એણે ધડામ દઈ બારી ખોલી. પડોશની પરસાળમાં ખાટલે પડેલું હાડપિંજર સળવળ્યું. બેઠું થયું, નીચે નમીને હાથ લંબાવ્યા ને ખોં ખોં ખોં... ધરતીકંપના આંચકે ધરતી ધ્રુજી ઊઠે એમ એ આખે આખું હાલી ઊઠ્યું. પહેલાં કફ સીરપની બોટલ ઢોળાઈ. આજુબાજુ છૂટીછવાઈ આમતેમ ભમતી માખીઓને ક્યારનીય ગંધ આવી ગઈ હતી. માખીઓનું આખું લાવલશ્કર બણબણતું પેલા રેલા ઉપર મંડરાઈ ગયું . ડોસાના ચહેરાના ગોખલાના દીવામાંથી ધુંધળી તેજરેખા એના તરફ આવી ને નજર મળે એટલી વારમાં તો એણે મોં મચકોડી બારીને ધડામ કરતી બંધ કરી.
એણે બબડાટ શરૂ કર્યો, ‘જો ને આ છ મહિનાથી આ બારી ખોલી શકાતી જ નથી. જ્યારે ખોલો ત્યારે એ ખોં ખોં ખોં..! એ બાઈને સત્તર વાર કીધું કે, આ ડોસાને કોઈ સારા દવાખાને બતાવી જો. એને તો આ મડદાલ ડોસાની દવાદારૂના પૈસા થાય છે! ખર્ચ કરવો નથી. બસ, આમ જ આ ખાટલામાં નાખી મેલવાનો? બિચારો ડોસો ખાંસી ખાતાં ખાતાં બેવડ વળી જાય છે. બાપ રે, એટલી બધી ખાંસી કે એની આંખમાંથી પાણી ય નીકળી જાય છે.
આપણે એ બાઈને ખાંસીની વાત કરીએ તો એને ગમે જ નહિ. એ તો કહે કે, ડોસાને ટી.બી. નથી. અમારી સાત પેઢીમાંય કોઈને ટી.બી. થયો જ નથી. એ તો એ ખાવામાં કાળજી ના રાખે અને છાશ કે એવું ખટાશવાળું ખાય ત્યારે ખાંસી આવે. અને આમે ય ઘરડા માણસને કમજોરી હોય એટલે આંખમાં પાણી આવી જાય. બાકી ટી.બી. તો નથી જ. પણ એમાં સાચું શું? આપણે તો થોડું સાચવવું પડે કે નહિ? એ બાજુથી વાયરો આ બાજુ જ આવે ને? અને બાપ રે, એ વાયરામાં પેલા જીવાણું હોય તો? બળ્યું, આ બારી ક્યારેય ખોલવી જ નહિ. આ બારી કાયમ બંધ રહે ને એટલે આ મચ્છરો ય કેટલા બધા થઇ ગયા છે. હવડ ઘર હોય એમ આ કરોળિયાનાં જાળાં ય ઝળુંબી રહ્યા છે. કોઈક જુએ તો મને જ ફૂવડ ગણે ને?
એણે ખૂણામાં પડેલું લાંબું ઝાડું લીધું. બારી ઉપર ઝળુંબી રહેલાં જાળાંને પાડવા મહેનત કરી, પણ ત્યાં સુધી પહોંચી ના શકાયું. ઘરમાં નાનું સ્ટુલ તો હતું નહિ. એણે આમતેમ નજર દોડાવી. ખુરશી ગોઠવી ને એના પર ચડીને સાફ કરવા વિચાર્યું, પણ હજી તો ગયા મહિને જ બાથરૂમમાં લપસી પડી હતી અને પંદર દિવસનો પાટો બાંધવો પડ્યો હતો. ના ના, ખુરશીનો શો ભરોસો? ક્યાંક ડગી જાય તો? ના ના, આવું સાહસ નથી કરવું. છોને આ બારી બંધ જ રહેતી!
બારીની તિરાડ ભેદીને પેલું ખોં ખોં ખોં એના કાને અથડાયું. એણે પગ પછાડ્યો ને બબડી, ‘આ મરતોય નથી ને માંચો મેલતોય નથી. આખો દહાડો બસ ખોં ખોં ખોં...કે ઊહ.. ઓહ... ગયા જન્મનાં પાપ હશે કે આ ડોસાને અને મારે આવા લેણસંબંધ હશે તે આ મારો પાડોશી થયો? કોણ જાણે આજ એનું મોં જોયું છે. તે દહાડો કેવો જશે? એણે જોરથી બારણું બંધ કર્યું ને ઓરડાની બહાર નીકળી ગઈ.
એ બાથરૂમ તરફ વળી. એણે હાથપગ ધોયા. માથું ઓળ્યું. ઓરડામાં એક લટાર મારી તોય હજી મયુર આવ્યો ન હતો. મનમાં થયું આજનો દહાડો. બળ્યું જો બીજો કોઈ પ્રસંગ હોય તો જવાનું જ માંડી વાળત, પણ આતો છોકરો જોવા આવવાનો છે ના જઈએ તો પાછાં બોન બા કહે કે, ‘તને ગમ્યું નહિ?’
એ છાપું લઈને બેઠી. છાપામાં મોટા મોટા અક્ષરે લખેલા સમાચારનાં મથાળાં વાંચી લીધાં. એની નજર કોઈ નવજુવાનના બેસણાની જાહેર ખબર પર ગઈ. એ બબડી, ‘જોને આ જવાન જવાન જતા રહે છે અને આ ડોસો? એનો હાથ અનાયાસે જ પેલી બારી તરફ લંબાયો. એણે છાપું ફેંક્યું. એ ઓસરીમાં આંટા મારતાં મારતાં બબડતી રહી, ‘બસ, આ ડોસલાનું મોં જોવાઈ ગયું છે ને એટલે કૈંક નવાજૂની તો થવાની જ. હું જ મૂઈ એવી તે આજ સારા કામે જવાનું હતું ને તોય આ બારી ભણી દોટ મૂકી.
ખાસ્સી બે કલાક રાહ જોઈ ત્યારે મયુર આવ્યો. એ આવ્યો એવો જ ઉતાવળો. ઝટપટ નાહ્યો ને તૈયાર થઇ ગયો. વહેલા જવાય એ લહાયમાં એણે બાઈક હાઈવેને બદલે ગામડાવાળા ટૂંકા રસ્તે લીધું.
જવાની ઉતાવળ એટલે મયુરનું ધ્યાન બાઈક ચલાવવામાં હતું, પણ રુચાનું મોં બંધ ઓછું રહે! એણે શરુ કર્યું, ‘આ જોડેવાળીનો ડોસલો મૂઓ, ખાંસ્યા જ કરે છે. એવી એ ડોસાને દવાખાને નાખી આવતી હોય તો! એના લૂગડાંય વરંડાની પાળી પર સૂકવે છે એ ભઠવેડાને લીધે બારી તો ખોલાય જ શેની? વચ્ચેની પાળી ઊંચી કરાવી લ્યો.. તો શાંતિ થાય. મયુરે એની વાત સાંભળવા કાન સરવા કર્યા, પણ ત્યાં તો બાઈક હાલક ડોલક થતું લાગ્યું. ઊભું રાખીને જોયું તો પાછલા વ્હીલમાં પંક્ચર! એ બબડી, ‘પેલા ડોસલાનું મોં જોયું ને એટલે!’
‘અહીં ના મળે પેટ્રોલપંપ કે ના મળે પંક્ચર કરવાવાળો. આકરા તાપમાં ગુલમહોર નીચે બેય જણ ઊભાં રહ્યાં. આવતાં જતાં વાહનને એ હાથ કરી રોકવા પ્રયાસ કરતાં. કોઈક છેક નજીક વાહન લઈને આવતું અને પછી એ વધુ તેજ ગતિએ ત્યાંથી પસાર થઇ જતું. બંનેએ ત્યાં આગળ ઊભાં ઊભાં દોઢ કલાક રાહ જોઈ. આખરે એક ટેમ્પાવાળો બાઈકને લઇ જવા તૈયાર થયો. પંચર રિપેર તો થયું, પણ સાંજ પડી ગઈ. મુરતિયો આવી ગયો હતો, એમની વાટ જોવાતી હતી. એ ત્યાં પહોંચ્યા પછી આગળની કાર્યવાહી થઇ, પણ એમ કરવામાં ખાસ્સો સમય પસાર થઇ ગયો. અંધારું ઊતરી આવ્યું હતું ને પછી રાત રોકાવું પડ્યું.
સવારમાં સાત વાગ્યે એ શેરીના નાકે આવીને ઊભાં. દૂરથી જોયું તો એમના ઘર આગળ ખાસ્સું લોક ભેગું થઇ ગયેલ. સામેની પરસાળમાં પેલો ડોસો ચતોપાટ પડેલો. એણે એ તરફ જોઈને મોં મચકોડ્યું. એ મનમાં જ બબડી, ‘આ ડોસો મરતાં મરતાંય મારે ઘેર ગંધ મૂકતો જવાનો!’
એના કાને શબ્દો અથડાયા, ‘મયુરભાઈ, ભલા માણસ રાત રોકવાના હતા તો કોઈકને ઘર ભળાવીને ના જવાય? એ તો સારું થયું કે, ચોર તાળાં તોડી ને ઘરમાં પેઠા એ જ વખતે આ ડોસાએ ખાંસી ખાધી, ઊઠ્યા ને બૂમ પાડવા જતા હતા ત્યાં તો પેલા બહાર ઊભેલા ચોરે ડોસાને ઊંચકીને પરસાળમાં ફેંક્યા અને નાસી ગયા...!
એ ઘરમાં ગઈ. આમતેમ ઘરમાં જ ચક્કર માર્યાં. ઘરમાં બધું જોઈ લીધું. હાશ! કશું ગયું નથી! એ પેલા ઓરડામાં ગઈ. આખો ઓરડો સાવ સૂનો સૂનો લાગ્યો. પેલા કરોળિયાનાં જાળાંમાંથી માખ નીકળવા ફાંફાં મારતી હતી. એણે જાળું તોડી નાખ્યું અને કાનને સરવા કર્યા. કોઈક અણસારને ઝીલવા-પામવા એ અધીર બની હતી. ઓરડામાં આમતેમ આંટા માર્યા. એ ઝડપથી પેલી બારી આગળ ગઈ, પાંપણે ઝળુંબી રહેલાં આંસુનાં બુંદને આંગળીના ટેરવે લૂછતાં લૂછતાં એણે બારી ખોલી નાખી ને ભયંકર સૂનકાર ધસી આવ્યો..!
એ તાકી રહી એના પિતાજીના ફોટાને. બારીમાંથી આવેલું સૂર્ય કિરણ પેલા ફોટામાં સમાઈ ગયું.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.