તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેદવાણી:વેદનો પહેલો મંત્ર ‘અગ્નિમિળે’: એક અદ્ભુત ઊર્જામંત્ર, પર્યાવરણમંત્ર, નેતૃત્વમંત્ર અને મેનેજમેન્ટમંત્ર!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હજારો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ સર્જેલા પ્રાચીનતમ જ્ઞાનકોષ એવા વેદોમાં રજૂ થયેલી વાતો અત્યારે ઉપયોગી ખરી? આ ‘વેદવાણી’ કોલમ દર રવિવારે આપણને પ્રતીતિ કરાવશે કે હા, આજની સ્ટ્રેસફુલ લાઇફના દરેક ક્ષેત્રમાં વેદોનું ચિંતન ઉપયોગી છે એટલું જ નહીં, બલકે શાંતિની પરબ છે. તો આવો, વેદના જીવનદર્શનને જાણીએ-માણીએ અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પણ અનુભવીએ.
***

“અગ્નિમિળે પુરોહિતં યજ્ઞસ્ય દેવં ઋત્વિજં હોતારં રત્નધાતમમ્”!

(હે અગ્નિદેવ! પુરોહિત અને યજ્ઞના અધિષ્ઠાતા દેવ! મંત્રવિદ્યાના જાણકાર, યજ્ઞ કરનાર ને વળી રત્નોના આપનાર આપ જ છો!)

વેદ- જ્ઞાન વિ. માહિતી
સંસ્કૃત ભાષામાં સૂત્ર છે, ‘વિદ્ જ્ઞાને’. વિદ્ એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા જાણવું. તેના પરથી વેદ શબ્દ આવ્યો છે. ‘જ્ઞાન’નો અપભ્રંશ ‘જાણ’ છે. જ્ઞાન અને માહિતી વચાળે મોટો ભેદ છે. કોઇ પાસેથી સાંભળી કે વાંચીને મેળવીએ તે માહિતી. જાત અનુભવથી જાણીએ તે જ્ઞાન. હળવી ભાષામાં કહીએ તો ચોપડીમાં ગુરુત્વાકર્ષણ વિશે વાંચીએ તે માહિતી, સફરજનને નીચે પડતું જોઇએ તે જ્ઞાન અને તે સફરજન માથા પર પડે અને જે પીડાની અનુભૂતિ થાય તે પાકું જ્ઞાન!

વેદનો પ્રથમ મંત્ર- ‘અગ્નિમિળે પુરોહિતમ્’
વેદમાતાનો પહેલો શબ્દ ‘અગ્નિ’ છે! ઋષિએ અગ્નિને પહેલા ઉપકારક તત્ત્વ તરીકે પીછાણ્યું. ‘અગ્નિ’ શબ્દના ઘણા અર્થ છે. અહીં આપણે તેનો ‘ઊર્જા’ જેવો અર્થ લઇએ. પૃથ્વી પર ઊર્જાનો મોટામાં મોટો સ્રોત સૂર્ય છે. માનવને અગ્નિનો પ્રથમ પરિચય કેવો હશે, તેની કલ્પના ઘણા વિદ્વાનોએ કરી છે. ભોજનને અગ્નિમાં રાંધતાં તે સુપાચ્ય બને, તે અનુભવ્યું હશે. અગ્નિથી પ્રકાશ અને હુંફ પ્રાપ્ત કરી હશે. અગ્નિ દ્વારા જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવ્યું હશે. આમ અગ્નિને દૈવી સહાય તરીકે પિછાણ્યું હશે. પુરોહિત એટલે નગરનું હિત કરનાર. અગ્નિ વિના જીવન ચાલે ખરું? એટલે અગ્નિને અપાયેલી ‘પુરોહિત’ ઉપમા કેવી અર્થપૂર્ણ છે!

યજ્ઞ - રચનાત્મક કાર્યમાં સમજણપૂર્વક ઊર્જાનો સદુપયોગ

‘યજ્ઞસ્ય દેવં’ એટલે યજ્ઞના દેવ. ‘દેવ’ એટલે ઊર્જાથી ભરપૂર અથવા પ્રકાશિત. યજ્ઞના અનેક પ્રકાર છે. ગીતાકારે (4/28) દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ અને સ્વાધ્યાય-જ્ઞાનયજ્ઞ જેવા ચાર પ્રકાર કહ્યા છે. અગ્નિમાં જવ-તલ-ઘી વગેરેની આહુતિ આપીને કરાતા હવન સિવાયના પણ અનેક યજ્ઞો છે. તપયજ્ઞ એટલે શું? રચનાત્મક કાર્યમાં તનમનને હોમી દેવાં એ આજનું તપ છે. કોરોનાની રસી શોધવામાં લાગેલા વૈજ્ઞાનિક કે અવકાશ વિજ્ઞાનીની ઉપગ્રહ મોકલવાની જહેમત કે સરહદે હિમાચ્છાદિત પહાડીઓમાં માભોમની રક્ષા કાજે ટટ્ટાર ઊભેલા જવાનનું તપ તો કેવું દિવ્ય છે! ‘યોગયજ્ઞ’ શબ્દ પણ અદ્ભુત છે. ‘યોગ’ એટલે સરવાળો અથવા જોડાણ. આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન યોગનો આધ્યાત્મિક અર્થ છે. સહકારી ખેતી-પશુપાલન અથવા ઉદ્યોગ પણ ઉત્તમ પ્રકારનો અર્થયોગ છે!

છેલ્લે આવે છે, સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞ. આગળના ચારેય પ્રકારના યજ્ઞ જ્ઞાન વગર થઇ શકે ખરા? એટલે જ્ઞાનયજ્ઞને તમામ પ્રકારના યજ્ઞોનો પાયો કહ્યો છે. આજના નોલેજયુગમાં તો સતત નવું શીખ્યા વગર ચાલે નહીં. જેમ ‘ફ્યુચર શોક’માં આલ્વિન ટોફ્લર કહે છે તેમ ‘જે નવું નવું શીખતો ન રહે તે અભણ!’ હવે ‘યજ્ઞસ્ય દેવ’ શબ્દના અર્થ અંગે વિચાર કરો.

મંત્રસાધના- પોઝિટીવ વાઇબ્રેશનથી એનર્જી
વેદ મંત્રવિદ્યા છે. મંત્ર દેવતાનું ધ્વનિરૂપ છે. મંત્ર અમુક ખાસ રીતે બોલાય છે, જેને છંદ કહેવામાં આવે છે. દરેક ધ્વનિને પોતાની ખાસ ફ્રિક્વન્સી અને વાઇબ્રેશન હોય. જે અંદર અને બહારના પર્યાવરણમાં અસર ઉપજાવે છે. આ વાત આધુનિક વિજ્ઞાને પણ સ્વીકારી છે. ઋત્વિજ અને હોતા શબ્દનો આધુનિક સંદર્ભ પણ રસપ્રદ છે. દરેક સંસ્થાને તેનો મૂળમંત્ર અથવા વિઝન સ્ટેટમેન્ટ છે. પરંતુ સંસ્થાના કર્મયોગીઓ યાહોમ કરીને યજ્ઞમાં જોડાય તો જ ખરો અર્થ સરે! એટલે માત્ર ઋત્વિજથી ચાલે ખરું? હોતા પણ જોઇએ. મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો ઋત્વિજ એટલે ટોપ મેનેજમેન્ટ અને હોતા એટલે કર્મયોગીઓ!

છેલ્લું ચરણ છે, ‘રત્નધાતમમ્’ એટલે રત્નો આપનાર. યજ્ઞ શા માટે કરીએ છીએ? સુખ-સમૃદ્ધિ માટે જ સ્તો! અગ્નિ એટલે ઊર્જા. યજ્ઞ એટલે ઊર્જાનો સદ્કાર્ય અથવા સદુપયોગ. તેનાથી આવે સમૃદ્ધિ. આમ ઊર્જાથી સંપત્તિ સુધીનું ત્રણ પગલાંનું સમીકરણ થાય પૂરું!

‘અગ્નિમિળે’ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ
રત્ન એટલે માત્ર રૂપિયા-પૈસા એવો ટૂંકો અર્થ ન કરાય. સંપત્તિના છ પ્રકાર કહ્યા છે; શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. શમ એટલે મનનો અને દમ એટલે તનનો સંયમ. તનના સંયમથી તંદુરસ્તી આવે, મનના સંયમથી શાંતિ મળે. આ બંને પેલી ભૌતિક સંપદા કરતાં ઘણી વધુ મૂલ્યવાન નથી શું? ઉપરતિ એટલે વૃત્તિઓને નકામી વાતોથી પાછી વાળીને અગત્યના વિષયો તરફ ફોકસ કરવી. જો કોઇ વિદ્યાર્થી, રમતવીર, કળાકાર કે વૈજ્ઞાનિક ઉપરતિ ન કેળવે તો તે ધારેલી સિદ્ધિ મેળવી શકે ખરો? તિતિક્ષા એટલે રડ્યા-કકળ્યા વિના ધીરજથી તકલીફ સહન કરવી. સંઘર્ષમય પરિસ્થિતિમાં તમે તણાવમાં આવી જાઓ તો શું થાય? લડાઇ શરૂ થયા પહેલાં જ યુદ્ધ હારી જાઓ. તિતિક્ષા સામાજિક સંબંધોમાં પણ કેવી કારગર છે! શ્રદ્ધાનો મોકળો મતલબ લઇએ. તમે શ્રદ્ધા વિના કોઇ કામમાં સફળ થઇ ન જ શકો! તમે જ્યારે બસમાં બેસો છો ત્યારે ચાલક તમને ધારેલી જગ્યાએ પહોંચાડશે તેવી શ્રદ્ધા નથી હોતી? સમાધાન વગર જીવન ચાલે ખરું? બે દેશની સરહદ-વિવાદની વાત હોય કે વેપારી-ગ્રાહકની તકરાર હોય, તેનું સમાધાન કર્યે જ છૂટકો. સમાધાન શાંતિનું મૂળ છે.

રૂપિયા-પૈસા કે સોના-ચાંદી જેવી સમૃદ્ધિના મૂલ્યમાં વધઘટ થાય ચોરી પણ થાય. તેની સામે શમ-દમ જેવી સંપદા તો યુનિવર્સલ અને એવર રાઇઝિંગ કરન્સી છે! વળી ભૌતિક અને આધ્યાત્મિક સંપદાનો સમન્વય કરીએ તો કેવું સારું! ઋષિ કહે છે, જે વિધિપૂર્વક યજ્ઞ કરે છે તેને રત્નો મળે છે. રત્નો ગાંઠે સંઘરવાની ચીજ નથી. તમે બેંકના લોકરમાં હીરા-મોતી રાખી મૂકો તેને બદલે વ્યવસાય કે સેવામાં બુદ્ધિપૂર્વક રોકો તો કેવું સારું! જે એકલો ખાય છે, તે તો પાપ જ રાંધી ખાય છે! એવું તીખું નિરીક્ષણ ગીતાકારે કર્યું છે. જે કાર્યમાં ‘સ્વયં’ (હું)ને બદલે ‘વયમ્’ (આપણે)નો ઉદ્દેશ હોય તે યજ્ઞ. વળી આવું કાર્ય રચનાત્મક હોવું જોઇએ, નહીં કે ખંડનાત્મક.

અગ્નિમિળે મંત્રનું ઊર્જાવિજ્ઞાન
પર્યાવરણ સંરક્ષણના સંદર્ભમાં અત્યારે બિનપરંપરાગત ઊર્જાની ખૂબ ચર્ચા થાય છે. વિકાસની દોટમાં માણસ ભાન ભૂલ્યો. ઊર્જાને દૈવી તત્ત્વ તરીકે ઉપાસવાને બદલે શોષણખોર, સંગ્રહખોર અને સ્વાર્થી બન્યો. પ્રસાદ તો વહેંચીને ખવાય, તેવી સાદી સીધી શીખ ભૂલ્યો. પરિણામ? ગ્લોબલ વોર્મિંગ અને સુનામી જેવી ભયંકર આપદાઓ. જમીન, જળ અને હવાને ઝેરી કરી મૂકી. આ બધાના પાયામાં આદિદેવ ‘અગ્નિ’ની ઉપેક્ષા છે. કોલસો અને પેટ્રોલિયમ જેવી ભૂમિગત ઊર્જા ખૂટવા આવી છે. તેને લીધે ભાવો આસમાન આંબી રહ્યા છે. આજે નહીં તો કાલે હાઇડેલ અને વિન્ડ પાવર જેવી નોન-કન્વેન્શનલ એનર્જી તરફ વળ્યા વિના છૂટકો નથી! ઊર્જાને દૈવી પ્રસાદ સમજી વિવેકપૂર્વક વાપરવાનો બોધ વેદના પહેલા જ મંત્રમાં મળે તે કેવું સરસ!

‘અગ્નિમિળે’ એક લીડરશિપ મંત્ર!
વેદવિદ્યાને ગુજરાતીમાં ઉતારનાર પંડિત સાતવલેકરજીએ અગ્નિ શબ્દની અગ્રણી જેવી વ્યાખ્યા કરી છે. અગ્રણી તેને જ કહેવાય કે જે સમાજનું ભલું કરે. ઊર્જા અને પ્રકાશ ભરનાર અગ્નિદેવ માનવસમાજના અગ્રણી ખરા કે નહીં? એ રીતે તે લોકોનું હિત કરનાર પુરોહિત પણ છે. માનવના આગળ કહેલા ચારેય પ્રકારના યજ્ઞોને ઊર્જા અને નૈતિક નેતૃત્વ પૂરું પાડે તે ઉત્તમ નેતા! જરૂર પડ્યે ‘ઋત્વિજ’ અને ‘હોતા’ની ફરજ પણ અદા કરે છે. એ રીતે સમાજને સમૃદ્ધિ લણી આપે છે! આમ ‘અગ્નિમિળે’ને નેતૃત્વમંત્ર કહેવામાં પણ કંઇ ખોટું નથી. જ્યાં નેતા અને તેના સાથીઓ દ્વારા સંસ્થાની સામૂહિક ઊર્જાના સંયોજનથી ઉત્તમ પ્રકારની સફળતા અને વિકાસ સાધી શકાય. આમ આ મંત્રને આધુનિક મેનેજમેન્ટના મંત્ર તરીકે પણ જોઇ શકાય.

આજનું અમૃતબિંદુ: પરમાત્માએ સૌને અખૂટ ઊર્જા આપી છે! તેનો રોજબરોજના જીવનમાં રચનાત્મક ઉપયોગ કરી સુખ-સંતોષ-સાર્થકતાની ત્રિગુણી સિદ્ધિ હાંસલ કરીએ! જય અગ્નિ!
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો