ઇટ્સ કોમ્પ્લિકેટેડ:તૂટેલા સંબંધોને સાંધવાના કે ભૂલી જવાના? આખરે અંકિતને મૂંઝવણનો સાચો ઉકેલ મળ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અંકિત 25 વર્ષનો છેલબટાઉ યુવાન છે. કોઈપણ યુવતીને ગમી જાય એવો તે દેખાવડો છે. ભણવામાં તેજસ્વી અને ગંભીર હતો. બીજા યુવાનોની જેમ એ કોલેજ જવા ખાતર નહોતો જતો. એ માનતો કે જ્યારે જે કામ કરતા હોઈએ ત્યારે તે કામ પૂરી એકાગ્રતા અને ગંભીરતાથી કરવું. તેણે ક્યારેય ભગવદ્ ગીતા નહોતી વાંચી પણ પરિવાર તરફથી કર્મનિષ્ઠાના જે સંસ્કાર મળ્યા હતા તેને તે અમલમાં મૂકતો. તે કર્મયોગી યુવક હતો.

તે ભણીને ડોક્ટર બન્યો અને ગણીને સારો માણસ. એક પુસ્તકાલયમાં તે નિયમિત વાંચવા જતો ત્યાં તે ધારા નામની એક યુવતીના પરિચયમાં આવ્યો હતો. ધારા પણ દેખાવડી અને ડાહી યુવતી હતી. આધુનિકતાનો પ્રચંડ પવન તેને ખાસ અડ્યો નહોતો. અંકિત અને ધારાના મોટાભાગના વિચારો મળતા હતા. તેથી તેમનો પરિચય જોતજોતામાં મિત્રતામાં પરિણમ્યો. તેમને બંનેને એકબીજા સાથે સમય પસાર કરવો ગમતો. તેઓ રોજ મળતાં તોય ધરાતાં નહીં. તેમની વાતો ખૂટતી જ નહીં. દરરોજ કલાકો વાતો કરતાં તો પણ બીજા દિવસે મળે ત્યારે એકબીજા સાથે શેર કરવા જેવું તેમની બંને પાસે ઘણું હોતું હતું.

ક્યારેક અંકિત મજાકમાં ધારાને કહેતો કે અત્યાર સુધી હું સિન્સિયર વિદ્યાર્થી હતો. ભણવામાંથી ઊંચો નહોતો આવતો. એક મિનિટ પણ બગાડતો નહોતો. બસ ભણ-ભણ જ કરતો. તમારા પ્રેમમાં પડ્યા પછી હવે મારા કલાકો વાતોમાં જાય છે. મને લાગે છે કે હું ડોક્ટર બનતાં પહેલાં જ દરદી બની ગયો છું. ધારા કહેતી કે મને એવું લાગતું નથી. પ્રેમમાં તો જબરજસ્ત તાકાત હોય છે. તમે જોજો તમે વધારે સારી રીતે ભણીને અપેક્ષા કરતાં વધારે ટકાવારી સાથે પાસ થશો.

એવું જ થયું હતું. અંકિત અને ધારાનો પ્રેમ મુગ્ધ પ્રેમ નહોતો. એ પ્રેમમાં આજના મોટાભાગના યુવાનોના સંબંધોમાં હોય છે તેવું છીછરાપણું નહોતું. એ ઉપરછલ્લો નહીં, અંતરતરમાં એકાકાર થઈ ગયેલો પ્રેમ હતો. આવો પ્રેમ વ્યક્તિને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જતો હોય છે. અંકિત ખૂબ જ સારી રીતે પાસ થયો. હા, તે ધારાના પ્રેમમાં પડીને ધારાનો દરદી થઈ ગયો હતો પણ લોકો માટે તો તે ડોક્ટર બની ગયો. ધારાએ પણ સફળ રીતે એમ.બી.એ. કરી લીધું હતું. હવે બંનેનો લગ્ન કરવાનો સમય થઈ ગયો હતો. બંને એકબીજાને પસંદ કરતાં હતાં. બંનેના વિચારો એકબીજા સાથે ખૂબ જ મળતા હતા. બંને એકબીજાને પ્રેમ પણ કરતાં હતાં. લગ્ન કરવા માટે બંને પક્ષે અનુકૂળ સંજોગો હતા.

ધારાનાં માતા-પિતા જ્યોતિષમાં ખૂબ જ માનતાં હતાં. આધુનિકકાળમાં કોઈ ચુસ્ત રીતે જ્યોતિષમાં માનતું હોય એવું ભાગ્યે જ બને પણ અહીં બન્યું હતું. તેમણે અંકિતની જન્મ કુંડળી મંગાવી. તેમના ફેમિલી જ્યોતિષીને બતાવી. ફેમિલી જ્યોતિષીએ કહ્યું કે કુંડળી કહે છે કે આ લગ્ન ન થાય તો જ સારું રહેશે. જો આ લગ્ન થશે તો બંને જણ હેરાન થશે. સુખી થવાને બદલે દુઃખી થશે.

ધારા તો આ જમાનાની યુવતી હતી. તે ખાસ જ્યોતિષમાં માનતી નહોતી પણ તે પોતાનાં માતા-પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી. માતા-પિતાએ તેને હથેળીમાં રાખીને ઉછેરી હતી. જીવનમાં નબળો સમય આવ્યો તો પણ તેમણે ધારાને સહેજે તકલીફ પડવા દીધી નહોતી. આમેય કોઈપણ માતાપિતા હોય, તેમના માટે તેમનાં સંતાનો જ તેમનું જીવન હોય છે. સંતાનોના જન્મ થયા પછી દરેક માતા-પિતા પોતાનાં સંતાનો માટે જ જીવન જીવતાં હોય છે. એમનું જીવન જાણે કે સંતાનો માટે જ જીવતાં હોય છે.

ધારા પોતાનાં માતા-પિતાને ખૂબ જ ચાહતી હતી. ઘણા લોકો કહેતાં કે ધારાને પોતાનાં માતા-પિતા માટે ‌‌વધારે પડતો પ્રેમ છે. પ્રેમ તો દરેકને હોય પણ માપમાં હોય તો શોભે. વધારે પડતો પ્રેમ પણ ઘણીવાર પ્રશ્નો ઊભા કરતો હોય છે. અહીં પણ એવું જ થયું. માતા-પિતાની લાગણી જાળવી રાખવા ધારાએ પોતાના મનગમતા સંબંધનો ત્યાગ કર્યો. તેણે પોતાના સાચા પ્રેમનું ગળું દાબી દીધું.

અંકિત માટે આ એક અણધાર્યો આંચકો હતો. તે ધારાને ખૂબ જ ચાહતો હતો. ધારા વિનાના જીવનની તે કલ્પના પણ કરી શકતો નહોતો. ધારા પોતાના માતા-પિતાની લાગણીને માન આપવા પોતાની સાથેનો સંબંધ તોડી નાખશે એવી તો તે કલ્પના પણ કરી શકતો નહોતો. ધાર્યું થાય તેના કરતાં અણધાર્યું વધુ થાય તેનું નામ જ જિંદગી.

જિંદગી અનિશ્ચિતતાનો ભંડાર છે. વ્યક્તિ જિંદગીના દરેક પડાવે પોતાની રીતે અને પોતાની પ્રીતે અવનવા અને નિતનવા આયોજન કરતી જ રહે છે પણ ક્યારેક જિંદગી એવું સ્વરૂપ ધારણ કરે છે કે વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય છે. તેને થાય છે કે શા માટે નિયતિ મારી કસોટી કરે છે? અંકિતનો ધારા સાથેનો સંબંધ તૂટી ગયા પછી તે પણ નિયતિને રોજેરોજ પૂછતો હતો કે મારો કયો ગુનો હતો? મને કેમ મારો પ્રેમ મળતો નથી. શું પ્રેમ કરવો ગુનો છે?

ધારા પણ અંકિતને ખૂબ જ ચાહતી હતી. તે પણ અંકિત વિના રહી શકતી નહોતી. આમ છતાં માતા-પિતાના નિર્ણયનો તે અનાદર કરવા માગતી નહોતી. એવામાં જ સમયે પડખું ફેરવ્યું. ધારાનાં માતા-પિતા જે જ્યોતિષીનો પડ્યો બોલ ઝીલતાં હતાં, જેમને પૂછી-પૂછીને જીવન જીવતાં હતાં તે જ્યોતિષી પોતે ગંભીર સંકટમાં મુકાયા. તેમની સામે મહિલાઓનું શોષણ કરવાનો આરોપ મુકાયા, તો તેમનાં પત્ની અને એકના એક પુત્રનું અવસાન થયું. એ જ્યોતિષીએ ખૂબ જ કાળજી રાખીને, એકબીજાની કુંડળી જોઈને, બરાબર ચેક કરીને જ લગ્ન કર્યાં હતાં છતાં આવું થયું. વળી, તેમની બદનામી પણ થઈ. આ બધાની ધારાનાં માતા-પિતા પર ઊંડી અસર થઈ. તેમને પોતાની ભૂલ સમજાઈ. તેમણે ધારાને કહ્યું કે તું અંકિત સાથે લગ્ન કરે એમાં અમને કોઈ વાંધો નથી.

આ દરમિયાન અંકિતની સ્થિતિ તો નાજુક થઈ ગઈ હતી. તે પોતાની જાતને સંભાળી રાખવાનો પ્રયાસ કરતો હતો. ડોક્ટર હતો તેથી તેના વિચારો પ્રગતિશીલ હોય તે સહજ છે. આમ છતાં કોઈપણ પુરુષ માટે પ્રથમ અને સાચા પ્રેમને ભુલાવવાનું સહેલું હોતું નથી. એ જેમ જેમ ધારાને ભૂલી જવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ તેને ધારાની વધારે યાદ આવતી. તેને થતું કે પોતે દોડતો દોડતો ધારા પાસે જાય અને તેને ચોંટી પડે.

જ્યારે તૂટેલો સંબંધ પુનઃ જોડવાની ઘડી આવી ત્યારે અંકિત માટે કપરી ક્ષણો શરૂ થઈ. છૂટેલો સંબંધ પુનઃ જોડવો સહેલો હોય છે પણ તૂટેલો સંબંધ જોડવો અઘરો હોય છે. તૂટેલો સંબંધ મનમાં એક અભાવ, એક કડવાશ, એક ભેદભાવ, એક ખટાશ ઊભી કરી દેતો હોય છે. એકવાર સંબંધ તૂટી જાય પછી ભલે તે પુનઃ બંધાય, પણ પહેલા જેવી મજા તેમાં રહેતી નથી. બંધાયેલો સંબંધ અને સંધાયેલો સંબંધ નોખી નોખી ફ્રિક્વન્સી પર જીવાતા હોય છે.

તૂટેલો સંબંધ સંધાય તો પણ ગાંઠ રહી જતી હોય છે. જો કે, દરેક કિસ્સામાં આ સાચું નથી. સાચો સંબંધ તૂટે પણ ખરો. સાચા સંબંધમાં તૂટવાની શક્યતા વધારે હોય છે કારણ કે, એ સંબંધ છે, વ્યવહાર નથી. સાચા સંબંધો નિખાલસતા અને પારદર્શિતાના દર્પણ પર ટકેલા હોય છે. એમાં તૂટવાની ઘડી આવે તો પણ એ સહજ હોય છે. જો સાચો પ્રેમ હોય, સંબંધોનું રસાયણ યોગ્ય હોય તો છેવટે તૂટેલા સંબંધ પુનઃ જોડાતા હોય છે અને પુનઃ ધબકતા થતા જ હોય છે.

તો પછી પેલી ગાંઠનું શું? તૂટેલા સંબંધોને જોડવાથી જે ગાંઠ અમલમાં આવી હોય તેનું શું? પ્રેમ એક એવું રસાયણ છે જે ગમે તેવી ગાંઠને પણ ઓગાળી દે છે. ધારા અને અંકિતના કેસમાં પણ એવું જ થયું. તેઓ પુનઃ જોડાયાં. તૂટેલો સંબંધ પુનઃ બંધાયો અને એવો સજ્જડ અને મજબૂત રીતે પ્રગટ્યો કે એમ કહી શકો કે સારું થયું કે તૂટવાની પીડા જન્મી. તેને કારણે સંબંધ શુદ્ધ થયો, મક્કમ થયો અને ચેતનવંતો પણ બન્યો.

જેમ સમાજમાં દરરોજ નવા નવા સંબંધો બંધાય છે એટલે કે જન્મે છે, તેમ ઘણા સંબંધો પણ તૂટતા રહે છે. ઘણા સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે. ઘણા સંબંધો કહેવાતા સંબંધો હોય છે. સંબંધના નામે તેમાં સોદો હોય છે. સંબંધના નામે તેમાં આદાન-પ્રદાન અને વાટકી-વ્યવહાર હોય છે. કહેવાતો સંબંધ ત્યાં સુધી સહેવાય છે જ્યાં સુધી સ્વાર્થ કે અપેક્ષા પૂર્ણ ન થાય. જેવો સ્વાર્થ સધાઈ ગયો એવી જ વાત પૂરી થઈ. એ પછી તમે કોણ અને અમે કોણ? સ્વાર્થે આજના જમાનામાં લોકો પર એવો તો જોરદાર ભરડો લીધો છે કે પોતાનું કામ થઈ ગયા પછી લોકો ઓળખવા સુદ્ધાંનું બંધ કરી દે છે. સ્વાર્થી લોકોને સંબંધ તોડી નાખતાં સહેજે વાર લાગતી નથી. સ્વાર્થ અને અપેક્ષાના પાયા પર ઊભેલા તમામ સંબંધો તૂટવા જ જોઈએ. આવા સંબંધો તૂટી જાય પછી રાહત અનુભવવી જોઈએ. આવા સંબંધો પુનઃ બાંધવાની ભૂલ પણ ન કરવી જોઈએ.

સંબંધો તૂટવા માટે એક પરિબળ સૌથી મહત્ત્વનું હોય છેઃ ઈગો. અહમ. અહમ એક મોટી બીમારી છે. સંબંધોનું સૌથી મોટું વાઇરસ પણ એ જ છે. આ વાઇરસની કોઈ વેક્સિન નથી. આ વાઇરસે અત્યાર સુધી લાખો-કરોડો સંબંધોને ભરખી લીધા હશે. તૂટેલા દરેક સંબંધ પુનઃ બંધાઈ જાય એવું પણ નથી. જિંદગી એક એવો કોયડો છે જેનો ઉકેલ દરેક પાસે નથી હોતો. સાચો અને મનગમતો સંબંધ તૂટી જાય ત્યારે સૌપ્રથમ તો રાહ જોઈને તેને પુનઃ ધબકતો કરવા પ્રયાસ કરવો. જો એ શક્ય જ ન હોય તો હતાશ થઈ જવાની બિલકુલ જરૂર નથી. સંબંધો જિંદગી માટે છે પણ જિંદગી કંઈ સંબંધો માટે (જ) નથી.

તૂટેલા સંબંધથી મન ખિન્ન થયું હોય ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું. પોતાની જિંદગી પ્રત્યેની વફાદારી છોડવાની નથી. આત્મહત્યાનો તો સહેજે વિચાર કરવાનો નથી. પરમ તત્ત્વ પર શ્રદ્ધા રાખીને એટલું જ વિચારવાનું કે જેવી નિયતિની ઈચ્છા. મનગમતું થાય તો હરિ કૃપા અને મનગમતું ના થાય તો હરિ ઈચ્છા એમ માનવાનું. તૂટેલા સંબંધથી મન-અંતર-હૃદય સતત રડતું હોય ત્યારે શું કરવાનું?

 1. ધીરજ રાખવાની.
 2. જે બની રહ્યું છે તે દરેકના હિતમાં જ બની રહ્યું છે તેમ માનવાનું.
 3. તૂટેલા સંબંધની જૂની યાદોને વાગોળવાનું બંધ કરવાનું.
 4. જે વ્યક્તિથી સંબંધ તૂટી ગયો છે તેની મર્યાદાઓનો સહેજે વિચાર નહીં કરવાનો. તેની વિશેષતાઓને જ યાદ કરવાની.
 5. તરત જ કોઈ મનગમતી પ્રવૃતિ શોધીને તેમાં જીવને પરોવી દેવાનો.
 6. તૂટેલા સંબંધોની ચર્ચા કે વાતો નહીં કરવાની. જે થવાનું હતું તે થઈ ગયું.
 7. જે લોકો અનેક પ્રકારની પીડા-દુઃખનો સામનો કરી રહ્યાં છે તેમનો વિચાર કરીને પોતાનાથી થાય એટલું તેમના માટે કરવાનું.
 8. બને એટલી ત્વરાએ વ્યસ્ત બની જવાનું. અસ્તવ્યસ્તની સ્થિતિમાંથી બહાર આવવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છેઃ વ્યસ્ત બનો. જે વ્યસ્ત બને છે તે આગળ જતાં મસ્ત બને છે.
 9. પ્રકૃતિ પાસે જતા રહેવું. કહેવાય છે કે દુનિયાની તમામ સમસ્યાના ઉકેલ છેવટે તો પ્રકૃતિ પાસે છે. પ્રકૃતિમાં ખૂબ જ તાકાત હોય છે.
 10. કોઈ એક કલા...વાંચન-લેખન-ચિત્ર-ગીત કે સંગીત-નૃત્ય-શિલ્પ તરફ વળી જવું. વડોદરાનો એક યુવક પ્રેમમાં નિષ્ફળ બન્યા પછી ભારે હતાશામાં આવી ગયો હતો. તે લખતો થયો અને માત્ર ત્રણ મહિનામાં ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો હતો. કલામાં જબરજસ્ત શક્તિ હોય છે.

છેલ્લે યાદ રાખવું કે કોઈપણ સંબંધ જિંદગીથી મોટો હોતો નથી. સંબંધ તૂટે એટલે જિંદગી પૂરી નથી થઈ જતી. દરેક તૂટતો સંબંધ અલ્પવિરામ હોય છે, પૂર્ણવિરામ નહીં.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)