• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • To Get Peace From Home And Office, Mahesh Used To Force The Doctor To Enter The Hospital On The Pretext Of Illness ... But The Doctor Solved The Problem Not By Force But By Key !!

મારી વાર્તા:ઘર અને ઓફિસથી છૂટવા અને શાંતિ મેળવવા મહેશ બીમારીનાં બહાનાં કાઢી દવાખાનામાં દાખલ થવા ડોક્ટરને દબાણ કરતો...પણ ડોક્ટરે બળથી નહીં કળથી સમસ્યા હલ કરી!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં દર્દીને તપાસી ડો. સુનીલ ઓફિસ સમેટતા હતા ત્યાં જ અવાજ સંભળાયો, 'આવું સાહેબ?'

ડોક્ટરે પાછળ ફરીને જોયું તો એમનો જૂનો દર્દી મહેશ હતો. ડોક્ટરે કહ્યું, 'આવને ભાઈ.'

સાથે એની પત્ની એક બાળકને છાતીએ વળગાડી હસતી હસતી આવી.

'કેમ છો સાહેબ? લો મોં મીઠું કરો. આ અમારો દીકરો ત્રણ મહિનાનો થયો.' એમણે પેંડાનું બોક્સ ટેબલ ઉપર મૂક્યું.

'અરે વાહ! ખૂબ અભિનંદન, મારા આશીર્વાદ!' કહીને ડોક્ટરે બાબાના માથા ઉપર સહેજ હાથ ફેરવ્યો.

'કોઈ તકલીફ તો નથી ને?'

'ના સાહેબ, તમને મળવા જ આવ્યાં છીએ.' થોડીવાર આમતેમ વાતો કરી તેઓ ગયાં. કેટલાં બદલાઈ ગયાં છે આ મહેશ અને સરલા! અને ડોક્ટર ત્રણ વર્ષ પહેલાંના ભૂતકાળમાં સરી પડ્યા. *** મહેશ ત્યારે એક મહિનામાં ત્રીજીવાર ડો. સુનીલને બતાવવા આવ્યો હતો. 'જુઓ ડોક્ટર, આજે પણ મારા પેશાબમાં લોહી આવ્યું છે અને પેટમાં દુઃખે છે.' ડો. સુનીલને ખબર હતી કે એ ખોટું બોલે છે. સાંજે પેશાબનો રિપોર્ટ આવ્યો. પેશાબમાં લોહી નહોતું, કોઇ રંગ ભેળવેલો હતો. ડોક્ટરનું નિદાન સાચું હતું, કંઈક કરવું પડશે. મહેશને ઓફિસમાં બોલાવ્યો. 'શું સાહેબ, કંઈ સિરીયસ નથી ને?' મહેશે પૂછ્યું.

'ના ભાઈ, એટલે જ તારી સાથે વાત કરવી છે.' થોડીવાર બંને એકબીજા સામે જોતા રહ્યા.

'મહેશભાઈ, થોડી પેટ છૂટી વાત કરો તો તમને હું મદદ કરી શકું. મારી તપાસ અને બીજા રિપોર્ટમાં પણ કોઈ રોગ હોય એવું નિદાન આવતું નથી. તમે કોઈ ટેન્શનમાં છો. મને કહેશો શું તકલીફ છે ભાઈ?'

મહેશ થોડી વાર ચૂપ રહ્યો. નીચું જોઈ ગયો.

'હા સાહેબ! તમારી વાત સાચી છે.' ત્યારબાદ એણે જે વૃત્તાંત કહ્યું તે આ પ્રમાણે હતું.

મહેશને સારી કંપનીમાં નોકરી હતી. એનો ઉપરી ખૂબ જ ખરાબ રીતે એને નાની-નાની વાતમાં ધમકાવીને હેરાન કરતો હતો. મન મૂકીને કામ કરવા છતાં બોસના આવા સ્વભાવથી એ ખૂબ દુઃખી અને નિરાશ થઈ ગયો હતો. કંટાળીને સાંજે ઘરે આવે ત્યારે એની પત્ની સરલા અને મમ્મીનો ઝઘડો થયો હોય. સત્ય શું છે સમજ્યા વગર અને બંને તરફની લાગણીને લીધે એ ખૂબ તાણ અનુભવતો હતો. પાણી પણ ન પીધું હોય ત્યાં આવા કકળાટના વાતાવરણથી એ માનસિક રીતે દુઃખી થઇને ભાંગી પડ્યો હતો. એ મા-બાપનો મોટી ઉંમરે જન્મેલો એક જ દીકરો હતો. એમણે એને ખૂબ તકલીફ વેઠીને મોટો કર્યો અને ભણાવ્યો હતો. એ સરલાને ખૂબ પ્રેમ કરતો હતો. સરલાને તેના મા-બાપથી જુદા રહેવું હતું અને મહેશને કે એના માતા પિતાને એ મંજૂર નહોતું. આ કાયમના કકળાટથી એ માનસિક સંતુલન જાળવી શકતો નહોતો. ઘર અને ઓફિસથી છૂટવા અને શાંતિ મેળવવા કંઈક ને કંઈક બીમારીનાં બહાનાં કાઢી દવાખાનામાં દાખલ થવા ડોક્ટરને દબાણ કરતો હતો. ડોક્ટરે એને શાંતિથી સાંભળીને મદદ કરવાની ખાત્રી આપી. *** સાંજે સરલા ટિફિન આપવા આવે ત્યારે એની સાથે એકલા વાત કરી શકાય એવી ગોઠવણ કરી. સરલા આવતાં ડોક્ટરે એને સામેની ખુરશી પર બેસવા ઈશારો કર્યો અને નોંધ્યું કે એના ચહેરા ઉપર ચિંતા અને ગભરાટની રેખાઓ અંકિત થઈ છે.

'સરલાબેન કેમ છો?'

‘મજામાં. શું રિપોર્ટ આવ્યા સાહેબ? મહેશને સારું થઈ જશેને? શું થાય છે એમને વારંવાર?'

'ખાસ કંઈ નથી બહેન! સારું જ છે. રિપોર્ટ પણ સારા જ છે પણ મારે તમને થોડું પૂછવું છે, જો વાંધો ન હોય તો.'

‘પૂછો સાહેબ, તમારી સામે શું છૂપાવવાનું.'

'કેટલાં વર્ષ થયાં તમારાં લગ્નને? મહેશ સાથે ફાવે છે ને?'

'ત્રણ વર્ષ થયાં. મહેશ તો ભગવાનનો માણસ છે, અમને બંનેને ખૂબ પ્રેમ છે.'

'તમને ઘરમાં કોઈ તકલીફ છે?'

'સાહેબ શું કહું! મારી સાસુ મને ખૂબ હેરાન કરે છે. વાત વાતમાં ટોક્યા કરે, આ કેમ આમ છે? અહીં કેમ આ પડ્યું છે? હવે ટીવી જોવાનું બંધ કરો, કંઈક સારું વાંચતી હોય તો. કંઈ કામ કરતી હોઉં ત્યાં સલાહ સૂચનો આપ્યા કરે. સાચું કહું સાહેબ, હું એટલી કંટાળી ગઈ છું કે જુદા રહેવાનું કહું છું પણ મહેશ કે એ બંને માનતા નથી. દરરોજ ઝઘડો થાય છે. શું કરું?'

'આવું થાય, વિચારભેદ અને ઉંમરનો તફાવત હોય ત્યારે એકબીજાને સમજવામાં મુશ્કેલી થાય. તમારું પિયર તો આ શહેરમાં જ છે ને? તમારાં મમ્મી પપ્પા મજામાં છે ને?'

'હા સાહેબ, હું અઠવાડિયામાં બે વાર એમને મળવા જાઉં છું, એમના વગર હું રહી શકતી નથી. મારો ભાઈ બીજા શહેરમાં નોકરીને લીધે જુદો રહે છે.'

'તમને તમારાં માતા-પિતા ઉપર પ્રેમ છે એમ મહેશને પણ એનાં મા-બાપ ઉપર પ્રેમ હોય ને?' સરલાનાં ભવાં ઊંચાં થઈ ગયાં પણ કંઈ બોલી નહીં, સમજી તો હશે જ. સરલા સાથે વાત કર્યા પછી ડોક્ટર વિચારે ચડી ગયા. કારણ તો મળી ગયું, નિવારણ શું? *** બીજા દિવસે મહેશનાં માતા-પિતા ડોક્ટરને મળવા આવ્યાં. ડોક્ટર સુનીલે બધી હકીકત જાણવા પૂછ્યું, 'મહેશભાઈ કેમ ટેન્શનમાં રહે છે? કેમ બીમાર રહે છે તમને ખબર છે?'

'હા સાહેબ, શું કરે બૈરી જ એવી મળી છે. કામકાજમાં કોઈ ઠેકાણું નહીં, બસ ટીવી અને ફોન પર એના મા-બાપ જોડે વાતમાંથી જ નવરી નથી પડતી.'

'એમાં શું, દીકરી એનાં મા-બાપ સાથે વાત તો કરે જ ને, અને દરેકની કામ કરવાની રીત કે ટેવ જુદી હોય.' ડોક્ટરે કહ્યું.

'સાહેબ, પણ કંઈ પણ કામ સોંપીએ કે આમ કર તો ઝઘડો કરે અને ગમે તેમ બોલી સંભળાવે છે. મને અને મહેશના બાપુનું સમયસર ખાવા-પીવાનું પણ સાચવતી નથી અને ત્રણ વર્ષ થયાં એનો ખોળો ભરાયો નથી. તપાસ કરાવવા કહીએ તો રડવા માંડે છે.'

'પતિ-પત્નીને યોગ્ય વાતાવરણ ન મળે તો બાળક થવામાં અડચણ આવે. તમારા ઘરમાં જે વાતાવરણ છે એ સારું ના કહેવાય!'

'તો શું કરીએ સાહેબ એ સમજવા જ તૈયાર નથી.'

'જુઓ બા, સમજવાનું તો બંને પક્ષે હોય, થોડી બાંધછોડ તમે કરો એનેય પોતાની રીતે જીવવાનાં અરમાન હોય.'

'એને જુદા રહેવા જવું છે, સાહેબ તમે જ કહો આ ઉંમરે અમે એકલાં કેમ રહીએ?'

'જમાના પ્રમાણે માણસે બદલાવું પડે, તમને જુદા રહેવામાં શું વાંધો છે? તમે બંને હજી હરતાં ફરતાં અને સ્વસ્થ છો, દાદાનું પેન્શન પણ આવે છે ને? ઘરકામ માટે કામવાળી આવે જ છે ને!'

'હા, સાહેબ, પણ જુદા રહીએ તો લોકોમાં આબરુ શું રહે?'

'ગામને મોઢે ગરણું બંધાય નહીં. હું તમારા જેવા વડીલોને સલાહ આપી શકું નહીં, પણ ડોક્ટર તરીકે મહેશને સાજો કરવાની ફરજના કારણે જ હું કહું છું કે થોડાં વર્ષો માટે જુદા રહો એમાં કંઈ ખોટું નથી.'

'મારો મહેશ અડધો થઈ જશે. એને એકલો મૂકતાં અમારો જીવ નથી માનતો.'

'મહેશને હું સમજાવીશ અને એક જ શહેરમાં રહેવાનું છે એટલે વાર-તહેવારે અને કામ પ્રસંગે મળતાં રહેશો તો આનંદ આવશે.' આ દરમિયાન મહેશના પિતા ખાસ કંઈ બોલ્યા નહીં, સહેજ હા કે નામાં માથું હલાવી દેતા હતા. ડોક્ટરે આખરે સમજાવટથી કહ્યું, 'જુઓ, મહેશ તમારા બંનેના ઝઘડાથી ભાંગી પડ્યો છે. તેની બીમારીનું કારણ પણ એ જ છે. મહેશને સારો કરવાની આ એક જ દવા છે. બાકી હું હવેથી ખાસ રોગ વગર મહેશને દાખલ નહીં કરું. એને કોઇ માનસિક રોગના નિષ્ણાત ડોક્ટર પાસે મોકલી આપીશ.'

આ સાંભળી બંને ગભરાયાં. એકબીજા સામે જોયું. ડોક્ટરે કહ્યું, 'સરલાને બાળક થશે પછી એ તમારી સાથે રહેવા રાજી થશે, બાળકને સંભાળવા તમે એને મદદરૂપ થશો.'

'હા, સાહેબ! તમારી વાત બરાબર લાગે છે. પણ... ' ડોક્ટરે વચ્ચે જ બાને બોલતાં અટકાવી કહ્યું, 'આ મહેશના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, મારું માનો તો સારું.'

આખરે ડો. સુનીલે એમને જુદા રહેવાની વાત ગળે ઉતારી. તેઓ ગયા પછી શું થયું હશે એની ખબર આજે મળેલા પેંડાના બોક્સને લીધે પડી. ડોક્ટર સુનીલે સંતોષનો શ્વાસ લઈ પેંડો મોંમાં મૂક્યો.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)