તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ પેરેન્ટિંગ:રમકડાં... બાળકનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવાનો સચોટ ઉકેલ!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કહે છે, સંતાનની સાથે માતા-પિતાનો પણ જન્મ થાય છે. આ સુખદ અનુભૂતિ પોતાની સાથે રોજેરોજ અવનવા પ્રશ્નો પણ લઇને આવે છે. અત્યારના ડિજિટલ યુગમાં પેરેન્ટિંગની નાજુક સમસ્યાઓના સચોટ ઉકેલ મેળવીશું આ કોલમમાં દર રવિવારે.
***
બધાં મા-બાપનો જો એક પ્રશ્ન સરખો હોય તો એ છે - હું મારા બાળકનો સ્ક્રીન ટાઈમ ઓછો કઈ રીતે કરું? પહેલાં જ્યારે સ્કૂલો ચાલુ હતી ત્યારે ભલે થોડાક કલાકો માટે પણ બાળકો સ્ક્રીનથી દૂર રહેતાં હતાં. પરંતુ મહામારીના પ્રતાપે બાળકો હવે ઓનલાઇન ક્લાસ પછી પણ હોમવર્ક પૂરું કરવા સ્ક્રીન પર એક્ટિવ રહે છે.

માતા-પિતાએ જ બાળકોને આઉટડોર ગેમ્સ રમવા પ્રોત્સાહિત કરવા જરૂરી

બાળકોની આ સમસ્યાથી ત્રાસી ગયેલાં પેરેન્ટ્સને એક જ સલાહ છે કે પોતાનાં બાળકોને તેઓ ઘરમાં અને ઘરની બહાર રમકડાં અને આઉટડોર ગેમ્સ રમવા માટે પ્રોત્સાહન આપે. પરંતુ કમનસીબે કેટલાક પેરેન્ટ્સનું એવું માનવું છે કે, રમવાથી બાળકોનો સમય બગડે છે અને બાળકોને સતત 'ભણતાં' રાખવાં જોઈએ! હકીકતમાં એક રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે, રમકડાંઓ અને જાતભાતની ગેમ્સથી રમવાથી બાળકોને અનેક ફાયદા થાય છે. તેનાથી તેમની મોટર સ્કિલ, સામાજિક સ્કિલ, સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને મગજનો વિકાસ થાય છે. વિચારીને પસંદ કરેલી રમતો બીજી ઘણી કુશળતાઓ જેવી કે, ભાષા, તાર્કિક વિચારશૈલી, વૈજ્ઞાનિક, સામાજિક અને સાંસ્કૃતિક જ્ઞાન વગેરેનો વિકાસ થાય છે.

બાળકો માટે રમકડાં ખરીદતા હો તો આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખો
જોકે ગેમ્સ બાળકો માટે ફાયદાકારક નીવડે તેનો આધાર બાળકોને કઈ રમતો અને રમકડાં અપાય છે તેના ઉપર છે. 'કેલ્વિન અને હોબ્સ' કાર્ટૂનમાં 5-વર્ષના કેલ્વિનને એક એરોપ્લેન બનાવવાની ગેમ મળે છે. તે નાનો બાળક તેને બનાવવાની સૂચનાઓ પણ નથી વાંચી શકતો! કંટાળીને તે આપમેળે પ્લેનના ટુકડાઓને ગુંદરથી ચોંટાડવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં પણ તે નિષ્ફળ થાય છે. છેવટે, તે એ ગેમ જે બોક્સમાં આવી હતી તેની જોડે રમવા માંડે છે! રમકડાં મળવાનો પ્રારંભિક આનંદ સૂચનોની ગૂંચવણમાં ગૂંગળાઈ જાય છે અને બાળક માટે તે પ્લેનને જોડવું એક સંઘર્ષ બની જાય છે.

મુદ્દો અહીં એ છે કે માતા-પિતાએ પોતાના બાળક માટે યોગ્ય રમકડું પસંદ કરવું જોઈએ. ફક્ત બહારનો દેખાવ જ સરસ ન હોવો જોઈએ. તેમજ, વધારે જરૂરી છે એ સમજવું છે કે રમકડાં થકી બાળક શું શીખી શકશે, શું તે રમકડું એવા પદાર્થોમાંથી બનાવેલું છે જે બાળકો માટે યોગ્ય છે કે પછી તે ઝેરી કે અપ્રાકૃતિક વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે?

રમકડાં લેવાની ઝુંબેશ
રમકડાં લિંગ-આધારિત ન હોવાં જોઈએ. પરંતુ કમનસીબે દુકાનમાં પગ મૂકતાં જ જે પહેલો પ્રશ્ન આવે છે કે, ‘છોકરા માટે છે કે છોકરી માટે... અને તેની ઉંમર શું છે?’ અને જેવો તમે આનો જવાબ આપો કે તરત જ છોકરીઓ માટે ઢીંગલીઓ અને ઘરગથ્થુ સાધનો અને છોકરાઓ માટે મશીનથી ચાલતાં રમકડાં અને ગાડીઓ બતાવવામાં આવે છે! આટલું જ નહીં, છોકરીઓ માટેનાં રમકડાં કલાત્મક હોય છે, તેનો રંગ ગુલાબી અને હળવો હોય છે અને આખું વલણ એક ગૃહિણીનું હોય છે! જ્યારે બીજી બાજુ છોકરાઓના રમકડાંના રંગ ભપકાવાળા હોય છે અને તે યાંત્રિક અને ગતિશીલ પણ હોય છે.

છોકરાઓના મોટાભાગનાં રમકડાંઓમાં એકશન હીરો હોય છે અને છોકરીઓની ઢીંગલીઓ રાજકુંવરીના વેશમાં હોય છે. સંશોધનમાં જણાવ્યા પ્રમાણે, આવા લિંગ-આધારિત રમકડાં બાળકોમાં તેમના વ્યક્તિત્વને લઈને ઘણી દૃઢ વિચારધારા લાવે છે, જે આગળ જઈને તેમના વ્યવસાય પસંદ કરવાના નિર્ણય ઉપર પણ ખોટી અસર પાડે છે. અહીં નોંધ લેવા જેવી વાત એ છે કે, આજના યુગમાં છોકરાઓ ફેશન ડિઝાઈનર અને શેફ તરીકે અને છોકરીઓ પાયલટ તરીકે ખૂબ સફળતા મેળવી રહ્યા છે! માતા-પિતા તરીકે આપણી ફરજ છે કે આપણે કયું રમકડું કોના માટે છે તે નક્કી કરવાની જગ્યાએ કયું રમકડું ભવિષ્યમાં તેની માનસિકતા કેવી બનાવશે તેના ઉપર ધ્યાન આપવું જોઇએ.

આટલું જ નહીં, રમકડાં બાળકોની ઓળખ અને વ્યક્તિત્વને પણ ઘડે છે. લાંબા પગ અને પાતળી કમરવાળી વધુ પડતી નાજુક ઢીંગલી અને કઢંગી પોહળી છાતી અને અપ્રાકૃતિક રીતે ફૂલેલા બાવડાના સ્નાયુવાળા ઢીંગલા જોડે રમતાં બાળકો માનવ શરીર અને પોતાના શરીર વિશે ખોટી ધારણા બનાવી લે છે, જેના લીધે કદાચ તેઓ પોતાને બીજાથી ઊતરતાં પણ ગણતા થઇ જશે.

રમકડાં અને રમતો ઘણાં બધાં મૂલ્યો પણ શીખવી જાય છે. દાખલા તરીકે, વીડિયો ગેમ અને રમકડાંની બંદૂક વિનાશ અને સંહારને પ્રોત્સાહન આપે છે. આ ગેમ થકી હિંસાને એક ખેલ દર્શાવવામાં આવે છે... જે ખૂબ જ ખતરનાક છે.

તો પછી રમકડાં કેવાં હોવાં જોઈએ?
રમકડાં એવાં હોવાં જોઈએ જે બાળકમાં જિજ્ઞાસા ઉદભવે અને તેની સાથે દિલથી રમવાની ઈચ્છા થાય. ઘણાં રમકડાં બંધ પ્રકારના હોય છે... એટલે ટૂંક સમય માટે મજા આપનારા. જેમ કે, ચાવીથી ચાલતું રમકડું. થોડાક સમયમાં એની જોડે રમીને બાળક કંટાળી જાય છે. બીજી બાજુ છે ખુલ્લા રમકડાં. દાખલા તરીકે, બ્લોક, દડા, રંગ, માટી, માનવ અને પ્રાણીઓની પ્રતિમાઓ વગેરે હોય છે, જેની જોડે બાળક વારંવાર અવનવી રીતે રમી શકે છે અને તેનાથી બાળકની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે.

જેમ બાળકો મોટાં થાય તેમ તેઓ ઘરની અંદર અને બહાર રમત રમે છે. પત્તાં, બોર્ડ ગેમ વગેરે તેમનામાં વિચારવાની શક્તિ, વ્યૂહરચના, નિયમોનું પાલન, જીત અને હારને સરખી રીતે અપનાવવી આ બધાં કૌશલ્યોનો વિકાસ કરે છે. બાળક પાઠ્યપુસ્તકથી નહીં પણ રમકડાંથી વધારે શીખે છે. માતા-પિતાએ સ્વીકારવું જોઈએ કે રમવું એ સમયનો વેડફાટ નથી, પણ બાળકના જીવનમાં એક બહુ મોટું રોકાણ છે. જો બાળકને નાનપણમાં રમવા દેવામાં આવે નહીં તો મોટા થઇને તે આ દબાવેલી ઈચ્છાને બીજી અને નકારાત્મક રીતે પૂરી કરશે જેમ કે, સટ્ટો રમીને, રસ્તા ઉપર ખોટી રીતે બાઇક કે ગાડી ચલાવીને વગેરે.

માતા-પિતા તરીકે જો તમે તમારાં બાળકોને સ્ક્રીનથી દૂર રાખવા ઇચ્છતા હો તો પછી કોઈ મજા આવે એવી બોર્ડ ગેમ, ચેસ, પત્તાં અથવા કોઈપણ આઉટડૉર ગેમ રમાડો. આના બીજા ઘણા ફાયદા છે. તમારો અને તમારા બાળકનો તણાવ ઓછો થશે, તમે એકબીજાને વધુ સારી રીતે જાણી શકશો અને તમે સુંદર સ્મૃતિઓનો ભંડાર બનાવી શકશો !

કાલે વિમેન્સ ડે છે. સ્ત્રી સશક્તિકરણ વિશે તમારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવાના બદલે તમારી દીકરીને જાતે નક્કી કરવા દેજો કે તે કયાં રમકડાંથી રમવા માગે છે અને યુવાઓને નિવેદન કે બાઇક ચલાવતી છોકરીને એક અજાયબીને બદલે સહજતાથી જોજો...

હેપ્પી વિમેન્સ ડે! ખુશ રહો સુરક્ષિત રહો! (લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો