સુખનું સરનામું:પરંપરાઓને સમય સાથે બદલવી જોઈએ, આંધળા બનીને અનુસરશો તો મૂર્ખા લાગશો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઇ એક ગુરુ એમના શિષ્યો સાથે ગામની બહાર જંગલ જેવા વિસ્તારમાં આશ્રમ બનાવીને રહેતા હતા. ગુરુજી એમના શિષ્યોને તમામ પ્રકારની તાલીમ આપતા હતા, જેથી એમના શિષ્યો જીવનમાં આવનારી દરેક સમસ્યાઓ સામે લડી શકે. ગુરુ એમના શિષ્યોને તાલીમના ભાગ રૂપે ધ્યાન શીખવી રહ્યા હતા. જંગલમાં આવેલા આ આશ્રમમાં ઉંદરોનો બહુ જ ત્રાસ હતો. આથી જ્યારે શિષ્યો ધ્યાનમાં બેસે એટલે વાતાવરણ શાંત થતાં ઉંદરો દરમાંથી બહાર નીકળીને દોડાદોડી કરે. ધ્યાનમાં બેઠેલા શિષ્યોના શરીર પર પણ આંટા મારવા માંડે. આથી કોઇ શિષ્યો ધ્યાનમાં એકાગ્ર થઈ શકતા ન હતા.

શિષ્યોએ ગુરુને આ બાબતે ફરિયાદ કરી. એટલે ગુરુએ આ સમસ્યા દૂર કરવાનો એક સુંદર ઉપાય શોધી કાઢ્યો. આશ્રમમાં એક બિલાડી પાળવામાં આવી. જ્યારે બધા શિષ્યો ધ્યાનમાં બેસે ત્યારે આ બિલાડીને ગુરુની બાજુમાં એક ઊંચા આસન પર બેસાડવામાં આવે. બિલાડીને એવી તાલીમ આપવામાં આવેલી કે બિલાડી પોતાના ઊંચા આસન પરથી બધે ટગર ટગર જોયા કરે. બિલાડીના ડરને કારણે એક પણ ઉંદર ત્યાં ફરકે નહી. ઉંદરો દરમાંથી બહાર નીકળતા બંધ થયા એટલે હવે શિષ્યો બહુ જ સારી રીતે ધ્યાન વિધિમાં જોડાઇ શકતા અને ધ્યાનનો આનંદ કોઇપણ જાતનાં વિઘ્નો વગર લઇ શકતા.

આ ઘટનાને સેંકડો વર્ષો પસાર થયાં. જે આશ્રમ જંગલમાં હતો, તે આશ્રમ હવે તો શહેરના મધ્ય ભાગમાં આવી ગયો હતો. પહેલાં આશ્રમમાં સાદગી હતી. હવે તો આધુનિકતા ઊડીને આંખે વળગતી હતી. ઘાસની ઝૂંપડીને બદલે મોટાં મોટાં એરકન્ડિશન્ડ હૉલ હતા. એમાં પણ ધ્યાનમાં બેસવા માટે સાઉન્ડપ્રુફ હોલ બનાવેલ હતો. બહાર ગમે તેટલો અવાજ થાય તો પણ અંદર બેઠેલા સાધકને એનાથી કોઇ અવરોધ ન થાય. પહેલાં જે આશ્રમમાં ઉંદરોનો ખૂબ ત્રાસ હતો, એ આશ્રમ હવે એટલો તો ચોખ્ખો અને આધુનિક હતો કે હવે એક નાનું મચ્છર પણ ક્યાંય જોવા ન મળે.

જે ગુરુ વર્ષો પહેલાં આશ્રમમાં રહીને શિષ્યોને જીવનના વિવિધ પાઠ ભણાવતા હતા તે ગુરુજી વર્ષો બાદ ફરી એ જ નગરમાં પુનર્જન્મ પામ્યા. ગુરુને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઇ અને એને બધું જ યાદ આવ્યું. પોતે આ જ ગામની બહાર એક આશ્રમમાં બધાને તાલીમ આપતા એ યાદ આવતાં જ ગુરુ પોતાનો આશ્રમ શોધવા નીકળી પડ્યા. પોતાના ઘાસમાટીના ઝૂંપડાના બનેલા આશ્રમની જગ્યાએ શહેરની મધ્યમાં આલિશાન આશ્રમને ગુરુ જોઇ જ રહ્યા. આ આશ્રમ ધ્યાન માટે વિશ્વવિખ્યાત હતો. દુનિયાભરમાંથી લોકો ધ્યાન શીખવા માટે આ આશ્રમમાં આવતા હતા. ધ્યાન માટે આવેલા તમામ લોકોની સાથે ગુરુ પણ આશ્રમમાં દાખલ થયા. આશ્રમનો ખૂણેખૂણો હવે બદલાઇ ગયો હતો. બધા લોકોની સાથે આ ગુરુજી પણ એક વિશાળ હૉલમાં દાખલ થયા. બધાને પોતપોતાનું સ્થાન લઇ લેવા માટેની સૂચના આપવામાં આવી. ગુરુજીએ મંચ પર નજર માંડી તો પોતાની મૂર્તિ જોઇને મનમાં મલકાયા. થોડીવારમાં વર્તમાન સમયે જે ગુરુ આ આશ્રમની ગાદી સંભાળતા હતા તે ગુરુ આવીને પોતાના આસન પર બેઠા. ગુરુના આસનની બાજુમાં એક બીજું આસન પણ બનાવેલુ હતું જે ખાલી હતું. જૂના ગુરુને વિચાર આવ્યો કે આ ખાલી આસન કોના માટે રાખ્યું હશે. થોડીવાર થઈ ત્યાં એક સોનાનાં કપડાં પહેરેલી બિલાડીને લાવવામાં આવી અને ખાલી આસન પર આ બિલાડીને બેસાડવામાં આવી. જૂના ગુરુને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઈ અને એ તો ખડખડાટ હસવા લાગ્યા. અરે! ભલા મેં આશ્રમમાં બિલાડીને ઉંદર ભગાડવા માટે બેસાડી હતી, પણ હવે આવા આધુનિક હૉલમાં એની શું જરૂર? આજુબાજુના લોકોને થયું કે આ તો કોઈ ગાંડો માણસ છે એટલે એમને હૉલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.

બહાર બીજા કેટલાક લોકો આંટા મારતા હતા એમને આ ગુરુએ પૂછ્યું કે ધ્યાન હૉલમાં બિલાડી કેમ રાખવામાં આવે છે? પેલા લોકોએ કહ્યું, ‘તમારે જવાબ જોઇતો હોય તો અમારી સાથે લાઇબ્રેરીમાં ચાલો.’ આ ગુરુને ત્યાં લાઇબ્રેરીમાં ‘બિલાડીના સાંનિધ્યથી ધ્યાનમાં થતા ફાયદાઓ’ વિશેનાં ઢગલાબંધ પુસ્તકો વાંચવા આપ્યાં. એક માણસે આવીને તો ત્યાં સુધી કહ્યું કે, ‘ભાઈ, હું તો આ વિષય પર પીએચ.ડી. કરું છું બિલાડીની હાજરીની આપણાં ચેતાતંત્ર પર સીધી જ અસર થાય છે અને સરળતાથી ધ્યાન કરી શકાય છે. અને એમાં પણ કાળી બિલાડીના બદલે જો ધોળી બિલાડી રાખવામાં આવે તો ધ્યાનની અસરકારકતા વધી જાય છે. જૂના ગુરુજી આ બધી વાતો સાંભળીને એટલું હસ્યા કે આંખમાં આંસુ આવી ગયાં. બધાને લાગ્યું કે આ ભાઈનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે એટલે એની ટિંગાટોળી કરીને એમને આશ્રમની બહાર મૂકી આવ્યા.

***

આપણે બધા પણ આવી જ મૂર્ખામીઓ કરતા હોઈએ છીએ આપણા વિજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા ઋષિઓએ કે વડવાઓએ જે કંઇ પરંપરાઓ શરૂ કરી તે એ સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઇને કરી હશે. આજે સમય બદલાતા એ પરંપરાઓમાં પણ પરિવર્તન કરવું જરૂરી હોય છે. છતાંય આપણે મૂરખાઓની જેમ એ પરંપરાને અનુસરીએ છીએ. જે કરીએ છીએ એ શા માટે કરવામાં આવે છે એનો કોઇ જ વિચાર કર્યા વગર માત્ર ઘેટાંનાં ટોળાંની જેમ આંધળું અનુકરણ જ કરીએ છીએ. આ પરંપરા બનાવનારા મહાપુરુષ જો પુનર્જન્મ લઇને આ ધરતી પર આવે તો એ પણ હસી હસીને બેવડ થઇ જાય.

વર્ષો પહેલાં વરરાજા પરણવા જાય ત્યારે લુંટારુઓના ભયને કારણે એને તલવાર બંધાવવામાં આવતી, જેથી એ પોતાનું અને એની નવોઢા પત્નીનું રક્ષણ કરી શકે. આજે હવે ક્યાં કોઈ લૂંટવાનું છે? પણ જો તલવારનું ઠૂંઠું હાથમાં ન હોય તો દસ જણા આ બાબતે સલાહ આપવા આવશે. એવી જ રીતે પહેલાંના સમયમાં બાળપણમાં લગ્ન થતાં એટલે લગ્નવિધિ વખતે બાળકો સૂઇ ન જાય એ માટે એક ટબૂડીમાં કોડી નાખીને ખખડાવવામાં આવતી, જેથી બાળકો જાગતાં રહે. આજે હવે માંડ માંડ લગ્નનો મેળ ખાધો હોય એ સૂવે ખરો? તો પણ લૂણ ટબૂડી ખખડાવવી જ પડે. પરણીને સાસરે જતી દીકરીને મામટમાં મીઠાઈ આપવામાં આવતી કારણ કે દીકરી બરોબર જમી ન હોય અને બળદગાડામાં બેસીને સાસરે પહોંચતાં બહુ સમય લાગે એટલે એના ગાડામાં મૂકેલા મામટમાંથી એ ભૂખ લાગે ત્યારે ખાઈ શકે. આજે મામટની શું જરૂર? પણ આપણે આ બધી જ પરંપરાઓને આંધળા બનીને અનુસરીએ છીએ. આ તો થોડી લગ્નવિધિની વાત કરી આવુ બધી જ બાબતોમાં છે જરા તપાસજો. શ્રદ્ધાવાન ચોક્કસ બનીએ પણ વિવેકબુદ્ધિથી વિચારતા પણ થઈએ.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)