મનન કી બાત:કોર્પોરેટ વર્લ્ડમાં સાયકોગ્રાફિક્સનો ટ્રેન્ડ... નવી નોકરી આપવામાં કંપનીઓ તમને કઈ રીતે ટાર્ગેટ કરતી હોય છે જાણો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2016માં જ્યારે ટ્રમ્પ અમેરિકાના ઇલેક્શન જીત્યા ત્યારે ખાલી દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. એમણે પોતાના વક્તવ્યમાં પણ કહેલું કે જે ભુલાઈ ગયેલા લોકો છે એ હવે નહીં ભુલાય. આ ભુલાઈ ગયેલા લોકો કોણ હતા? આટલા વિકસિત અમેરિકાના મહાન સેફોલોજીસ્ટ અને મીડિયા પણ ધારણા ન કરી શકે એવું શું થયું? The forgotten people will be forgotten no moreનો નારો કેમ આટલો ઘાતક બન્યો? આ બધા પ્રશ્નોનો જવાબ સાયકોગ્રાફિક્સમાં છુપાયેલો છે. કોઈપણ ડેમોક્રેસીમાં વધારે પડતા વોટ યુવાન અને વિદ્યાર્થી વર્ગ આપે છે. પીઢ અને ઉંમરદાયક લોકો ક્યારેય ચૂંટણીનું પરિણામ નક્કી નથી કરતા હોતા. એમનું વોટિંગનું પ્રમાણ એટલું ઓછું હોય છે કે મોટાભાગના રાજકારણી, મીડિયા અને પંડિત એમના પર બહુ ધ્યાન નથી આપતા. પરંતુ અમેરિકા એ એવો દેશ છે કે જ્યાં 50 ટકાથી વધુ લોકો એટલે કે સિટીઝન મોટી ઉંમરના છે. ટ્રમ્પે ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ નામક કંપનીને કરોડો રૂપિયા આપીને કામે લગાડેલી હતી. આ કંપનીનું મુખ્ય કામ ડેટા એનાલિસિસ કરીને કોર્પોરેટ જગતમાં કોઈ નવી પ્રોડક્ટ કઈ રીતે બનાવવી અને કઈ રીતે માર્કેટિંગ કરવું એના પર કન્સલ્ટ કરતી હતી.

માર્કેટિંગમાં બે ફંડા હોય છે. એક સોશિયલ ડેમોગ્રાફિક અને બીજું હોય છે સાયકોગ્રાફિક્સ. સોશિયલ ડેમોગ્રાફિક એટલે આપણી ઉંમર, આપણી જાતિ, આપણો ધર્મ, આપણી આવક, વગેરે. સોશિયલ ડેમોગ્રાફિક જગજાહેર વસ્તુ છે કે જેના વિશે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. સોશિયલ ડેમોગ્રાફિક આપણા સેન્સસમાં પણ મપાતું હોય છે. પરંતુ સાયકોગ્રાફિક્સ શું છે?

તમારું સાયકોગ્રાફિક પણ આ જ રીતે તમારો એક માનસિક નક્શો બનાવી આપે છે, જે નક્શો પછી એનાલિસિસ કરતી કંપની વ્યક્તિ દીઠ હજાર રૂપિયામાં આવી કોર્પોરેટ કંપનીઓને વેચે છે. તમારો સાયકોગ્રાફિક્સ ગ્રાફ આ 4 વસ્તુઓ પર આધારિત હોય છે:

1. વેલ્યૂઃ તમારો ઉછેર કઈ રીતે થયો છે અને તમારા સંસ્કાર શું છે.

2. મંતવ્યઃ કોઈપણ સામાન્ય વસ્તુ વિશે તમારાં મંતવ્યો કેવાં છે

3. માન્યતાઓઃ કોઈ ગંભીર અને સામાન્ય વિષયમાં પણ તમારી દૃઢ માન્યતાઓ શું છે

4. રુચિઃ તમને કઈ કઈ વસ્તુઓમાં અને કેટલી રુચિ પડે છે તે ખૂબ જરૂરી છે

આ 4 વસ્તુઓ પર આધારિત તમારો એક ગ્રાફ બનાવવામાં આવે. સામાન્ય રીતે, આ ગ્રાફની રેખામાં તમને આ અલગ પ્રકારના માણસોમાંથી એક તરીકે ઓળખવામાં આવે. આપણે આ અલગ અલગ પ્રકારના લોકોને અલગ અલગ ફોનની કંપનીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું.

1. મહત્વાકાંક્ષી: આ એક એવી વ્યક્તિ છે જેના માટે બ્રાન્ડ સૌથી વધુ મહત્ત્વની છે. એક એવી વ્યક્તિ કે જે બતાવવા માગે છે કે એ કેટલી સફળ અને સ્ટાઇલિશ છે. પોતાની આ છાપ બનાવી રાખવા માટે ઉધાર લઈને પણ ખર્ચો કરવો પડે તો કરે એવી વ્યક્તિ. સામાન્ય રીતે તમારી આસપાસ કોઇ એક એવી વ્યક્તિ હશે કે જેનો પગાર 30થી 40 હજાર રૂપિયા હોય. પરંતુ ત્રણ મહિના અથવા ચાર મહિનાના પગારની કિંમતે પણ એ એક iphone લેશે.

2. એક્સપ્લોરર: આ એક એવી વ્યક્તિ છે કે જેને પોતાની ઓળખ એક એવી વ્યક્તિ તરીકે બનાવવી છે કે જે હંમેશાં કંઇક નવું ધરાવતું હોય. એક એવી વ્યક્તિ કે જેને સામાન્ય અને સાધારણથી પરહેજ છે. એક એવી વ્યક્તિ કે જે હંમેશાં બધાથી જુદું કરી આપવા વ્યાકુળ છે. એટલે ન એને iphone ગમશે કે ને સેમસંગ ગમશે. આવી વ્યક્તિ પાસે સામાન્ય રીતે સમયાંતરે એકદમ નવી અને ન સંભળાયેલી કંપનીઓના ફોન હશે.

૩. સામાન્ય મેન્સ્ટ્રીમ વ્યક્તિ: કોઈપણ સમાજમાં 40 ટકાથી વધુ લોકો આ ગ્રુપમાં હોય છે. આ એક એવી વ્યક્તિ છે કે જેને નવું નથી કરવું અથવા જુદું પણ નથી તરી આવવું. એને એક એવી પ્રોડક્ટ જોઈએ છે કે, જે ટ્રાઈડ અને ટેસ્ટેડ છે. એનું મુખ્ય ધ્યેય સિક્યોરિટી છે. ટૂંકમાં કહીએ તો આ એવી વ્યક્તિઓ છે જે મારુતિની જ ગાડી વાપરે 'પહલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે.'

4. ક્રાંતિકારી: આ એક એવી વ્યક્તિ છે કે જેને નિયમો અથવા સ્ટેટસથી કોઈ લેવાદેવા નથી. સામાન્ય રીતે નવી ડિગ્રી લઈને બહાર પડેલા વિદ્યાર્થી આમાં આવે છે. એમણે કોઈ ક્રાંતિ લઈ આવવી હોય છે, કંઈક નવું કરવું હોય છે. આ એવી વ્યક્તિ છે કે જે ઈલેક્ટ્રિક ગાડીઓ લેતા અચકાશે નહીં.

5. રૂઢિચુસ્ત: આ એવી વ્યક્તિઓ છે કે જેમણે દુનિયા જોયેલી છે અને મોટી ઉંમરના છે. એમને હવે કંઈ નવું નથી કરવું અથવા નવું નથી શીખવું. તેમણે પોતાનાં સંસ્કાર અને પોતાના વિચારો પ્રમાણે સેટ થતી પ્રોડક્ટ જ જોઈએ છે. હા, આવી વ્યક્તિઓ છે કે જે પતંજલિની જ ટૂથપેસ્ટ વાપરશે.

6. સંઘર્ષી: આ એક એવી વ્યક્તિ છે કે જેના માટે જીવન રોજબરોજનો સંઘર્ષ છે, જે માંડ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. એ દુનિયાને એક નવી આશાની કિરણથી નથી જોતી. તે એક એવું મંતવ્ય ધરાવે છે કે દુનિયા મને લૂંટવા જ બેઠી છે અને મારે આખી દુનિયા સામે લડીને જીવવાનું છે. આ વ્યક્તિ પાસે કોઈપણ કંપનીનો સસ્તામાં સસ્તો અને સેકન્ડ હેન્ડ ફોન હશે. આ વ્યક્તિ લોકોને મિસકોલ જ મારતો હશે.

7. સફળ વ્યક્તિ:આ એક એવી વ્યક્તિ છે જેનું સમાજમાં બહુ નામ બની ચૂક્યું છે અને એને કોઈને કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. એવું માને છે કે હું સૌથી સારું જ વાપરીશ. એટલે એક એવી કંપની વાપરશે કે જેમાં એને ભરોસો પણ મળશે અને સંપૂર્ણ કંટ્રોલ પણ. આ લોકો પણ iPhone અથવા મોંઘો સેમસંગ ફોન વાપરતા હશે. પરંતુ એ સ્ટેટસ કરતાં એની સિક્યોરિટી માટે વધારે હશે. આવા લોકો એક બ્રાન્ડની જ પ્રોડક્ટ વાપરવાનું પસંદ કરતા હોય છે. એમને નવું નવું શીખવાનો સમય જ નથી હોતો

મન: આ બધું જાણ્યા બાદ મને જણાવો કે તમે કઈ શ્રેણીમાં છો અને તમારા રાજકારણીઓ અને તમારી કંપનીઓ તમને આ જાણીને કઈ રીતે ટાર્ગેટ કરતી હોય છે.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...