પોઝિટિવ પેરેન્ટિંગ:આકાંક્ષાઓ અને અપેક્ષાઓ વચ્ચેની ખેંચાતાણી બાળકને જંજીરમાં જકડે છે...એટલે આકાંક્ષાઓ એક્સપ્રેસ થાય પછી બાળકને તે એક્સપ્લોર કરવા દો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં મને એક કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવી હતી, જેમાં મારે આકાંક્ષાઓ અને અપેક્ષાઓ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું એ વિશે વાત કરવાની હતી. સાચું કહું તો શરૂઆતમાં હું આ વિષયને લઈને થોડી કન્ફ્યુઝ હતી. પરંતુ જેમ-જેમ મેં આના અર્થ વિશે સંશોધન કર્યું તેમ-તેમ હું એને ઊંડાણપૂર્વક સમજવામાં સફળ થઈ. આકાંક્ષાઓ અંદરથી આવે છે. આ એવાં સ્વપ્નો છે જે આપણા સબ-કોન્શિયસ કે અંતરમાંથી જન્મ લે છે. જ્યારે બાળકો નાનાં હોય ત્યારે તેઓ અમર્યાદિત સ્વપ્નો જુએ છે કારણ કે, તેમનું માનવું એવું છે કે તેમની પાસે બધું કરી શકવાની સુવિધાઓ અને ક્ષમતાઓ છે.

જ્યારે ચાર વર્ષની ક્રિતિકાએ કહ્યું કે તે ઊડી શકે છે ત્યારે તેના પિતા પાસે બે વિકલ્પ હતા. પહેલો એ કે તેઓ એને ઝટ દઈને કહી દે કે તે ઊડી નથી શકતી અને એવો પ્રયત્ન કરવો પણ ખતરનાક છે કારણ કે, તે અચાનક ઊભી થઇને સોફા ઉપરથી કૂદકો મારવા જાય અને ક્યાંક પડી જાય તો તેને ઇજા થાય. બીજો વિકલ્પ એ હતો કે તેઓ તેનું આ સપનું તેને એક્સપ્લોર કરવા દે. તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો અને તેને સેફ રીતે સોફા ઉપરથી કૂદવા દીધી (જેથી તેને વાગે નહીં). ક્રિતિકાને ખ્યાલ આવી ગયો કે તેના શરીરની થોડી મર્યાદાઓ છે. આ વિશે તેણે ઘણો વિચાર કર્યો અને છેવટે તે એવા નિષ્કર્ષ ઉપર પહોંચી કે તેને પાંખની જરૂરિયાત છે અને એક દિવસ તે ચોક્કસ ઊડી શકશે અને આ રીતે ક્રિતિકામાં એક આકાંક્ષાએ જન્મ લીધો.

જેમ-જેમ આપણે મોટા થતા જઇએ છીએ તેમ-તેમ આપણી આકાંક્ષાઓ નાની થતી જાય છે અને છેવટે તે વિલીન થઇ જાય છે. કેમ? કારણ કે, અપેક્ષાઓ આપણા જીવનમાં એક બાહ્ય ફોર્સ તરીકે આવી જાય છે અને તે આકાંક્ષાઓને આપણા આંતરિક ગોખલામાં ધક્કો મારીને મોકલી દે છે. જેથી, આપણે તેની અવગણના કરીએ કે પછી તેને વિસરી જઇએ છીએ. આ અપેક્ષાઓ આવે છે સમાજમાંથી કે વાલીઓ પાસેથી કે આપણા શુભ ચિંતકો તરફથી. તેમાં આપણે શું કરવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ અને મોટા થઈને શું બનવું જોઈએ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બાળકોને કડકાઈથી કેહવામાં આવે છે કે તેમણે 'રિયાલિસ્ટિક' એટલે કે વાસ્તવિક બનવાની જરૂર છે અને ઘણી વસ્તુઓ તેમની પહોંચ બહાર છે.

વળી, બાળકને એવું પણ કહેવામાં આવે છે કે તેને રમતવીર કે આર્ટિસ્ટ બનવા વિશે વિચારવાનું છોડી દેવું જોઈએ કારણ કે, તે એક સ્થિર વ્યવસાય નથી. એની જગ્યાએ તેણે ગ્રેજ્યુએશન પૂરું કરીને એક નોકરી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વાલીની અપેક્ષા બની જાય છે. બીજો એક દાખલો એવો પણ છે કે કોઈ બાળક દુનિયા ફરવા માગતું હોય છે પણ તેના વાલીની અપેક્ષા એવી હોય છે કે તે લગ્ન કરીને 'સેટ' થઈ અને પોતાના કુટુંબની શરૂઆત કરે. આવી અનેક અપેક્ષાઓની દીવાલ બાળક માટે સીમારેખા ખેંચી દે છે. થોડા સમય માટે આ રેખાઓ તેને બાંધી પણ રાખે છે. ઘણી વ્યક્તિઓ આને સ્વીકારીને આગળ વધી જાય છે પણ પોતાના જીવનના કોઈ પડાવમાં તે આકાંક્ષા કે ઈચ્છા ફરીથી પોતાનું માથું ઊંચું કરે છે અને પછી આપણે એવી ઘણી ઘટનાઓ જોઈ છે, જેમાં મિડ-લાઈફ ક્રાઈસીસ અનુભવવાથી કોઈ વ્યક્તિ અચાનક જ પોતાનું કરિયર બદલીને કંઈક સાવ અલગ જ ફિલ્ડમાં જવા માટે કંઇક કરવા માગે છે.

કમનસીબે વાલીઓ કે સમાજની અપેક્ષાઓ સ્વ-મર્યાદિત માન્યતાઓ બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે જે માનો છો તમે એવા બની જાઓ છો. એટલે જો તમે એવું માનતા હો કે તમે આવું કરી શકો છો તો તમે કરી શકશો... અને જો તમે એવું માનતા હો કે તમે તે નહીં કરી શકો તો તમે ક્યારેય એ વસ્તુ નહીં કરી શકો.

અહીં સંતુલન એટલે પોતાની આંતરિક આકાંક્ષાઓને એક મજબૂત આત્મવિશ્વાસ જોડે અલાઇન (સંરેખિત) કરવું એવો અર્થ થાય છે. જો તમે કોઈ વસ્તુ કે કાર્ય કરવા માગતા હો તો તમે તે કરી શકો છો પણ દુઃખની વાત એ છે કે આપણે બધા આપણી મર્યાદિત સ્વ-માન્યતાઓના ગુલામ છીએ અને આપણે આ જ ભાવના આપણા બાળકોમાં પણ પાસ-ઓન કરીએ છીએ. ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ (NLP) એ કમ્યુનિકેશન અને આત્મવિકાસનું માળખું છે. તેમાં એક ખૂબ જ સુંદર વાક્ય લખાયેલું છે કે, 'તમારી મર્યાદાઓ ફક્ત તમારી મર્યાદાઓની રજૂઆત છે.' આનો અર્થ એ છે કે માનવીય સિદ્ધિની ખરેખર કોઈ મર્યાદા નથી. હાલમાં ભાવિના પટેલ, કૃષ્ણ નાગર અને અન્ય ખેલાડીઓએ ઓલિમ્પિક્સ અને પેરા-ઓલિમ્પિક્સમાં મેળવેલી અદભુત સફળતા તેમના આત્મવિશ્વાસ, આકાંક્ષા, દૃઢ નિશ્ચય, એકાગ્રતા, ફોકસ અને કડી મેહનતની અપાર શક્તિ સાબિત કરે છે.

હવે પ્રશ્ન એ છે કે સકારાત્મક આત્મવિશ્વાસ અને કલ્પના શક્તિનું પોષણ કેવી રીતે કરવું? આ પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ નથી પણ હા, નીચે આપેલી કેટલીક ટિપ્સમાં આનો જવાબ શોધી શકાય.

  • આકાંક્ષાનું જતન કરવું ખૂબ જ જરૂરી છે પણ તેની સાથે મહેનત કરવી પણ એટલી જ જરૂરી છે. નહીંતર તે આકાંક્ષા માત્ર એક દિવાસ્વપ્ન અથવા કલ્પના બનીને રહી જશે.
  • બાળકને જુદી-જુદી વસ્તુઓ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. જો બાળક ગાયક અથવા રમતવીર બનવા માટે આકાંક્ષા ધરાવતું હોય તો વાલીએ ચોક્કસ તેને પ્રોત્સાહન આપવું જોઈએ. જો આજના સંજોગોમાં ફિઝિકલ કલાસ શક્ય ન હોય તો તેના મિત્રોની મદદ થકી કે પછી ઓનલાઇન કલાસના માધ્યમથી અથવા ઓનલાઇન વીડિયો થકી જાતે શીખીને ઘણું બધું કરવું શક્ય છે.
  • ઘણા વાલીઓની ફરિયાદ હોય છે કે તેમનાં બાળકો કોઈ સપનું જોઈને અથવા કોઈ કલાસ ચાલુ કરીને પછી તેને અધવચ્ચે છોડી દે છે એવું કહીને કે હવે તેમને તે પ્રવૃત્તિ ગમતી નથી. આ કોઈ અસામાન્ય વાત નથી. ઘણાં બાળકોની એવી માન્યતા હોય છે કે તેઓ પોતે કોઈ વસ્તુ પહેલાં ટ્રાય કરે, એનો અનુભવ કરે પછી જ તેમને ખ્યાલ આવે કે તેમને તે પ્રવૃત્તિ કે કોર્સ ગમે છે કે નહીં કે પછી આ તેમના રસનું ક્ષેત્ર છે કે નહીં અને જો તેમને એવું લાગે કે તેમને તેમાં મજા નથી આવતી તો તેઓ તેને ઝટ દઈને છોડી દે છે. ઘણી ટીનેજર્સે તો મારી જોડે શેર પણ કર્યું કે, બાળક તરીકે તેમને એટલી તો ખબર પડી કે તેઓ કઈ વસ્તુમાં સારા નહોતાં કે પછી તેઓ કઈ વસ્તુ નહોતાં કરવા માગતાં. આ જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ સારી શરૂઆત ગણાય છે.
  • આપણી આકાંક્ષાઓ સમયની જોડે બદલાઈ શકે છે. એટલે જો આપણે પાછળથી કંઈક બીજું કરવા માગતા હોઇએ તો તે ખોટું નથી. કદાચ એ સમયે તે આકાંક્ષાએ આપણી કોઈ ખાસ જરૂરિયાત પૂરી કરીને આપણે બીજી કોઈ વસ્તુ તરફ આગળ વધવાની જરૂર છે.

છેલ્લે એટલું જ કહીશ કે તમારાં બાળકોને પોતાની આકાંક્ષાઓ એક્સપ્રેસ કરવા દો અને જાતે જ તેને પ્રવૃત્તિઓ થકી એક્સપ્લોર કરવા દો... મહેરબાની કરીને તેમને અપેક્ષાઓની જંજીરોમાં જકડીને ન રાખશો.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...