તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Their Free Time Is Also Very Valuable For The Children ... Instead Of Keeping Them Busy, Let Them Spend Time With Themselves And Daydream !!

પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકો માટે પણ એમનો ફ્રી ટાઈમ ખૂબ જ મૂલ્યવાન છે... તેમને બિઝી રાખવાને બદલે તેમની જાત જોડે સમય વિતાવવા દો અને દિવાસ્વપ્ન જોવા દો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષોથી મારે બાળકોની માતાઓ તરફથી સતત એક સવાલનો સામનો કરવો પડ્યો છે કે, 'એને ઘરે કઈ એક્ટિવિટી કરાવું?' બાળક પાસે કંઈક-ને-કંઈક કરાવ્યા રાખવું એ બાબત તેને સતત પ્રવૃત્તિશીલ રાખવાની ઈચ્છામાંથી જન્મ લે છે. વળી, ઘણા વાલીઓ બાળકોને નાની ઉંમરથી જ કંઈક 'શીખવાડવા'ની સબળ ઈચ્છા રાખે છે. કારણ? તેમને એ ચિંતા છે કે કંટાળીને બાળકનું ધ્યાન ખોટી વસ્તુઓ તરફ વળી રહેશે. જો કે, આ ચિંતા વ્યાજબી છે; પણ સાચું કહું તો બાળકને બિઝી રાખવાની ઈચ્છા વિક્ટોરિયન માનસિકતામાંથી જન્મે છે - ઔદ્યોગિક ક્રાંતિના સમયથી, જ્યારે પુખ્તવયના બાળકોને પણ ફક્ત કંઇક નિર્માણ કરવાના એક માધ્યમ તરીકે ગણવામાં આવતા હતા. નિરુદ્યમી રેહવું તે એક અવગુણ બની ગયો.

બાળકને સતત શીખવ્યા કરવું. આ વિચારધારાનાં મૂળ પણ એ જ દૃષ્ટિકોણમાં છે જે બાળકને એક એવી ખાલી સ્લેટ કે ખાલી ઘડો માને છે જેને ભરવાનો જ છે! સ્કૂલમાં પણ બાળકને ખૂબ જ ઓછો ખાલી ટાઈમ એટલે કે બ્રેક આપવામાં આવે છે; ઊલ્ટાનું આખી સિસ્ટમનો એકમાત્ર લક્ષ્ય તેને સતત બિઝી રાખવાનો છે. જો બાળક ક્લાસમાં સ્વપ્નમાં ખોવાયેલું હોય તો તેને ખખડાવવામાં આવે છે અને શિક્ષક એને 'પે અટેન્શન'ની સૂચના કડકાઈથી આપે છે. પણ કોઈએ એવું વિચાર્યું કે કદાચ એ બાળક કોઈ ખૂબ જ ઉપયોગી દિવાસ્વપ્નમાં ખોવાયેલું પણ હોઈ શકે છે?

ઇતિહાસ એવાં ઉદાહરણોથી ભરેલું છે જેમાં રોચક, ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો ત્યારે થઇ જ્યારે વૈજ્ઞાનિક પોતે ક્યાં તો સ્વપ્નમાં ખોવાયેલા હતા કે પછી એકદમ રિલેક્સ મૂડમાં હતા.

બધાને આર્કિમીડીઝની વાર્તા ચોક્કસ યાદ હશે જેણે વોલ્યૂમ અને પાણીમાં એક વસ્તુના ફોર્સની શોધ બાથટબમાં કરી હતી. એવું કહેવાય છે કે, ન્યુટન ઝાડની નીચે આરામ કરતો હતો જ્યારે તેના ઉપર એક સફરજન પડ્યું અને તેને ઓચિંતા જ ગુરુત્વાકર્ષણના નિયમ વિશે જ્ઞાન પ્રાપ્ત થયું. બેન્ઝીનની મોલિક્યુલર સંરચના, જે આગળ જઈને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ખૂબ આવશ્યક પ્રગતિ લઇને આવી તે શરૂઆતમાં કેકુલેના સ્વપ્નમાં આવી હતી. પ્રસિદ્ધ થોમસ એડિસન મુખ્યતઃ નિદ્રા અને જાગૃતિની વચ્ચેની એક સ્થિતિમાં સમય પસાર કરતા હતા અને તેમના મોટાભાગની શોધ અને તેના પેટન્ટ આ ક્ષણોનું જ પરિણામ છે. લોકપ્રિય આઈન્સ્ટાઈન પણ આ જ ટેક્નિકનો ઉપયોગ મોટા પ્રોબ્લેમમાં આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરવા માટે કરતા અને સૌથી મહત્ત્વપૂર્ણ ઉદાહરણ છે મેથેમેટિશિયન રામાનુજનનું, જેમણે ગણિતનાં જટિલ ઈક્વેશનોની શોધ તેમના સ્વપ્નમાં કરી હતી!

તો તમારે ચોક્કસ જાણવું હશે કે આ બધાનો તમારા બાળક સાથે શું સબંધ છે? તો સાંભળો... પુખ્તવયની વ્યક્તિઓની જેમ જ બાળકો માટે પણ એનો ફ્રી ટાઈમ ખૂબ જ મૂલ્યવાન છે. ઉનાળાની રજાઓ એક એવો સમય હોય છે જેની બાળકો આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે. આ એ સમય છે જ્યારે લોકો ફરવા જતા, સબંધીઓ અને મિત્રોને મળવા જતા; બાળકો માટે આ સમય ફક્ત રિલેક્સ કરવાનો અને રમવાનો હતો. પરંતુ મહામારીના લીધે આ બધું હવે બદલાઈ ગયું છે. હવે મોટાભાગના વાલીઓ એવા ઓનલાઇન કોર્સ અને હોબીઝ શોધી રહ્યા છે જે તેમના બાળકને બિઝી રાખી શકે. ચોક્કસ બાળકને નવી હોબી અને નવું કૌશલ્ય શીખવા માટે આપણે સદા પ્રોત્સાહન આપવું જોઈએ; પણ તેની સાથે-સાથે વધારે જરૂરી એ પણ છે કે આપણે બાળકને દિવાસ્વપ્નમાં ખોવાઈ જવાનો સમય અને ફુરસત પણ આપીએ.

દિવાસ્વપ્નથી મારો અર્થ એટલો જ છે કે ફક્ત રિલેક્સ થઈને પોતાના મનને છૂટ આપવી કે તે જાતે ફરીને આવે. આ એ સમય છે જ્યારે એનાલિટિક્લ (વિશ્લેષણાત્મક) મગજ એટલે કે ડાબી બાજુવાળું મગજ થોડા સમય માટે વિરામ લે છે ત્યારે જમણી બાજુવાળું મગજ જે ક્રિએટિવ (સર્જનાત્મક) અને કલ્પનાશીલ છે તે એક્ટિવ થઇ જાય છે અને પછી આપણને ઊંડી આંતરદૃષ્ટિ મળે છે અને આ વિરામ નવા આઈડિયાઓને આવકારે પણ છે.

અનુભવ કરવાનો સમય અમસ્તો પણ ખૂબ જ સીમિત છે અને વળી આપણે માનવ ઇતિહાસના એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં બધી વસ્તુઓની ગતિ વધારી દેવામાં આવી છે જેમ કે, ઝડપી પરિવહન, ફાસ્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ માહિતી, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એન્ડ ઇન્સ્ટન્ટ આનંદ પણ. હવે ખાસ જરૂરિયાત છે સ્લો ડાઉન થવાની.

ઘણી વખત વાલીઓને એવું લાગે છે કે બાળક બોર થઇ રહ્યું છે એટલે તેઓ તેનો આખો દિવસ પ્રવૃત્તિઓથી ખચાખચ ભરી દે છે. માતાઓ વિવિધ પ્રકારના કોર્સની શોધમાં આમતેમ દોડાદોડ કરે છે. આવા વાલીઓને મારી એક જ સલાહ છે કે, 'તેમને બોર થવા દો!' બાળકોને જાતે જ તેમનું મન પરોવાય એવી પ્રવૃતિઓ શોધવા દો. થોડું કંટાળશે એટલે તેઓ આપમેળે પ્રયત્ન કરશે મગજ લડાવી અને કંઈક સંશોધન કરવાનું, જેથી તેમનો સમય પસાર થાય. બંનેમાં ફેર આ છે. એક વાલી તરીકે તમે નથી નક્કી કરી રહ્યા કે બાળકે શું કરવું જોઈએ પણ બાળક આપમેળે પ્રયત્ન કરી રહ્યું છે એ જાણવાનું કે તે શું કરવા માગે છે. બાળકને બિઝી રાખવાની હોડમાં અજાણતા જ તમે બાળકને પોતાની જાત જોડે સમય વિતાવવા અને સાધનો વિશે શોધ કરવાની સોનેરી તકથી વંચિત કરી રહ્યા છો.

બાળક કોઈ ખાલી ઘડો નથી જેને ભરવાનો જ છે. તે બગીચાનો એક છોડ છે. શું માળી જુદા-જુદા છોડની સરખામણી કરે છે? અથવા કોઈ છોડને ઝડપથી ઊગવા માટે જોર કરે છે? માળી ફક્ત તેને પાણી પીવડાવે છે અને તેને વધવા માટે અનુકૂળ વાતાવરણનું સર્જન કરે છે. પછી માળી ધીરજથી રાહ જુએ છે. એ જ રીતે બાળકો પણ આ બિઝી સંસારમાંથી ઘણું બધું અબ્ઝોર્બ કરી રહ્યા છે. ખરેખર કહું તો તેઓ આજના યુગની નવીન ટેક્નોલોજીને લીધે હાઇપર-સ્ટીમ્યુલેટેડ અને ઓવર-સ્ટીમ્યુલેટેડ થઇ ગયાં છે. બાળકો જેમ-જેમ વધુ ને વધુ કન્ટેન્ટ ગ્રહણ કરી રહ્યા છે તેમ-તેમ તેઓ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના શિકાર થઇ રહ્યા છે. પણ આમાંનું મોટાભાગનું કન્ટેન્ટ હકીકતમાં 'ડિસ્કન્ટેન્ટ' (અસંતોષ)નું કારણ છે! એટલે તેઓ બાહ્ય પરિબળોથી આકાર પામી પોતાના આંતરિક સંસાધનોથી વિરક્ત થઇ રહ્યાં છે.

તેમને જરૂર છે સમયની આત્મસાત્ કરવા માટે અને બહાર કાઢવા માટે. આત્મસાત્ કરવા માટે સુનિશ્ચિત કરો કે બાળકો પાસે ઇતિહાસના, પૌરાણિક કથાઓના, વિજ્ઞાનના અને મહાનુભવોનાં જીવનચરિત્રના રોચક પુસ્તકો હોય. ડિટોક્સિફાઇડ થવા માટે તેમને તક આપો રમવા માટે, પ્રકૃતિમાં વૉક લેવા માટે, પેઇન્ટ કરવા માટે અને ગાર્ડનિંગ કરવા માટે અને સૌથી જરૂરી એ છે કે તમારા બાળકને આ ઉનાળાના સમયનો સદુપયોગ રીકનેક્ટ થવા માટે, ધીમા પડવા માટે, કુતૂહલ માટે અને દિવાસ્વપ્ન જોવા માટે કરવા દો.

તો બોલો, કરશોને તમે આ નાનો પણ ખૂબ અસરકારક પ્રયોગ?
ઓલ ધ બેસ્ટ!
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...