તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખનું સરનામું:પારિવારિક જીવનને માણવા સ્વભાવનું ટ્યુનિંગ જરૂરી છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક પરિવાર આર્થિક રીતે ખુબ સુખી સંપન્ન હતો. તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ હતી આમ છતાં પરિવારના સભ્યો વચ્ચે તનાવ રહેતો હતો. બધાને એકબીજા પ્રત્યે અનેક જાતની ફરિયાદો હતી. એક જ છત નીચે રહેતા હોવા છતાં જાણે કે બહુ દૂર દૂર રહેતા હોય એવું દરેક સભ્યને લાગતું હતું. એક દિવસ એમના ઘરે કોઇ મહાત્મા આવ્યા. કુટુંબના મોભીએ પરિવારની વ્યથા રજુ કરીને સભ્યો વચ્ચેના તનાવને દૂર કરવા માટેનો ઉપાય બતાવવા મહાત્માને વિનંતી કરી. મહાત્માજીએ કહ્યું, ‘આ સમસ્યાનો ઉકેલ તો બહુ જ સરળ છે. આજે સાંજે જ ગામમાં ભજનનો કાર્યક્ર્મ છે તમે ત્યાં આવજો તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી જશે.’ પરિવારના મોભીને મનમાં થયું કે ભજનમાં જવાથી કંઇ સમસ્યાનું સમાધાન થોડું થાય? પણ મહાત્માજી ખૂબ વિદ્વાન હતા એટલે એમની વાતમાં કંઇક તો તથ્ય હોય જ એમ માનીને પરિવારના બધા સભ્યોને લઇને ભજનમાં જવાનું નક્કી કર્યું. ઘરના બધા સભ્યો સાંજે ભજનના કાર્યક્રમમાં ગયા. કાર્યક્રમની શરુઆત થાય તે પહેલાં જ મહાત્માજીએ આ બધા જ સભ્યોને બેસાડીને સાજિંદાઓ અને કલાકારો કાર્યક્રમ શરુ કરતા પહેલાં શું કરે છે તે બરાબર ધ્યાન રાખીને જોવા માટે કહ્યું.

પરિવારના બધા સભ્યોએ ધ્યાનથી કાર્યક્રમનું નિરિક્ષણ કર્યું. ખાસ કરીને કાર્યક્રમ શરુ થતા પહેલાં સાજિંદાઓ અને કલાકારો શું કરે છે એ બરોબર ધ્યાન રાખીને જોયું. કાર્યક્રમ શરુ થયો અને સફળતાપૂર્વક પૂરો પણ થયો. બધા લોકોને ભજનમાં ખૂબ મજા આવી. સુર અને તાલની સંગત અદભુત હતી એટલે બધા શ્રોતાઓ રાજી રાજી થઇ ગયા. કાર્યક્રમ પૂરો થયા બાદ મહાત્માજીએ પરિવારના બધા સભ્યોને મળવા માટે બોલાવ્યા. તમામ સભ્યો આવ્યા એટલે મહાત્માજીએ પૂછ્યું, ‘કાર્યક્રમ કેવો લાગ્યો?’ ઘરના તમામ સભ્યોએ એક અવાજે કહ્યું, ‘અરે મહાત્માજી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આવા કાર્યક્રમમાં આવવા માટે કહ્યું. કાર્યક્રમ અદભુત હતો અને ખૂબ સફળ રહ્યો. મહાત્માજીએ કહ્યું, ‘આ સમગ્ર કાર્યક્રમની સફળતાનો આધાર કાર્યક્રમની શરુઆતની ઘટના પર હતો. હવે તમે મને એ કહો કે આ બધા લોકોએ એટલે સાજિંદાઓ અને કલાકારોએ કાર્યક્રમ શરુ કરતા પહેલાં શું કર્યું?’

પરિવારના તમામ સભ્યોનો એક જ જવાબ હતો કે કાર્યક્રમની શરુઆત કરતા પહેલાં બધા જ સાજિંદાઓએ એકબીજાનાં વાજિંત્રો એકબીજા સાથે મેળવ્યાં હતાં. મહાત્માજીએ કહ્યું, ‘પરિવારના સભ્યો વચ્ચેનો તનાવ દૂર કરવાનો આ જ માર્ગ છે. ઘરના તમામ સભ્યો એકબીજા સાથે ટ્યુનિંગ મેળવી લે તો જીવન જીવવાની મજા આવે. સાજિંદાઓ એક બીજા સાથે એમના વાજિંત્રો મેળવે તો કર્ણપ્રિય સંગીત માણી શકાય. એવી રીતે પરિવારના સભ્યો એકબીજા સાથે સ્વભાવનું ટ્યુનિંગ કરી લે તો જીવન સંગીત પ્રગટે.’

આપણા પરિવારમાં પણ આપણે બધા જુદા જુદા સ્વભાવના લોકો છીએ. સંસ્કૃતમાં એક ઉક્તિ છે ‘તુંડે તુંડે મતિ ભિન્ન:’ અર્થાત્ જેટલાં માથાં એટલા વિચારો. ઘરમાં જેટલા સભ્યો હોઇએ એટલા મત ઊભા થાય એ સ્વાભાવિક છે. દરેક સભ્યના વિચારો જુદા હશે અને સ્વભાવો પણ જુદા હશે. આપણે બધા એવું ઇચ્છીએ છીએ કે પરિવારના બાકીના સભ્યો આપણા સ્વભાવ સાથે મેચ થવા જોઇએ. આપણો જે મત હોય એ જ મત પરિવારના તમામ સભ્યોનો પણ હોવો જોઇએ. જેવું આપણે વિચારીએ છીએ એવુ જ પરિવારના બાકીના સભ્યો પણ વિચારે છે અને એના પરિણામે પરિવારમાં આંતરકલહ સતત ચાલ્યા કરે છે. કોઇને પોતાના સ્વભાવનું બીજાની સાથે ટ્યુનિંગ નથી કરવું અને એટલે પ્રશ્નો શાંત થવાનું નામ નથી લેતા. મને જે ગમે એ બીજાને પણ ગમવું જોઇએ અને હું જેમ કરું એમ બીજાએ પણ કરવું જ જોઇએ એ જીદ જ પરિવારને તોડી નાખે છે.

મને તીખું જમવાનું ભાવતું હોય એટલે જરૂરી નથી કે પરિવારના બધા સભ્યોએ પણ તીખુ જ ખાવું. મને રોજ મંદિરે જવું ગમતું હોય અને ઘરમાં ભગવાનની સેવાપૂજા કરવી ગમતી હોય તો પરિવારના બાકીના બધા સભ્યોને પણ આ ગમે જ એવું જરૂરી નથી. મને ટી.વી.માં અમુક સિરીયલ જોવી પસંદ હોય એટલે બધાને એ જ સિરીયલ જોવાની ફરજ પાડવી એ તો મોટી મૂર્ખામી કહેવાય અને આપણે અજાણતા આ જ મૂર્ખામી કરીએ છીએ. બીજાને અનુકૂળ થવાને બદલે બીજા આપણને અનુકુળ થાય એનો હઠાગ્રહ રાખીએ છીએ અને આ હઠાગ્રહ ન સંતોષાય એટલે તણખા ઝરે છે. પરિવારમાં સુખ અને શાંતિ લાવવી હોય તો એક બીજાને અનુકૂળ થવાનો પ્રયાસ કરવો જોઇએ. જો દરેક પોતાની જીદ પકડીને બેસી રહે તો પરિવાર ન ચાલી શકે. શરીરનાં બધાં અંગ એક બીજાને અનુકૂળ થઇને રહે છે એટલે શરીર સારી રીતે ચાલે છે, પણ જ્યારે આ જ અંગો પોતાની રીતે રહેવાની શરુઆત કરે અને બીજાનો કોઇ વિચાર જ ન કરે તો શરીરને કામ કરવામાં મુશ્કેલી ઊભી થાય અને બીમારી લાગુ પડે.

તમારી આસપાસ નજર કરીને જોજો, આજકાલ છૂટાછેડાનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. એક ભાઇએ મને કહ્યું હતું કે, ‘અમારા ગામમાંથી ગયા વર્ષે 5 દીકરીઓને પરણાવી હતી, એમાંથી બેના છૂટાછેડા થઇ ગયા અને એક અત્યારે રીસામણે આવીને બેઠી છે.’ આવું કેમ થાય છે? વર્ષો પહેલાં દીકરી પરણીને જે ઘરમાં જતી એ ઘરમાં આજે હોય છે એવી કોઇ ભૌતિક સુવિધાઓ નહોતી અને છતાંય છૂટાછેડાના પ્રસંગો જવલ્લે જ બનતા. આજે દિનપ્રતિદિન છૂટાછેડાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? કારણ એક જ છે એકબીજાને અનુકૂળ થવાની તૈયારી જ નથી. આપણી ઇચ્છા પ્રમાણે જ બધું થાય એ શક્ય નથી. કેટલીક વખત મનને મારીને પણ જીવવું પડે. બીજાની ઇચ્છાઓ મુજબ રહીએ તો બીજાઓ આપણી ઇચ્છા મુજબ રહેવાનો પ્રયાસ કરે. આમ કરવાની શરુઆત સામેવાળા કરે એને બદલે આપણે કરવી જોઇએ. પિતા અને સસરા વચ્ચે તફાવત છે, મા અને સાસુ એક નથી, બહેન અને નણંદ જુદાં છે અને એવી જ રીતે ભાઇ અને દિયર વચ્ચે પણ ભેદ છે. આ નવી પરણેલી દીકરીએ સમજી લેવું જોઇએ. સાસરિયા પક્ષે પણ આ બાબતે ચિંતન કરવું જોઇએ અને એમણે પણ બદલાતા સમયને ધ્યાનમાં લઇને વિચારો અને જીવનશૈલીની સાથે સાથે વહુ માટેનો દૃષ્ટિકોણ બદલવો જોઇએ. કેટલાય પરિવારો આનંદથી જીવે છે કારણકે બધા એકબીજાને અનુકૂળ થઇને રહે છે પણ સામે કેટલાય પરિવાર રોજેરોજ વિંખાય છે અને પીંખાય છે કારણકે એકબીજાને અનુકૂળ થઇ શકતા નથી.

આપણા સ્વભાવનું પરિવારના બીજા સભ્યોના સ્વભાવ સાથે ટ્યુનિંગ કરતા આવડી જાય તો જીવન જીવવાની મઝા જ કંઇક ઓર છે.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો