ઈતિહાસ ગવાહ હૈ:સરદાર-નેહરુ અને કાશ્મીર વિશે લોલેલોલ ચલાવાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘જ્યાં લગી ભારતના તંત્ર પર મારું ચલણ છે ત્યાં લગી ભારતને હિંદુરાષ્ટ્ર બનવા નહીં દઉં’: પટેલ
  • ઢેબરના મતે, પંડિત નેહરુ સાથેના સરદારના કહેવાતા મતભેદો અંગે બિનપાયાદાર વાતો થતી હતી
  • ‘કશ્મીરીઓ માટે જ કશ્મીર’ની ચળવળ રાજ્યના મુસ્લિમોએ નહીં, કાશ્મીરી પંડિતોએ જ શરૂ કરી હતી

આજકાલ ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવાની અને નવતર ઈતિહાસ ઘડવાની અને લખવાની ચર્ચા જોર પકડી રહી છે ત્યારે સચ્ચાઈ પ્રકાશમાં લાવવાની સુજ્ઞજનોની ફરજ બને છે. સરદાર પટેલની વાત આવે ત્યારે મહાત્મા ગાંધીએ વલ્લભભાઇ પટેલને વડાપ્રધાન નહીં બનાવ્યાનો દોષ તેમને દેવાની વૃત્તિ સામાન્યપણે સરદારપ્રેમીઓમાં જોવા મળે છે. પંડિત જવાહરલાલ નેહરુ ભણીની ભાંડણલીલા પણ ખૂબ પ્રચલિત છે. ‘સરદાર વડાપ્રધાન હોત તો?’ જેવા પ્રશ્નો સરદારને અન્યાય થયાની વાત રજૂ કરવા જે લોકો આગળ ધરતા રહે છે એ સરદારપુત્રી મણિબહેન પટેલે દુર્ગાદાસના ગ્રંથોની પ્રસ્તાવનામાં નોંધેલી વાતને જાણી જોઇને અવગણે છેઃ ‘સરદારને ક્યારેય વડાપ્રધાન થવાની મહત્ત્વાકાંક્ષા નહોતી કે બીજા કોઇ ઊંચા હોદ્દાની પણ અપેક્ષા નહોતી.’ મણિબહેને પોતાનાં સંસ્મરણોમાં ક્યાંય સરદારને અન્યાય થયાની વાત નોંધી નથી. સ્વયં સરદારે પણ અન્યાયની લાગણી અનુભવી હોય એવું જોવા મળતું નથી. મણિબહેન તો નેહરુ-સરદાર બંનેને એકમેકના પૂરક લેખે છે. વળી, માઉન્ટબેટનની સલાહથી નેહરુ યોર્ક રોડથી તીન મૂર્તિ રહેવા ગયા ન હોત તો એ બંને વચ્ચેની ઔરંગઝેબ રોડ ખાતેની રોજિંદી મુલાકાતો સંભવિત ગેરસમજો દૂર કરત એવું પણ મણિબહેન નોંધે ત્યારે એમાં શતપ્રતિશત સચ્ચાઇનો રણકો છે. વક્રદૃષ્ટાઓ માઉન્ટબેટનની ભૂમિકા વિશે પણ હેતુઆરોપણ કરતા રહે છે. જો કે, સરદાર જ્યારે નેહરુની સરકારમાંથી છૂટા થવા ઇચ્છતા હતા અને 30 જાન્યુઆરી, 1948ના રોજ 4થી 5 દરમિયાન એ મહાત્મા સાથે મુલાકાત કરીને આ બાબતની ચર્ચા કરવા ગયા ત્યારે ગાંધીજી તો સરદારને પ્રધાનમંડળમાંથી છૂટા કરવાના મત પર આવ્યા હતા, પણ માઉન્ટબેટને સરદારની મહાનતા અને અનિવાર્યતા પીછાણી હતી એટલે એમણે સરદારને છૂટા થવા દેવાનો સખત વિરોધ કર્યો હતો. એ મુલાકાત વખતે ઉપસ્થિત મણિબહેનની આ વાત સાચી માનવી પડે.

જવાહર સ્વપ્નવિહારી, સરદાર વાસ્તવવાદી
સરદાર ગાંધીજીના શિષ્ય ખરા પણ આંધળા અનુયાયી નહોતા. વિભાજનના વરવા દિવસોમાં નિહાળેલી કત્લેઆમ અને 16 ઓગસ્ટ, 1946ના ‘ડાયરેક્ટ એક્શન ડે’થી લઇને કાશ્મીર કબજે કરવાના કુટિલ ઇરાદે મોહમ્મદ અલી ઝીણાએ અપનાવેલા વ્યવહાર પછી ભારતે પાકિસ્તાનને આપવાના થતા રૂપિયા 55 કરોડની ચુકવણીને વિલંબમાં મૂકવાના નેહરુ પ્રધાનમંડળના નિર્ણયના વિરોધમાં રાષ્ટ્રપિતા દિલ્હીમાં ઉપવાસ આદરે છે. સરદાર પટેલે વહીવટી જવાબદારીઓ નિભાવવા સૌરાષ્ટ્ર જવું પડે છે ત્યારે એમણે ગાંધીજીને કહેલા શબ્દોમાં રોષ અને ચિંતાના ભાવ કરતાં વેદના વધુ ઝળકતી હતી. વડાપ્રધાન પંડિત નેહરુ આંસુ સારી શકતા હતા, પણ સરદાર વેદનાને મનમાં જ ધરબીને પુત્રવત્‌ નેહરુ જેવાને સાંત્વના આપનાર વડીલની ભૂમિકામાં રહેતા. ગાંધીજી બેઉના નિર્ણાયક અથવા ન્યાયમૂર્તિ હતા. મતભેદો અને તર્કબદ્ધ દલીલો બાપુ સમક્ષ રજૂ કર્યા પછી એમની વાત કે ચુકાદો બંનેએ માન્ય રાખવો પડતો હતો. સરદાર પટેલના 1945થી ’50ના પત્રવ્યવહારના બેનમૂન દસ ગ્રંથનું સંપાદન કરનાર દુર્ગાદાસ મૂળે તો પત્રકાર હતા. ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના મુખ્ય તંત્રી હતા, છતાં સરદારના અત્યંત વિશ્વાસુ અને નિકટની વ્યક્તિ તરીકે એમના માટે ભાવ ધરાવનાર હતા. દુર્ગાદાસસંપાદિત પ્રથમ ગ્રંથ ‘ન્યૂ લાઇટ ઑન કશ્મીર’નું અધ્યયન કરનાર એ ભ્રમણામાંથી તો કમ સે કમ બહાર નીકળી શકશે કે રિયાસત ખાતાના સરદારના અખત્યારમાંથી કાશ્મીર મામલાને નેહરુએ બહાર કાઢી લઇને વલ્લભભાઇને કાશ્મીરના ઘટનાક્રમથી સાવ જ વિરક્ત બનાવી દીધા હતા. ગાંધીજીને દૂરનું દેખાતું હતું કે આદર્શ સ્વપ્નોની દુનિયામાં રાચનારા જવાહરલાલને ડગલે ને પગલે વલ્લભભાઇની પરિપક્વ અને વાસ્તવવાદી સલાહનો ખપ પડવાનો છે.

સ્વાતંત્ર્યસંગ્રામની ત્રિપુટીનું મહાયોગદાન
‘વર્ષો પૂર્વે ગાંધીજી પછી સરદાર સાહેબ મારા સર્વોચ્ચ નેતા હતા’ એવા શબ્દો ઉચ્ચારનાર તેમજ ગાંધીજી, પંડિતજી અને સરદારની ત્રિપુટીનો વિશ્વાસ એકસાથે સંપાદિત કરનાર સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા ઉ.ન. ઢેબરે યથાર્થ નોંધ કરી છેઃ ‘પંડિત જવાહરલાલ નેહરુ સાથેના તેમના (સરદારના) કહેવાતા મતભેદો અંગે બિનપાયાદાર વાતો થતી હતી. પરંતુ પંડિતજી રાષ્ટ્રનેતા તરીકે દેશને આ નાજુક સમયે જેની ખૂબ આવશ્યકતા હતી તેવું ભાવનાત્મક ઐક્ય પૂરું પાડી રહ્યા હતા, જ્યારે સરદાર સાહેબ તેમના ક્રિયાશીલ વ્યક્તિત્વ દ્વારા ફિલ્ડમાર્શલ-સેનાનાયક તરીકેની ભૂમિકા સફળતાથી અદા કરી રહ્યા હતા.’ સ્વાતંત્ર્ય સંગ્રામની એ ત્રિપુટી વિના ભારતનું છિન્ન ભિન્ન ચિત્ર આપણને વારસામાં મળ્યું હોત એટલી સાદી સીધી વાત આજની નવી પેઢીએ સમજવાની જરૂર છે. નવી પેઢી પોતાના મનસ્વી ચુકાદાઓ ગાંધીજી, પંડિતજી કે સરદાર વિશે આપીને ભરડવાનું કામ કરે છે ત્યારે સ્વતંત્રતાની લડતમાં ભારતના નવનિર્માણના આ રાષ્ટ્રનેતાઓના ધ્યેયને સાવ જ અવગણવા જેવું થાય છે. ગાંધીજીને ભાગલા માટે દોષિત ઠરાવવાનો કટ્ટર હિંદુવાદીઓ પ્રયાસ કરે છે ત્યારે ઘોડાના ડાબલા પહેરીને નિહાળવામાં આવતા ઇતિહાસમાં જ તેઓ છબછબિયાં કરતા હોય એવું વધુ લાગે છે.

અઢારે વર્ણને ભાઈ-ભાંડું ગણતા સરદાર
જમ્મૂ-કાશ્મીરને ભારત સાથે જોડવામાં સરદાર પટેલ, પંડિત નેહરુ, શેખ અબ્દુલ્લા, મહારાજા હરિસિંહ, લોર્ડ માઉન્ટબેટન, વી.પી. મેનન અને ભારતીય લશ્કરની જાંબાઝ ટુકડીઓ સવિશેષ યશની અધિકારી ગણાય. જમ્મૂ-કાશ્મીરના પ્રધાનમંત્રી બન્યા પછી છાકટા થયેલા શેખ અબ્દુલ્લાને સ્વતંત્ર જમ્મૂ-કાશ્મીરના અભરખા જાગ્યા. મહારાજાને રાજ્યનિકાલ કરાવવામાં તેમને સફળતા મળી અને આખરે એમના મિત્ર નેહરુએ શેખને 1953માં પદભ્રષ્ટ કરી બંદી બનાવવા પડ્યા. આ ઘટના કૉંગ્રેસી ધારાસભ્ય, હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ, નેહરુ સરકારમાં ઉદ્યોગપ્રધાન અને જનસંઘ (ભાજપના પૂર્વઅવતાર)ના સંસ્થાપક અધ્યક્ષ રહેલા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના શેખ અબ્દુલ્લાની કેદમાં મૃત્યુ પછી બની હતી. ઉદ્યોગપતિ આર.એમ.બિરલાના પ્રશ્નના ઉત્તરમાં ‘હિંદુ રાષ્ટ્ર’ના ખ્યાલને ‘પાગલોં કા ખયાલ’ ગણાવનાર સરદાર વલ્લભભાઇ પટેલે ભારતને હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, જૈન વગેરે સૌનો દેશ ગણવાનું અને હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર મૂકવાનું પસંદ કર્યું છે. સરદારને હિંદુવાદી નેતા ગણાવવા ઇચ્છુકો આ મહામાનવને કેટલો અન્યાય કરી રહ્યા છે એ સમજી શકાય છે. સરદાર કાયમ પોતાને હિંદુસ્તાનની સેવા કરનાર અદના સૈનિક તરીકે જ નિહાળતા હતા અને જીવનના અંત સુધી એ જ ઓળખ ટકાવવા ઇચ્છુક હતા. તેમના શબ્દો હતાઃ ‘જ્યાં લગી ભારતના તંત્ર પર મારું ચલણ છે ત્યાં લગી ભારતને હિંદુરાષ્ટ્ર બનવા નહીં દઉં.’ દેશની લઘુમતી કોમો માટેના વિશેષાધિકારો સરદાર પટેલને આભારી છે એવું કહીએ ત્યારે એમાં અતિશયોક્તિ નથી, કારણ સરદાર પટેલ બંધારણને ઘડતી વેળા લઘુમતીઓની સલાહકાર સમિતિના અધ્યક્ષ હતા. એ સમિતિના અહેવાલને વાંચનારને ખ્યાલ આવશે કે સરદાર તમામ નાતજાત માટે કેવો સમભાવ ધરાવતા હતા. જો કે, એમનું માનવું હતું ‘હું નાતજાતને ભૂલી ગયેલો માણસ છું. આખું હિંદુસ્તાન મારું ગામ છે. અઢારે વરણ(વર્ણ) મારાં ભાઇભાંડુ છે.’

શંકરલાલ કૌલ કાશ્મીરી ચળવળના નેતા
સરદાર, નેહરુ અને કાશ્મીરના ભારત સાથેના જોડાણ કે વિલયના ઘટનાક્રમને ઇતિહાસનાં તથ્યો સાથે નવી નજરે નિહાળવાની જરૂર વધારે છે. જમ્મૂ-કાશ્મીરના મહારાજા હરિસિંહની ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાવાની દ્વિધાની સાથે જ સ્વિટ્‌ઝર્લેન્ડની જેમ સ્વતંત્ર રહેવાની મહેચ્છા થકી જ પાકિસ્તાની કબાઇલીઓ ચઢી આવે ત્યાં લગીનો વિલંબ થયો. બારામુલ્લા સુધી ધસી આવેલા પાકિસ્તાનીઓથી રહ્યા સહ્યા કાશ્મીરને બચાવવા માટે ભારત સાથેના જોડાણખત પર હસ્તાક્ષર કરવા સિવાયનો બીજો કોઇ વિકલ્પ મહારાજા પાસે બચ્યો નહોતો. જમ્મૂ-કાશ્મીરના એ વેળાના ઘટનાક્રમને હિંદુ-મુસ્લિમ ચશ્માં ચડાવીને જોવાને બદલે તથ્યોનાં પરીક્ષણ થકી પીછાણીએ તો કેટલાંક સ્ફોટક રહસ્યો બહાર આવે છે. ‘કશ્મીરીઓ માટે જ કશ્મીર’ની ચળવળ મુસ્લિમોએ શરૂ કર્યાની પ્રચલિત માન્યતાનો ભાંગીને ભુક્કો કરવા જેવાં તથ્ય પ્રેમનાથ બજાજે ‘કશ્મીર ઇન ક્રુસિબલ’માં નોંધ્યાનું દુર્ગાદાસના પ્રથમ ગ્રંથમાં વિગતે નોંધાયું હોવા છતાં કાશ્મીરી બાબતોના સંશોધકોનું એ ભણી ઝાઝું ધ્યાન ગયું નથી. શંકરલાલ કૌલ નામના કાશ્મીરી પંડિત નેતાના નેતૃત્વમાં 1920-’25ના ગાળામાં ‘કશ્મીર ફૉર કશ્મીરીઝ’ ચળવળના પરિપાકરૂપે જ આજે જમ્મૂ-કાશ્મીરમાં પરપ્રાંતીયોને સંપત્તિ ખરીદવાના હકથી વંચિત રાખવાની જોગવાઇને નિહાળવી પડશે. કૌલની ચળવળની સ્થાનિકો (સન ઑફ ધ સૉઇલ)માટેની એ વેળાની જે મુખ્ય પાંચ માગણીઓ હતી તે કંઇક આવી હતીઃ (1) સરકારી નોકરીઓમાં સ્થાનિકોને જ લેવામાં આવે (2) બહારની વ્યક્તિઓને જમીન વેચાણ પર બંધી મૂકાય (3) અખબારી આઝાદી (4) સંગઠન અને હળવામળવા તથા સભાઓ યોજવાની આઝાદી તથા (5) ચૂંટાયેલી ધારાસભા અસ્તિત્વમાં લવાય. રાજકીય લાભ ખાટવા માટે અનુકૂળતા મુજબ ઈતિહાસનાં ઘટનાક્રમને પ્રજા સમક્ષ રજૂ કરનારાઓથી સાવધ રહેવા માટે મૂળ દસ્તાવેજો અને સરદાર-નેહરુના પત્રવ્યવહારનો અભ્યાસ અનિવાર્ય બની જાય છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)