ઈતિહાસ ગવાહ હૈ:વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક સર સી.વી.રામનની હકાલપટ્ટીની પરંપરા અને નોબેલ પ્રાઈઝ માટે ઈર્ષ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલકાતા યુનિવર્સિટીમાં સર આશુતોષ મુકરજીએ નિમંત્રણ આપ્યું, પુત્ર ડૉ. શ્યામા પ્રસાદે કનડવા માંડ્યા
  • સર રામનને હોદ્દેથી હટાવવા માટે બેઠકમાં હાજર રહેવા ડૉ. મુકરજીએ ઈંગ્લેન્ડ જવાનું માંડી વાળ્યું
  • નોબેલ પુરસ્કૃત સર રામન પંડિત નેહરુ સરકાર દ્વારા પહેલા તબક્કામાં જ ‘ભારતરત્ન’થી સન્માનિત થયા

વિદેશમાં જઈને ભણ્યા સિવાય આપબળે ભારતમાં રહીને જ વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન કરીને છેક 1930માં નોબેલ પારિતોષિક મેળવનાર સર સી. વી. રામનનો જોટો જડવો મુશ્કેલ છે. ‘રામન ઈફેક્ટ’ શોધ માટે સૌપ્રથમ એશિયન તરીકે નોબેલ પ્રાઈઝ મેળવ્યું. આમ છતાં, એ રામનને ભારત સરકાર જ નહીં, સાથી વૈજ્ઞાનિકોએ કનડવામાં કોઈ મણા રાખી નહોતી. મહિને દસ રૂપિયાનો શિક્ષક તરીકેનો પગાર મેળવનારા પિતાએ પોતાના સસરા કનેથી મહિને બીજા દસ રૂપિયાની લોન લઈને ઘર ચલાવવું પડતું હતું. એવા સામાન્ય પરિવારમાં જન્મેલા રામને મદ્રાસ (હવેના ચેન્નઈ) ખાતેની પ્રેસિડેન્સી કોલેજમાંથી બી.એ. અને પછીની અનુસ્નાતક પદવી મેળવી. પિતાની કરજના ભાર તળે દબાયેલી સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે મોટા ભાઈ સુબ્રમણ્યમ સાથે ફાયનાન્શિયલ સર્વિસ પરીક્ષા 1907માં પાસ કરી. કોલકાતામાં એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટ-જનરલ તરીકે નોકરી શરૂ કરી. જોકે એમનો જીવ મૂળે સંશોધનનો હોવાથી સરકારી નોકરી સિવાયનો સમય ઈન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશનલ ઓફ સાયન્સ (આઈએસીએસ)ની પ્રયોગશાળામાં જ ગાળવાનું રાખ્યું હતું. મૂળ તમિળ રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હોવા છતાં સામાજિક સુધારાવાળું લગ્ન પોતાને ગમી ગયેલી કન્યા સાથે કરીને બ્રિટિશ રાજની રાજધાની 1911 સુધી જ્યાં રહી એ જ કોલકાતામાં કાયમ વસવાનો સંકલ્પ કરીને ત્યાં જમીન પણ ખરીદી હતી. અહીં એમને સામેથી કોલકાતા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમંત્રવામાં આવ્યા. નિમંત્રણ આપનાર હતા કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ સર આશુતોષ મુકરજી. બ્રિટિશ સરકારની મોભાની નોકરી કરતાં પ્રાધ્યાપક તરીકે ઓછો પગાર મળવાનો હતો છતાં રામને પોતાના મનગમતા કામને ત્યાં તક મળશે એવું માનીને સરકારી નોકરી છોડવાનું પસંદ કર્યું.

નોબેલ પ્રાઈઝ માટે ઈર્ષ્યા
રામન સરકારી નોકરી છોડીને યુનિવર્સિટીમાં જોડાયા. સંશોધન અને અધ્યાપનની સાથે જ વહીવટી જવાબદારી પણ એમના શિરે આવી. વ્યક્તિત્વ જ સમર્પિત હતું. વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય બન્યા. સંશોધન કાર્યમાં પણ પોતાના સાથીઓ અને વિદ્યાર્થીઓને જોડતા રહ્યા. યુનિવર્સિટીની સેનેટમાં પણ સક્રિય રહ્યા. નવા નવા અભ્યાસક્રમો શરૂ કરાવવાની દરખાસ્તો કરતા રહ્યા. એ માત્ર ફિઝિક્સમાં જ રસ લેનારા નહોતા, સંગીતનો શોખ પણ અન્યોને પ્રોત્સાહન પૂરું પાડતો રહ્યો. જોકે, અહીં એમનું નામ જેમ જેમ દેશ અને દુનિયામાં ગાજતું થયું, એમ એમના ભણી દ્વેષભાવ રાખનારાઓની સંખ્યા પણ વધવા માંડી. રામન તો ઓલિયો માણસ. એમણે પોતાના વિરોધીઓ ભણી ઝાઝું ધ્યાન આપ્યા વિના નોબેલ પ્રાઈઝ મેળવવાના લક્ષ્ય ભણી ધ્યાન આપવાનું રાખ્યું. અહીં મેઘનાદ સહા નામના બીજા વૈજ્ઞાનિક પણ નોબેલ પ્રાઈઝ ઝંખતા હતા. વાત બંગાળી અને દક્ષિણ ભારતીય વચ્ચેના વિવાદ લગી પહોંચી એ પહેલાં તો ‘રમન ઈફેક્ટ’ની એમની શોધ માટે એમને 1930માં ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જાહેર થયું. એમણે એના સ્વીકાર વ્યાખ્યાનમાં પોતાના સાથીઓને યશ આપવામા કોઈ કંજૂસાઈ કરી નહીં, પણ બંગાળી રાષ્ટ્રવાદ ફૂંફાડા મારવા માંડ્યો રામન દક્ષિણ ભારતીયોને મહત્ત્વ આપી રહ્યા છે એવી ચર્ચા ચાલુ થઈ. એમની વિરુદ્ધ અખબારોમાં ચર્ચાપત્રો શરૂ થયાં. જે તમિળ બ્રાહ્મણ વૈજ્ઞાનિક કોલકાતાને પોતાનું ઘર ગણતો હતો, અહીં ઠરીઠામ થઈને રહેવા ઈચ્છતો હતો, એને સર આશુતોષ મુકરજીના જ પુત્ર અને યુનિવર્સિટીના કુલપતિ બનેલા ડૉ. શ્યામા પ્રસાદ મુકરજી અને બીજા અન્ય લોકોએ કોલકાતા છોડી જવાની સ્થિતિ નિર્માણ કરી હતી. આ ડૉ. મુકરજી પેલા મેઘનાદ સહાની કાનભંભેરણીનો ભોગ બનીને નોબેલ પારિતોષિક મેળવનાર સર સી. વી. રામનની પાછળ પડી ગયા.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં
વર્ષ 1930માં નોબેલ મેળવનાર સર રામન કોલકાતા યુનિવર્સિટી છોડીને બેંગલુરુની ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં જોડાયા. અહીં 24 એપ્રિલ 1934ના રોજ રામને ઈન્ડિયન એકેડમી ઓફ સાયન્સ નામની સંસ્થાની નોંધણી કરાવીને વિવિધ કાર્યક્રમો યોજવાનું શરૂ કર્યું. અહીં પેલી કોલકાતાની ટોળકી કાળોતરો બનીને એમનો મારગ અવરોધવા આવી પહોંચી. બેંગલુરુ આવી ગયેલા સર રામનને કોલકાતાની ‘ઈન્ડિયન એસોસિએશન ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ’ સંસ્થાના માનદ મંત્રીપદેથી દૂર કરવામાં બંગાળી બાબુઓ સફળ રહ્યા. અહીં પણ ડૉ. શ્યામાબાબુએ મેઘનાદ સહાના ઈશારે જ જાણે રામન વિરોધી ઝુંબેશનું સુકાન સંભાળ્યું. આટલું બાકી હોય તેમ સર રામનને ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટરપદેથી દૂર કરાવ્યા.

નવાઈ તો એ વાતની લાગે કે ડૉ. મુકરજીએ સર રામનને હોદ્દેથી હટાવવા માટે બેઠકમાં હાજર રહેવા માટે ઈંગ્લેન્ડ જવાનું માંડી વાળ્યાનો પત્ર પણ મેઘનાદ સહાને લખ્યો હતો. જોકે, રામન અહીં ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તરીકે પોતાની નિવૃત્તિ લગી ચાલુ તો રહ્યા, પણ એમનું દિલ ખાટું થઈ ગયું હતું. સરકાર પણ એમની થતી રહેલી કનડગતની મૂક પ્રેક્ષક બની રહી. આઝાદી પછી પંડિત નેહરુની સરકારે સર રામનને પહેલા તબક્કામાં જ ‘ભારતરત્ન’ આપીને એમનું ગૌરવ કર્યું, પણ વૈજ્ઞાનિકોને શોધખોળ માટેની મોકળાશને બદલે બ્યુરોક્રસીના હાથમાં બધું સોંપી દીધું હતું એટલે સર રામન નેહરુના પણ ટીકાકાર બન્યા. એનાથી ઊલટું નહેરુ સાથેની નિકટતાનો ભરપૂર લાભ મેઘનાદ સહાએ ઉઠાવ્યો!

સર રામનનું જીવંત સ્મારક
મહિસુરના મહારાજા વાડ્યારનો સર રામન પર ખૂબ જ પ્રેમભાવ રહ્યો. એમણે રામનના પ્રકલ્પ માટે ડિસેમ્બર 1934માં જમીન ભેટમાં આપી. રામને પોતાની રીતે નાણાં ઊભાં કરીને 1948માં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરીને પોતાનું સંશોધન કાર્ય બેંગલુરુ પરિસરમાં આવેલી આ સંસ્થામાં આદર્યું. સરકારી નાણાં લેવા બાબત એમને હંમેશાં સંકોચ રહેતો હતો, પણ વૈજ્ઞાનિક શોધખોળ માટે એમણે આ સંસ્થામાં જીવ રેડી દીધો. એમના મૃત્યુ પછી સરકારે એમના પુત્રને સંસ્થાના નિયામક બનાવીને 1972થી ભારત સરકારના વિજ્ઞાન અને તંત્રજ્ઞાન વિભાગ તરફથી સરકારી ગ્રાન્ટ પર સ્વાયત્ત રીતે એને ચલાવવાનું શરુ થયું. અત્યારે એના અધ્યક્ષ તરીકે અગાઉ ઈસરોના ચેરમેન રહેલા કિરણ કુમાર છે. સંચાલક મંડળમાં ઈસરોના સલાહકાર ડૉ. કે. કસ્તુરીરંગન તથા નાલંદા યુનિવર્સિટીના કુલાધિપતિ પ્રા. વિજય ભાટકર સહિતના છે. નિયામકપદે પ્રા. રરુણ સૌરદીપ છે.

haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)