વેદવાણી:વેદોમાં સૂર્ય-ચંદ્રનું વિજ્ઞાન: પ્રકાશ અને ઊર્જાનો મોટામાં મોટો સ્રોત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આદિદેવ સૂર્યનારાયણ! આપે અખૂટ ઊર્જા અને ઝળહળતો પ્રકાશ! વળી કરે ધરતી પર દિવસ-રાત માસ ઋતુ ને સંવત્સર! વરસાવે જળ મીઠાં ને પકવે અન્ન અમરત! આંખની દૃષ્ટિ ને વળી રંગો પારખવાની, શક્તિ એ બધી અંશુમાનને આભારી! હે સૂર્યનારાયણ! હે આદિદેવ! આપો અમને આયખું સો વરસનું, સુખદ સમૃદ્ધ સ્વસ્થ! હે ચંદ્રદેવ! રસકસથી ભરી દો ધરતી અમારી! શીતળતાથી છલકાવી દો મન-ઉપવન અમારાં!

વેદ પ્રાચીનતમ જ્ઞાનકોષ છે. નિસર્ગના સાંનિધ્યમાં ઋષિએ જે કંઇ જોયું અને અનુભવ્યું તેનો નિચોડ છે. વેદને ધાર્મિક કે પરલોકલક્ષી માનવું ભૂલભરેલું છે. વેદનાં અનેક સૂક્તો માનવજીવનને સ્પર્શતા રોજબરોજનાં પાસાંને ઉજાગર કરે છે. ગતાંકમાં આપણે પૃથ્વી સૂક્તનું દર્શન કર્યું. આજે સાક્ષાત્ દેવતા એવા સૂરજદાદા અને ચાંદામામાનું રસપ્રદ દર્શન કરીશું. ઋગ્વેદમાં (1/115/1) તો સૂર્યને જગતના આત્મા કહ્યા છે! વળી, સૂર્ય, પૃથ્વી અને ચંદ્રનો સંબંધ જોડી ઋષિએ આધુનિક વિજ્ઞાનીને આશ્ચર્ય પમાડે તેવું દર્શન કર્યું છે.

સૂર્ય સૂક્તનું વિજ્ઞાન:
વેદમાં જુદા-જુદા સત્તર મંત્રોનું બનેલું અદ્ભુત સૂર્યસૂક્ત છે. જેના ચાર મંત્રો ખૂબ જાણીતા છે. આ મંત્રોનો ઉપયોગ વેદિક કર્મકાંડમાં વારંવાર થતો જોવા મળે છે. આ મંત્રોમાં ઋષિની વૈજ્ઞાનિક દૃષ્ટિનો પરિચય મળે છે. આધુનિક વિજ્ઞાને સ્વીકારેલા નીચેના સિદ્ધાંતોનો સ્પષ્ટ ઉલ્લેખ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં જોવા મળે છે.

સૂર્યમાળાના ગ્રહોની ઉત્પત્તિ સૂર્યમાંથી થઇ છે અને સૂર્ય પોતાની ગુરુત્વાકર્ષણ શક્તિથી બધા ગ્રહોને પોતાની ફરતે કક્ષામાં ગતિમાન કરે છે. આપણા સારુ પ્રકાશ અને ઊર્જાનો મોટામાં મોટો સ્રોત સૂર્ય છે અને તેને લીધે ધરતી પર દિવસ અને રાત થાય છે.

  • આપણી જોવાની શક્તિ અને રંગસૃષ્ટિ સૂર્યકિરણોને આભારી છે.
  • સૂર્યઊર્જાથી થતા બાષ્પીભવન અને વરસાદથી અન્ન-જળ મળે છે.
  • સૂર્યની ઉપાસનાથી આરોગ્ય અને દીર્ઘાયુ મળે છે.

આ સિદ્ધાંતોનો ઉલ્લેખ વેદમંત્રમાં મળે તો આનંદ થાય તે સ્વાભાવિક છે, ખરું ને મિત્ર? તો હવે નીચેના વેદમંત્રો જુઓ. અહીં મૂળ મંત્રો મૂકવાનો આશય એ છે કે જેનાથી વેદની વૈજ્ઞાનિકતાની ખાતરી કરી શકાય. કદાચ પૂરેપૂરો મંત્ર સમજી ન શકાય તો ચિંતા ન કરવી. આપણી ગુજરાતી ભાષા તો સંસ્કૃતની દોહિત્રી છે! એટલે કેટલાક શબ્દો મમળાવશો તો અનુવાદ વાંચ્યા વિના પણ ઋષિનો ભાવ પકડી શકાશે.

'ઉદુત્યં જાતવેદસં દેવં વહન્તિ કેતવ: દૃશે વિશ્વાય સૂર્યં!' આપણી જોઇ શકવાની શક્તિ સૂર્યને આભારી છે.

'ચિત્રં દેવાનામુદનાદનિકં ચક્ષુર્મિત્રસ્ય વરુણસ્યાગ્ને આ પ્રા દ્યાવા પૃથિવી અંતરિક્ષ: સૂર્ય આત્મા જગતસ્તસ્થુષશ્ચ!' મંત્રનો પહેલો જ શબ્દ જુઓ. તેમાં સપ્તરંગી પ્રકાશનો સંદર્ભ છે. વળી એ પણ ખરું છે કે જે કંઇ સ્થાવર અને હાલતાચાલતા પદાર્થોની સૃષ્ટિ છે, તેનો આત્મા (ઊર્જાનો સ્રોત) સૂર્ય છે. 'તત્સૂર્યસ્ય દેવત્વં તન્મહિત્વં મધ્યા કર્તોર્વિતતં સંજભાર યદેદયુક્ત હરિત: સધસ્થાદાદ્રાત્રી વાસસ્તનુતે સિમસ્મૈ! અને 'આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતં મર્ત્યં ચ હિરણ્યયેન રજસા સવિતા રથેના દેવો યાતિ ભુવનાનિ વિશ્વમ્!' આ બે મંત્રમાં ગુરુત્વાકર્ષણ તેમજ ગ્રહોને પોતાની ભ્રમણકક્ષામાં ધારણ કરવાની સૂર્યની ક્ષમતાનો સ્પષ્ટ સંદર્ભ મળે છે. સૂર્યદેવતા જુદા જુદા ગ્રહોને પોતાની ફરતે કક્ષામાં ફરતા રાખે છે અને સૂર્યને લીધે દિવસ-રાત થવાની ઘટનાનો સંકેત આ મંત્રમાં મળે છે.

સૂર્યસૂક્તના સૌથી લોકપ્રિય મંત્ર ‘આ કૃષ્ણેન’માં ઋષિ સૂર્યદેવતાનું વૈજ્ઞાનિક દર્શન કરતાં કહે છે કે, સોનેરી કિરણોના રથમાં સવાર સૂર્યદેવતા અંતરિક્ષમાં વિચરણ કરે છે અને જડ-જીવિત પદાર્થોને પોતાના બળથી કાર્યરત કરે છે.

સૂર્ય: આરોગ્ય અને સુખાકારીના દાતા
સૂર્યનારાયણને આદિદેવ કહેવામાં આવે છે. વેદના ઋષિઓએ વારંવાર શ્રદ્ધાપૂર્વક સ્તુતિ કરી છે. અંધકારને હઠાવતા ભગવાન સૂર્યનારાયણની મહત્તા દર્શાવતાં ઋગ્વેદના (10/37/4) અભિતપા સૌર્ય ઋષિ કહે છે, 'હે સૂર્યદેવ! આપ જે તેજસ્વિતાથી અંધકાર દૂર કરી જગતમાં સ્ફૂર્તિ ભરી દો છો, તે જ ઊર્જાથી અમારા અન્નના અભાવને દૂર કરો અને અમોને રોગ અને દુ:સ્વપ્નોથી બચાવો.' તો મહર્ષિ અગસ્ત્ય સૂર્યનારાયણને નરી આંખે દેખાતા અને ન દેખાતા અનિષ્ટોનો નાશ કરવા પ્રાર્થના કરે છે. (ઋગ્વેદ, 1/111/8). ઋષિ પ્રસ્કણ્વના મંત્રમાં તો અદ્ભૂત આરોગ્યશાસ્ત્ર છે. 'હે ઊગતા સૂર્યદેવ! અમારા હૃદયરોગ અને પાંડુરોગોનો નાશ કરો’. આપણી આંખોની દૃક્શક્તિ સૂર્યને આભારી છે, તે આધુનિક વિજ્ઞાન સ્વિકારે છે. અથર્વવેદ(5/24/9)માં ઋષિ અથર્વા આંખોની જ્યોતિની રક્ષા કરવા પ્રાર્થના કરે છે. શુક્લયજુર્વેદના (36/24) અતિ પ્રસિદ્ધ 'પશ્યેમ શરદ: શતમ્ જીવેમ શરદ: શતમ્' મંત્રમાં સૂર્યદેવતાની કૃપાથી સો વર્ષ સુધી સ્વસ્થ જીવન માણવાની કામના છે. આમ વેદના જુદા જુદા મંત્રો અનુસાર સૂર્યનારાયણ સૃષ્ટિનું સર્જન કરે, જગતને ગુરુત્વાકર્ષણ શક્તિથી ધારણ કરે, પ્રકાશ અને ઊર્જા આપે, અનિષ્ટોનો નાશ કરે, દુ:ખ અને ગરીબી મટાડે, આંખને દૃષ્ટિ આપે, લાંબું આયુષ્ય આપે! આવા દેવને આદિદેવ કહેવામાં કોઇ અતિરેક નથી!

સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનો સંબંધ
ઋગ્વેદ અને સામવેદમાં 'શિશુર્મહીનામ્' એટલે ચંદ્ર પૃથ્વીનું સંતાન હોવાનું સ્પષ્ટ દર્શન કરાયું છે. ચંદ્રનો પ્રકાશ સૂર્ય કિરણોને લીધે છે એ વાત પણ ઋગ્વેદ પરના ભાષ્યમાં સાયણાચાર્યે સ્પષ્ટ રીતે કહી છે; 'ચંદ્રબિમ્બે સૂર્યકિરણા: પ્રતિફલન્તિ'! દીર્ઘાયુ માટેની શુભેચ્છામાં પણ સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોનો ઉલ્લેખ પ્રાચીન શ્લોકો અને મંત્રોમાં છે. જેમ કે, યાવચ્ચંદ્રદિવાકરૌ! અથર્વવેદમાં ઋષિ ખૂબ લાંબા જીવનની શુભકામના માટે કહે છે, 'ચંદ્ર આયુષ્માન્ સનક્ષત્રાયુષ્માન્ સમાયુષ્માન્ આયુષ્યમન્તુ કૃણોતુ'!

અથર્વવેદના પ્રશ્નોપનિષદમાં ઋષિ કહે છે, 'આદિત્યો હ વૈ પ્રાણો રયિરેવ ચન્દ્રમા!' અહીં પ્રાણને ચયાપચયની ઊર્જા અને રયિને જીવનાધાર પોષક તત્ત્વ કહ્યા છે. સૂર્યને પ્રાણશક્તિ અને ચંદ્રને ધરતીમાં રસકસ ભરી અન્ન આપનાર કહ્યા છે. ગીતાના વિભૂતિયોગમાં પરમાત્માના સ્વરૂપ તરિકે સૂર્ય અને ચંદ્રનો ઉલ્લેખ છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ ચંદ્રને મન (કલ્પના અને તર્ક) અને સૂર્યને બુદ્ધિ (સારાસાર નિર્ણયશક્તિ)ના પ્રેરક ગણવામાં આવ્યા છે. ભાગવતના અવધૂતોપાખ્યાનમાં દત્તાત્રેયના ચોવીસ ગુરુઓમાં સૂર્ય અને ચંદ્રનો ઉલ્લેખ છે. સૂર્ય પાસેથી અવધૂત નિયમિતતા, અચળતા, તટસ્થતા અને તેજસ્વિતાનો બોધ ગ્રહણ કરે છે. ચંદ્રની વધતી-ઘટતી કળાઓ જીવનમાં જતા-આવતા સુખદુ:ખ તરફ આંગળી ચીંધે છે અને તેનાથી વિચલિત ન થવાનો બોધ આપે છે. આમ સૂરજ અને ચંદ્રને માણસના જીવનની નાનીમોટી ઘણી વાતો સાથે જોડવામાં આવ્યા છે.

વેદ વિજ્ઞાનના પ્રકાશમાં આત્મચિંતન:
આજે જે વિજ્ઞાનીઓ કહે છે તે અમારા વેદના વડવાઓ પણ કહી ગયા છે એવું કહેવામાં ઠાલું અભિમાન નથી, સાત્ત્વિક આત્મગૌરવ છે. આપણે એક મહાન વૈજ્ઞાનિક પરંપરાના વારસદાર છીએ. જો કે, આ વાત એક રીતે અસ્મિતાની અસ્ક્યામત (એસેટ) છે તો બીજી બાજુ ભવ્ય વારસાને આગળ વધારવાનું કર્તવ્ય (અકાઉન્ટેબિલિટી) છે. ઋષિની વૈજ્ઞાનિક દૃષ્ટિ ક્યાં ખોવાઇ ગઇ? આજના ધર્મ-સંપ્રદાયમાં વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન કેટલું? આપણે વેદના વૈજ્ઞાનિક વારસાને શોભાવે એવું શું કર્યું? આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના નક્શામાં આપણું સ્થાન ક્યાં છે? એ જાતને પૂછવા જેવા અણિયાળા સવાલ છે. માઠું ન લગાડશો મિત્ર! આ તો મોજીલું મિષ્ઠાન જમ્યા પછી તીખું તમતમતું પાન છે. જેથી પેલું ભારે ભોજન પચી જાય.

આજનું અમૃતબિંદુ: ભારતના વિશ્વગુરુ બનવાની સંભાવના ઋષિના ડીએનએમાં છે. જો કે બીજને ઊગવા સારુ ફળદ્રુપ જમીન, ખેડ, ખાતર અને પાણી જોઇએ. તે આ રહ્યાં- અંધશ્રદ્ધાનો અસ્વિકાર, વૈજ્ઞાનિક અભિગમનો સ્વિકાર, શિક્ષણ અને સંશોધનમાં તનમનધન સમર્પણ! અને સૌથી અગત્યનું- સંશોધકો, વૈજ્ઞાનિકો અને શિક્ષકોને સમાજમાં સર્વોચ્ચ સ્થાન!
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)