• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • There Is A Big Difference Between Being Friendly With A Child And Being A Friend Of A Child ... Give Freedom Instead Of Being Forced To Talk

પોઝિટિવ પેરેન્ટિંગ:બાળક સાથે મૈત્રીભર્યું રહેવામાં અને બાળકના મિત્ર બનવામાં મોટો ફરક... વાત કહેવા માટે બળજબરી કરવાને બદલે સ્વતંત્રતા આપો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

'શું મારે મારા બાળકનું મિત્ર બનવું જોઈએ? પણ કઈ રીતે?' એક ચિંતિત વાલી મને પૂછે છે. મારો સામે સવાલ એ છે કે 'તમે તમારા બાળકના મિત્ર કેમ બનવા માગો છો?' જવાબ મળે છે - 'કારણ કે હું તેની જોડે મારો સબંધ 'ઈઝી' રાખવા માગુ છું અને ઇચ્છુ છું કે તે મારી સાથે બધું નિખાલસતાથી શેર કરી શકે.'

વાલી ઉપર પોતાના બાળકના મિત્ર થવાનું ખૂબ પ્રેશર રહેલું છે પણ મૈત્રીભર્યું રહેવામાં અને બાળકના મિત્ર બનવામાં ઘણો ફેર છે! બાળકને વાલીની જરૂરિયાત છે અને મિત્રોની પણ જરૂરિયાત છે. બંનેએ જુદી ભૂમિકા ભજવવાની છે. વાલીનો રોલ છે સપોર્ટ કરવો અને 'બાઉન્ડ્રી' (સીમારેખા) નક્કી કરવી. આ સપોર્ટ ભૌતિક હોઈ શકે છે જેમ કે, બાળકને માર્ગદર્શન અને સુખ-સુવિધા આપવી. વધુમાં વાલી બાળકને સ્ટેબિલિટી (સ્થિરતા) આપે છે અને આ સ્ટેબિલિટી આવે છે વાલીની બાઉન્ડ્રી સેટ કરવાની સત્તા થકી, એ નક્કી કરવાથી કે કયું વર્તન સ્વીકાર્ય છે અને કયું નહીં અને બાળકને જ્યારે પણ ભાવનાત્મક માર્ગદર્શનની જરૂરિયાત ઊપજે ત્યારે વાલીની હાજરી રહેવાથી.

મિત્રએ આપણા જીવનમાં એક સાવ જુદી ભૂમિકા નિભાવવાની હોય છે. જ્યારે બાળકો નાનાં હોય છે ત્યારે તેઓને પીઅર (peers-સરખી ઉંમરના વ્યક્તિ)ની જરૂર હોય છે, જે તેમને પોતાની જાતને ઓળખવામાં મદદ કરે છે; જેમની જોડે તેઓ શેર કરતા, રમતા, સંઘર્ષ કરતા અને તેનો ઉકેલ લાવતાં શીખે છે અને જેઓ તેમને પોતાના વર્તનને સમય અને સ્થિતિ અનુરૂપ બનાવતાં શીખવાડે છે. ટૂંકમાં કહીએ તો પીઅર્સ એટલે કે ભાઈબંધો બાળકોને સામાજિક બનાવે છે. જેમ બાળક કિશોર વય તરફ વધે છે તેમ મિત્રોની ભૂમિકા પણ બદલાય છે. કિશોરવયના પ્રારંભે બાળકો પોતાની આઇડેન્ટિટી (ઓળખ) અને સેલ્ફ (સ્વયં)ને જાણી તેનું વિસ્તરણ કરવાનું ચાલુ કરે છે. આનાથી ઘણાં બધાં ઘર્ષણો ઊભાં થાય છે - ખાસ કરીને તેમના વાલીઓ જોડે અને વળી તેઓ જનેરેશનલ શિફ્ટ (પેઢી રૂપાંતર)ના ફેઝમાં પણ પદાર્પણ કરે છે. જેના લીધે તેઓ જુદી વસ્તુઓ વિશે પોતાની વિચારધારા બનાવવા માંડે છે; પસંદ-નાપસંદનો વિકાસ કરે છે અને વધુ અવનવા પ્રયોગો કરવા માંડે છે અને આ તબક્કે મિત્રોનું ગ્રુપ બાળકને ટેકો, સમર્થન અને માન્યતા આપે છે. જ્યારે બાળક માનસિક રીતે અસ્વસ્થ હોય ત્યારે તેનો કિશોર વયનો મિત્ર તેને જજ નથી કરતો અને તેની નિંદા પણ નથી કરતો કારણ કે, તેઓ બધા લગભગ એક જ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોય છે અને પોતાના ગ્રુપમાં તેઓ એકમેકને સાંભળીને સલાહકારની ભૂમિકા પણ ભજવે છે. કમનસીબે આ ક્ષમતા વાલીઓમાં નથી હોતી, જેઓ મોટાભાગે ઉતાવળે નિષ્કર્ષ ઉપર પહોંચી જવા માટે અને બાળકને જજ કરવા માટે તત્પર હોય છે. કિશોરવયનાં બાળકો વાલીઓથી મળતી મફતની સલાહને હેટ કરે છે અને અધૂરામાં પૂરું વાલીઓ પોતાના કિશોરવયના અનુભવોને લગભગ ભૂલી જ ગયાં હોય છે. સૌથી જરૂરી મુદ્દો એ છે કે જેમ-જેમ કિશોર વયનો બાળક પોતાની સેક્સ્યુઅલ (જાતીય) ઓળખ વિશે જાગૃત થાય છે તેમ-તેમ તે પોતાના મિત્રો જોડે પોતાની ભાવનાઓ શેર કરવામાં વધુ કમ્ફર્ટેબલ (સ્વસ્થ) ફીલ કરે છે.

એટલે વાલીઓએ નારાજ ન થવું જોઈએ કે તેમનું બાળક તેમની સાથે બધું શેર નથી કરતું. જેમ બાળક મોટા થાય તેમ વાલીએ ખાતરી કરવી જોઈએ કે 'બાઉન્ડ્રી' (સીમારેખા) તે 'કંટ્રોલ' (નિયંત્રણ)નો માપદંડ ન બની જાય. સૌથી જરૂરી બાઉન્ડ્રી એ છે જે બાળક અને બીજાની સેફ્ટી અને સુખાકારી માટે બને છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે તે બધા નિયમો ઘરમાંથી શીખે છે અને મોટા થઇને કાયદાનું માન રાખવાનો પાયો ત્યારથી જ પડે છે.

દાખલા તરીકે, વાલીની ફરજ અને જવાબદારી છે કે તે બાળકને સગીર વયે કોઈપણ કિંમતે ડ્રાઇવિંગ ન કરવા દે. ભલે ને પછી તે કિશોર વયનું બાળક આના માટે જીદ કે આજીજી કરે, છતાંય વાલીએ કડકાઈથી તેને ના પાડવી જોઈએ, કારણ કે તે કાયદો તોડી રહ્યા છે. વળી, બાળકના ડ્રાઇવિંગના ઓછા અનુભવના લીધે તે તેની પોતાની અથવા બીજા કોઈની જાનને જોખમમાં મૂકી શકે છે અને આવું એ જ વાલી કરી શકે છે જે એક સત્તાધિકારીની ભૂમિકામાં છે... ના કે બાળકના પીઅરની ભૂમિકા ભજવતા વાલીની! બીજી બાજુ વાલીએ નાની બાબતો જેમ કે, ફેશન, વાળની સ્ટાઇલ વગેરે ઉપર પોતાના નિર્ણય લેવાના કન્ટ્રોલને જતા કરીને આવી વસ્તુઓ તેના કિશોર વયના બાળક ઉપર છોડી દેવી જોઈએ.

વળી, એક્સપિરિયન્સ શેરિંગ સાથે સંકળાયેલી એક બીજી ચિંતા પણ છે. ઘણા વાલીઓને પોતાના બાળક જોડે બધું શેર કરવાની ટેવ હોય છે, જેમ કે, તેમના મૂડ, આંતરિક લાગણીઓ અને ભાવનાઓ. મારી પાસે દાખલો છે એક સિંગલ માતાનો, જે પોતાની દીકરી સાથે લગભગ બધી જ વાતો શેર કરતી - ઓફિસના પ્રોબ્લમ; માથાભારે સહકર્મીઓ વગેરે અને એના પુરુષ મિત્રો જોડેના સબંધો વિશે પણ. ભલે આ કરવા પાછળના એના ઈરાદા નેક હતા, પણ આ બધું સાંભળીને બાળક બેચેન અને એકલગંધું થઇ ગયું કારણ કે, તેની માતાની વાતો ઉપરથી તેને એવું લાગવા માંડ્યું કે બહારની દુનિયા આકરી અને કઠોર છે. અને કમનસીબે સંસારની આ ખોટી તસવીર બાળકે પોતાના મનમાં આકાર આપી હતી. જ્યારે પણ માતા કોઈ પણ વાતથી માનસિક રીતે અસ્વસ્થ થતી ત્યારે તે તેના વિશે પોતાની દીકરી જોડે શેર કરતી. પરિણામે જાણતાં-અજાણતાં તે પોતાની દીકરીનો ઉપયોગ એક ભાવનાત્મક ટેકા તરીકે કરવા માંડી!

વાલીઓ પદ્ધતિસર પોતાના જીવન વિશે બધી માહિતી પોતાના બાળક જોડે શેર ન કરી શકે અને એવી અપેક્ષા બાળક પાસેથી પણ ના રાખી શકે. ચોક્કસ વાલીઓએ તેમના બાળકો જોડે શેર કરવું જોઈએ પણ એ માહિતી બાળકની ઉંમર અને તેની પરિપક્વતાને અનુરૂપ હોવી જોઇએ.

એક વાલી તરીકે તમારે હંમેશાં સાચો દાખલો પ્રસ્તુત કરવો જોઈએ. જો તમારા વ્યક્તિગત કે વ્યવસાયિક જીવનમાં કોઈ બનાવ બને તો શું ઘટ્યું, તમને કેવો અનુભવ થયો અને તમે તે બનાવ જોડે કઈ રીતે લડી રહ્યા છો તે તમે બાળક જોડે નિખાલસતાથી શેર કરી શકો છો. આ બાળક માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ લર્નિંગ નીવડશે.

સામે તમે પણ બાળકની પૂછપરછ કરીને તપાસ ના કરો અને ના તો એવી અપેક્ષા અથવા જીદ કરો કે તે તમારી જોડે બધું શેર કરે. સાથે-સાથે બાળકને એ સાંત્વના પણ આપો કે જ્યારે એ તમારી જોડે કંઈક શેર કરવા માગતું હશે ત્યારે તમે એની જોડે ઊભા રહેશો. એમના બારણાં ખખડાવીને બળજબરીથી ખોલાવવાની જગ્યાએ તેમને એવું કહો કે તમારા બારણાં હંમેશાં એમના માટે ખુલ્લાં છે અને મિત્રતાની ખરી પરિભાષા તો આ જ છે, હેં ને… 'આઈ એમ ધેર ફોર યુ વ્હેનએવર યુ નીડ મી' (તને જ્યારે પણ મારી જરૂર હશે ત્યારે હું તારા માટે હાજર રહીશ).
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)