવ, સેવાસીની વાવ વગેરે... સરસ્વતી નદીના પટ નજીક બાંધવામાં આવેલી રાણકી વાવ સમગ્ર ગુજરાતનાં વાવ સ્થાપત્યનો અદભુત નમૂનો છે. રાણકી વાવ માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં ભૂગર્ભ જળનાં સ્થાપત્યનો સર્વોત્કૃષ્ટ નમૂનો છે.

યુનેસ્કોએ વર્ષ 2014માં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે
યુનેસ્કોએ વર્ષ 2014માં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે

યુનેસ્કોએ વર્ષ 2014માં રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપી તેનું મહત્ત્વ અનેકગણું વધારી દીધું. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પણ તેને એ કેટેગરીનો દરજ્જો આપ્યો છે. રાણકી વાવનું શિલ્પ સ્થાપત્ય તેને વાવોની રાણી બનાવે છે કારણ કે, તે એટલું બારીક અને રસપ્રદ છે. વાવની મુખ્ય થીમ ભગવાન વિષ્ણુના દશાવતરની છે. જેના કારણે જળ સંગ્રહની સાથે સાથે તેનું આધ્યાત્મિક મહત્ત્વ પણ સંમેલિત થઈ જાય છે. સાત માળનું આ જળ મંદિર તે સમયના શિલ્પીઓની કલા અને તેમના મૌલિકતાની સાક્ષી પૂરે છે. આટલા અદભૂત શિલ્પો અને તે શિલ્પીઓની કલા માટે તેમને દાદ આપવાનું મન કરાવી દે અને જોતાં જોતાં મન ન ભરાય એવું બારીક અને શ્રેષ્ઠ સર્જન કહી શકાય. આ વાવનું બાંધકામ ઊંધા મંદિર જેવું છે તેવું અભ્યાસીઓ કહે છે પરંતુ એ દૃષ્ટિકોણની પરે જતાં તેના સાત માળ અને તેની આસપાસ આવેલા ઝરોખાઓ અને કોતરણીવાળા સુંદર સ્તંભો કલાપ્રેમી માટે તો કિંમતી ખજાના સમાન છે.

ફૂલોની લિપસ્ટિકથી હોઠ રંગતી અપ્સરા
ફૂલોની લિપસ્ટિકથી હોઠ રંગતી અપ્સરા

અહીં પ્રકૃતિના મુખ્ય તત્ત્વ એવા જળને મહત્ત્વ આપવામાં આવ્યું છે, એ સિવાય સૂર્યપ્રકાશ છેક પાણીને સ્પર્શે, દરેક ઝરોખાઓમાં વિષ્ણુ ભગવાનનાં દશાવતારની ઝાંખી, અપ્સરાઓ અને સાધુઓની ઝલક, બ્રાહ્મણો અને ફૂલોની લિપસ્ટિકથી હોઠ રંગતી, આધુનિક ઊંચી એડીવાળા સેન્ડલ પહેરીને શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ આશ્ચર્યચકિત કરી મૂકે છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરાયેલા છે. આ ઉપરાંત, વાવમાં મહિષાસુર મર્દિનીનું શિલ્પ, કલ્કી અવતારનું શિલ્પ, વરાહ અવતારનું શિલ્પ, અપ્સરાઓ અને નાગકન્યાના શિલ્પોથી સમગ્ર વાવ અલંકૃત થયેલી છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. વાવના બાંધકામમાં સ્તંભો વગેરેમાં પક્ષીઓને રહેવા માટે અવકાશ મળી રહે એવું અદભુત સૌંદર્ય અને ઉપયોગીતા સંયોજનનું અદભુત ઉદાહરણ એટલે રાણકી વાવ. આજે પણ વાવના ઝરોખા પર બેઠેલા પક્ષીઓ એક સાથે ઊડે ત્યારે વાવ, પક્ષીઓ અને ક્ષિતિજનું અદભુત દૃશ્ય આંખોની સામે ઊભું થઈ જાય. વાવની એકબાજુ વિશાળ કૂવો આવેલો છે. તેની આસપાસ ઔષધિય મહત્ત્વ ધરાવતી વનસ્પતિઓ છે. જેથી, એ પાણી પણ ઔષધિય ગુણોના મિશ્રણવાળું મળે છે. એવું કહેવાય છે કે વાવમાં સિદ્ધપુર સુધી પહોંચતું એક ગુપ્ત ભોંયરુ છે, જે હાલ માટીથી ભરાઈ ગયું હશે.

શું આજે આપણે એ જમાનાની બાંધકામની પદ્ધતિ, એ બારીકાઇ અને સૂઝબૂઝની સમકક્ષ ઊભા રહી શકીએ ખરા? ખરેખર આપણી ધરોહરને સમજવી હોય અને બાળકોને વારસામાં કંઈક ઉત્કૃષ્ટ કહી શકાય તેવું જ્ઞાન આપવું જ હોય તો ફુરસદની ક્ષણો કાઢીને અહીં એક આખો દિવસ પસાર કરવો જ જોઈએ. રાણકી વાવ ઉપરાંત પણ પાટણમાં ઘણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતાં સ્થળો આવેલાં છે. રુદ્રમહાલય, બિંદુ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ, પંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર, વરાણા મંદિર વગેરેની ચોક્કસથી મુલાકાત લઈ શકાય. આ ઉપરાંત, પાટણના નામ સાથે જ જોડાયેલા પટોળા જે વણાટકામનો સૌથી જટિલ પ્રકાર છે તેની પણ જાણકારી મેળવી શકાય.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...