સુખનું સરનામું:જે લાલચને રોકી શકે એ જ રાજા બની શકે...ધ્યેયથી વિચલિત થશો તો મંઝિલ સુધી નહીં પહોંચાય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક રાજ્યમાં રાજાનું મૃત્યું થયું. રાજાને કોઇ સંતાન નહોતું એટલે હવે રાજગાદી કોને સોંપવી એ પ્રશ્ન ઊભો થયો. રાજા મૃત્યુ પહેલાં એક પત્ર લખતા ગયા હતા કે રાજ્યમાંથી યોગ્ય નાગરિકની પસંદગી કરીને એમને રાજ્યનું સંચાલન સોંપવું. રાજાએ એમ પણ લખેલું કે સંચાલન કરવા માટે યોગ્ય વ્યક્તિ જો મહિલા હોય તો એ માત્ર મહિલા છે એ કારણથી એમને રાજ્ય સંચાલન કરતા અટકાવવી નહીં. રાજ્યના નવા સંચાલકની પસંદગી કરવાનું કામ રાજાએ નગરના એક બુદ્ધિશાળી અને રાજ્યના હિતચિંતક એવા વડીલને સોંપેલું હતું. રાજાના અવસાન બાદ એમની ઇચ્છા મુજબના યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટે પેલા વડીલે છાપામાં જાહેરાત આપી અને જે યુવક યુવતી રાજયનું સંચાલન સંભાળવા માગતા હોય એવા નવયુવાનો પાસેથી અરજી મગાવી. જેમણે જેમણે આ જાહેરાત વાંચી એમને આ બધું મજાક જેવું લાગ્યું આમ છતાં લગભગ 50 જેટલા યુવાનો અને 50 જેટલી યુવતીઓએ રાજ્યનું શાસન કરવાની અપેક્ષા સાથે અરજી કરી.

આ તમામ 100 વ્યક્તિઓને એક ચોક્કસ દિવસે બોલાવવામાં આવ્યા અને નગરના દરવાજાની બહાર બેસાડ્યા. તમામ ઉમેદવારોને સૂચના આપીને સમજાવવામાં આવ્યું કે રાજ્યનું સંચાલન કરવા માટેનું પદ માત્ર એક જ છે અને તમે 100 છો એટલે બધાને તો નિમણૂક ન કરી શકાય. તમારે સાબિત કરવાનું છે કે બાકીના 99 કરતાં તમે અલગ છો. આ માટે અમે એક નાની પરીક્ષા લેવાના છીએ. જે આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરશે એમને આપણે રાજ્યની ધૂરા સોંપીને રાજ્યાભિષેક કરીશું. બધાને થયું કે આ લોકો કેવી પરીક્ષા લેવાના હશે? આપણા કેવા પ્રકારના જ્ઞાનની ચકાસણી કરવાના હશે? હજુ આગળનું કંઇ વિચારે એ પહેલાં જ પરીક્ષાની વિગત જાહેર કરવામાં આવી. તમામ ઉમેદવારોને કહેવામાં આવ્યું કે તમે અત્યારે આપણા રાજ્યના પ્રવેશદ્વાર પર બેઠા છો. બરાબર 2 કિલોમીટર દૂર એક બીજો બહાર નીકળવાનો દરવાજો પણ છે. રાજ્યનું સંચાલન એ વ્યક્તિને સોંપવામાં આવશે જે આ દરવાજેથી પ્રવેશીને 2 કિલોમીટર દૂર આવેલા સામેના દરવાજેથી સૌથી પહેલાં બહાર આવી શકે અને આ 2 કિલોમીટરનું અંતર કાપવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય આપવામાં આવશે.

સૂચના મળતાં જ પોતે જ રાજ્યના સંચાલક બનશે એવી આશા સાથે દરેકે પોતાની તમામ તાકાત લગાવીને દોડવાની શરૂઆત કરી. થોડું આગળ ગયા ત્યાં રસ્તામાં મોટું બોર્ડ મારેલું હતું 'જરા બાજુંમાં તો જુઓ' દોડી રહેલા યુવક-યુવતીઓને થયું કે આ બોર્ડ મારેલું છે તો જરા નજર તો કરીએ કે બાજુમાં શું છે? બાજુમાં નજર કરી તો ત્યાં ડાન્સ ચાલુ હતો. એક તરફ અભિનેત્રીઓ અને બીજી તરફ અભિનેતાઓ નાચતા હતા અને એની સાથે નાચવાની આ તમામ સ્પર્ધકોને છૂટ હતી. મોટાભાગના યુવાનો અને યુવતીઓ તો અહીં જ નાચવા માટે આવી ગયા. બાકીના આગળ વધ્યા ત્યાં રસ્તામાં કોઇ જગ્યાએ આઇસક્રીમ, કોઇ જગ્યાએ ડ્રાયફ્રુટ્સ, કોઇ જગ્યાએ જ્યુસ અને કોઇ જગ્યાએ ચોકલેટ્સ આમ અનેક પ્રકારની ખાણી-પીણીના આકર્ષણ હતા. જેને જે ફાવ્યું તે ત્યાં રોકાઇ ગયા.

એક યુવાન સતત દોડતો રહ્યો અને પેલા દરવાજાની બહાર સૌથી પહેલાં નીકળ્યો. જેવો એ દરવાજાની બહાર નીકળ્યો કે તુરંત જ દરવાજાની બહાર ઊભેલા લોકોએ ઢોલ-નગારાં વગાડીને એનું સ્વાગત કર્યું. એના ગળામાં હાર પહેરાવીને જાહેર કરવામાં આવ્યું કે તમે આ રાજ્યના સંચાલક. યુવકને રાજ્યના સંચાલક તરીકે ઘોષિત કર્યા બાદ પસંદગી કરવાની જેની જવાબદારી હતી એવા વડીલે યુવાનને કહ્યુ ‘તમને ત્રણ પ્રશ્ન પૂછવા છે.’ પેલાએ કહ્યું કે પૂછો, તમારે જે પૂછવું હોય એ પુછો. યુવાનને ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા.

1. તમારી સાથે બીજી 99 વ્યક્તિ દોડતી હતી એમણે રસ્તામાં ઘણું જોયું તમે કંઇ જોયું?
પેલા એ જવાબ આપ્યો ‘હા, મેં પણ બધું જ જોયું.’
2. તમને કોઇ ઇચ્છા ન થઇ?
પેલાએ કહ્યું કે, ‘ઇચ્છા તો મને પણ થઇ નાચવાની, ખાવાની, પીવાની કારણ કે, હું પણ માણસ જ છું.’
3. તમે બધું જોયું, તમને ઇચ્છા પણ થઇ તો પછી તમે એવું કર્યું કેમ નહીં?
નવા નિયુકત થયેલા રાજ્યના સંચાલકે સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું, 'મને જ્યારે નાચવાની, ખાવાની કે પીવાની ઇચ્છા થઇ ત્યારે મેં થોડી સેકન્ડ અટકીને વિચાર્યું કે આ બધું તો આજનો દિવસ જ છે કાલનું શું? પણ જો આજે આ બધું જતું કરીને એકવાર આ રાજ્યનો સંચાલક બની જઉં તો આ મજા તો જિંદગીભર કરી શકું. બસ મેં જિંદગીભરના આનંદ માટે એક દિવસનો આનંદ જતો કર્યો.'

આપણા જીવનમાં પણ પેલા 99 વ્યક્તિ જેવું જ થતું હોય છે. ક્ષણિક આનંદ માટે આપણે આપણા લક્ષ્યથી વિચલિત થઇ જઇએ છીએ. જીવનમાં ધ્યેયથી વિચલિત કરનાર તમામ લાલચોને ઓળખીને તેનાથી દૂર રહીએ તો આપણને પણ શ્રેષ્ઠ કારકિર્દી ઘડતા દુનિયાની કઇ તાકાત રોકી શકે તેમ નથી. જ્યારે કોઇ ધ્યેય નક્કી કરીને એને હાંસલ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે અનેક લાલચથી ભરેલી વસ્તુઓ અધવચ્ચે આવીને ઊભી રહી જાય છે. જે માણસ આ લાલચોને લાત મારી શકે તે મંઝીલ પર પહોંચી શકે. બાકી જે પોતાની જાતને લાલચના હવાલે કરી દે એ મંઝીલ સુધી પહોંચી શકતો નથી.

આ વાત માત્ર કારકિર્દીના સંદર્ભમાં જ લાગુ પડે છે એવું નથી. જીવનનાં તમામ ક્ષેત્રોમાં આ વાત 100% બંધ બેસે છે અને બધાં જ ક્ષેત્રોને લાગુ પડે છે. જો થોડા સમય માટે લાલચને રોકી શકતા હોય તો પછી જીવનભરની મજા માણી શકાય છે. હું વિદ્યાર્થીઓને ઘણીવખત આ જ વાત સાવ સરળ શબ્દોમાં સમજાવતો હોઉં છું કે તમારા માટે 5 કે 7 વર્ષ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. જો આ 5-7 વર્ષ મજૂરી કરી લેશો તો પાછળની આખી જિંદગી જલસા કરી શકશો અને જો આ 5-7 વર્ષ જલસા કરવામાં કાઢશો તો પછી આખી જિંદગી મજૂરી કરવાની તૈયારી રાખજો. અંગ્રેજીની એક જાણીતી કહેવત છે ‘No gain without pain.’ તમારે કંઇક મેળવવું હોય તો કંઇક આપવું જ પડે. આપ્યા વગર જ કંઇક મેળવી લેવાની વૃત્તિ માણસને ભિખારી બનાવે છે અને ભિખારી ક્યારેય સફળ માણસ બની શકતા નથી.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...