ડિજિટલ ડિબેટ:ઉદ્ધવ સેના વિરુદ્ધ એકનાથ સેનાઃ મામલો માત્ર સત્તાપ્રાપ્તિનો છે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર સત્તા માટેની ખેંચતાણ ચાલુ થઈ છે; પણ આ વખતે માત્ર સરકાર બદલીને સત્તામાં બેસવાની વાત માત્ર નથી, પરંતુ શિવ સેનાનું ભવિષ્ય શું છે તે નક્કી કરનારી ઘટનાઓ બની રહી છે. ભાજપ માટે પણ ફરીથી સરકાર બનાવવા જેટલું ટૂંકું લક્ષ્ય નથી, પણ લાંબા ગાળે હિન્દુત્વના મુદ્દે એકમાત્ર પક્ષ બની રહેવાની ઈચ્છા છે. શિવ સેના જેવા પ્રાદેશિક પક્ષોને નબળા પાડી દેવાની ગણતરી ભાજપની અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની રહેવાની, પણ સામી બાજુ વૈવિધ્ય ધરાવતા ભારતમાં પ્રાદેશિક પક્ષોને એટલી સહેલાઈથી નાબુદ કરી દેવા શક્ય પણ નથી. મહારાષ્ટ્રની ઘટનાના પડઘા આ બધા મુદ્દાઓમાં કેટલે દૂર સુધી પડશે?

નીલેશ રૂપાપરા (NP): મહારાષ્ટ્રના રાજકારણમાં 2022ના વર્ષમાં જે બની રહ્યું છે તેને સમજવા માટે અઢી વર્ષ પાછળ જવું પડે. 2019માં ભાજપ અને સેનાની યુતિ ચૂંટણી લડી હતી, પણ સત્તા પર બેસી ગઈ મહા વિકાસ અઘાડી. યુતિને જ બહુમતી મળી હતી, પણ મંત્રાલય પર ભગવો જ ફરકવો જોઈએ અને શિવ સૈનિક સીએમ હોવો જોઈએ એ હઠાગ્રહને કારણે ન બનવાનું બન્યું હતું - એનસીપી અને કોંગ્રેસ સાથે બેસવા માટે ઉદ્ધવ ઠાકરે તૈયાર થઈ ગયા હતા. પ્રી પોલ અલાયન્સમાં ઇલેક્શન લડ્યા પછી મતદારોએ સત્તા પર બેસવા મેન્ડેટ આપ્યો હોય તે ખલ્લાસ કેવી રીતે કરી શકાય? એ વખતે પોસ્ટ પોલ અલાયન્સ થયું હતું તેને જોડાણ ના કહેવાય, તડજોડ કહેવાય.

દિલીપ ગોહિલ (DG): પ્રી પોલ અલાયન્સના પાર્ટનર્સ વચ્ચે ઝઘડો થાય એમાં વાંક કોનો? પ્રી પોલ એટલે કે ચૂંટણી સાથે મળીને લડ્યા હોય ત્યારે સાથે મળીને સરકાર બનાવવી જોઈએ એ વાજબી દલીલ છે, પણ વચનપાલન પણ થવું જોઈએ કે નહીં? ભાજપની 106 બેઠકો સામે શિવ સેનાને 56 બેઠકો જ મળી, પરંતુ વચન આપ્યા પ્રમાણે (જો આપ્યું હોય તો) શિવ સેનાની સરકાર બની હોત તો યુતિ તૂટી ના હોત. કમ સે કમ અઢી અઢી વર્ષ સીએમપદ માટેનું સમાધાન થયું હોત તો પણ સરકાર બની ગઈ હોત. અત્યાર કરવી પડી છે એવી તડજોડ - ભાંગફોડ જ કહોને - તે કહેવાની જરૂર ના પડી હોત.

NP: વચન આપ્યું હતું એવી માત્ર વાત છે અને રાજકારણમાં વાયદાની કિંમત કેટલી એ સૌ સમજે છે. છેલ્લા ત્રણેક દાયકાનો ગ્રાફ જુઓ, ભાજપનું સમર્થન વધી રહ્યું છે, જ્યારે શિવ સેનાનો ટેકેદાર વર્ગ જે દાયકાઓથી છે એ જ છે. એ સંજોગોમાં ભાજપ જેવી નેશનલ પાર્ટી પોતાની સરકાર બનાવવાનો આગ્રહ રાખે તે રાજકીય રિયાલિટી છે. શિવ સેના ક્યારેય તૂટે નહીં એમ માનીને ચાલતા હતા, પણ આજની રિયાલિટી એ છે કે ગમે તેવો મજબૂત પક્ષ પણ તૂટી જાય છે. હવે સવાલ માત્ર સરકાર બચાવવાનો નથી, ઠાકરે પરિવાર માટે પોતાનો પક્ષ બચાવવાનો છે. આ લખાય છે ત્યારે જે આંકડો છે તે બહુ મોટો છે અને તેમાંથી કેટલાક પાછા ફરે તોય શિવ સેના માટે સરકાર બચાવવી મુશ્કેલ છે.

DG: રિયાલિટી એ પણ છે કે કાયદાકીય ગૂંચ ઊકેલવી પડશે. બળવો કરવો સહેલો છે, પણ તેને ટકાવી રાખવો મુશ્કેલ હોય છે. ભૂતકાળમાં પણ જોયું છે કે જ્યારે પક્ષપલટો થયો હોય ત્યારે મામલો સુપ્રીમ કોર્ટ સુધી જતો હોય છે અને મોટાભાગના કેસમાં પક્ષપલટુઓએ રાજીનામાં આપીને ફરીથી ચૂંટણી લડવી પડતી હોય છે. બીજું કે સ્પીકર (અત્યારે ડેપ્યુટી સ્પીકર છે, તેથી પૂર્ણ સ્પીકરની ચૂંટણીનું શું તે વધારાની કાનૂની અને બંધારણીય ગૂંચ ઊભી થવાની છે) એકનાથ જૂથના (કદાચ 16 સભ્યોને) બરતરફ જાહેર કરી શકે છે. ઠીક છે, સવાલ સરકાર જાય તેનો નથી, શિવ સેના કેવા સ્વરૂપમાં બચશે તેનો છે. એકનાથ શિંદેને મુંબઈ, ઠાણે અને મહારાષ્ટ્રના લોકો જાણે છે, પણ બહાર લોકોએ હવે જાણ્યું કે બહુ મજબૂત નેતા છે. તેમના ગુરુ એટલે આનંદ દીઘે (‘ઠાણ્યાચે વાઘ’) અને તેમના રાજકીય વારસ તરીકે સમગ્ર થાણે સહિતના વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે. સંજય રાઉતે 'શેરીની લડાઈ'નો ઉલ્લેખ કર્યો, પણ જાણકારો કહે છે કે શેરીની લડાઈ કરનારા તો આ લોકો જ છે. એટલે આગળ જતાં શિવ સેના સંગઠન અને શિવ સેનાનું પ્રતીક તીરકામઠું અને મુંબઈ તથા થાણે મહાપાલિકા પર કબજાની વાત પણ આવશે.

NP: આવી શકે છે, કેમ કે ભાજપ પણ સમજે છે કે આ મહા-મહાપાલિકાઓ પણ કબજો લાંબા ગાળે ઉપયોગી થશે. પરંતુ શિવ સેનાના સાથને કારણે મહારાષ્ટ્રમાં ભાજપનો ગ્રોથ થયો છે એવું માનવું ભૂલભરેલું છે. ભાજપ સમગ્ર દેશમાં મજબૂત થયો છે એ રીતે જ રાજ્યમાં પણ આગળ વધ્યો છે. ગઠબંધનનું રાજકારણ ભાજપે ફાઇન ટ્યુન કર્યું છે એ સંજોગોમાં પ્રાદેશિક સાથી પક્ષને સાથે રાખે, પણ પોતાની નીતિ પ્રમાણે આગળ વધે તે પોલિટિકલ રિયાલિટી છે. તે વાત શિવ સેનાએ પણ સમજવી પડે. ભાજપની સાથે રહેવામાં જ ફાયદો છે - આ વાત શિવ સૈનિકને સમજાતી હોય તો સેનાના ટોચના નેતાઓને કેમ નથી સમજાતી?

DG: રાજકીય રિયાલિટી એ છે કે ભાજપ ધીમે ધીમે પોતાના સાથી પ્રાદેશિક પક્ષને ગળી જાય છે. અકાલી દળની હાલત પંજાબમાં પાતળી થઈ ગઈ છે. બિહારમાં નીતિશકુમારની બેઠકો ઘટી ગઈ. ચિરાગ પાસવાને ભાજપના એજન્ડા પર જેડીયુને તોડવાની કોશિશ કરી, તેમાં તેના હાથમાંથી જ પક્ષ જતો રહ્યો. ગુજરાતમાં પણ ચીમનભાઈ પટેલની સરકારને ભાજપનો ટેકો મળ્યો હતો, પણ ચીમનભાઈને સમજાઈ ગયું હતું કે સત્તામાં ભાગીદારીનો સૌથી વધુ લાભ ભાજપ લઈ રહ્યો છે. કોંગ્રેસ પાસે ધાર્યું કરાવી શકાશે, પણ મજબૂત થતા ભાજપને સંભાળવો મુશ્કેલ બનશે એ ચીમનભાઈ સમજી ગયા હશે. એકનાથ શિંદેએ પણ આ વાત સમજવાની છે, પણ અત્યારે તેમનો એજન્ડા શિવ સેનામાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો છે એટલે નહીં સમજાય.

NP: એ પણ યાદ રાખવું પડે કે શિવ સેના ઠાકરે પરિવારના નામ સાથે જોડાયેલી છે. છગન ભૂજબળ, નારાયણ રાણે, ગણેશ નાઇક, રમેશ પ્રભુ, સંજય નિરુપમ અને ખુદ રાજ ઠાકરે શિવ સેનાને તોડી શક્યા નથી. ઉદ્ધવ ઠાકરે ફોટોગ્રાફર તરીકે કલાકાર ટાઇપ માણસ છે એ તેમણે ખોટું સાબિત કર્યું છે. અઢી વર્ષ સુધી એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન ચલાવ્યું છે અને હિન્દુત્વના મુદ્દે બેલેન્સિંગ કરવાની કોશિશ કરી છે. શિવસૈનિક બાલાસાહેબ ઠાકરેના નામથી કેફમાં રહે છે એટલે ઉદ્ધવ ઠાકરે એટલી સહેલાઇથી બાજી છોડશે એમ માનવાની જરૂર નથી.

DG: રાજીનામું લખ્યું ખરું, પણ આપ્યું નહીં. વર્ષા બંગલો છોડી દીધો, માતોશ્રીમાં રહેવા આવી ગયા. તમે મારી સામે બેસો એટલે તમે કહેશો એમ થશે, શિવ સેનાને તૂટવા નહીં દેવાય અને સીએમ તો શિવસૈનિક જ જોઈએ. ઉદ્ધવ ઠાકરેનું આ રૂપ કલાકાર નહીં, પણ રાજકારણના અઠંગ ખેલાડીનું છે. તેમ છતાં એકનાથ શિંદેની સાથે ‘મહાશક્તિ સમાન’ રાષ્ટ્રીય પક્ષ છે એટલે ભવિષ્ય સહેલું નથી. માત્ર સરકાર તોડી નાખવાની વાત નથી, ઉત્તર પ્રદેશ પછીના મોટા રાજ્યમાં, નાગપુર શહેર જ્યાં હોય, પેશ્વાઓની પરંપરા જ્યાં હોય, તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં હિન્દુત્વના એક માત્ર ફોર્સ તરીકે ભાજપ લાંબા ગાળાના વ્યૂહથી આગળ વધી રહ્યો છે. માત્ર ઉદ્ધવ ઠાકરેની સરકાર બદલાશે એવું નથી, પણ શિવ સેનાનું સ્વરૂપ પણ બદલાશે એવું લાગે છે.

(નીલેશ રૂપાપરા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને વિશ્લેષકો છે.)