ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધોના બે સૌથી મોટા શત્રુઃ અહં ઘવાવો અને લાગણી દુભાવી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં રહેતા વિજયભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પ્રેમાળ વ્યક્તિ છે. પ્રેમાળ વ્યક્તિને પ્રેમમાં પડવાનો અધિકાર હોય છે. તેઓ સી.એ. થઈ ગયા એ પછી પ્રેમમાં પડ્યા. યુવતીએ એમબીએ કરેલું હતું અને એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતી હતી. બંનેના વિચારો મળતા હતા. એ લોકો વારંવાર મળ્યાં અને પછી લગ્ન કર્યું. શરૂઆતમાં કોઈ વાંધો ના આવ્યો, પરંતુ એ પછી લગ્નજીવનમાં પ્રશ્નો ઊભા થયા. પ્રશ્નો ઊભા થવાનું કારણ હતું પતિદેવ વિજયભાઈનો અહં. વિજયભાઈનો સ્વભાવ ખૂબ સારો. તેઓ પોતાની જીવનસાથી મન્વિતાની ખૂબ કાળજી લેતા. જોકે તેમનો ઈગો એટલે કે અહં ઘણો મોટો હતો. ઈગો હર્ટ થવા માટે જ સર્જાતો હોય છે. અહં માત્ર ઘવાવાને પાત્ર. વિશ્વનો કોઈ એવો અહં નહીં હોય જે ના ઘવાય. અહંનું અસ્તિત્વ જ ઘવાવા માટેનું હોય છે.

વિજયભાઈ અને મન્વિતાબહેનને વારંવાર ઘર્ષણ થવા લાગ્યું. એ ઘર્ષણના પાયામાં વિજયભાઈનો ઈગો હતો. ડગલે ને પગલે, સાંજે ને સવારે, અવાર અને નવાર બંને જણ ઝઘડવા લાગ્યાં. મન્વિતાને એ સમજણ નહોતી પડતી કે ડાહ્યો ડમરો પતિ અચાનક કેમ ગુસ્સે થઈ જાય છે? એવું તે શું બને છે કે તેના સ્વભાવની ગાડી પાટા પરથી ઊતરી જાય છે. વિજયભાઈને પણ પોતાના વર્તન અને વલણ અંગે ચિંતા થતી હતી. જોકે ઈગોનું મેનેજમેન્ટ ન થાય ત્યાં સુધી પ્રશ્નનો ઉકેલ ન આવે.

સ્ત્રી-પુરુષોના સંબંધની વાત કરીએ તો એવું કહેવાય છે કે, પુરુષનો ઈગો મોટો હોય છે. પુરુષ અહંવાદી હોય છે. એ પોતાની જાતને સ્ત્રી કરતાં હંમેશાં ચડિયાતી માને છે. આ ગ્રંથિમાંથી જ કદાચ પુરુષપ્રધાન સમાજનું નિર્માણ થયું છે. ભારતમાં કેટલીક આદિવાસી જાતિઓ કે સમુદાયોને બાદ કરતાં પુરુષપ્રધાન સમાજ પ્રવર્તે છે અને પુરુષોનું સ્ત્રીઓ ઉપર એક યા બીજી રીતે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રભુત્વ છે. એવું પણ કહેવાય છે કે, પુરુષ અનેક બાબતોમાં સ્ત્રીઓ કરતાં ઊતરતો છે, મસલ્સ પાવર અને શરીર બળથી તે ચડિયાતો હોવાથી પોતાની લઘુતાગ્રંથિને પોષવા માટે એ સતત સ્ત્રીને દબાવતો રહે છે. પુરુષના ઈગોની ગંગોત્રી અહીં પડેલી છે. પુરુષને ખબર છે કે, જે સ્ત્રી કરી શકે છે તે હું નહીં કરી શકું. સ્ત્રીમાં જે શક્તિ છે તે મારામાં નથી. આવી લઘુતાગ્રંથિને કારણે જ તે સ્ત્રીને સતત દબાવવાનો પ્રયત્ન કરે છે. મનોવિજ્ઞાન પણ એવું કહે છે કે, વ્યક્તિ અધૂરી હોય ત્યારે તે આધિપત્યની ખેવના રાખે છે.

ઈગોની દુનિયા વિશિષ્ટ અને ગંભીર દુનિયા છે. ચંદ્રકાન્ત બક્ષી જેવા લેખક એમ કહેતા કે, ઈગો છે તો હું છું. ઈગોને બાદ કરો તો હું કશું નથી. અનેક ચિંતકો એવું માને છે કે, ઈગોનો ઈન્કાર કરવા જેવો નથી. તે સફળ જીવન માટે જરૂરી છે.

કોઈ પણ વૃત્તિ, ગ્રંથિ કે ભાવના સંપૂર્ણ રીતે ખરાબ ન હોય. તેની માત્રા કેટલી છે તેનો જ મોટો પ્રશ્ન હોય છે. અહંને સતત પંપાળવામાં આવે, તેને ખાતર પાણી આપીને ઉછેરવામાં આવે તો અનેક પ્રશ્નો થાય. યોગ્ય માત્રામાં અહં હોય તેને આત્મસન્માન કહેવાય. ગૌરવ અને ગર્વમાં ફરક હોય છે. અભિમાન અને આત્મસન્માનમાં ફરક હોય છે. જે પુરુષો આ બાબતો સમજી નથી શકતા તે પુરુષો સંબંધો સાચવવામાં નિષ્ફળ જાય છે અથવા હેરાન થાય છે.

વિશ્વખ્યાત મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કહે છે કે, મનના ત્રણ ભાગ હોય છે. એને ડુંગળીની મદદથી સમજી શકાય. ડુંગળીનો ઊભો છેદ લો તો તેનો ગર અને વલયાકાર ભાગ દેખાશે. ફ્રોઈડ એવું કહે છે કે, મનરૂપી ડુંગળીનો ગર એટલે ઈગો અથવા અહં. આ ગર જ બધી મૂળભૂત લાગણીઓ કે ઊર્મિઓનું સ્થાન હોય છે. એમાંની એક ઊર્મિ એટલે જાતીયતા. જો આ ઊર્મિના સ્વરૂપમાં આવેગ હોય, એ ઊર્મિ ઉછાળા મારતી હોય તો કશું સાધ્ય થતું નથી. ફ્રોઈડ એવું કહે છે કે, સંજોગો પ્રમાણે ઈચ્છાઓનું નિયમન કરવા માટે ઈગો હોય તે જરૂરી છે. તે ચોખવટ પણ કરે છે કે, આ ઈગો એટલે અહંકાર નહીં. આ ઈગો એટલે નિયમન કરવા માટેની શક્તિ. જો વ્યક્તિ આ ઈગોને અતિક્રમી શકે, તેનું નિયમન કરી શકે તો સ્વવિવેક જન્મી શકે. તમે જો જો ઘણા લોકો ગમે તેવી સ્થિતિમાં વિવેક જાળવીને નિર્ણય કરી શકે છે. આ લોકો પોતાના ઈગોનું નિયમન કરી શકે છે, તેનું બેલેન્સ કરી શકે છે.

આની ઉપર સુપર ઈગો હોય છે. ઘણા લોકોમાં તે મોટાપાયે જોવા મળે છે. તેનું નિયમન પણ શક્ય છે. ઈગો-સુપર ઈગો અને જાતીયતાને સઘન અને સીધો સંબંધ હોવાનું મનોવિજ્ઞાન માને છે.

આપણે એટલું સમજવાનું છે કે, ઈગોનું નિયમન થાય તે જરૂરી છે. એ માટે પ્રેમ જ કામ આવે. પુરુષોએ પ્રેમની માત્રાને કાયમ છલકતી રાખવી જોઈએ. ઈગો વધી જાય તો તકલીફ થાય, પરંતુ પ્રેમના કિસ્સામાં એવું બનતું નથી. પુરુષે પોતાના લગ્નજીવનને સાચવી લેવું હોય તો તેણે અહંને ઓગાળવો પડે છે. જોકે, આધુનિક સમાજમાં હવે ઈગોવાળા પુરુષો ખાસ જોવા મળતા નથી. સ્ત્રી સશક્તિકરણનું જાગૃતિકરણ એટલું બધું થયું છે કે, ઘણા પુરુષોના ઈગો માઈનસમાં જતા રહ્યા છે. ગામડામાં જે પુરુષો અહંના પ્રદેશમાં વિહરતા હતા એમાં પણ ઘણો સુધારો થયો છે. ઘણા કિસ્સામાં તો હવે પુરુષો પાસેથી સ્ત્રીઓએ અહં લઈ લીધો છે. એવા કિસ્સામાં ઘવાતી લાગણી સાચવવાનું કામ પુરુષોનું બની જાય છે.

હવે વાત કરીએ લાગણી ઘવાવાની. લાગવું ઉપરથી લાગણી જેવો મૌલિક શબ્દ સર્જનાર વીર કવિ નર્મદ જોસ્સાનો કવિ હતો. એ જુસ્સેદાર લખતો. જોકે, લાગણી અને જુસ્સાને ખાસ બનતું નથી. લાગણીનું અસ્તિત્વ જાણે કે ઘવાવા માટે હોય એવું લાગે છે. જે દેશમાં ડગલે ને પગલે લાગણી ઘવાતી હોય એ દેશ સ્વસ્થ નથી એમ ચોક્કસ કહી શકાય. જ્યારે લાગણી મુગ્ધતાના પ્રદેશમાં વિહરતી હોય છે ત્યારે એ સતત ઘવાય છે. જ્યારે લાગણી ધર્મના પ્રદેશમાં હોય છે ત્યારે તેને સતત ઈજા થાય છે. જ્યારે કોઈ સંકુચિત માન્યતા સાથે લાગણી સંકળાય છે ત્યારે તે ઘાયલ થઈ જાય છે. લાગણીમાં વિશાળતા ન હોય ત્યારે જ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. વિશાળતા ને ઉદારતા સાથેની લાગણી સંવેદનશીલતા બની જતી હોય છે.

સ્ત્રીઓ લાગણીના પ્રદેશમાંથી આગળ વધે તો ચોક્કસ લાગણી ઘવાવાનું ઓછું થાય. સપ્તપદીમાં એક પગલું લાગણીના પ્રદેશમાંથી સંવેદનશીલતાના પ્રદેશમાં જવા માટેનું પણ ઉમેરવું જોઈએ. માત્ર લાગણી, સંકુચિત લાગણી, સીમિત લાગણી નુકસાનકારક છે. એના માટે લાગણીવેડા કે પછી વેવલાવેડા જેવો શબ્દ પણ લોકો પ્રયોજતા હોય છે. લાગણી જ્યારે પરિપક્વ બને ત્યારે જ સ્વસ્થ બને. સ્વસ્થ લાગણી ક્યારેય ઘવાતી નથી. એ કંપે ખરી, પણ થથરે નહીં.

સ્વસ્થ સમાજ કે સ્વસ્થ સંબંધો માટે સ્વસ્થ લાગણી અને સ્વસ્થ ઈગો અનિવાર્ય છે. લાગણી કે ઈગોનો ઈન્કાર નથી, તે કઈ ભૂમિકાએ છે તેના પર સંબંધોની સ્વસ્થતાનો મોટો આધાર છે. કોઈ પાઠ્યપુસ્તકોમાં, કોઈ અભ્યાસક્રમોમાં, કોઈ મોટિવેશનલ સ્પીકરો પાસે, કોઈ ધર્મગુરુઓ પાસે, કોઈ નિષ્ણાતો પાસે ઘવાતી લાગણી કે નુકસાન કરતા ઈગોનો ઈલાજ નથી હોતો. એ દરેક વ્યક્તિની પોતાની જરૂરિયાત હોય છે. એણે જાતે જ આ બધું બેલેન્સ અને મેનેજ કરવું પડે છે અને એનું નામ જ જિંદગી છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)