મારી વાર્તા:મારા હાઈ બ્લડ પ્રેશર, એસિડિટી, ચિંતા, અનિદ્રાના રોગનું કારણ આ સાહેબ જ હતા ને... ભલે મુઓ એકલો! મારે હવે કોઈ ઓળખાણ નથી કાઢવી!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમ તો મારે અને એ માણસને હવે ખાસ લાગતું વળગતું નહોતું, પણ તે મારા ભૂતપૂર્વ સાહેબ હતા ને હું તેનો પટ્ટાવાળો. પણ પંદર વર્ષથી હવે તો અમે બંને નિવૃત્ત.

છેલ્લાં ઘણાં વર્ષોમાં તો અમારે મળવાનું પણ બન્યું નહોતું. અરે, મારે જ એ સાહેબનું મોઢું જોવું ન હતું કારણ કે, આ ઉંમરે પણ હું ઘણીવાર રાત્રે ઝબકીને જાગી જાઉં છું, ચમકી જાઉં છું, પથારીમાં જ સંકોડાઈ જાઉં છું એ સાહેબની ધરા ધ્રુજાવતી ત્રાડથી, દુર્વાસા જેવા લાલઘૂમ આંખો ધરાવતા ચહેરાથી. તેમની હાજરીમાં આખા સ્ટાફના સવારના દસથી સાંજના છ કલાક હાઈ બીપીમાં જ પસાર થતા અને આજે અચાનક તેઓ મને મારાં અંતિમ વર્ષોમાં જીવન સંધ્યાના આ બગીચામાં આ રીતે ઇવનિંગ વોક વખતે ભેગા થશે એવી કલ્પના તો ક્યાંથી આવે જ?

આ તો મારા દીકરી જમાઈના આગ્રહથી હવે હું અંતિમ વર્ષો દીકરી સાથે જ ગાળવા આ શહેરમાં આવ્યો હતો. નજીકમાં આવેલા વૃદ્ધાશ્રમમાં નિયમિત સેવા આપી સંતોષભર્યું જીવન જીવતો હતો. ત્યાં જ આજે આ મારા સાહેબ પંદરેક વર્ષે બગીચામાં મારી સામે પ્રગટ થયા, પ્રથમ તો તેમની તાંબારંગી ટાલ જ મને દેખાઈ, નતમસ્તક હોવાથી ત્રિલોચનવાળું કપાળ અને લાલઘૂમ આંખો દેખાતી ન હતી. સાદા પાયજામા ખમીસમાં તો તેઓ ઓળખાય જ ક્યાંથી?

પણ ત્રાસવાદી વ્યક્તિ ની થોડી ઝલક દેખાય તો પણ આપણને પેલી મૂળ વ્યક્તિ સાંભરી આવે, ઓળખાઈ આવે છે અને એમાંય હું તો ચિત્રકાર!! મને તેનો તુંડમિજાજી ચહેરો, તુચ્છકાર ભરેલી વાણી, તુંકારો, મારી મજબૂરી, સતત ધમકીની ભાષા એવું બધું સાંભરી આવ્યું. મારા હાઈ બ્લડ પ્રેશર, એસિડિટી, ચિંતા, અનિદ્રાના રોગનું કારણ પણ આ સાહેબ જ હતા ને!!

આવું બધું સાંભર્યા પછી ઘડીભર થયું કે ભલે મુઓ એકલો! કોઈ ઓળખાણ કાઢવી નથી, ભલે ઠોં ઠોં કરી મોઢામાંથી લાળ પાડ્યા કરે મારે શું? સાહેબ હોય તો તેના ઘરે હવે મારી કોઈ જાતની ફરજ બનતી નથી કે મારે તેને સલામ મારવી પડે. આ જ લાગ ના છે, ભલે ને હાંફ ચઢે કે ચક્કર આવે! હવે તે મારો સાહેબ શેનો? હવે તો હું જ તે બાંકડે બેસી દેખાડી આપું કે, 'હવે, તું તારે ઠોં ઠોં કર્યા કરે ને બેવડ વળી જાય તોય હું પાણીનો ગ્લાસ આપવાનો નથી, તે મારી પર ઓછી વિતાડી નથી હોં! મેં જે સહન કર્યું હતું તે મારું મન જાણે છે' અને વટથી તેની હરોળમાં એક જ બાંકડે બેઠો, તેને હાંફતા જોઈને, તેની દમથી પીડાતી કાયાને પડતી હાડમારી જોઈને મને સંતોષ થતો હતો કોણ જાણે કેમ!

સાહેબ મારી તરફ જોતા ને હું અજાણ થઈ બીજી દિશામાં જોવા લાગતો. હવે ભલે મને ઓળખી લે, ભલે જોઈ લે મારી તંદુરસ્તી, બૂટ મોજાં, ચાંદીની મુઠવાળી લાકડી, મારી ટટ્ટાર કાયા જોઈને છો બળ્યા કરે સાહેબ. ધીમેથી તેઓ મારી તરફ ફર્યા, હવે તેની આંખોમાં મને ઓળખી લીધાનો ભાવ દેખાણો. ત્રાંસી નજરે જોતાં તે અવઢવમાં હોય એવું લાગ્યું પણ દમનો ઉથલો તેને પરિચય કાઢતાં રોકતો હશે કદાચ! અને મેં સુગંધી 'પાન મસાલા'ની ફાકી મારા મોંમાં ઠાલવી ને પડીકીનો કાગળ ચપટીથી તેના તરફ છટકાવ્યો, લે-લે લેતો જા, આ જ લાગ નો છે તું ભોગવ હવે. થોડી વાર પછી કાબરના પલળેલા પીંછા જેવી તેની મૂંછ વચ્ચેથી ક્ષીણ અવાજ પરાણે પરાણે નિકળ્યો; .'બાબુભાઈ તો નહીં?.. બરવાળાવાળા!’, રોગ અને મજબૂરીથી ભીનો થયેલો નરમઘેંસ જેવો અવાજ!

મને થયું જેની જીભે 'બાબુડો' જ વસેલું, આ તેનો જ અવાજ? આમેય મને નવાઈ જેવું જ લાગે ને? હિટલર જેવો સાહેબ મને બાબુભાઈ કહી બોલાવે! બને જ નહીં ને! ના પણ તેઓ આવું જ બોલ્યા હતા. મારો અહમ સંતોષાણો કે કોણ જાણે કેમ મારા ઊંડા સંસ્કારો જાગી ઉઠ્યા, હું થોડો નરમ પડ્યો, સંસ્કારોએ મારું પતન થતાં અટકાવ્યું. મને થયું સાહેબ પણ હવે એક વૃદ્ધ તો ખરા જ ને! મને વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાંભરી આવ્યા ને બદલાની ભાવના ક્ષીણ થવા લાગી. મારી પોતાની જાતને સાહેબની જગ્યાએ મૂકી, મારી ભીતરમાં જોતાં મને મારી અંદર હાડપિંજર ને બદલે એક દંભી માણસ જ નજરે પડ્યો. કોઈ સાત્વિક તત્ત્વોએ મને ઝંઝોડયો; 'ઊઠ, ઊભો થા, ભૂલી જા ભૂતકાળને…’ મેં વિચાર્યું આજ વૃદ્ધ (સાહેબ)ની ગરમીમાં તપીને હું ઘડાયો, અનુભવી થયો. હવે તેને મારા નફરતના તાપની નહીં પણ હુંફની જરૂર છે અને મેં મારા વિખરાઈ જતા સંસ્કારોના પોટલાને ભીંસીને ફરીવાર તાણીને ગાંઠ મારી, બધો જ અભાવ વિસારીને સાહેબના ગોઠણ પાસે જ બેસી ગયો, 'હા હા સાહેબ, હું જ બાબુ. તમારે તે વળી મને બાબુભાઈ કહેવાનું હોય? વડીલ!.'

ને સાહેબની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા માંડ્યા, જાણે પસ્તાવાનું પુનિત ઝરણું. તેઓ મારા ખભા પર ઢળી પડ્યા. મેં મારી પાણીની બોટલ તેના મોઢે ધરી દીધી ને બંનેનો સંકોચ પણ દૂર થયો. હવે મને તેમની પેલી લાલઘૂમ આંખો સ્નેહાળ લાગવા માંડી. કરમાતા કમળ જેવી સફેદ કીકીમાં હવે ભૂતકાળ દફન થઈ ગયો, વૃદ્ધ બાપ દીકરા આગળ આંખોથી યાચના કરે તેવો ભાવ તેમનામાં દેખાતો હતો.

મેં સાહેબને કહ્યું, 'મારો ખભો પકડી લ્યો, ગેટ સુધી, તમારા શૉફરને ભળાવી દઈ હું નીકળું, અંધારું થાય તે પહેલાં તમે બંગલે પહોંચી જાઓ' અને આ કાર, શૉફર, બંગલો શબ્દ સાંભળી સાહેબ ગાંડાની જેમ મને તાકી રહ્યા, ફરી ફસડાઈ પડી બોલ્યા, 'અરે બાબુ! શું કાર, શું શૉફર, શું બંગલો બધું સ્વાહા થઈ ગયું, ભાઈ, હવે તો પેન્શન પણ હાથમાં નથી આવવા દેતા વહુ દીકરો! પીએફ પણ કોણ જાણે ક્યારે ઉચાપત કરી ગયા, હોસ્પિટલમાંથી સીધા આ વૃદ્ધાશ્રમમાં ધક્કો મારી દીધો વહુ દીકરાએ, ભાઈ બાબુ.'

સાહેબ શ્વાસ લેવા રોકાયા. વળી, તગતગતી આંખોએ બોલ્યા, 'ભાઈ બાબુ હું તને રોજ મારી બારીમાંથી વૃદ્ધાશ્રમમાં પ્રવેશતો જોઉ છું ને ત્યારે ત્યારે શરમનો માર્યો સંતાઈ જાવ છું, ને કાં તો બારી બારણાં બંધ કરીને તું મને ઓળખી ન લે તેથી ભાગતો ફરું છું, કાં તો અહીંયા આવીને તું નીકળી જાય ત્યાં સુધી બેસી રહુ છું, ભાઈ આને જ મારી જીવન સંધ્યાની લાલીમા ગણો કે કાલીમા!, હવે તો મોતની વાટ જોયા કરું છું બાબુ!' ને પછીનો એક કલાક સાહેબનું હૈયું ખાલી થવા જ દીધું.

ત્યારબાદ સાહેબને તેમના પલંગ પર પહોંચાડી હું દીકરી જમાઈ સાથે જમવા ભેગો થયો. જમતી વખતે મારી મોં પર ચમક જોતા દીકરી બોલી ઉઠી, 'ડેડી આજે કેમ વધારે ખુશ દેખાવ છો, કંઇક સંતોષપૂર્ણ બન્યું હોય તેવા ભાવ કેમ ચહેરા પર દેખાય છે?' હવે હું તેને કેમ સમજાવું કે મને પણ હવે બાપ, મોટો ભાઈ કે વડીલ મળી ગયો છે, ગોઠણે માથું ટેકવી હૈયું ખાલી કરવાની હવાબારી મળી ગઈ છે. ઋણાનુબંધ છે બેટા આપણા બધાનું અને બીજા દિવસે સાહેબ માટે લઈ જવાની દુખાવાની ટ્યૂબ, ટેબ્લેટ, બામ શીશી, ગરમ પાણીની કોથળી મેં મારા બગલથેલા મૂકી એક ગાઢ, સંતોષપૂર્ણ, લાંબી ઊંઘ લેવાની તૈયારી કરી.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)