તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • To Make Children's Friendship And Parenting, Relationships Transparent, It Is Necessary To Explain To The Child The Difference Between Freedom And Spontaneity.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકોની મૈત્રી અને પેરેન્ટિંગ, સંબંધો પારદર્શક બનાવવા બાળકને સ્વતંત્રતા અને સ્વચ્છંદતામાં ફરક સમજાવવો જરૂરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કહે છે, સંતાનની સાથે માતા-પિતાનો પણ જન્મ થાય છે. આ સુખદ અનુભૂતિ પોતાની સાથે રોજેરોજ અવનવા પ્રશ્નો પણ લઇને આવે છે. અત્યારના ડિજિટલ યુગમાં પેરેન્ટિંગની નાજુક સમસ્યાઓના સચોટ ઉકેલ મેળવીશું આ કોલમમાં દર રવિવારે.
***
"બે જણા દિલથી મળે તો એક મજલીસ છે મરીઝ;
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી"
- મરીઝ

મૈત્રી એટલે ઈશ્વરનો આશીર્વાદ, શિયાળાનો સવારનો તડકો, પૃથ્વી પરનું અમૃતઝરણ, શ્રાવણનાં સરવડાં અને માઘના વાસંતી વાયરા. કહેવાય છે કે આપણા સગા-સંબંધીઓ તો આપણને આપમેળે મળી જાય છે. પરંતુ મિત્રની પસંદગી આપણે જાતે કરી શકીએ છીએ. દરેક મનુષ્યને જીવનમાં એક તો દિલોજાન મિત્ર હોવો જ જોઈએ. અહીં 'મિત્ર'નો અર્થ માત્ર પુરુષમિત્ર નહીં. પરંતુ 'મૈત્રી સંબંધ' માટે પ્રયોજાયો છે, પછી તે પુરૂષ હોય કે સ્ત્રી મિત્ર. આપણા જીવનમાં એક એવો ખભો હોવો જોઈએ જ્યાં માથું મૂકીને રડી શકાય, એક એવો કાન હોવો જોઈએ કે જેના કાનમાં દિલના ઉંડાણમાં ધરબાયેલી વ્યથાઓ ઠાલવી શકીએ, જીવનમાં એક એવો હાથ હોવો જોઈએ જે પકડ્યો ન હોય તો પણ તેની ઉષ્મા આપણા સમગ્ર અસ્તિત્વમાં અનુભવાય.

જીવનમાં અલગ-અલગ અવસ્થાએ અલગ-અલગ પ્રકારની મૈત્રી અનુભવવા મળે છે, સમયાંતરે મિત્રો પણ બદલાતા રહે છે. બાળવયે શેરી, મહોલ્લા, શાળામાં મળતા સમવયસ્કો વચ્ચે મિત્રતા કેળવાય છે, નાના બાળકોની મૈત્રી એટલે રમવું, કૂદવું અને ધમાલ-મસ્તી. પરંતુ બાળક જેમ-જેમ કિશોરાવસ્થામાં આવે છે, તેમ-તેમ તેની મૈત્રીનો પ્રકાર બદલાય છે, હવે તેને પોતાની જાત અને આસપાસના વાતાવરણ પ્રત્યે સભાનતા આવતી જતી હોય છે. તેથી, તે પોતાના વ્યક્તિત્વને અનુરૂપ મૈત્રી પસંદ કરે છે.

કિશોરોને જેમની સાથે પોતીકાપણું લાગે, પોતાનું મહત્ત્વ જળવાઈ રહે, સુરક્ષાની ભાવના અનુભવાય, પોતાનો આત્મવિશ્વાસ વધે, પોતાની બદલાતી શારીરિક- માનસિક રચનાઓને જે સમજી શકે, પોતાની મુંઝવણ વહેંચી શકાય, કંઈક નવું કરવાનું મન થાય તો પ્રયોગો કરી શકે, જેમના શોખ, રસ, રૂચિ, ધ્યેય સમાન હોય તેવા સમવયસ્ક અથવા ત્રણ-ચાર વર્ષ મોટી વયના સાથે મૈત્રી રાખવાનું પસંદ કરે છે. વળી, અંતઃસ્ત્રાવોના કારણે વિજાતીય પાત્રો પ્રત્યે કૂણી લાગણીઓ જન્મતી હોય છે અને સાથે તેઓ વિજાતીય મૈત્રી ઝંખ્યા કરે છે. આ અવસ્થા જ એવી છે કે કિશોરોને કોઈ જરા પ્રેમ કે આદરથી બોલાવે તો તેઓ પાણી પાણી થઇ જતા હોય છે.

‘છે બરફની ખૂબી માણસોમાં પણ; કોઈની ઉષ્મા મળે તો તરત ઓગળે છે’
કિશોરના જીવનમાં પોતાના મિત્રોનો જબરદસ્ત પ્રભાવ હોય છે. તેઓ પોતાના ઘરની વાસ્તવિક પરિસ્થિતિની અવગણના કરી એક કાલ્પનિક દુનિયામાં રાચતાં થઇ જાય છે, જ્યાં તેમના મિત્રોની જેમ ઠાઠથી રહેવું, મોજ-મજા કરવી, જીવનને માણી લેવું, સારા-નરસાનો વિચાર ન આવવો, સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ વર્લ્ડમાં સતત રમમાણ રહેવું, રોજ-રોજ બદલાતા ડીપી અને સ્ટેટસને સત્ય માની પોતાના પરિવારથી માનસિક અને લાગણીના સ્તરે એટલી હદ સુધી અળગા થઈ જાય છે કે કિશોરોની વાસ્તવિક દુનિયાથી તેમના માતા-પિતા માઈલો દૂર જતા રહેતા હોય છે. તેમની પસંદ/નાપસંદ, તે કોની સાથે ઓનલાઇન ચેટ કરે છે, શું વાત કરે છે, કોની સાથે હેંગઆઉટ કરે છે, કોની સાથે અભ્યાસ કરે છે વગેરે બાબતો પેરેન્ટ્સ સુધી પહોંચતી જ નથી. તેથી, કિશોર બાળકો અને માતા-પિતા વચ્ચે તેમની મૈત્રી સંબંધો અંગે અનેકવાર ચકમક ઝર્યા કરે છે.

મૈત્રી અમૂલ્ય અને અનન્ય બાબત છે. પરંતુ કિશોરાવસ્થા એટલો નાજુક તબક્કો છે કે તેમને ચમકતું હોય તે સોનું જ દેખાય છે. મિત્રવર્તુળ સારું હોય તો કઈ વાંધો નથી. પરંતુ જો બાળક ખોટી સંગતમાં આવી ગયું તો બાળકમાં જિદ્દીપણું, ચડસાચડસી, જૂઠું બોલવું, ચોરી કરવી, કોઈને નુકસાન પહોંચાડવું, ધુમ્રપાન, મદ્યપાન, ડ્રગ્સ, હુક્કાબાર, જાતીય સંબંધો બાંધવા, જાતીય સતામણી કરવી, ગુનાહિત માનસિકતા જેવા દુષ્પરિણામો જોવા મળે છે. વળી, કિશોરાવસ્થામાં થયેલા ખરાબ અનુભવોથી જ વ્યક્તિને પોતાની લિંગ અને પોતાના અસ્તિત્વ પ્રત્યે પણ શંકા થવા લાગે છે, જેનાથી મોટી વયે તે લિંગ પરિવર્તન કે લૈંગિક સંદિગ્ધતા અનુભવે છે.

કિશોરો સાથે હમદર્દી, સૌહાર્દ અને કુનેહથી કામ લો
તેથી, માતા-પિતાએ પોતાનાં વયસ્ક સંતાનો સાથે કેટલીક બાબતોમાં સ્પષ્ટ થવું ખૂબ જરૂરી છે. અહીં યાદ રાખવું કે એ બાળક છે, તમે બાળક નથી. તેની વય વધી રહી છે એટલે તેનાં રસ, રૂચિ, શોખ બધું બદલાતું રહે છે. તે હવે પહેલા ધોરણનું બાળક નથી, જે એક ચોકલેટ આપવાથી કે માત્ર આંખો દેખાડવાથી ડરી જાય. કિશોરો સાથે હમદર્દી, સૌહાર્દ અને કુનેહથી કામ લેવું ખૂબ જરૂરી છે.

બાળકને ભાષણ ન આપો, તેમની વાત સાંભળો અને સમજો

બાળક જ્યારે પોતાના જીવન, ઘ્યેય, શોખ કે મિત્રો વિશે વાત કરે ત્યારે તેને વાત કરતા અટકાવો નહીં, ભાષણ આપવાને બદલે તેની વાતો સાંભળો, તેને ખૂલવા દો, વારંવાર ટોકવાથી બાળક પોતાની વાત કરતું બંધ થઈ જાય છે, પોતાના મિત્રો કે સોશિયલ મીડિયા પર પોતાના આવેગોને વાળી દે છે. સમયાંતરે બાળક માતા- પિતાથી સંપૂર્ણ વિચ્છેદિત અનુભવે છે.

માતા-પિતાએ હંમેશાં બાળકના મિત્ર બનવાની જરૂર નથી
મિત્રવત પ્રેમ રાખો, મસ્તી કરો, પરંતુ બાળકને યાદ રહેવું જોઈએ કે તમે તેના વાલી છો એટલે એ સંબંધની મહિમા અને ગરિમા જળવાઇ રહે. હમણાં એક મિત્રના ઘરે અમારી ઉપસ્થિતિમાં જ તેમની 12 વર્ષીય પુત્રીએ અચાનક તેમને ગાલ પર તમાચો મારી દીધો. અમે સૌ સ્તબ્ધ થઈ ગયા તો અમારા મિત્ર કહે કે ‘મેં તેનું કાર્ટૂન બંધ કરી દીધું ને એટલે તેને ગુસ્સો આવ્યો અને એટલે એણે લાફો માર્યો. એ તો બાળક છે, એને મનમાં કંઈ ન હોય’ અને ખી-ખી કરી હસવા લાગ્યા. મને પ્રશ્ન એ થયો કે જો 12 વર્ષની વયે દીકરીને પોતાના પિતા પર હાથ ન ઉગામવાની ખબર ન હોય તો તેને ક્યારે સમજાશે? અને આના માટે જવાબદાર કોણ?

માતા-પિતાએ બાળકની દરેક ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. પરંતુ તેને એટલી સ્વતંત્રતા ન આપવી કે તે સ્વચ્છંદતામાં બદલાઈ જાય. બાળકને ઘરની આર્થિક પરિસ્થિતિ અને સામાજિક જવાબદારીઓથી વાકેફ રાખો, તેને દરેક બાબતોની મર્યાદા જણાવો. જેમ ટીવી જોવાનો કે ગેમ રમવાનો સમય નક્કી કરો છો તેમ તેણે પોતાના મિત્રો સાથે કેટલો સમય ગાળવો તે પણ જણાવો.

સંકુચિત માનસિકતાથી બાળક ખોટી સંગતમાં ફસાઈ શકે છે

વયસ્ક સંતાનોને ઘરમાં હળવું વાતાવરણ પણ આપીએ, તેના મિત્રોને તે ઘરે બોલાવી શકે, સાથે અભ્યાસ કરી શકે, મૂવીઝ, મસ્તી, પાર્ટી કરી શકે તેવી સગવડતા આપો. પરંતુ તેના મિત્રવર્તુળમાં કોણ છે, તેમનું વ્યક્તિત્વ કેવું છે, તેની માહિતી પણ રાખવી જોઈએ. કિશોર-કિશોરીઓના વિજાતીય મિત્રો હોય તો તેમાં કંઈ ખોટું નથી, તેવી સંકુચિત માનસિકતા ન દાખવીએ, સાથોસાથ આપણા બાળકને પોતાના શરીર, મન અને આત્માની સ્વચ્છતા, પવિત્રતા અને ગરિમા જાળવતા નાનપણથી જ શીખવીએ. જેથી, એ ખોટા આવેગો કે ભાવાવેશમાં આવીને તણાઇ ન જાય.

માતા-પિતા બાળક સાથે જેટલું પારદર્શી અને સત્યનિષ્ઠાભરેલું વર્તન રાખશે એવું જ બાળક શીખશે. માતા-પિતાએ પોતાના મિત્રોની વાતોથી અને ઉદાહરણથી બાળકોને મિત્રોની પસંદગી કરતા શીખવવું જોઈએ. વયસ્ક બાળકો સાથે પોતાની વાતો વહેંચવાથી, તેમની પરેશાનીઓ સાંભળવાથી, કોઈ ઝાડ નીચે પલાંઠી વાળી બેસવાથી, રાત્રે તારામઢિયા ખુલ્લા આકાશ નીચે ઊંઘવાથી અને ક્યારેક બાળક રડી પડે તો તેને ઉષ્માભેર આલિંગન આપવાથી જીવનની ઘણી સમસ્યાઓ હળવી થઈ જશે. બાળકને જીવન જીવવા જેવું લાગશે.
sweta_mehta@yahoo.com
(લેખિકા યુવા માતા-પિતાઓને માર્ગદર્શન રૂપ ‘ખીલતી કળીને વહાલ’ નામે પુસ્તક લખી ચૂક્યાં છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો