ડિજિટલ ડિબેટ:ચૂંટણીની ચોપાટમાં જ્ઞાતિવાદી નેતાઓનાં પ્યાદાં ગોઠવાઈ રહ્યાં છે...

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિવાદ વધી જાય છે એવું કહેવાનો કોઈ અર્થ રહ્યો નથી, કારણ કે જ્ઞાતિવાદ સદાય ચાલતો રહે છે. સૌ ના પાડે અને સૌ ચલાવે, સદાય ચલાવે, ચૂંટણી આવે ત્યારે પ્રખર રીતે મુખર થાય. ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો છે એવું કહી શકાય. ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થાય અને એપ્રિલનું અઠવાડિયું પસાર થઈ જાય ત્યાં સુધીમાં ચૂંટણી વહેલી કે મોડી યોજાશે તે સ્પષ્ટ થઈ જશે, તે પછી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થાય એટલે તેની ગણતરી પણ પૂર્ણ થઈ જશે, ત્યાં સુધીમાં થોડી ઘણી આવનજાવન અને જ્ઞાતિવાદી નેતાઓનાં પ્યાદાં પણ ગોઠવાઈ જાય એટલે માહોલ જામી ગયો છે તેમ કહીને અને પૂર્ણવિરામ મૂકી હવે શું તેની ચર્ચા થશે, પણ આપણે આગોતરી ચર્ચા કરી શકીએ કે જ્ઞાતિ અગ્રણીઓની ખેંચતાણ અને જ્ઞાતિવાદી ગણતરી કેવી રીતે મંડાઈ રહી છે.

સુનીલ જોષી (SJ): ગણતરીઓ કાયમ મંડાયેલી જ હોય છે પણ હવે ચાલ ચાલવામાં આવી રહી છે એમ કહેવાય. નરેશ પટેલ લેઉવા પટેલ સમાજના ખોડલધામના સર્જક અને કાયમી પ્રમુખ છે. રાજકીય રીતે ગુજરાતના રાજકારણમાં પટેલ મતદારો નિર્ણાયક ગણાય એટલે તેમના માટે પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલે છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપને અનામત આંદોલન નડ્યું હતું અને બે આંકડામાં બેઠકો આવી ગઈ હતી. આ વખતે પટેલ મતદારો ભાજપથી વિમુખ ન થાય તેની તકેદારી ભાજપના ચૂંટણી વ્યૂહકારો રાખે છે. તેના ભાગરૂપે નરેશ પટેલ ભાજપને ફાયદો ન કરાવી આપે તો કંઈ નહીં, પણ નુકસાન તો ના કરાવે એવું ગણિત હોય તેમ લાગે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે વકરો એટલો નફો છે. એથી બંને પક્ષો તેમને આમંત્રણ આપી રહ્યા છે. અહીં નુકસાનીની વાત નથી, માત્ર ફાયદાની વાત છે. નરેશ પટેલ તેમની સાથે જોડાય તો ઓવરઓલ ફાયદાકારક જ છે.
દિલીપ ગોહિલ (DG): એકાદ નેતાને કારણે કેટલો ફાયદો થઈ જાય તે સવાલ પણ સાથે વિચારવો પડે. રાજકારણમાં 'ચહેરો' મહત્ત્વનો એવો શબ્દ આપણે વાપરતા થયા છીએ, પણ એ યાદ રાખવું પડે કે પક્ષનો ચહેરો કોઈ નેતા બને તેના માટે તપવું પડતું હોય છે. લાંબી યાદી છે પણ યાદ આવે એટલાં નામ યાદ કરો અને જુઓ કે આ નેતાઓ કોઈ પક્ષનો ચહેરો એક, બે અને ત્રણ-ત્રણ દાયકાની મહેનત પછી બન્યા હોય છે. સામાજિક અને ધાર્મિક નેતા તરીકે (અથવા તો ફિલ્મસ્ટાર અને ક્રિકેટર તરીકે લોકપ્રિય થયા પછી) સફળતા મળી હોય તેનો સીધો તાળો રાજકારણમાં મળી જશે એવું જરૂરી નથી. તમારું મૂળ ક્ષેત્ર છોડીને રાજકારણમાં પ્રવેશો પછી ત્રાજવાં બદલાઈ જાય છે. નવાં ત્રાજવામાં રાજકીય વજન જ ચાલે એટલે કોઈપણ સેલિબ્રિટી રાજકારણમાં પ્રવેશે પછી જ તેની કસોટી શરૂ થતી હોય છે, જૂના સ્ટારડમથી સફળતા મળતી નથી.

SJ: રાજકારણમાં સક્રિયતાની જ વાત હોય તો નરેશ પટેલ પરોક્ષ રાજકારણમાં તો છે જ. તેમણે હવે માત્ર સત્તાવાર જાહેરાત કરવાની છે અને ત્રણમાંથી કોઈ એક પક્ષની પસંદગી કરવાની છે. વર્ષ 2017ની ચૂ઼ંટણીમાં તેમના પુત્ર શિવરાજે રાજકોટની બે બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો હતો. રાજકોટ પૂર્વની બેઠક ઉપર કોંગ્રેસના મિતુલ દોંગાને અને રાજકોટ દક્ષિણની બેઠક ઉપર દિનેશ ચોવટીયાને જાહેરમાં ટેકો આપ્યો હતો. સુરતમાં આપને સફળતા પછી તેમણે કરેલાં નિવેદનો પણ ધ્યાન ખેંચનારાં હતાં. આ સંજોગોમાં તેઓ કોંગ્રેસ અથવા આપ સાથે જોડાય એ તેમના માટે વધુ અનુકૂળ લાગે છે. પરંતુ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ તથા અન્ય નેતાઓ પણ તેમને મળતા રહ્યા છે. એટલે નરેશભાઈ લાભાલાભ જુએ છે કે વિચારધારાને પસંદ કરે છે એ જોવું રહ્યું.
DG: જે વિચારધારામાં લાભ હોય તેને જ જોવાતી હોય છે. આ કટાક્ષને બાજુમાં રાખીને કહી શકાય કે આ વ્યક્તિગત નિર્ણય છે અને કોઈને પણ રાજકારણમાં સક્રિય થવાનો અધિકાર છે, પણ નિર્ણય હવે કરી લેવો જોઈએ, કારણ કે સામાજિક અને ધાર્મિક પ્લેટફોર્મનો ઉપયોગ થાય તે યોગ્ય નથી. સામાજિક આગેવાન તેમના સમાજના આંદોલનને ટેકો આપે તે તેમના માટે સહજ હોય પણ રાજકીય નેતા કોઈ આંદોલનને ટેકો આપે ત્યારે તેમની ટીકા થઈ શકે કે વર્ગવિગ્રહ કરાવનારા, પછાતોને પછાત રાખવાના કાવતરાના ભાગરૂપ આંદોલનને ટેકો અપાઈ રહ્યો છે. બીજું કે સ્થિતિની સ્પષ્ટતા પણ થઈ જાય. દરેક સમાજમાં એક વર્ગ એવો પણ હોય છે જે સામાજિક અને ધાર્મિક બાબતોથી રાજકારણને દૂર રાખવા પણ માગતો હોય. આ દેશના ઉજળા ભવિષ્યની આશા આવા વર્ગ પર જ છે, કારણ કે આ વર્ગ ભેદભાવથી પર રહીને નાગરિક તરીકે વિચારે છે. તેમના માટે પણ સ્પષ્ટતા થઈ જાય કે તેમના સામાજિક આગેવાન રાજકારણ કરવાના હોય તો પછી રાજકારણમાં જઈને કરે, સામાજિક અને ધાર્મિક બાબતોને અલગ રાખે.

SJ: એવો ભેદ તો ક્યાં જોવા મળે છે? સૌને ફાયદો લઈ લેવો છે, પોતપોતાના સમાજના નામે ફાયદો લઈ લેવો છે. પરંતુ વાસ્તવિકતા છે એટલે તે પ્રમાણે ચર્ચા થવાની. નરેશભાઈ કોઈપણ પક્ષ સાથે જોડાય, તેનો જે કંઈ ફાયદો થવાનો હોય તે થાય પણ પછીની વાત પક્ષના સંગઠનની તાકાત પર હોય છે. ભાજપમાં જોડાયા તો તેની પ્રચાર મશીનરી સૌથી વધુ ફાયદો ઉઠાવી શકે. વિરુદ્ધમાં જાય ત્યારે પણ પ્રચારનો મારો કરીને ધારને બૂઠી કરી શકે. કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, જયેશ રાદડિયા સહિતના જૂના અને મજબૂત કોંગ્રેસી નેતાઓને ભાજપનો જે અનુભવ હાલમાં થયો છે તે પછી નરેશ પટેલ કે અન્ય કોઈ નેતા કેટલું જોખમ લે તે જોવાનું રહ્યું. તેમને નાના કે નબળા પક્ષમાં મોટા કદના નેતા તરીકે થઈ શકે. કહેવાય છે ને કે મોટા દરિયાની નાની માછલી થવું કે નાના તળાવમાં મગરમચ્છ થવું તે વ્યક્તિએ જ નક્કી કરવું રહ્યું.
DG: એ ખરું, પણ કોઈ નેતાની અસલી કસોટી તો જનતા કરતી હોય છે. એક જ્ઞાતિના નેતા તરીકે આગળ વધો ત્યારે અન્ય જ્ઞાતિઓનું રિએક્શન આવતું હોય છે. બીજું કે ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આપ પણ એક જ જ્ઞાતિની વાત એક હદથી વધારે કરી શકે નહીં. માત્ર સાવ પ્રાદેશિક પક્ષ હોય તે ખૂલીને જ્ઞાતિનું રાજકારણ કરે તે રીતે આ ત્રણેય પક્ષો કરી શકે તેમ નથી. એટલે ત્રણમાંથી કોઈપણ પક્ષમાં જાય, પક્ષ તરી જશે કે પોતે તરી જશે એવું માનવું વધારે પડતું છે. એક નેતાથી કોઈ પક્ષ તરી ગયો નથી, 'ચહેરા'નો ફાયદો થતો હોય છે પણ 'ચહેરાનું ઘડતર' બહુ ઝીણા નકશીકામ દ્વારા થયું હોય છે. સૌથી જાણીતો દાખલો એનટીઆરનો અપાય છે કે રાતોરાત આંધ્ર પ્રદેશમાં CM બની ગયા હતા. હકીકતમાં રાતોરાત નહોતા બન્યા અને પોતાના જોરે નહોતા બન્યા. કોંગ્રેસવિરોધી વાતાવરણ વર્ષોથી અખબારોએ ઊભું કર્યું હતું અને ગામડાંમાં દારૂના ઠેકા વિરુદ્ધ આંદોલનને ચગાવીને સત્તા પરિવર્તનનો માહોલ તૈયાર કરાયો હતો. તેના પર એનટીઆરએ સવાર જ થવાનું હતું. કેજરીવાલને પણ અન્ના આંદોલનના મોજા પર સવારી કરવા મળી હતી અને બીજું કે ફિલ્મસ્ટાર તરીકે એનટીઆર જાણીતા હતા, જ્યારે કેજરીવાલ NGO ચલાવીને જાહેરજીવનનો અનુભવ લઈ ચૂક્યા હતા. તમે કયા પક્ષમાં જશો તેના કરતાંય જનતા કેવી રીતે સ્વીકારશે તે જ અગત્યનું હોય છે.

SJ: એ તો એક જ્ઞાતિવાદ સામે બીજા જ્ઞાતિવાદનું સંતુલન થવાનું જ છે અથવા કહો કે થવા જ લાગ્યું છે. બીજી જ્ઞાતિનાં સંમેલનો પણ મળતાં જ રહે છે. આટલી ખુલ્લી રીતે જ્ઞાતિવાદી વાતો થવાની હોય ત્યારે અન્ય જ્ઞાતિઓની પ્રતિક્રિયા પણ મહત્ત્વની બની જતી હોય છે. કોળી સમાજના એકથી વધુ સંમેલનો થયાં છે, રાજપૂત કરણી સેના દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રની યાત્રા કાઢવાની અને રાજકીય અવગણના સાંખી નહીં લેવાય એવી ઘોષણા થઈ છે. બીજા ઓછા શક્તિશાળી જ્ઞાતિઓનાં સંગઠનોને મીડિયામાં સ્થાન મળતું નથી પણ તેમાંય હલચલ ચાલતી જ હોય છે. સંમેલનો ના થાય તો પણ અન્ય સમાજોનું ધ્રુવીકરણ પણ થશે જ. એ મતપેટીમાં કેટલું અસર કરે છે તે પ્રચારની અસરકારકતા ઉપર આધારિત રહેશે. બાકી ગુજરાતમાં મતદાનમાં જ્ઞાતિવાદ સોએ સો ટકા ચાલતો હોત તો કેશુભાઇ પટેલની પાર્ટીનો કરુણ રકાસ ન થયો હોત.
DG: કેશુભાઈ પટેલ કંઈ ઉકાળી શક્યા નહોતા એ દાખલો તરત આપવામાં આવતો હોય છે. શંકરસિંહ વાઘેલા પણ પ્રાદેશિક પક્ષને ચલાવી શક્યા નહીં. બીજાં રાજ્યોમાં પણ મજબૂત નેતા ભલે એક જ્ઞાતિના ગણાતા હોય, તેમની સાથે પક્ષમાં બીજી જ્ઞાતિઓના નેતાઓને પણ મહત્ત્વ અપાતું હોય છે. એટલે જ આમ તો સોએ સો ટકા જ્ઞાતિવાદ ચાલતો નથી તે વાત સાચી છે અને સાચી છે એટલી સારી પણ છે. સંતુલન થયા કરે છે, કુદરતમાં પણ સંતુલન થતું હોય છે. જીવનમાં અને રાજકારણમાં સંતુલન જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સામાજિક નેતા તરીકે સમર્થન આપનારો વર્ગ રાજકીય રીતે ટેકો ન પણ આપે. બીજું કે જ્ઞાતિઓની વોટબેંક વિશે આપણે ચર્ચા કરીએ ત્યારે તેમાં કહેવાનો ભાવ એ હોય છે કે બે તૃતિયાંશ અથવા તો 60 ટકાથી વધારે ટેકો એક જ જ્ઞાતિમાંથી હોય ત્યારે તેને વોટબેંક કહેવામાં આવે છે. દરેક વર્ગમાંથી 40થી માંડીને 15 ટકા સુધીનો મતદાર વર્ગ એવો હોય છે, જે જ્ઞાતિ જોયા વિના મત આપે છે અને વોટબેંકનો હિસ્સો બનતા નથી. બીજું કે એક જ્ઞાતિ સામે બીજી જ્ઞાતિઓનું ધ્રુવીકરણ પણ થતું જ હોય છે. એટલે એકાદ બે જ્ઞાતિવાદી નેતાઓના આવાગમનથી કે ચુસ્ત જ્ઞાતિવાદી ગણતરી પછી જીતવાનો આધાર બાકીના 25 ટકા મતદારો પર જ હોય છે. તેમાં જે પક્ષ મેદાન મારે તે જ ફાવે. આ 25 ટકા તટસ્થ મતદારોની સંખ્યા વધીને 45 ટકા થઈ જાય તે પછી કોઈ રાજકીય પક્ષ નહીં ફાવે પણ મતદારો ફાવશે.
(સુનીલ જોષી અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)

અન્ય સમાચારો પણ છે...