પોઝિટિવ પેરેન્ટિંગ:આધુનિક જમાનાના તહેવારોની ટ્રેજેડીઃ બાળકો માટે હવે તહેવારનો અર્થ એટલે વસ્તુઓ ઉપર પૈસા ખર્ચવા!

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

તહેવારોની સીઝન આવી ગઈ અને દિવાળી જતી પણ રહી. જો કે, આ વખતી દિવાળી જોરશોરથી ઉજવાઈ. મારી વાત કરું તો ફટાકડાથી થતા ઘોંઘાટ અને પ્રદૂષણના લીધે હું દિવાળીથી થોડી ગભરાઉં છું.

થોડા સંવેદનશીલ બનીએ…
લગભગ બે વર્ષ પહેલાં મારો મારા પાડોશી જોડે નાનો ઝઘડો થઈ ગયો અને સાચું કહું તો મારા એ પાડોશી સામાન્ય સંજોગોમાં સારા અને સંવેદનશીલ વ્યક્તિ છે. તકરારનું કારણ દિવાળીના લીધે તેમનો કોલેજમાં ભણતો દીકરો અને તેના મિત્રો અસહ્ય ઘોંઘાટ કરતા ઊંચા ડેસીબલના ફટાકડા ફોડી રહ્યા હતા અને તે પણ બિલકુલ અમારી બારીની બહાર. એમાં પણ અમારી સોસાયટી ખૂબ જ નાની છે અને ત્યાંની શેરીઓ પણ સાંકડી છે એટલે થયું એવું કે બધો ધુમાડો અમારા અને આસપાસના ફ્લેટ્સમાં ગયો. આમાંથી ઘણાં ઘરોમાં સિનિયર સિટીઝન રહે છે, જેઓ રૂમમાં આવી ગયેલા આ ધુમાડાના લીધે ખાંસી રહ્યા હતા. આવામાં બારી ખોલવી એ વધુ ધુમાડાને આમંત્રણ આપવા જેવું હતું. ફટાકડાના કારણે અમારામાંથી ઘણા રહેણાંક (જેમાં સિનિયર સિટીઝન પણ સામેલ હતા)ની આંખો ફટાકડામાં રહેલા કેમિકલના લીધે બળી રહી હતી અને જે ઘરોમાં કૂતરાં કે બિલાડી જેવાં પેટ હતાં તેઓ પણ આ પીડામાંથી તો પસાર થઇ રહ્યાં હતાં, પણ સાથે એમને ખૂબ ભય પણ લાગી રહ્યો હતો. ફક્ત પેટ્સજ નહીં પણ પક્ષીઓ, વાંદરાઓ અને બીજા ઘણા પશુઓ પણ બીકના માર્યા ચીસો પાડી રહ્યા હતા. આપણે જાણીએ છીએ તેમ તેમના કાન અવાજ પ્રત્યે ખૂબ જ સેન્સિટિવ હોય છે અને તેઓ ઘણી પહોળી રેન્જની ફ્રિક્વન્સીના અવાજ સાંભળે છે. આમાંથી ઘણા ફટાકડા 'બૉમ્બ'ના નામે ઓળખાય છે, જેનો અવાજ સાંભળી ને તે બિચારા પશુ-પક્ષીઓને તો એવું જ લાગ્યું હશે જાણે તેઓ યુદ્ધના ક્ષેત્રમાં આવી ગયા છે.

મારા અને મારા પાડોશીઓનાં બધાં નિવેદન જાણે આ ફટાકડા ફોડી રહેલા સજ્જનના બહેરા કાનોમાંથી પસાર થઇને રહી ગયા અને જેમ-જેમ સોસાયટીના મેમ્બર્સ ફરિયાદ કરવા માંડ્યા તેમ-તેમ આ આખો ઇશ્યૂ બાળકો અને ઘરડાઓ વચ્ચે એકદમ ગરમ અને કડવું રૂપ લેવા માંડ્યો. એમની દલીલ હતી કે, દિવાળી વર્ષે એક જ વાર આવે છે તો શું છોકરાઓ વરસમાં એકવાર પણ મજા ન કરી શકે? આની સામે અમે તેમને વિનંતી કરી કે તેઓ બાજુના ખુલ્લા મેદાનમાં જઈને ફટાકડા ફોડે, પણ તેમને તે મંજૂર નહોતું. છેવટે આ વર્ષે અમને આ તહેવારની વાનગીઓની મીઠાશ કરતાં આ ઝઘડાની કડવાશ યાદ રહી ગઈ.

તહેવાર ની ઉજવણીનો ખરો અર્થ શું છે?
તહેવારની ઉજજવણી એ દરેક માણસ માટે જુદો અર્થ ધરાવે છે. દાખલા તરીકે, બાળકો માટે તહેવાર એટલે રજાઓ, મીઠાઈઓ, મિત્રો અને સગાવાળાને મળવું, નવાં કપડાં પહેરવાં, ગિફ્ટ મેળવવી અને ફટાકડા! બીજીબાજુ પુખ્તવયની વ્યકિતઓ માટે તહેવાર એટલે નોકરી-ધંધામાંથી રજા અને કુટુંબ જોડે રહેવાની એક સોનેરી તક. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણે ભારત જેવા દેશમાં જન્મ લીધો છે, જયાં આપણને ઘણા બધા તહેવારો ઉજવવાનો અવસર મળે છે. શું તમે જાણો છો કે તહેવારો અસ્તિત્વમાં એટલે આવ્યા કારણ કે, તેઓ બદલાતી ઋતુ અને સમય સાથે સંકળાયેલા છે. આ સિઝન ખેતી થકી માણસની બદલતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. જો શીખવા માગો તો આ તહેવારો આપણને એક જરૂરી પાઠ ભણાવે છે કે, આપણે આપણી પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ રહી તેની સાથે કનેક્ટ થતા શીખવું જોઈએ.

આધુનિક જમાનાના તહેવારોની ટ્રેજેડી
બહુ દુઃખની વાત છે કે આજકાલ બાળકો તહેવારોની ઉજવણી તેનું ખરું મહત્ત્વ જાણ્યા વિના કરી રહ્યા છે. માહિતી આપવાને બદલે તેમને ઉપભોક્તાવાદી સંસ્કૃતિ તરફ ધકેલવામાં આવી રહ્યાં છે, જેમાં તેઓ તહેવારનો અર્થ વસ્તુઓ ઉપર પૈસા ખર્ચવા એવું સમજી રહ્યાં છે અને કમનસીબે મોટાભાગના તહેવારો નવી પેઢીને પર્યાવરણ વિશે સહિષ્ણુતા જાળવવાની જગ્યાએ તેમને તહેવારને એવી રીતે ઉજવતાં શીખવાડે છે જેથી વનસ્પતિ અને પશુઓને ઇજા થાય. દાખલા તરીકે, દિવાળીના લગભગ બધા જ ફટાકડા પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. ઉત્તરાયણ વખતે વપરાતા માંજા ફક્ત પક્ષીઓને જ નહીં પણ મનુષ્યોને પણ ઇજા પહોંચાડે છે. હોળીના કૃત્રિમ રંગો આપણી ત્વચાને જ નહીં પણ પૃથ્વીને પણ નુકસાન પહોંચાડે છે. હું એવા ઘણાં બાળકોને જાણું છું જેઓ પર્યાવરણને લઈને પોતાના વાલીઓ કરતાં પણ વધુ જાગૃત છે. પેરેન્ટિંગનો અર્થ એ પણ છે કે આપણે અવનવી હકીકતો જોડે તાલમેલ બેસાડતા શીખીએ અને ક્લાઇમેટ ચેન્જ અને પ્રદૂષણ જેવા વૈશ્વિક પડકારોના આજના સમયમાં મહત્ત્વપૂર્ણ એ છે કે આપણે તહેવારોને એવી રીતે ઉજવીએ કે આપણું પર્યાવરણ પ્રદૂષિત ન થાય.

આજકાલના તહેવારોમાં શું ખૂટી રહ્યું છે?
તહેવારો પોતાની એક મૂળભૂત મહત્તા ગુમાવી રહ્યા છે. ભારતના દરેક તહેવારની આસપાસ ઘણી પૌરાણિક વાર્તાઓ વણાયેલી છે પણ નવી પેઢીને તે વિશે ખૂબ જ ઓછી માહિતી છે. આનો રસ્તો એ છે કે વાલીઓએ આડોશ-પાડોશના વડીલો અથવા કુટુંબનાં દાદા-દાદીને આ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરવા જોઈએ અને તેમના માધ્યમથી બાળકોને દરેક તહેવાર સાથે સંકળાયેલી પૌરાણિક વાર્તાઓ વિશે માહિતગાર કરવા જોઈએ. વાર્તા સાંભળ્યા પછી બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ કે તેઓ આ પૌરાણિક વાર્તાઓનો રોલ પ્લે અથવા કઠપૂતળીનો ખેલ કરે. દાખલા તરીકે, નાની વયનાં બાળકો દિવાળી દરમિયાન રામાયણનો કોઈ પ્રસંગ કે પછી હોળીમાં પ્રહ્લાદની વાર્તા પ્રસ્તુત કરી શકે. રંગોળીની વાત કરીએ તો તે બાળકોમાં સર્જનાત્મકતા અને ગણિતના કૌશલનું વિકાસ કરે છે. કદાચ તમે જાણતા જ હશો કે રંગોળીના પાવડરમાં ચુનાનો પાઉડર હોય છે, જે કીડીઓને ભગાડી દે છે. હવે તમે જ કહો છે ને કેટલું બધું વિજ્ઞાન દરેક તત્ત્વમાં?

તહેવારોનાં વ્યંજનોને ભુલાય?
છેવટે, દરેક તહેવારમાં સામેલ છે બદલાતી ઋતુની સાથે તાલમેલ ખાતા અનેરા પ્રકારનાં વ્યંજનો અને વળી, આ બધા ખાદ્ય પદાર્થો આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક પણ છે. એટલે જરૂરી છે કે બાળકો એ પણ શીખે કે કેમ આપણે તહેવારોમાં ખાસ પ્રકારનાં વ્યંજનો જ બનાવીએ છીએ. આ રીતે બાળકોને વધુ હોલિસ્ટિક (સર્વગ્રાહી) લર્નિંગ અને પોતાની સંસ્કૃતિ સાથે ઊંડાણથી જોડાવાની તક પણ મળશે.

આવનારી પેઢીને આપણી સંસ્કૃતિની ધરોહર સોંપવી તે જૂની પેઢીની એક ખૂબ જ અગત્યની જવાબદારી અને ફરજ છે અને વળી આ આખી પ્રક્રિયા શેરિંગ અને કેરિંગના ખરા મૂલ્યો જોડે થાય તે એનાથી વધુ અગત્યનું છે. આપણા તહેવારો જ આપણને આપણી જમીન અને સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. તો ચાલો આપણે આ તહેવારોની ઉજવણી ખરા અર્થમાં કરીએ. પ્રકૃતિ અને બીજાનું સ્વમાન જાળવીને.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)