એક્સપ્લોર ઇન્ડિયા:સ્વર્ગનું ઉંબર અને આપણું આધ્યાત્મિક કેન્દ્ર એટલે દેવોની ભૂમિનું દ્વાર: રોમાંચક ઋષિકેશ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈપણ સ્થળની મુલાકાત લઈએ તો એ સ્થળ આપણાં માનસપટ પર કોઈ આગવી છાપ છોડીને જાય અને સ્થળ છોડીએ ત્યારે એ સ્થળ આપણાથી લેશમાત્ર પણ ન છૂટે અને આપણાં મનમાં કાયમ માટે જગ્યા બનાવી લે... દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં સ્વર્ગના દ્વાર તરીકે ઓળખાતું ઋષિકેશ કંઈક આવી જ વિશિષ્ટતા ધરાવે છે. ઋષિકેશ એ કોઈ સ્થળ નહીં પણ એક ભાવના છે. ઋષિકેશ કે જ્યાં હિમાલયમાંથી કૂદતાં, ઊછળતાં, પોતાના મૂડમાં વહેતા ગંગાજી શાંત અવસ્થામાં હિમાલયના પહાડોમાંથી ભારતમાં વિશાળ મેદાન વિસ્તારમાં આવીને વહે છે એવા ઋષિકેશની ધરતીનું સત્ત્વ જ કંઈક અલગ છે. ઋષિકેશમાં આધ્યાત્મિક અને માનસિક શાંતિનો અનોખો સંગમ છે. અહીંના કણ-કણમાં મેડિટેશન રહેલું છે અને જીવમાત્ર એને કોઈ વિશેષ કોશિશ વિના અનુભવી શકે છે. અદ્દલ એમ જ કે જાણે હમણાં જ સ્થિર પ્રવાહમાં આવેલા ગંગાજી દરેકનો તણાવ હરીને મનની સ્થિરતા આપતાં જશે. જ્યારે જીવન અટકતું જણાય, જીવનમાં ક્યાંક મૂંઝવણ જણાય, ક્યારેય કંઇ જ ન કરીને ખાલી બેસી રહીને જિંદગીના દિવસોને વીતી જતા જોવાનું મન થાય ત્યારે ઋષિકેશ આંટો મારવો. બધા જ રસ્તાઓ આપોઆપ મળશે. અહીં જીવનમાં મૂંઝવતા સવાલનાં જવાબ મળે કે ન મળે પણ અહીં આવીને તમામ પ્રશ્નો આપોઆપ શૂન્ય થઈ જાય છે.

ગંગા વ્યૂ ફેકેના રૂફટોપ પરથી વહેતાં ગંગાજીને શાંતિથી બેસીને જોવાં એ એક લહાવો છે
ગંગા વ્યૂ ફેકેના રૂફટોપ પરથી વહેતાં ગંગાજીને શાંતિથી બેસીને જોવાં એ એક લહાવો છે

ઉત્તરાખંડમાં ગઢવાલ વિસ્તારમાં આવેલું ઋષિકેશ સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મનું મુખ્ય આસ્થા કેન્દ્ર અને યોગ કેપિટલ છે. હિમાલયની તળેટીમાં આવેલું આ સ્થળ અવનવાં આકર્ષણ ધરાવે છે. એટલે જ ઋષિકેશમાં દિવસો નહીં પણ મહિનાઓ પણ સરળતાથી વિતાવી શકાય. શહેરની કોલાહલથી દૂર ઋષિકેશનો તપોવન વિસ્તાર માંસ-મદિરા ફ્રી ઝોન છે અને અહીં વિવિધ દેવી-દેવતાઓનાં મંદિરો તથા આશ્રમો આવેલાં છે. ગંગાજીના ઘાટ પર અલગ અલગ કેફે અહીંનું મુખ્ય આકર્ષણ છે. અહીં કોઈપણ કેફેમાં બેસીને જીવનની ક્ષણોને જાણે સ્લો મોશનમાં માણી શકાય છે. તપોવનનું મુખ્ય સ્થળ લક્ષ્મણ ઝૂલા છે, જેની આસપાસ લગભગ તમામ કેફે આવેલાં છે અને ચાલીને આ વિસ્તાર ફરી શકાય છે. અહીં ઠેર-ઠેર મળતી લિજ્જતદાર ચાટ, ભેળ જીભને સ્વાદની ચટપટી સફર કરાવશે જ અને એ સ્વાદની લિજ્જત વારંવાર માણવા જેવી ખરી. ગઢવાલ ઉત્તરાખંડમાં ક્યાંય પણ ફરવા જવું હોય ઋષિકેશ એનું મુખ્ય મથક છે. ઋષિકેશથી જ આગળ દરેક સ્થળે જઈ શકાય. અહીં વિશ્વ પ્રસિદ્ધ ‘લિટલ બુદ્ધા’ કેફે છે, જ્યાં બેસીને ગંગાજીમાં ડૂબતાં સૂરજની સોનેરી રોશની માણતાં માણતાં અહીંનું સલાડ કે અહીંની વિશિષ્ટ કોફીના ઘૂંટડા ભરતાં ભરતાં મનમાં શાંતિનો ગજબ એહસાસ થાય. લિટલ બુદ્ધા કેફેમાંથી ગંગાજીના ઘાટ પર શ્રદ્ધાળુને જોઈ શકાય, તરતી રાફ્ટમાં ખુશમિજાજ જનોની ખુશીને સ્પષ્ટ રીતે જોઈ શકાય, લક્ષ્મણ ઝૂલા પરથી પસાર થતા લોકોને જોઈ શકાય અને અસંખ્ય પક્ષીઓ ગંગાજીની સપાટી પર મહાલતા જોઈ શકાય. ગંગા વ્યૂ ફેકેના રૂફટોપ પરથી વહેતા ગંગાજીને શાંતિથી બેસીને જોવું તે એક લહાવો છે. આ બધી નાની-નાની ક્ષણો કોઈપણને પોતાનાં જીવનમાંથી ખુશીઓનો ખજાનો શોધવાનો મોકો આપે જ છે.

લક્ષ્મણજીએ પ્રભુ શ્રીરામને ગંગાજીને સામે કાંઠે જવા માટે એક પુલનું નિર્માણ કર્યું, જે આજે લક્ષ્મણ ઝૂલા કહેવાય છે
લક્ષ્મણજીએ પ્રભુ શ્રીરામને ગંગાજીને સામે કાંઠે જવા માટે એક પુલનું નિર્માણ કર્યું, જે આજે લક્ષ્મણ ઝૂલા કહેવાય છે

લક્ષ્મણ ઝૂલાથી ચાલતા રામ ઝૂલા તરફ જઈએ કે અલગ અલગ મેડિટેશન આશ્રમ, યોગ શીખવતાં યોગગુરુઓ, રસપ્રદ સંગીતનાં સાધનોનું એક આગવું બજાર, હેન્ડીક્રાફ્ટનું બજાર, ખાણી-પીણીનું બજાર વગેરે વચ્ચેથી પસાર થઈએ કે ફરી એકવાર બાળક બની જઈએ. એ સિવાય, અલગ અલગ ગંગા ઘાટ તો ખરા જ, જ્યાં વિશાળ પટમાં ગંગાજી મુક્તપણે વહેતાં હોય ત્યારે મનમાં ક્યાંક ભગીરથ રાજા ચાલતા દેખાય અને પાછળ પાછળ ગંગાજી. લક્ષ્મણ ઝૂલા પાસે સાંઈ ઘાટ છે, જ્યાંથી ખૂબ જ ઓછી ભીડમાં ગંગાજીની કંપની માણી શકાય. અહીં જૂજ લોકો આવે છે. લક્ષ્મણ ઝૂલા પર આવતાં જ અહીંના નટખટ વાંદરાઓ તમારું સ્વાગત કરવા તૈયાર હોય છે. હાથમાં કોઈ ફળફળાદિ હશે તો બસ હકથી એ છીનવી લેશે અને તમારી સામે જ વટથી આરોગવા લાગશે. ઋષિકેશ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે સમુદ્રમંથન બાદ મહાદેવે અહીં જ વિષપાન કરેલું અને તેઓ નીલકંઠ કહેવાયા. તેની યાદમાં અહીં પૌરાણિક નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. રામાયણ સાથે પણ આ સ્થળ જોડાયેલું છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામે પણ અહીં થોડો સમય એકાંતમાં વ્યતીત કરેલો અને તે જ સમયમાં શ્રી લક્ષ્મણજી દ્વારા પ્રભુને ગંગાજીને સામે કાંઠે જવા માટે એક પુલનું નિર્માણ કર્યું, જે આજે લક્ષ્મણ ઝૂલા તરીકે ઓળખાય છે.

ત્રિવેણીઘાટ એ ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર આવેલો છે. જેથી શ્રદ્ધાળુઓ પોતાનાં પાપોને ધોવાના ભાવથી શ્રદ્ધાની ડૂબકી લગાવે છે
ત્રિવેણીઘાટ એ ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર આવેલો છે. જેથી શ્રદ્ધાળુઓ પોતાનાં પાપોને ધોવાના ભાવથી શ્રદ્ધાની ડૂબકી લગાવે છે

આશરે નવમી સદીમાં આદિ શંકરાચાર્યએ વસાવેલું આ નગર આમ તો દેશનું આધ્યાત્મિક કેન્દ્ર અને હિન્દુ સંસ્કૃતિનું પ્રતિનધિત્વ કરે છે. આદિગુરુ શંકરાચાર્ય દ્વારા નિર્મિત ભરત મંદિર, લક્ષ્મણ મંદિર, શત્રુઘ્ન મંદિર જેવાં પૌરાણિક મંદિરો પણ અહીં આવેલાં છે. અહીં સાંજ ઢળે કે પરમાર્થ આશ્રમનાં ઘાટ પર ગંગાજીની સંધ્યા આરતીની તૈયારીઓ શરૂ થાય અને બધા લોકો અહી હોંશે હોંશે ગોઠવાઈ જાય. આરતીની પાવક જ્યોતિનું વિશાળ પ્રતિબિંબ જ્યારે ગંગાજીના પટ પર દેખાય ત્યારે જાણે એમ લાગે કે મા ગંગા જીવમાત્રને પોતાના વાત્સલ્યથી ભીંજવી રહી છે. એ જ રીતે ત્રિવેણી ઘાટની આરતી પણ મુખ્ય આરતી તરીકે આગવું આકર્ષણ ધરાવે છે. ત્રિવેણીઘાટ એ ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર આવેલો છે. જેથી શ્રદ્ધાળુઓ પોતાનાં પાપોને ધોવાના ભાવથી શ્રદ્ધાની ડૂબકી લગાવે છે. અહીં સ્નાન કરનારાનાં પાપોનું ગંગાજી પોતાનાં પ્રવાહમાં હરણ કરી લે છે એવી માન્યતા પુરાતન કાળથી ચાલતી આવે છે. તેથી, અહીં યાત્રાળુઓ શ્રદ્ધાની ડૂબકી અચૂક લગાવે છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે કલાક જેટલો સમય ચાલતી આ આરતી જીવનમાં એકવાર અચૂક માણવી જોઈએ. આપણા ભુલાયેલાં નૈતિક મૂલ્યો, આધ્યાત્મિક ચેતના વગેરે ક્ષણ માત્રમાં જાગ્રત થઈ જાય છે. હિન્દુત્વનાં સાત્ત્વિક મૂલ્યોથી પ્રભાવિત થઈને ઘણા વિદેશીઓ પણ પોતાનું સઘળું વેચીને અહીં આધ્યાત્મિક જીવન વિતાવતાં ધન્યતા અનુભવે છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ બેન્ડ ‘બીટલ્સ’ પણ આકર્ષાયું હતું અને અહીં જ સાધના કરી હતી. મહર્ષિ મહેશ યોગી દ્વારા સ્થાપિત આશ્રમમાં તેઓ 1968માં મેડિટેશન માટે આવ્યા હતા અને ત્યારબાદ ચોર્યાશી કુટિયા તરીકે ઓળખાતી આ જગ્યા બીટલ્સ આશ્રમનાં નામથી પ્રસિદ્ધ થઈ. પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર આ આશ્રમ આજે રાજાજી નેશનલ પાર્કનો હિસ્સો છે અને અહીંયા પણ કલાકો વિતાવી શકાય છે. બીટલ્સ આશ્રમ ઉપરાંત અહીં સ્વર્ગાશ્રમ, મુનિ કી રેતી, ઓમકારાનંદ આશ્રમ, મૂજી આશ્રમ, પરમાર્થ આશ્રમ, ઓશો આશ્રમ જેવા અલગ અલગ આશ્રમ આવેલા છે, જે આધ્યાત્મિક મૂલ્યોને જાળવી રાખવા વિવિઘ પ્રકારનાં મેડિટેશન અને આધ્યાત્મિક અભ્યાસક્રમ ચલાવે છે. આ ઉપરાંત, ઋષિકેશમાં હેલ્થ સ્પા, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું આયુષ કેન્દ્ર પણ છે. જ્યાં પ્રાકૃતિક સારવાર લઈ શકાય છે. અહીં શિરોધારા પણ ખૂબ જ જાણીતી છે.

કુંજાપુરી મંદિર જ્યાંથી સુંદર નજારાઓ માણી શકાય એવું વાતાવરણ, વશિષ્ઠ ગુફા કે જ્યાં ગુરુ વશિષ્ઠે ધ્યાન કર્યું હતું એવા અઢળક સ્થળો ઋષિકેશને માત્ર એક સ્થળ નહીં પણ જીવનનો હિસ્સો બનાવે છે અને અહીં વધુ ને વધુ સમય વિતાવવાનાં કારણો આપે છે. હાલના ઋષિકેશનું વાતાવરણ એવું ગણી શકાય કે અહીં આજનો યુવાન હોય કે કોઈ વયસ્ક હોય દરેકને પોતાની જરૂરિયાત મુજબનો માહોલ અહીં મળી રહેશે. આધ્યાત્મ, શાંતિ, સૂકુન, એડવેન્ચર એક્ટિવિટીઝ, યોગ, શાંત નદી કિનારો, પ્રાકૃતિક વાતાવરણ જેવું બધું જ મળી રહે એવું સ્થળ. આધ્યાત્મિક સ્થળો, યોગનાં કેન્દ્રો અને સરસ કેફે દરેક સાથે ગંગાજીનું સાંનિધ્ય એથી વિશેષ શું જોઈએ બ્રેક માટે?

ઋષિકેશ સ્થળ નહીં પણ સ્વર્ગનું ઉંબર છે
ઋષિકેશ સ્થળ નહીં પણ સ્વર્ગનું ઉંબર છે

ઋષિકેશમાં લોકો લાંબા સમય માટે રહેતા હોય છે. અહીં ઘણા આશ્રમ છે, જ્યાં રહીને જીવનને મેડિટેશન તરફ વાળીને એક અદભુત બ્રેક લઈ શકાય. આ સિવાય, અહીં હોસ્ટેલ કલ્ચર છે, જ્યાં માત્ર 200 રૂપિયા આસપાસમાં બેડ અને બ્રેકફાસ્ટ, જાતે રાંધી શકાય એવું રસોડું વગેરે સરળતાથી મળી રહે છે. પ્રવાસીઓ માટેનું આકર્ષણ અહીંનું રિવર રાફ્ટિંગ છે. અહીં શિવપુરીમાં ગંગાજીના ધસમસતા પ્રવાહમાં રાફટિંગ કરવું એ યાદગાર અનુભવ બની રહેશે. એ સિવાય, અહીં ફ્લાયિંગ ફોકસ, બંજી જમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ છે, જે જીવનમાં યાદગાર ક્ષણોની ભેટ આપે છે. ઋષિકેશ રેલ અને વિમાન માર્ગે સરળતાથી પહોંચી શકાય. ઋષિકેશથી માત્ર 15 કિમી દૂર જોલી ગ્રાન્ટ એરપોર્ટ છે અને નજીકનું રેલવે સ્ટેશન હરિદ્વાર છે. ગુજરાતમાંથી યોગ એક્સપ્રેસ ડાયરેક્ટ હરિદ્વાર સુધી જાય છે. એ સિવાય, દિલ્હીથી સરળતાથી બસ અને ટેક્સી પણ મળી રહે છે. જીવનને શ્રેષ્ઠ ક્ષણોની ભેટ આપવી હોય તો એકવાર નહીં પણ વારંવાર ઋષિકેશની મુલાકાત લેવી જ જોઈએ. અહીં બેકપેકર્સ અને યોગના રસિયાઓની અલગ જ દુનિયા છે. ટૂંકમાં અહીં દરેક ઉંમરના સભ્યો માટે કંઈક ને કંઈક તો છે જ, જે તેમને માનસિક શાંતિ પ્રદાન કરે છે.

ગંગાજીને અહીં હિમાલય વિદાય આપીને ભારતનાં વિશાળ મેદાનોમાં, જંગલોમાં મુક્ત મને વહેવાનો માર્ગ બતાવે છે. બીટલ્સ આશ્રમમાં આમતેમ દોડતા વિચારો સ્થિર થતા અનુભવાશે, સાંઈ ઘાટ પર જાતને મળ્યા હોય એવો અનુભવ થશે, લક્ષ્મણ ઝૂલા પર પોતાનામાં રહેલું બાળક જીવંત થશે, ત્રિવેણી ઘાટ પર પોતાની જાત સાથે ઊંડો સંવાદ થશે તો લિટલ બુદ્ધ કેફેમાં દોડતી જિંદગી જરાક સ્લો મોશનમાં મહાલતી દેખાશે. ગંગાજીનો વહાલ દરેક ઘાટ પર અનુભવાશે દોસ્ત. ઋષિકેશ સ્થળ નહીં પણ સ્વર્ગનું ઉંબર છે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...