ડિજિટલ ડિબેટ:ટ્વિટર વોરઃ કેન્દ્ર સરકાર અને કંપની કોના માટે લડી રહ્યાં છે?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

નીલેશ રૂપાપરા (NR): ફેસબુક, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સૌને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય આપે છે. અહીં કોઈ નાનું કે મોટું નથી, બધા સરખા છે. જો કે, આઈરની એ છે કે આ દેખીતા સામ્યવાદની પાછળ હડહડતો મૂડીવાદ છુપાયેલો છે. કારણ, આ મંચો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય આપે છે તો સામે આપણો બધો ડેટા લઈ લે છે અને મોટી કંપનીઓને વેચીને તગડી કમાણી કરે છે. આટલું જ નહીં, આપણી પ્રાઈવસી પણ હોડમાં મૂકે છે.
દિલીપ ગોહિલ (DG): સામ્યવાદ કે તાનાશાહી લોકોનો અવાજ છીનવી લે તેના કરતાં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપનારો મૂડીવાદ શું ખોટો? કંપનીઓ યુઝર્સનો ડેટા એકઠો કરે છે અને કમાણી કરે છે તે વાત જાણીતી છે અને તેની સામે વ્યાજબી નિયંત્રણોના પ્રયાસો દુનિયાભરમાં થઈ રહ્યા છે. પ્રાઇવસી માટે બહુ ચિંતિત માણસે સોશિયલ મીડિયામાં ન જવું. અગત્યનો મુદ્દો પેલો છે કે અહીં સૌને સ્વાતંત્ર્ય છે; સૌ મર્યાદામાં રહીને પોતાનો અવાજ રજૂ કરે.

NR: આ માધ્યમો કમાણી કરે અને પ્રાઈવસી છીનવે એ તો હજી સમજી શકાય કારણ કે, બદલામાં આપણને ‘અવાજ’ મળે છે. પરંતુ વાંધો ત્યારે પડે છે જ્યારે આ માધ્યમો વહાલા-દવલાની નીતિ અજમાવે છે. અત્યારે આખી દુનિયા બૃહદ રીતે જમણેરી અને ડાબેરી વિચારમાં વહેંચાયેલી છે. એમાંથી આ માધ્યમો પણ બાકાત નથી. એમનો જમણેરીઓ પ્રત્યેનો પૂર્વગ્રહ અને ડાબેરીઓ પ્રત્યેનો પક્ષપાત ઊડીને આંખે વળગે છે. આમ, આર્થિક રીતે મૂડીવાદી એવાં આ માધ્યમો સામાજિક રીતે સામ્યવાદી છે એમાં કોઈ શક નથી.
DG: આ વાત કંઈ ગળે ઊતરે એવી નથી. જગત કંઈ ડાબેરી અને જમણેરીમાં વહેંચાઈ ગયું નથી. આવી રીતે વિચારસરણીને જળોની જેમ વળગી રહેનારાની સંખ્યા મને નાની લાગે છે. બહુમતી એવા લોકોની છે, જે વિચારસરણીના બંધનોથી મુક્ત હોય. કોઈને બંધાવું હોય તો ના પણ પાડતા નથી. પરંતુ ક્યાં તો અમારી સાથે, ક્યાં તો અમારી વિરુદ્ધ આવી માનસિકતાથી કંટાળ્યા છે. તેમની નારાજી માધ્યમોમાં પ્રબળ રીતે વ્યક્ત થવા લાગી એટલે આ વખતે મુખ્યત્વે જમણેરીઓ અકળાયા છે – અમારી સામે કેમ આટલો બધો ‘અવાજ’? આ પ્લેટફોર્મને જ તોડી પાડો, ક્યાં તો આપણું કહ્યાગરું કરી દો એ માટેની મથામણ ચાલતી હોય તેવી છાપ પડી છે.

NR: આ માધ્યમોનું કામ ઈન્ટરમીડિયરી/મધ્યસ્થી તરીકેનું છે. કોઈ હોલમાં કોઈ વક્તા બોલે અને શ્રોતા સાંભળે તેમાં હોલ માલિકની ભાડું લેવા સિવાય બીજી કોઈ સક્રિય ભૂમિકા ન હોવી જોઈએ કારણ કે, હોલ ઈન્ટરમીડિયરી છે. હા, હોલના માલિક વક્તાને સંવેદનશીલ કે ઉશ્કેરણીજનક ભાષણ કરતાં અથવા ગાળો બોલતાં રોકી શકે. આ જ વાત સામાજિક માધ્યમોને પણ લાગુ પડે છે. જો કે, આ સામાજિક માધ્યમો જમણેરી યુઝર્સને કોમવાદી કે રેસિસ્ટ કોમેન્ટ્સ કરતાં ઉચિત રીતે જ રોકે છે. પરંતુ ડાબેરી યુઝર્સ પર એવી કોઈ પાબંદી નથી લાદતાં.
DG: એ વાત સાચી કે મધ્યસ્થી તરીકે જ પ્લેટફોર્મ રહેવાનું છે. તે માટે સરકારે કાયદાકીય રક્ષણ પણ આપ્યું હતું. સામી બાજુએ સરકારે કરેલા કાયદા અને નિયમોનું પાલન પણ કરવું પડે. સંબંધિત નિયમોનું પાલન ટ્વિટરે પણ કરવું પડે એ વાત સ્પષ્ટ. બીજી વાત, કઈ પોસ્ટને રોકવી કે તેના પર ‘અયોગ્ય’નો થપ્પો મારવો તે માટેની નીતિ જાહેર થયેલી જ છે. અયોગ્ય હોય તે પોસ્ટ રોકવી કે તેના પર થપ્પો મારવાનો – સિમ્પલ. પોસ્ટ જમણેરી છે કે ડાબેરી છે એ જોવાની વાત ક્યાં આવે છે?

NR: દાખલા તરીકે હિંસક ઉશ્કેરણી બદલ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ બંધ કર્યું, પરંતુ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે એવી જ ઉશ્કેરણી કરી છતાં ફક્ત ટ્વીટ ડિલીટ કર્યું, અકાઉન્ટ યથાવત્ રાખ્યું હતું. ભારતમાં પણ ભાજપના સંબિત પાત્રાએ કોંગ્રેસની કથિત ટૂલકિટ મૂકી એને ‘મેનિપ્યુલેટેડ મીડિયા’નું લેબલ મારી દીધું હતું. જો કે, હમણાં ગાઝિયાબાદમાં એક વૃદ્ધ મુસ્લિમને માર મારવાના કિસ્સામાં પોલીસે કોમવાદી એન્ગલ નકારી કાઢ્યો, છતાં ટ્વિટરે એ વિવાદને ખોટી રીતે ચગાવનારા ડાબેરીઓ સામે કોઈ એક્શન નથી લીધી. યુપી પોલીસે વિવાદ ચગાવનાર કેટલાક લોકો સહિત ટ્વિટર પર પણ FIR નોંધી છે.
DG: ટ્રમ્પનું અકાઉન્ટ શા માટે સસ્પેન્ડ કર્યું તેના ખુલાસામાં ટ્વિટરે કહેલું કે એકથી વધુ વાર નિયમભંગ થયો; મહાતીરે વારંવાર નિયમભંગ નહોતો કર્યો એવું ટ્વિટરે માન્યું. આ કિસ્સામાં ટ્વિટરની વાત ગળે ઊતરે તેવી નથી. ટ્રમ્પના પણ માત્ર ટ્વીટ્સ ડિલિટ થાય અથવા અમેરિકામાં નવી સરકાર કાર્યભાર સંભાળી લે ત્યાં સુધી થોડા દિવસ પૂરતું જ સસ્પેન્શન હોવું જોઈતું હતું. અત્યારે વિવાદ વધ્યો છે તેનું કારણ ગાઝિયાબાદનો કિસ્સો છે. અહીં પણ ‘ડાબેરી’ની વાત નથી, વિપક્ષ SPના નેતાઓને આ કિસ્સો ચગાવવામાં ખોટી રીતે રસ છે એવું લાગે છે. પણ તેની સામેની કાર્યવાહી કરવાની છે તે સરકારે એટલે કે અહીં ભાજપ સરકારે કરવાની છે. ટ્વિટરની નીતિ પ્રમાણે ખોટી કે ઉશ્કેરણી કરનારી માહિતી ન હોવી જોઈએ. અહીં શંકા જાગે છે ખરી, પરંતુ જેને માર પડ્યો છે તે હજીય કહી રહ્યો છે કે તેની પાસે સૂત્રોચ્ચાર કરાવાયો હતો. તેને કોર્ટમાં ખોટો સાબિત કરવો રહ્યો અથવા પોલીસે ટ્વિટરને જાણ કરવી પડે કે અમારી પ્રાથમિક માહિતી પ્રમાણે નિવેદન ખોટું છે. આવી સત્તાવાર જાણ પછી ટ્વિટરે તેને હટાવવું જોઈએ, અન્યથા ‘મેનિપ્યૂલેટેડ’નો થપ્પો મારવો જોઈએ. આ બાબત પ્રક્રિયાની છે, ટ્વિટરનું ડાબેરી વિરુદ્ધનું કાવતરું હોય એવી વાત વધારે પડતી લાગે છે. સંબિત પાત્રામાં કોંગ્રેસે ફરિયાદ કરી હતી કે આ અમારો લેટરપેડ નથી. પાત્રા પાસે આવો કોઈ લેટરપેડ હોય તો સામે મૂકે. એવું થયું નથી અને ફેક્ટ ચેકમાં દેખાઈ આવ્યું હતું કે પાત્રાએ મૂકેલી માહિતી આધારભૂત નથી. પાત્રાએ કોર્ટમાં પુરાવા મૂકવાના રહે. અહીં ટ્વિટર કોર્ટ ના બની શકે, સાથે જ આવી ફરિયાદ નિવારણની પ્રક્રિયા ટ્વિટર નથી કરતું તે પણ ન ચાલે. ટ્વિટર શા માટે આવું કરે છે તેની ચર્ચા થઈ શકે પણ તે ડાબેરી-જમણેરી વિચારીને કરે છે એવું બહુ ગળે ઊતરતું નથી.

NR: સરકારી અંકુશ ફ્રી સ્પીચની વિરુદ્ધ કહેવાય અને આવા અંકુશ પછી સરકારની ટીકા જ નહીં થઈ શકે એવી દલીલો તાર્કિક હશે, પણ અહીં અસ્થાને છે. કારણ, સરકારના નવા IT ટેક્નોલોજી નિયમો ફ્રી સ્પીચમાં માથું નથી મારતા. નિયમોમાં મહત્ત્વની શરત એવા જવાબદાર અધિકારીની નિમણૂકની છે, જે યુઝર્સની ફરિયાદોનો નિકાલ લાવી શકે. પરંતુ ટ્વિટર એવું નથી કરતું તેથી જ ઘણા જમણેરીઓને લાગે છે કે ટ્વિટર રાઈટ વિંગની ફરિયાદ બિલકુલ કાને નથી ધરતું અને લેફ્ટ વિંગને સામે ચાલીને મદદ કરે છે. ઘણાં જમણેરી ટ્વિટર હેન્ડલોએ એવા વીડિયોઝ મૂક્યા છે, જેમાં ફોલોઅર્સની સંખ્યા ગણતરીની સેકંડ્સમાં લાખોમાંથી સેંકડો પર આવી જતી દેખાતી હોય. આ સાચું હોય તો આના માટે દાદાગીરી સિવાય બીજો કોઈ શબ્દ પૂરો ન પડે. કારણ, ચીન જેવા દેશોમાં આ સામાજિક માધ્યમો પર સાવ પ્રતિબંધ મૂકી દેવાયો છે તો પણ આ માધ્યમો ચીન સામે ફ્રી સ્પીચનાં રોદણાં નથી રડતાં. માત્ર ભારત સામે જ આ બધાં ગતકડાં ચાલે છે.
DG: ફોલોઅર્સ ઘટવાના કારણોની બહુ લાંબી ચર્ચા ઇન્ટરનેટ પર ચાલે છે તે સર્ચ કરીને જાણી શકો છો. દુનિયાભરમાં અને બધા જ પ્રકારનાં અકાઉન્ટ્સમાં વિવિધ કારણોસર આવું થયું છે પણ તે કંઈ જમણેરી માટે જ થયું હોય તેવો દાવો ગંભીરતાથી લઈ શકાય તેવો નથી. ચીન સામે રોદણાં નથી રોઈ શકાતાં પણ આપણે ચીન બનવું છે? ચીન તેના નાગરિકોને ગુલામ તરીકે રાખે છે, આપણે ભારતના નાગરિકોએ ગુલામ બનવું છે? આ પણ વિચારી લેવા જેવું છે.

NR: સો વાતની એક વાત છે. જો ફ્રી સ્પીચ હોય તો એ બધા માટે હોવી જોઈએ. એમાં ડાબેરી-જમણેરી કે મૂડીવાદી-સામ્યવાદી કે ગોરા-કાળા કે હિન્દુ-મુસ્લિમ જેવી બાઈનરી ન ચાલે. સામાજિક માધ્યમો જો આ વાત સમજે તો એ ખરા અર્થમાં સામ્યવાદી બની શકે.
DG: પણ આપણે માધ્યમોને કોઈ ‘વાદી’ બનાવવા નથી. માધ્યમો માત્ર માધ્યમો બની રહે. તેના પર વ્યાજબી નિયંત્રણો અને દેખરેખ હોવા જોઈએ. કાયદાનું પાલન કરવું પડે. અખબારો, ટીવી, ન્યૂઝ વેબસાઇટ્સ સ્વયંશિસ્ત અને કાયદાપાલન સાથે ચાલે છે – એ જ બાબતો પ્લેટફોર્મ્સને પણ લાગુ પડવી જોઈએ. પરંતુ તે માટે નાગરિકવાદી, મુક્તવાદી થઈને વિચારવું પડે – ડાબેરી અને જમણેરી થઈને વિચાર્યા કરવાથી અર્થ સરવાનો નથી.

(નીલેશ રૂપાપરા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો છે)

અન્ય સમાચારો પણ છે...