આપણે ગુજરાતી પ્રજા હંમેશાં કોઈપણ નાના-મોટા પ્રસંગને ઉત્સવમાં ફેરવી દઈએ છીએ અને જીવનમાં ઉત્સાહી માહોલનું સર્જન કરવામાં અવ્વલ છીએ. ગુજરાત રાજ્યમાં હરવા ફરવા માટે અઢળક સ્થળો છે અને આપણે ક્યાંય પણ ફરવા જવા માટે કોઈ દેખીતું કારણ શોધતા હોઈએ છીએ. કોઈ જ કારણ વિના કુદરતનાં વિસ્મય પમાડે એવા સર્જન એટલે કે રણની મુલાકાત લેવા માટે અહીં ઉત્સવનો માહોલ સર્જ્યો અને વિશ્વભરને રણ ઉત્સવની ભેટ મળી. આજે દેશભરમાંથી શિયાળાની ઋતુ દરમિયાન રણની મુલાકાત લેવા માટે હજારો માનવોનું મહેરામણ ઉમટે છે અને ખરેખર અહીં ઉત્સવનો માહોલ સર્જાય છે. ધીરે-ધીરે લુપ્ત થઇ રહેલી ગુજરાતી અને કચ્છી સંસ્કૃતિ, અનન્ય હસ્તકળા, મીઠી અને પ્રાદેશિક લોક બોલી, લોકગીતો અને નૃત્યની જમાવટ, ગુજરાતી જમણની જ્યાફત વગેરે એક જ સ્થળે મળે એવો માહોલ એટલે કુદરતની સંગતમાં ઉજવાતો 'રણ ઉત્સવ.'
કચ્છ તેની આગવી લોકજીવન શૈલી, અનન્ય સંસ્કૃતિ અને અજોડ ભૌગોલિક રચનાને લઈને હંમેશાં વિશ્વભરમાં લોકપ્રિય રહ્યું છે. કચ્છ ખૂબ જ લાંબો દરિયાકિનારો, વિશાળ મીઠાનું સફેદ રણ અને વિશ્વભરનાં પક્ષીઓનું શિયાળું ઘર એવા વિશાળ ઘાસનાં મેદાનો સાથેનો જળપ્વલિત વિસ્તાર ધરાવે છે. થોડાં દાયકાઓ અગાઉ રણવિસ્તારનાં છેવાડાનાં ગામડાંઓમાં પ્રવાસન ખાસ વિકસ્યું ન હોઈ અહીંયાના લોકો માત્ર પશુપાલન પર જ નભતા પણ સમયનાં પડ ઉખડતાં કુદરતનાં અજોડ સર્જન એવા રણનો પરિચય દેશભરનાં લોકોને થયો અને ધીરે-ધીરે તેની ખ્યાતિ વિશ્વભરમાં પહોંચી ગઈ. આખરે રણ વિસ્તારમાં વિવિધ પ્રદેશનાં લોકોનાં વિસ્મયે જ ઉત્સવનો માહોલ સર્જ્યો. રણ એટલે સામાન્ય રીતે વિશાળ સરોવર કે દરિયાનું પાણી પવનની લહેરખીઓ સાથે બંજર જમીન પર આવે અને પછી એ પાણીની લહેર ત્યાં જ સુકાઈ જાય અને એના લીધે વિશાળ મીઠાંનાં સફેદ પડનું સર્જન થાય. જ્યાં સુધી આંખો પહોંચે ત્યાં સુધી સફેદ ધરતી જ દૃષ્ટિગોચર થાય એનું નામ રણ.
કચ્છમાં નાનું અને મોટું એમ બે રણ છે. નાનું રણ સુરેન્દ્રનગર જિલ્લાથી શરૂઆત થાય છે અને છેક કચ્છનાં મોટા રણને મળે છે, જે હાલ ઘુડખરનું અભ્યારણ્ય છે અને અસંખ્ય શિકારી પક્ષીઓનું માનીતું સ્થળ છે. મોટું રણ ભારત અને પાકિસ્તાનની સરહદને જોડે છે. જો કે, કેટલોક ભાગ હિસ્સો છેક પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ ફેલાયેલો છે. રણ વિસ્તારની આસપાસ નાનકડાં ગામડાંઓ આવેલા છે, જ્યાંનું લોકજીવન ખૂબ જ રસપ્રદ અને રંગીન માહોલવાળું હોય છે. એમનાં અનન્ય લોકજીવનથી જ રણમાં ઉત્સવનો માહોલ સર્જાયો, જે રણ ઉત્સવ તરીકે ઓળખાય છે. દર વર્ષે કચ્છનાં મોટા રણમાં ધોરડો ગામમાં ઓક્ટોબર મહિનાથી લઈને ફેબ્રુઆરી સુધી રણઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ભુજથી આશરે 80 કિમીનાં અંતરે આવેલાં આ સ્થળે શિયાળાની પૂનમની રાત્રિનો માહોલ એટલે જાણે કુદરત જાતે જ ધરતી પર આંટાફેરો મારવા આવી હોય એવું દીસે. અહીં ખાવડાનું વિશાળ રણ અદ્વિતીય સુંદરતા ધરાવે છે. વિશાળ લહેરખીઓ મીઠામાં બદલાઈને ધરતીને ચાંદીનો વરખ ચઢાવ્યો હોય એવો ઓપ આપે છે અને છેક ક્ષિતિજ સુધી નર્યો સફેદ રંગ મનને અલગ જ શાતા આપે. સંધ્યા ટાણે અહીં ડૂબતાં સૂરજને જોવો એટલે જાણે સમયને મુઠ્ઠીમાં કેદ કરી લેવો. થાળી કરતાં પણ વિશાળ સૂર્યનાં બદલતા રંગોની સાથે વાદળ પર રંગોની પીંછી ફેરવી હોય એવો માહોલ કોઈપણને ત્યાં કલાકો સુધી બેસી રહીને આકાશ સામે મીટ માંડવા માટે મજબૂર ન કરે તો જ નવાઈ. સંધ્યા ટાણે અહીં ક્ષિતિજ સામે મીટ માંડીને બેસી જાઓ કે પહેલાં સફેદ રણ સોનેરી ઓપ ધારણ કરે, ધીરે-ધીરે વાદળો કેસરી રંગે રંગાય, સૂરજ ક્ષિતિજ પર ઢળવા લાગે અને લાલાશ ધારણ કરીને અવનીની આગોશમાં સમાઈ જાય. ધીરે-ધીરે અવની અંધારાની ચાદર ઓઢવા લાગે કે આખો સામે ચમકતા તારલાઓ સ્પષ્ટપણે જોઈ શકાય. આ જ રીતે વહેલી સવારે સૂર્યોદય સમયે અહીં અવાચક થઇ જવાય તેવા દૃશ્યો સર્જાય. દૂર ક્યાંક ક્યાંક છીછરાં પાણીમાં વિશાળ સંખ્યામાં ગુલાબી રંગોનાં ફ્લેમિંગોઝ નજરે ચઢે.
અહીં આસપાસ વિવિધ ગામો છે. એમાં ભૂકંપ પછી ધ્વસ્ત થયેલ ગામને ગાંધી આશ્રમે દત્તક લીધેલું અને આશરે 400 કરતાં વધારે પરંપરાગત ભૂંગાઓનું સર્જન કરીને લોકોને સામાન્ય જીવન જીવતા કર્યાં પછીથી એ ગાંધીનું ગામ તરીકે ઓળખાયું. અહીં વિવિધ જાતનાં હેન્ડીક્રાફ્ટ્સ, લાકડાંમાંથી સર્જેલી કલાત્મક વસ્તુઓ, હાથવણાટ કરેલાં કાપડ જેવી અઢળક વેરાયટીઓ મળી રહે છે, જેનાથી ગામ લોકોનું આર્થિક જીવનધોરણ સારું બન્યું છે. આ સિવાય, અહીં ભુજોડી ગામ છે, જ્યાં કચ્છી હાથવણાટના ગણ્યા ગાંઠ્યા પરિવારો કલાત્મક સર્જન કરીને વિવિધ પ્રકારનાં વસ્ત્રો તૈયાર કરે છે. નિરોણા નામનાં ગામમાં કોપર બેલનાં કારીગરો મંત્રમુગ્ધ કરી મૂકે એવી વિવિધ કર્ણપ્રિય ધૂન સાથેનાં કોપર બેલ્સ તૈયાર કરે છે, જેમાં એક પણ સાંધો નથી હોતો. અહીં જ વિશ્વ પ્રસિદ્ધ રોગન આર્ટ નામની કુદરતી રંગોથી કાપડ પર કરવામાં આવતી કળા કરનાર એકમાત્ર પરિવાર તેમની કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. ઢળતી સાંજે કચ્છનાં સૌથી ઊંચાઈએ આવેલાં સ્થળ એટલે કે કાળો ડુંગર જઈને પાકિસ્તાનની સરહદ નિહાળી શકાય છે અને વિશાળ રણનો નજારો જોઈ શકાય છે. અહીં ઇન્ડિયા બ્રિજ આવેલો છે. આકાશમાં ઊંચે નજર કરતા અહીં ગીધોનો સમૂહ ઊડતો જોવા મળે છે.
સામાન્ય રીતે રણ ઉત્સવ કોઈપણ વ્યક્તિ પોતાનાં વાહન મારફતે પહોંચી શકે છે. અહીં ધોરડોમાં રહેવા માટે એક-બે રિસોર્ટ્સ અને હોમસ્ટે આવેલા છે. એ સિવાય, લક્ઝુરિયસ રીતે માહોલને માણવો હોય તો અહીં આવેલા ટેન્ટ સિટીમાં પણ રહી શકાય છે. આ સિવાય, ભુજ શહેરમાં રહીને પણ રણ ઉત્સવ સરળતાથી પહોંચી શકાય છે. રણનો માહોલ માણવાનો ખરો સમય પૂર્ણિમા અને પૂર્ણિમા પછીનું અઠવાડિયું ખૂબ જ સારું કહી શકાય. ચંદ્રનો પ્રકાશ મીઠાનાં રણની સપાટી પર પડતાં રણનો રંગ વધારે ઊભરી આવે છે અને અહીં પરિવાર સાથે બેસીને થેપલાંની જ્યાફત ઉડાવી શકાય. દેશનાં ખૂણે ખૂણેથી લોકો રણનાં છૂટથી વેરાયેલા સૌંદર્યને માણવા માટે આવે છે. અહીં સાદું ગુજરાતી ભોજન સરળતાથી મળી રહે છે પણ દૂધમાંથી બનેલો કચ્છી માવો મેળવીને ચોક્કસ ખાઈ લેવો, એનો સ્વાદ દાઢે વળગ્યા વિના નહીં રહે. આ સિવાય, દાબેલી, ભાજી કોન વગેરે કચ્છની ખાસ વાનગીઓ છે.
રણ ઉત્સવ બાદ ભુજ શહેરમાં મહત્ત્વનું સ્થળ કહી શકાય એ છતરડી. છત્રી શબ્દનું પ્રાદેશિક નામ એટલે છતરડી. અહીંના રાજા-મહારાજાઓનું ભવ્યાતિભવ્ય કબ્રસ્તાન એટલે છતરડી. અહીં આકર્ષક કોતરણી અને ગુંબજ સાથે કબરો પર મિનારાઓ બનાવવામાં આવ્યા છે, જે ચૂક્યા વિના જોઈ શકાય. આર્કિયોલોજિક્લ સાઈટ તરીકે આ સ્થળ ખૂબ જ જાણીતું છે. આ સ્થળની બનાવટ ખૂબ જ બેનમૂન કારીગરીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય. આ સિવાય, અહીં ભુજમાં જ આઈના મહેલ પણ ખૂબ જ વિખ્યાત છે. ભુજનું મુખ્ય બજાર, ખાણી-પીણી બજાર વગેરે અચૂક માણવાં રહ્યાં. અંગ્રેજી નવાં વર્ષને આવકારવા શાંતિનો માહોલ ઇચ્છતા લોકો રણ ઉત્સવ અચૂક જઈ શકે છે. અહીંનો માહોલ આપને તાજગીથી ભરી દેશે અને અહીંના લોકોની મહેમાનગતિ એક નવા જ ગુજરાતનો પરિચય કરાવશે. કચ્છનો રણ ઉત્સવ એ માત્ર હરવા ફરવાનું સ્થળ નહીં પણ અહીંનું ધબકતું લોકજીવન છે, એક અલગ જ માહોલમાં જીવતું ગુજરાત છે, બંજરમાં પણ ઉત્સવનો માહોલ સર્જી શકતા લોકોની ખુમારીનો સાચો પરિચય છે.
એટલે જ તો કહેવાય છે, 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.'
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.