• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • To Make A Business Successful, Look At It Through The Eyes Of A Producer, Not A Consumer, If You Adopt 5 Points, No One Can Stop You From Reaching The Heights Of Business !!

મનન કી બાત:વ્યવસાયને સફળ બનાવવા કન્ઝ્યુમરની નહીં, પ્રોડ્યુસરની નજરથી જુઓ, 5 ગુણ અપનાવશો તો બિઝનેસમાં ઉંચાઈનાં શિખર સર કરતાં કોઈ નહીં રોકી શકે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલના જમાનામાં આંત્રપ્રેનર બનવું એ એક ફેશન બની ગઈ છે. સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિએ પોતાના બોસ પોતે બનવું હોય છે. ઓફિસના નાનામાં નાનાથી મોટામાં મોટી વ્યક્તિના મનમાં એક વિચાર તો હોય જ 'આ વ્યવસાય હું ચલાવતો હોત તો ખૂબ અલગ રીતે ચલાવત.' પરંતુ ઘણા લોકો પોતાનો વ્યવસાય સફળતાપૂર્વક ચલાવી નથી શકતા. થોડા સમય પહેલાં એક ખૂબ સરસ પુસ્તક વાંચ્યું. જેનું નામ છે 'મિલિયોનર ફાસ્ટલેન.' આ પુસ્તકમાં અલગ-અલગ સફળ થયેલા વ્યવસાયોનો નિચોડ છે. આ વ્યવસાયના 5 મુખ્ય મનોવૈજ્ઞાનિક તફાવતો પણ કહેવાનો પ્રયત્ન કરીશ.

દુનિયામાં 60% લોકો 'સાઈડવૉક' મનોવિજ્ઞાનવાળા હોય છે. આ એવી વ્યક્તિઓ છે જે એક પગારથી બીજા પગાર સુધી જીવે છે. એનું જીવન બચત અથવા ઇન્વેસ્ટમેન્ટથી નહીં પણ પોતાની રોજની મહેનતથી ચાલે છે. આપણે સામાન્યપણે એવું માનીએ છીએ કે આવા લોકો રોજિંદા કામ કરવાવાળા લોકો જ હોય છે. પરંતુ આ શ્રેણીમાં એવા કેટલાક ભણેલા-ગણેલા લોકો પણ આવે છે કે જે એક પે ચેકથી બીજા પે ચેક સુધી જીવતા હોય છે.

તેમજ ઘણા બધા લોકો 'સ્લો લેન'ના પણ હોય છે. આપણી પહેલાની પેઢી વિશે વિચારીએ તો મોટાભાગના લોકો આ શ્રેણીમાં આવે. આ શ્રેણીના લોકોની મુખ્ય કમાણી પોતાની નોકરી વડે થતી હોય છે. પોતાની નોકરીમાંથી કમાયેલા પૈસામાંથી આ વ્યક્તિ પોતાના ઘર ખર્ચ અને બીજા મોટા ખર્ચ ચૂકવતી હોય છે. વધતા થોડા ઘણા પૈસાનું ક્યાંક રોકાણ કરી અને વ્યક્તિ એક એવું સપનું જોતી હોય છે કે જ્યારે હું નિવૃત્ત થઉં ત્યારે હું મારા કમાયેલા પૈસાનો આનંદ માણી શકીશ.

'ફાસ્ટ લેન'ના લોકો આ બંને પ્રજાતિથી ખૂબ અલગ હોય છે. સહેલા પૈસા એક મિથ્યા છે. પરંતુ મોટાભાગના લોકો સહેલા પૈસા અને ઝડપથી કમાયેલા પૈસા વચ્ચે તફાવત કરી શકતા નથી. આપણે એવું ચોક્કસ સાંભળ્યું છે કે પૈસા ઝાડ પર ઊગતા નથી. પરંતુ પૈસાનું ઝાડ ચોક્કસ ઉગાડી શકાય. પૈસાનું ઝાડ એટલે શું? પૈસાનું ઝાડ એટલે પૈસા કમાવવાની એવી રીત કે જેના માટે તમારે સતત તમારો સમય આપવો નથી પડતો. જેમ કે, તમે તમારી નોકરી પર ન જાઓ તો તમે પૈસા ન કમાઈ શકો. અથવા તમે તમારી દુકાન પર આજે ન બેસો તો તમે પૈસા નથી કમાઈ રહ્યા. પરંતુ જો તમારી પાસે આવકનું એવું માધ્યમ હોય કે જેના માટે તમારી સતત હાજરી અથવા તમારી સતત મહેનત જરૂરી નથી તો એ એક રીતે પૈસાનું ઝાડ થયું કારણ કે, એ પોતાની રીતે ઊગ્યા કરે છે. પૈસાનાં ઝાડ તમે અલગ અલગ રીતે ઉગાડી શકો:

સૌથી જાણીતો રસ્તો છે પ્રોપર્ટીમાં રોકાણ કરી અને એ પ્રોપર્ટી ભાડે ચઢાવી દેવી. એકવાર તમે એ પ્રોપર્ટી ખરીદીને ભાડે ચડાવી દીધી પછી એ તમને સતત પૈસા આપ્યા કરશે.

બીજો રસ્તો છે કે વ્યવસાયનું એક એવું માધ્યમ બનાવો કે જે બીજા વ્યવસાયો અને ગ્રાહકોને જોડે. તમારે એ માધ્યમ એકવાર બનાવવું પડશે. પરંતુ એના બદલે તમને એ વ્યવસાય અને એ ઘરાક બંને સતત પૈસા આપ્યા કરશે. જેમ કે, એમેઝોન અથવા ફ્લિપકાર્ટ જેવી કંપની.

ત્રીજો રસ્તો છે કે કોઈ કન્ટેન્ટ બનાવવું. કન્ટેન્ટ એટલે કે કોઈ પુસ્તક લખવું અથવા વીડિયો બનાવવો, પિક્ચર બનાવવું અથવા સંગીત બનાવવું. તમે જ્યારે એક કન્ટેન્ટ નવું બનાવો ત્યારે ચોક્કસ એમાં ખૂબ મહેનત લાગે છે. પરંતુ એકવાર બની ગયા પછી એ કન્ટેન્ટ આપોઆપ પૈસા બનાવતું રહે છે. જેમ કે, તમે પહેલીવાર જ્યારે એક પુસ્તક લખ્યું ત્યારે એમાં ખૂબ મહેનત ચોક્કસ છે. પરંતુ એકવાર એ પુસ્તક બહાર પડી ગયું પછી એની જેટલી પણ એડિશન અને એનું જેટલું પણ વેચાણ દુનિયાભરમાં થશે એ તમને પૈસા કમાવી આપશે.

ખૂબ સફળતા અને પૈસા મેળવવા માટે એક વસ્તુ ખૂબ જરૂરી છે. આપણી મનોવસ્થા એક કન્ઝ્યુમરની નહીં પરંતુ એક પ્રોડ્યુસરની હોવી જોઈએ. એક કન્ઝ્યુમર જ્યારે કોઈ હોટેલમાં જાય તો એ વિચારે છે કે આ શાક બહુ સારું હતું અને આ રોટલી ખરાબ હતી. પરંતુ એક પ્રોડ્યુસર જુએ છે કે કેટલા લોકો અહીં કામ કરે છે, અહીંનું ટર્ન ઓવર કેટલું હોઈ શકે, આ જગ્યા કેટલો અને કેવો નફો કરતી હશે, વગેરે.

બીજી એક વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપણે રસ નહીં કટિબદ્ધતા બતાવવાની છે. તમને કોઈ વસ્તુમાં રસ અથવા રુચિ હોય તો એ તમે અઠવાડિયે બે કલાક અથવા 3 કલાક કરો. પરંતુ જો તમે કોઈ વસ્તુ પ્રત્યે કટિબદ્ધ હો તો તમારા દિવસનો દરેક કલાક તમે એ જ વસ્તુ વિશે વિચારતા રહેશો.

એક સફળ કંપનીની મનોવસ્થાના પાંચ મુખ્ય ગુણ હોય છે:
1. જરૂરિયાતનો ગુણ-
દરેક સફળ વ્યવસાય એક એવો પ્રોબ્લેમ સોલ્વ કરે છે જેની જરૂરિયાત કોઈકને તો ચોક્કસ હોય છે. જેમ કે, પાનનો ગલ્લો ઘરથી નજીક પાન મળવાની જરૂરિયાત પૂરી પાડે છે. એક નિશાળ બાળકોના ભણતરની જરૂરિયાત પૂરી પાડે છે. જો તમારો વ્યવસાય કોઈ જરૂરિયાત પૂરી નહીં પાડતું હોય તો એ વ્યવસાયના સફળ થવાના ચાન્સ ખૂબ ઓછા છે.

2. એન્ટ્રીનો ગુણ- જે વ્યવસાયો એવા ક્ષેત્રમાં હોય છે કે જેમાં બીજી વ્યક્તિની એન્ટ્રી લેવી ખૂબ અઘરી હોય એવા વ્યવસાયોના સફળ થવાના ચાન્સ ખૂબ વધુ હોય છે. જેમ કે, આપણા સમાજમાં ડોક્ટરના વ્યવસાયમાં એન્ટ્રી લેવી થોડી અઘરી છે અને એટલે ડોક્ટરના જીવનમાં આર્થિક પરિસ્થિતિ સ્થિર ગણાય છે. આપણે એવું માનીને ચાલીએ છીએ કે વ્યક્તિ ડોક્ટર હશે તો ગરીબી રેખાની નીચે આવવાનો તો પ્રશ્ન જ નથી આવતો.

૩. કંટ્રોલનો ગુણ - તમારા વ્યવસાયમાં જો વ્યવસાયની નાનામાં નાની વસ્તુ તમે કંટ્રોલ કરી શકશો તો એ વ્યવસાય સફળ હોવાના ચાન્સ ખૂબ વધી જાય છે. જેમ કે, એપલના આઇફોનની ડિઝાઇન, પ્રોડક્શનથી લઈને માર્કેટિંગ દરેક વસ્તુ એપલ પોતે જ કંટ્રોલ કરે છે. તમારા વ્યવસાયના કંટ્રોલમાં જો તમે ખુદ નહીં હો તો વ્યવસાય સફળ હોવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જતા હોય છે.

4. સ્કેલનો ગુણ - તમારો વ્યવસાય જેટલા લોકોની વધારે ને વધારે જરૂરિયાતો પૂરી પાડી શકે એટલો જ વધારે સફળ તમારો વ્યવસાય હશે અને એટલા જ વધારે પૈસા તમને કમાવી આપશે. એક પ્રખ્યાત કહેવત છે કે, 'લાખો કમાવવા માટે લાખો લોકોની જિંદગી લડવી પડે અને કરોડો કમાવવા માટે કરોડોની.' જેમ કે, એક એવી વ્યક્તિ કે જે પોર્ટ (શિપિંગ)નો ધંધો કરે છે, જેના કારણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થકી એક લાખો કરોડો જીવનની જરૂરિયાતો પૂરું પાડવાનું કામ કરે છે એ ખૂબ વધુ કમાશે.

5. સમયનો ગુણ - એક એવો વ્યવસાય કે જે જ્યારે તમારી શારીરિક અથવા માનસિક હાજરી એ વ્યવસાયમાં નથી હોતી છતાં એ વ્યવસાય પોતાની રીતે ચાલ્યા કરે તો એવો વ્યવસાય તમને ખૂબ વધુ પૈસા કમાવી આપશે.

મન: તો પોતાને એક પ્રશ્ન પૂછો કે તમારા અત્યારના વ્યવસાયમાં આમાંથી કયા ગુણો છે અને જે ગુણ ઘટે છે એ તમે કઈ રીતે પૂરા પાડી શકશો જણાવો.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...