તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેદવાણી:સુખની ત્રણ માસ્ટર કી: નરવું તન, કાબૂમાં મન અને ચોખ્ખું અંતર

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

માણસ જે કંઇ કરે છે એ શાના માટે? સુખી થવા જ ને! સુખ માણસની સનાતન ખોજ રહી છે અને રહેશે. સુખી કેમ થવાય? વળી સુખી કેમ રહેવાય? વેદ પૂર્ણ સુખની ચાવી છે. શાંતિમંત્ર એટલે સુખમંત્ર! વેદના સુંદર બે શાંતિમંત્રોનો આસ્વાદ માણ્યો. આજે બીજા ત્રણ શાંતિમંત્રોનો વ્યવહારુ સાર જોઇએ.

ૐ આપ્યાયન્તુ મમાંગાનિ વાક્ પ્રાણશ્ચક્ષુ: શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ. સર્વં બ્રહ્મૌપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યાં મા મા બ્રહ્મ નિરાકરોત્, અનિરાકરણમસ્ત્વનિરાકરણં મેઽસ્તુ. તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સન્તુ, તે મયિ સન્તુ. ૐ શાંતિ: ૐ શાંતિ: ૐ શાંતિ: (કેનોપનિષદ, છાંદોગ્યોપનિષદ)

અહીં વાણી, પ્રાણ, આંખ, કાન વગેરેને બળવાન કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. આ બધા અંગો જેની ચેતનાથી ચાલે છે, તે ઈશ્વરનો આભાર પણ માનવો જોઇએ! વળી, પરમ ચેતના સાથે દોર સાંધી રાખવા મથે છે. અહીં ‘ધર્માસ્તે મયિ સન્તુ’ શબ્દ આવે છે. અહીં ધર્મનો અર્થ આદર્શ જેવો છે. જેમ કે, આંખ દ્વારા સારું વાંચન અને દર્શન, કાન દ્વારા સારા શબ્દોનું શ્રવણ વગેરે. આ ધર્મસમૂહોનું સતત અનુસરણ કરવું પડે. જો આ અંગો ગરબડ કરે તો શું થાય? આખીયે વાતને સમજાવવા કેનોપનિષદમાં સરસ રૂપક છે.

આ બધું કોણ કરે છે? એક રસપ્રદ કથા જાણીએ
આપણી આંખો, કાન અને જીભ વગેરે અંગોને કોણ બળ પૂરું પાડે છે? પ્રકાશ કે અગ્નિ વિના આંખ જોઇ શકે ખરી? વાતાવરણ (વાયુ) વિના અવાજ વહે ખરો? તમારી જીભ સાવ સૂકી હોય તો સ્વાદ આવે ખરો? આમ અગ્નિ, વાયુ અને જળ વિના આપણું જીવન નકામું થઇ જાય ખરું ને? એટલે અગ્નિ, વાયુ અને જળને પ્રકાશક દેવતાઓ કહે છે.

એકવાર એવું થયું કે આ દેવતાઓને પોતપોતાની શક્તિનો ગર્વ થયો. અગ્નિ કહે કે હું મોટો, વાયુ કહે હું! અને તેઓ આપસમાં લડી પડ્યા. પરમાત્માએ તેમનો અહંકાર ઓગાળવા એક યક્ષનું રૂપ ધારણ કર્યું. યક્ષે પૂછ્યું કે તમે કોણ છો? સૌ પોતપોતાની શક્તિનાં બણગાં ફૂંકવા માંડ્યા. યક્ષ હસી પડ્યા. કહ્યું, એમ? બહુ સારું. યક્ષે એક નાનું તણખલું મૂક્યું. ‘આવો અગ્નિદેવ!’ યક્ષે કહ્યું, 'જરા આ તણખલાંને બાળી જુઓ તો!' અગ્નિદેવે પહેલાં તો એક તણખો મૂક્યો પણ તણખલાને કંઇ ન થયું. પછી તો તેમણે પોતાનું દાવાનળ સ્વરૂપ લીધું તો પણ તણખલું સલામત રહ્યું. એ થાકી ગયા. પછી વાયુદેવ અને જળદેવતાએ પણ તણખલા પર પોતાની શક્તિ વાપરી જોઇ. તણખલું જેમનું તેમ રહ્યું. પછી દેવોને થયું કે આ યક્ષ અને તેનું તણખલું સામાન્ય નથી! દેવોએ પ્રાર્થના કરી ત્યારે યક્ષના સ્થાને ભગવતી ઉમા હેમવતી પ્રકટ થયા. તેમણે કહ્યું કે તમારા બધામાં રહેલી શક્તિનો મૂળ સ્રોત હું છું. દેવતાઓનો ગર્વ ગળી ગયો! એક વાત કહું? આ વાર્તામાં દેવોની જગ્યાએ પરિવાર, સમાજ કે સંસ્થા મૂકી જુઓ! બધે કામની ખરી કે નહીં?

આપણી આંખની જોવાની શક્તિ કે કાનની સાંભળવાની શક્તિ ઈશ્વરની દેન છે. જેટલો સદુપયોગ કરીએ તેમ તે વધુ ઉપયોગી બનશે. જીવન સુખી થશે! વ્યક્તિગત શક્તિ-સામર્થ્યને સુવાંગ મિલ્કત ન ગણીએ. બને એટલું સૌનું ભલું કરીએ. જે બગીચામાં સેવા-સમર્પણના ફૂલો ખીલે છે ત્યાં સ્વાર્થ, શોષણ અને અહંકારની દુર્ગંધ આપોઆપ દૂર થાય અને સુખશાંતિ અને આનંદનાં ફળો લચી પડે!

શુભ શુભ સુણો, શુભ શુભ જુઓ અને શુભ શુભ કરો!
ૐ ભદ્રં કર્ણેભિ: શ્રુણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રા:. સ્થિરૈરંગેસ્તુષ્ટુવાંસસ્તનૂભિર્વ્યશેમ દેવહિતં યદાયુ:. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા: સ્વસ્તિ ન: પૂષા વિશ્વવેદા:. સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિ: સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ૐ શાંતિ: ૐ શાંતિ: ૐ શાંતિ: (પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ અને માંડૂક્યોપનિષદ)

આ ખૂબ જાણીતો કલ્યાણમંત્ર છે. ભદ્રં એટલે શુભ અથવા ભલું. જે ભલું જુએ અને ભલું સાંભળે તેનું થાય ભલું! આટલું જ નહીં, પણ શરીરનાં બધાં અંગો તંદુરસ્ત રહે. જેટલું જીવાય એટલું સાર્થક કરીએ. અહીં ઇન્દ્ર, પુષા, વિશ્વવેદા, તાર્ક્ષ્ય અને બૃહસ્પતિ જેવા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે કે હે દેવો અમારું ભલું થાઓ!

દેવ કોણ? વેદના શબ્દોનો અર્થ (ડિક્શનરી) નિરુક્તમાં મળે છે. નિરુક્તમાં દેવ શબ્દના મજાના અર્થ છે. ‘જે દે (આપે) તે દેવ!' 'જે સાચું રૂપ દેખાડે (જ્ઞાન આપે) તે દેવ'! દેવ, દાનવ અને માનવ બધા આપણી ભીતર છે. શું બહાર લાવવું છે, તે આપણા જ હાથમાં છે!

દેવોના રાજા ઇન્દ્રદેવને વૃદ્ધશ્રવા કહે છે. જે સારું સારું સાંભળીને જ્ઞાનમાં વધારો કરે તે વૃદ્ધશ્રવા. યુવા દોસ્તો! તમે પણ આવું કરી શકો તો ઇન્દ્ર જેવા શક્તિશાળી બની શકો! જગતને નજીકથી જોતા, જાણતા અને પોષતા એવા પુષન્ (સૂર્યનારાયણ)ને વિશ્વવેદા: કહે છે. તાર્ક્ષ્ય (ગરુડદેવ)ને અરિષ્ટનેમિ કહીને વધાવે છે. ગરુડની નજર ઝીણી હોય. હજાર નકામી વાતો વચ્ચે પડેલી કામની વાતને વિણી લે તે ગરુડ! દેવોને પણ ગુરુ હોય. તેમનું નામ બૃહસ્પતિ. આ બધી દેવસૃષ્ટિ પાસેથી શીખવા જેવું છે. જે શીખે અને અમલમાં મૂકે તે થાય દેવ જેવા તેજસ્વી! અને તેમનું જીવન થાય શુભ અને સુંદર!

પ્રામાણિકતાનો મહામંત્ર-વાણી સમાય મનમાં અને મન વાણીમાં!
ૐ વાક્ મે મનસિ પ્રતિષ્ઠિતા. મનો મે વાચિ પ્રતિષ્ઠિતમાવિરાવીર્મ એધિ. વેદસ્ય મ આણિસ્થ: શ્રુતં મે મા પ્રહાસિ:. અનેનાધિતેનાહોરાત્રાસંદધામ્યૃતં વદિષ્યામિ. સત્યં વદિષ્યામિ તન્માવવતુ. તદ્વક્તારમવતુ. અવતુ મામવતુ વક્તારમવતુ વક્તારમ્. ૐ શાંતિ: ૐ શાંતિ: ૐ શાંતિ: (ઐતરેયોપનિષદ)

'મારાં મન અને વાણી એક થાઓ.' આ બૌદ્ધિક અને મૌખિક પ્રામાણિકતાનો સંકલ્પ છે. આપણાં મન અને વાણી સાચું અને સારું જાણવાનાં સાધન બની રહો. વળી, મેં જે સાંભળેલું કે શીખેલું છે તે ટકી રહો. જુઓ, આ સંકલ્પ તો કેવો મજાનો છે, 'હું જ્ઞાન પ્રાપ્તિના યજ્ઞમાં એટલો તો ડૂબી જઉં કે મારા માટે દિવસ અને રાત્રિ એક જ થઇ જાય!' નકામી વાતોમાં મારું ધ્યાન ન ખેંચાય. બે મંત્રો તમારી સામે લખી રાખો. તેને સતત ગણગણો, ‘ઋતં વદિષ્યામિ’, ‘સત્યં વદિષ્યામિ’! હું સત્ય અને અહિંસા જેવાં સનાતમ સત્ય (ઋત)નું પાલન કરું. રોજિંદા જીવનમાં પણ સાચું જ બોલું!

જે સાચું વિચારે અને સાચું બોલે તેની વાત કોણ ટાળે? સત્યકામ એટલે જે સત્યની કામના કરે તે અને સત્યવક્તા એટલે જે સત્ય બોલે તે. સુખી થવું હોય તો બેઉ વ્રત લો. ગાંધીજી સત્યના પ્રયોગોમાં લખે છે કે તેમણે નાનપણમાં સોનાની ચોરી કરી હતી. જો કે, તેમને અફસોસ થયો અને પિતાજી પાસે સાચું બોલી પોતાના ગુનાની કબૂલાત કરી. એ પછી કદી જુઠું ન બોલવાનો મજબૂત સંકલ્પ લીધો અને આજીવન પાળ્યો. પરિણામ આપણી સામે છે!

આજનું અમૃતબિંદુ: મિત્રો! એક મહિના માટે પ્રયોગ કરવા જેવો છે. રોજ રાત્રે સૂતાં પહેલાં પાંચ મિનિટ મનન કરીએ. દિવસભર આંખ, કાન, જીભ, મોં અને મન નામના પાંચ કારીગરો પાસેથી શું કામ લીધું તેનો હિસાબ લઇએ. કોઇ નકામું કામ થયું હોય તો અફસોસ નહીં પણ પાછા વળવાનો સંકલ્પ લઇએ. બીજું, સાચું બોલવાની અને સારું વિચારવાની ગાંઠ વાળીએ. અંદરનો ઘણો ‘જંક’ સાફ થઇ જશે. પછી જુઠું બોલવાની ઇચ્છા જ નહીં થાય. અંતર રચનાત્મક ઊર્જા અને આત્મવિશ્વાસથી છલકાઇ ઊઠશે. સંબંધોમાં ચમત્કારિક પરિણામો મળશે. સુખની તમારી પોતાની વ્યાખ્યા મળશે. એ જ તમારો પોતાનો વેદ!
holisticwisdom21c@gmail.com

(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો