તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખનું સરનામું:દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે... જરૂર છે વિચલિત થયા વગર મન સ્થિર રાખીને ઉકેલ શોધવાની!

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ખેડૂતે નગરના શાહુકાર પાસેથી મોટી રકમ વ્યાજ પર લીધેલી હતી. શાહુકારે રકમ વ્યાજે આપી ત્યારે સાવ હળવી શરતો રાખી હતી. તેથી, ખેડૂતે પણ પોતાના ગજા બહારનું એક નવું સાહસ કરવા કંઈ વિચાર્યા વગર રકમ વ્યાજ પર લઇ લીધી. એક દિવસ શાહુકારે ખેડૂતને બોલાવીને કહ્યું, 'મને મારી રકમની જરૂર છે એટલે બધી જ રકમ વ્યાજ સહિત એક અઠવાડિયાંમાં આપી દેજે. જો તું આ રકમ આપી શકે તેમ ન હોય તો મને તારી જમીન લખી આપજે.' ખેડૂત મુંઝાયો આટલી રકમની વ્યવસ્થા કરવી શક્ય જ નહોતી. જીવનનો એકમાત્ર આધાર એવી જમીન હાથમાંથી જતી રહેશે એ વિચારમાત્રથી ખેડૂત ધ્રુજતો હતો.

એક અઠવાડિયું પૂરું થયું અને ખેડૂત રકમ ન આપી શક્યો એટલે શાહુકારે ગામના પંચને ભેગું કર્યું અને બધી વાત કરી. પંચે કહ્યું કે, ખેડૂત રકમ નથી આપી શક્યો. તેથી, એમણે એમની જમીન શાહુકારને આપી દેવી જોઇએ. આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા ખેડૂતની યુવાન દીકરી આવી અને શાહુકારને થોડી વધુ મુદત આપવા માટે વિનંતી કરી. અત્યંત સ્વરુપવાન છોકરી જોઇને આ શાહુકારને બીજો વિચાર આવ્યો. શાહુકારે પંચને કહ્યું, 'હું આ ગામનો જ છું એટલે મને આ ખેડૂતની ચિંતા થાય છે. હું એની જમીન છીનવવા નથી માગતો. હું એમને એક તક આપવા માગું છું. મારી આ થેલીમાં બે પથ્થર નાંખીશ અને પછી એની દીકરી આ બે પથ્થરમાંથી એક ઉપાડશે. જો તે ધોળો પથ્થર ઉપાડે તો એનું તમામ દેવું માફ, પણ જો એ કાળો પથ્થર ઉપાડે તો એણે એમની છોકરી મારી સાથે પરણાવવાની રહેશે.'

ખેડૂતને શાહુકારની મેલી મુરાદ સમજાઇ ગઈ. એટલે એણે તુરંત જ ના પાડી દીધી. પરંતુ દીકરીએ બાપને કંઇક મદદ થઇ શકે એવી આશાએ આ શરત સ્વીકારી. બુઢ્ઢા શાહુકારે નીચે પડેલા સફેદ અને કાળા રંગના પથ્થરોમાંથી બે પથ્થર ઉપાડીને પોતાની થેલીમાં નાખ્યા. પેલી છોકરીની તિક્ષ્ણ નજર એ પામી ગઇ કે શાહુકારે બંને કાળા રંગના પથ્થર જ થેલીમાં નાખ્યા છે. એક ક્ષણ છોકરીને વિચાર આવ્યો કે બાપના માટે મારું નસીબ સમજીને આ બંને કાળા પથ્થરમાંથી એક ઉપાડી લઉં અને આ શાહુકાર સાથે ચાલી જાઉં. પણ બીજી જ ક્ષણે એને કંઇક જુદો વિચાર આવ્યો અને એના ચહેરા પર રોનક આવી ગઇ.

એણે થેલીમાં હાથ નાખીને એક પથ્થર ઉપાડ્યો અને જેવો હાથ બહાર કાઢ્યો કે હાથમાંથી પથ્થર નીચે પડી ગયો. જમીન પર તો અનેક કાળા અને ધોળા પથ્થર પડેલા હતા. છોકરીના હાથમાંથી નીચે પડેલો પથ્થર કાળો હતો કે ધોળો તે નક્કી કરી શકાય તેમ ન હતુ. છોકરીએ કહ્યું, 'હવે એક કામ કરો આ થેલીમાં રહેલો બીજો પથ્થર બહાર કાઢો જો તે ધોળો હોય તો મેં ઉપાડેલો પથ્થર કાળો હતો અને જો એ કાળો હોય તો મેં ઉપાડેલો પથ્થર ધોળો હતો.' થેલીમાંથી તો કાળો પથ્થર જ નીકળ્યો અને શરત પ્રમાણે ખેડૂતનું દેવું માફ થઇ ગયું. પરિસ્થિતિ ગમે એટવી વિકટ હોવા છતાં હકારાત્મક્તા સાથે જો થોડો વિચાર કરવામાં આવે તો સમસ્યાઓને સુવિધાઓમાં બદલી શકાય છે.

જ્યારે કોઇ સમસ્યા આવે ત્યારે એ એકલી નથી આવતી એનો ઉકેલ પણ સાથે લાવે જ છે. પરંતુ આપણે એવા ઘાંઘા થઇ જઇએ છીએ કે આપણને માત્ર સમસ્યા જ દેખાય છે. એની સાથે આવેલો ઉકેલ દેખાતો જ નથી. જ્યારે પાણી ઊકળતું હોય ત્યારે માણસને એમાં પોતાનુ પ્રતિબિંબ ન દેખાય એ સ્વાભાવિક છે. પાણી શાંત થાય ત્યારે સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે. એ જ રીતે જ્યારે મન અસ્થિર હોય ત્યારે કોઇ માર્ગ દેખાતો નથી. જેમનું મન સ્થિર હોય એ માર્ગ શોધવામાં સફળ થાય છે. જાતજાતના પ્રશ્નો મોં ફાડીને સામે ઊભા હોય ત્યારે મનને શાંત રાખવું એ સહેલી વાત નથી. પણ સાથે સાથે એ વિચારવું જોઇએ કે એ અશક્ય પણ નથી. ક્રિકેટમાં તમે ઘણી વખત જોયું હશે કે ખૂબ દબાણની વચ્ચે પણ જે કેપ્ટન સહજતાથી વર્તી શકતો હોય એની જીતની શક્યતા વધી જાય છે કારણ કે, એ દબાણને હવાલે થવાના બદલે આવી પડેલી આ વિકટ ઘડીમાંથી કેવી રીતે ઉગરવું એના જ વિચાર કરતા હોય છે.

મને 1990ની એક ઘટના બરોબર યાદ છે. સાળંગપુરમાં પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના 70મા જન્મદિવસની ઉજવણીનો ખૂબ મોટો કાર્યક્રમ હતો. પાંચ દિવસના આ કાર્યક્રમમાં અંદાજે પાંચેક લાખ લોકો આવશે એવા અંદાજ સાથે એમના જમવાની વ્યવસ્થા કરી હતી. પ્રથમ દિવસે જ દોઢથી બે લાખ લોકો આવ્યા. રસોડાની વ્યવસ્થા સંભાળતા સંતો બરોબરના મુંઝાયા. જો આ માનવ પ્રવાહ ચાલુ રહે તો ભોજન પ્રસાદ માત્ર 2 દિવસમાં જ સફાચટ થઇ જાય. મુંઝાયેલા સંતો પ્રમુખસ્વામી પાસે માર્ગદર્શન માટે પહોંચી ગયા. પ્રમુખસ્વામીએ એમની સમસ્યાને બરોબર ધ્યાનથી સાંભળી. સંતોને હવે શું કરવું તે અંગે કંઇ સમજ પડતી નહોતી. એવા સમયે પ્રમુખસ્વામીએ એમને હિંમત આપતાં કહ્યું, 'ચિંતા ન કરો. ભગવાન બધી વ્યવસ્થા કરી દેશે. હવે તમે બધા અત્યારે ફોન પર બેસી જાવ અને આપણાં મોટાં મંદિરોમાં ફોન કરીને એમને સૂચના આપો કે જ્યાંથી જ્યાંથી સૂકો નાસ્તો મળી શકે તેમ હોય તે બધો જ એકઠો કરીને તાત્કાલિક સાળંગપુર મોકલાવે.' સ્વામીજી દ્વારા અપાયેલું આ સૂચન કેટલું સચોટ હતું. કોઇ સંતોને આવો વિચાર કેમ ન આવ્યો? કારણ કે એમનાં મન શાંત નહોતાં.

સમસ્યા આવી પડે ત્યારે જો ઘાંઘા બની જઇએ તો ઊલટાની એ વધુ ગુંચવાઇ જાય. જંગલમાં ભૂલો પડેલો માણસ અંધારામાં રસ્તો શોધવા દોડધામ કરે તો એ જંગલમાં વધારે ગુંચવાય. પરંતુ જો દિવસના અજવાળામાં રસ્તો શોધે તો રસ્તો મળવાની શક્યતાઓ વધી જાય એમ જ્યારે મનમાં અંધકાર છવાયેલો હોય ત્યારે કોઇ ઉતાવળભર્યો નિર્ણય ન લેવો, નહીંતર ફસાઇ જવાય. દિવસની જેમ થોડો સ્થિરતાનો પ્રકાશ પથરાય પછી જો નિર્ણય લેવામાં આવે તો ચોક્કસ યોગ્ય ઉકેલ મળી રહે.

તમે ભલે કોઇપણ ક્ષેત્રમાં કામ કરતા હો, સમસ્યાઓ તો આવવાની જ છે. જે શાંત રહીને એનો ઉકેલ શોધે છે એને ઉકેલ મળી રહે છે અને જે વિચલિત થઇ જાય છે એ સમસ્યાઓના ભંવરમાં ફસાતો જાય છે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...