ડિજિટલ ડિબેટ:તુમ બોલોગે તો બોલેગા કી બોલતા હૈઃ જીભને રાખો કાબૂમાં, નહીં તો...

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેનેડાની ફિલ્મસર્જક લીના મણિમેકલાઈની ફિલ્મ ‘કાલી’ના પૉસ્ટરના વિવાદે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, કેમ કે પ્રવક્તાઓની ઝેરીલી ભાષાએ માહોલ કલુષિત કરેલો જ હતો. બે વર્ષ જૂનું એક ટ્વીટ અને તે પણ બે દાયકા જૂની એક ફિલ્મ વિશેનું- તેની ફરિયાદ કરીને એક પત્રકારને જેલમાં પૂરી દેવાયો. દરમિયાન તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મહુઆ મોઇત્રાએ કહ્યું કે તેમના માટે કાલી માતા એટલે એવી માતા જે માંસાહારી પણ હોઈ શકે અને શરાબ પીનારી પણ હોઈ શકે. મોઇત્રા મમતાના માનીતા છે, છતાં તેમના પક્ષે મહુઆને સમર્થન ના આપ્યું કેમ કે પ્રાદેશિક પક્ષો ધર્મની કોઈ પણ વાતમાં પડવા માગતા નથી. શું કોઈને કશું બોલવા જ ના દેવા એ હદની દાદાગીરીનો માહોલ દેશમાં ઊભો થઈ ગયો છે?

જયવંત પંડ્યા (JP): અભિવ્યક્તિની સ્વતંત્રતાનું શું? આવો સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે ત્યારે નુપૂર શર્મા સામે બોલવાને કારણે જ જીવનું જોખમ ઊભું થયું છે એનું શું? કાનપુર, દિલ્લી, ગુજરાત, જોધપુર વગેરે અનેક જગ્યાએ હિંસક પ્રદર્શનો થયાં અને અનેક રાજ્યોમાં એફઆઈઆર પણ થઈ; ઉદયપુરમાં કન્હૈયાલાલ અને અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યા થઈ. એફઆઈઆરને એક જ પોલીસ સ્ટેશનમાં ક્લબ કરવા માટે સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી કરી તો ઊલટું તેને દોષિત ઠરાવતી મૌખિક ટીપ્પણી ન્યાયમૂર્તિઓ સૂર્યકાંત અને જે. બી. પારડીવાલા દ્વારા કરવામાં આવી. આ પણ પ્રશ્નો જ છે.

દિલીપ ગોહિલ (DG): સવાલો ઊભા કરવા એ પણ અભિવ્યક્તિ છે અને તે થવી જોઈએ. પણ તમે કેમ આવી ટીપ્પણી કરો છો એવો (આઈટી સેલ પ્રાયોજિત) હલ્લો ન્યાયમૂર્તિઓ પર થયો ત્યારે તે ધમકીના સ્વરૂપમાં વધારે લાગ્યો. અમને ના ફાવે એવું કોઈએ કશું બોલવાનું જ નહીં - ન્યાયમૂર્તિઓએ બહુ વાજબી સવાલો ઉઠાવ્યા હતા કે કેવા એજન્ડા સાથે (એ પણ આઈટી સેલ પ્રાયોજિત) ડિબેટો થાય છે એ તો જુઓ. નુપૂર શર્માને રાહત મળવી જોઈતી હતી અને બધા એક સાથે ચાલે તેવું કરી શકાયું હોત. તેમની ધરપકડનો પણ આગ્રહ કદાચ ના રખાય અને તેમની સામે લાગેલી કલમો અનુસાર સુનાવણી પછી અદાલત જે નક્કી કરે તે માન્ય. પરંતુ એકને ખોળ અને બીજાને ગોળ એ દેખાઈ આવ્યું છે. એક ફેક્ટચેકરની ચાર વર્ષ જૂની ટ્વીટને આધાર બનાવીને સીધો જ જેલમાં નાખી દેવાયો. ન્યાયાધીશોને ચૂપ રહેવા સોશિયલ મીડિયામાં ટીકાનો મારો અને અણગમતા લોકોને કોઈ પણ બહાને જેલમાં નાખી દેવાની વાત એક જ મેસેજ આપે છે - અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની ઐસી કી તૈસી, કોઈએ કશું બોલવાનું નથી. અમે કહીએ એટલું જ બોલવાનું, એટલું જ સ્વીકારી લેવાનું.

JP: સાચી જ વાત છે - અમારા વિરુદ્ધ કંઈ નહીં બોલવાનું એવો જ માહોલ ઊભો કરાઈ રહ્યો છે. મુસ્લિમો તેમના પંથની વિરુદ્ધ કંઈ સહન કરી શકતા નથી. ‘જુમ્મા ચુમ્મા દે દે’ અને ‘યા મુસ્તફા યા મુસ્તફા’ ગીતના મામલે વિવાદો થયા, નાના પાટેકરની ફિલ્મનું નામ ‘મુસ્તફા’ બદલીને ‘ગુલામ-એ-મુસ્તફા’ કરવું પડ્યું હતું કારણ કે ફિલ્મના પૉસ્ટરમાં નાના પાટેકરના પગ નીચે ‘મુસ્તફા’ લખાયેલું આવતું હતું. મોહમ્મદ પયગંબર પરની ફિલ્મ ‘મેસેન્જર ઑફ ગૉડ’ બદલ તેના ઈરાની ફિલ્મ નિર્માતા માજિદ મજીદી અને સંગીતકાર એ. આર. રહેમાન સામે ફતવો બહાર પડ્યો હતો. સલમાન રશ્દીના પુસ્તક ‘સેતાનિક વર્સિસ’ પર ભારતમાં પ્રતિબંધ લાદી દેવાયો હતો. બાંગ્લાદેશનાં મુસ્લિમ લેખિકા તસ્લીમા નસરીનની નવલકથા ‘લજ્જા’ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધન કમિટીએ ગુરુ ગોવિંદસિંહનાં પત્ની માતા સાહિબ કૌર પર આધારિત એનિમેશન ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. ખ્રિસ્તીઓએ ‘દ વિન્ચી કૉડ’ નામની ફિલ્મ પર પ્રતિબંધ મુકાવડાવ્યો હતો કારણ કે તેમાં જિસસ અને મેરીને પરણેલાં બતાવ્યાં હતાં. ઈટાલીની કંપની બેનેટને પોતાની જાહેરખબરમાં કેથોલિક ખ્રિસ્તીના સર્વોચ્ચ વડા પૉપ બેનેડિક્ટ સોળમાને કૈરોની અલ અઝહર મસ્જિદના ગ્રાન્ડ શૈખ મોહમ્મદ અહમદ અલ તયબને ચુંબન કરતા દર્શાવતા ખૂબ જ હોબાળો થયો હતો.

DG: અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર વાજબી નિયંત્રણોની ના કોઈ નથી પાડતું અને તમારી બોલવાની છૂટનો અર્થ એ નથી કે કોઈની લાગણી દુભાય તેવું કરવું. મુસ્લિમ અને ખ્રિસ્તી કટ્ટરવાદીઓ અમુક રીતે વર્તે એટલે આપણે પણ એ જ રીતે વર્તવું એવો આગ્રહ આપણને પણ તેમની પંગતમાં જ બેસાડે છે. ભારતની સનાતન પરંપરા વિશ્વમાં સૌથી ઉદાર છે અને સ્વયંની જ ટીકા કરવાને પ્રોત્સાહન આપે છે. આ આગવી પરંપરાને - આસ્થાને અણિશુદ્ધ રાખીને પાળવા માટેનો આગ્રહ કેમ ના રાખીએ? માતાજીના અને દેવીદેવતાનાં અનેક સ્વરૂપો જુદા જુદા પ્રદેશો અને જુદા જુદા સમૂહોમાં અલગ રીતે પૂજાય છે. મોઇત્રાએ કહ્યું જ છે કે તેમને કહેલી વાત ખોટી હોય તો સાબિત કરી બતાવો. તેમણે માત્ર ફેક્ટ રજૂ કરી છે, છતાં તેમનો જ પક્ષ સાથે ના રહ્યો - કેમ કે આજે એવો માહોલ ઊભી કરી દેવાયો છે કે અમારી આસ્થાને ઠેસ પહોંચી છે એવો હલ્લો મચાવીને ચૂંટણીમાં સીધો જ ફાયદો લઈ લેવાની ગોઠવણ થઈ જાય. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની વાજબી મર્યાદા કઈ અને તે કોણ નક્કી કરે તે નક્કી કરવાનું છે. આઈટી સેલના ભાડૂતી માણસો કોઈ પણ નાની વાત પર તૂટી પડે ત્યારે ઈરાદો રાજકીય વધારે હોય છે, ધાર્મિક ઓછો.

JP: હિન્દુઓ ખૂબ જ ઉદાર રહ્યા છે અને તેના અનેક દાખલા છે. ‘દીવાર’માં અમિતાભ બચ્ચન ભગવાનને ગમે તેમ કહી શકે છે પરંતુ પોતાની પાસે 786નો બિલ્લો રાખે છે. ‘શોલે’માં શિવમંદિરમાં પાછળ છૂપાઈને વીરુ (ધર્મેન્દ્ર) ગામડાની ભોળી બસંતી (હેમામાલિની)ને ભગવાનના અવાજમાં કહે છે કે તેમણે (ભગવાને) વીરુને જ તેનો જીવનસાથી નક્કી કર્યો છે. ‘જાને ભી દો યારોં’માં મહાભારત અને અકબર વગેરે ઇતિહાસનાં પાત્રો પરથી મજાકનું એક આખો મજેદાર દૃશ્ય છે. ‘કૉમેડી સર્કસ’થી લઈને અનેક કૉમેડી ધારાવાહિકોમાં પણ આવી મજાક થતી રહે છે. પરંતુ દીપા મહેતાની ‘ફાયર’માં લેસ્બિયન જેઠાણી-દેરાણીનાં પાત્રોનાં નામ સીતા-રાધા, ‘સ્ટુડન્ટ ઑફ યર’માં સેક્સી રાધા ઑન ફ્લૉર, ‘પીકે’, ‘ઑહ માય ગૉડ’માં હિન્દુ દેવી-દેવતાનું વિકૃત નિરુપણ થવા લાગતાં હવે હિન્દુની સહનશક્તિની હદ આવી ગઈ છે. ‘સેક્સી દુર્ગા’ ફિલ્મ બને છે. તેને લાગે છે કે એક પછી એક એમ, હવે ફિલ્મકારો માત્ર ને માત્ર તેમની લાગણીઓ સાથે જ ચેડાં કરે છે. હવે તે જેમ જેમ જૂની ફિલ્મો જુએ છે તેમ તેમ લાગે છે કે હિન્દુઓ, તેમનાં દેવી-દેવતાના નામે હિન્દી કહેતા ઉર્દૂ ફિલ્મોમાં એક એજન્ડા ચાલ્યો છે. એજન્ડાનો હેતુ હિન્દુને હિન્દુ ધર્મથી વિમુખ કરવાનો અને ઇસ્લામ તરફ પ્રેરિત કરવાનો હતો.

DG: એવા કોઈ એજન્ડાને સફળ ના થવા દેવાય. તેનો સામનો કરવો જરૂરી છે અને ઉદારતાને ખોટી રીતે લઈને કોઈ લાયસન્સ મળી ગયું હોય તેમ માની તે પણ ચલાવી દેવાની વાત નથી. બીજું એ પણ સાચું છે કે આવા વિવાદ ઊભા કરીને પબ્લિસિટી લઈ લેવામાં આવે છે. હિન્દુ આસ્થાના નામે વિવાદ ઊભો કરીને કમાણી કરી લેવાની અને તેમાં જોખમ પણ નથી. આ સ્થિતિને પણ ચલાવી ના લેવાય. પણ તેનો ઉપાય એ નથી કે સૌ કોઈને ચૂપ કરી દેવા. કોઈને કશું બોલવા જ નહીં દેવાના એવી સ્થિતિ પેદા થશે તે હિન્દુ ધર્મના હાર્દને જ નુકસાનકારક હશે. આવા કિસ્સામાં હિન્દુઓ પણ પ્રતિબંધ માટેની માગણી કરી શકે છે. તેના કરતાંય અસરકારક ઉપાય એ છે કે વિવાદ ઊભો કરીને પબ્લિસિટી લેવા માગનારાની ચાલને સફળ જ ના થવા દેવી. તેની તદ્દન અવગણના કરવી અને કોઈ જાતની પબ્લિસિટી ના મળે તે રીતે કાયદેસરની કાર્યવાહી કરવી.

JP: પરંતુ સ્વમર્યાદા જેવી પણ એક વાત હોય છે. હિન્દુ આસ્થાઓ પર પ્રહારોથી જોખમ ઓછું રહેશે એવું માની લેવાયું છે તે સ્થિતિ કોણે અને કેવી રીતે પેદા થઈ? એ પણ વિચારવું જોઈએ. કલા અને લેખન માટે અભિવ્યક્તિ તેમજ વાણીની સ્વતંત્રતા છે અને હોવી જોઈએ, પરંતુ તેની એક મર્યાદા સમજવી પડે. સૌએ સમજવી પડે અને સ્વનિયંત્રણની સ્થિતિ પણ હોવી જોઈએ. વ્યક્તિને તેના હાથ પહોળા કરીને આળસ ખાવાની છૂટ છે પરંતુ બાજુમાં રહેલી વ્યક્તિને તેના હાથ અડવા ન જોઈએ.

(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને સાંપ્રતપ્રવાહના વિશ્લેષકો છે)