મીત એક 22 વર્ષનો યુવાન છે, જે કોલેજમાં ભણે છે. એક સામાન્ય મિડલ ક્લાસ ઘરમાંથી આવતો મીત પોતાની મહેનત અને બુદ્ધિથી IIT મુંબઈ સુધી પહોંચ્યો છે. એના પપ્પા રિક્ષા ચલાવે છે અને મમ્મી ગૃહિણી છે. બહુ જ નાની ઉંમરે જ્યારે એ 8મા ધોરણમાં હતો ત્યારે એને પોતાના બાજુમાં રહેતી રિયા ખૂબ ગમતી હતી. રિયાને પણ મીત એટલો જ ગમતો હતો. બંનેએ આજ સુધી ક્યારેય પણ પ્રેમનો એકરાર નહોતો કર્યો. પરંતુ મીત અને રિયા બંનેનાં માતા-પિતાને જ્ઞાત તો હતું જ. બંને એવા મિડલક્લાસ સંસ્કારી ઘરમાંથી આવતાં હતાં કે મા-બાપ અને સમાજમાં જાહેર થયા વિના એકલામાં મળવું એ વાત બંનેમાંથી યોગ્ય નહોતી લાગતી. આજકાલના જમાનામાં સામાન્ય કહેવાય એવી કોઈપણ સીમા એ બંનેએ એકબીજા જોડે પાર નહોતી કરી અને લગ્ન પહેલાં એ બધું કરવાની કોઈ ઉતાવળ પણ નહોતી. પ્રેમ ખૂબ પવિત્ર અને ધૈર્યવાળો હતો. એ હદ સુધીનો કે મીતની IITની પરીક્ષા સમયે જ એના મમ્મીને લકવો પડ્યો તો રિયા કંઈ બોલ્યા વિના રોજ ઘરે ટિફિન પહોંચાડે, મીતના મમ્મીને હોસ્પિટલ લઈ જાય અને એ બધા જ કામ કરે જે એક વહુએ કરવાનાં આવે અથવા આજના જમાનામાં ન પણ આવે. પરંતુ એ બધા કામો એણે શોખથી કર્યાં.
IITના પહેલા વર્ષમાં ગોલ્ડ મેડલ મેળવી જ્યારે મીત રજાઓમાં ઘેર આવવાની તૈયારી કરતો હતો ત્યારે અચાનક એને સમાચાર મળ્યા કે રિયાનું એક ખૂબ જ ગંભીર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. મીત અને એના પરિવાર બંનેની દુનિયા હલી ગઈ. 2 મહિના સુધી એ એટલો સુનમુન થઈ ગયો કે આશરે 15 કિલો વજન ઊતરી ગયું, ખાવા-પીવાનું ભાન ન રહ્યું, કોલેજ જવાનો પણ સવાલ જ નહોતો. આવી પરિસ્થિતિમાં મીતના મિત્રો એને મનોચિકિત્સક પાસે લઈ આવ્યા.
જ્યારે પણ આપણી કોઈ નજીકની વ્યક્તિ આપણાથી દૂર થાય જેની જોડે આપણે આપણું જીવન વ્યતીત કરવાનાં સપનાં જોયાં હોય તો એ સૌથી અઘરું હોય છે. એક મોટા સર્વેમાં જાણવા મળ્યું છે કે અલગ-અલગ સમાજના અલગ-અલગ લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે જીવનમાં કઈ વસ્તુથી સૌથી વધુ સ્ટ્રેસ પડે તો એકાનુમતે દેશ-વિદેશ બધેથી એક જ જવાબ મળ્યો કે આપણા જીવનસાથીનું મૃત્યુ. જીવનસાથીનું મૃત્યુ આ ઇન્ડેક્સમાં જીવનની સૌથી સ્ટ્રેસફુલ ઇવેન્ટ તરીકે જ્ઞાત થઈ.
તમે એક વસ્તુ જોઈ હશે કે આપણે સ્ટ્રેસમાં ત્યારે આવીએ જ્યારે આપણને જ્ઞાત નથી કે આગળ શું થશે. જેમ કે, આપણે પરીક્ષા પહેલાં, રિઝલ્ટ પહેલાં, મીટિંગ પહેલાં વગેરેના સ્ટ્રેસમાં આવીએ, કારણ કે આપણને ચિંતા થાય કે 'ખબર નહી શું થશે?' જ્યારે આપણે ભવિષ્યમાં થનારી વસ્તુ કલ્પનામાં જોઈ શકીએ અથવા આછું આછું પણ ધારી શકીએ તો એનાથી જોડાયેલો સ્ટ્રેસ થોડો ઓછો થાય. આપણા જીવનસાથીમાં આપણને 100 ખામીઓ લાગતી હોવા છતાં આપણને મોટાભાગે જ્ઞાત હોય છે કે એ કેવી વ્યક્તિ છે અને એની તાકાત કઈ વસ્તુઓ છે અને નબળાઈ કઈ વસ્તુઓ છે. એટલે આપણે આપણું ભવિષ્ય એ પ્રમાણે જાણતા અજાણતા વિચારી લીધું હોય છે. આપણે અને આપણા જીવનસાથીએ કેટલાં બધાં સપનાંઓ જોયાં હોય એકસાથે. આપણું મગજ જ્યારે બોલે કંઈક અલગ અને કરે કંઈક બીજું તો અસ્થિરતા પેદા થાય છે. આ વસ્તુને મનોચિકિત્સાની ભાષામાં 'કોગ્નિટિવ ડિઝોનન્સ' કહેવાય છે. તમે જોયું હશે કે જે વ્યક્તિઓ એક એવું જીવન જીવે જેમાં એ બોલતા કંઈક અલગ જ હોય અને કરતા કંઈક અલગ જ હોય એવી વ્યક્તિ સ્થિર નહીં હોય, એને ગુસ્સો ખૂબ તરત જ આવી જતો હશે અને એને પોતાનું બોલ્યું 'થૂંકેલું ચાટવું પણ પડતું હશે'. પ્રેમમાં આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે, 'હું તારા વિના જીવી નહીં શકું' અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણું બોલેલું અને જીવેલું અલગ કરતાં શીખવાની ચેલેન્જ આપણી સામે ઊભી રહેતી હોય છે.
આવી પરિસ્થિતિમાં આપણું મન આ 5 સ્ટેજમાંથી પસાર થતું હોય છે:
નકારવું - સૌથી પહેલાં આપણું મન જે ઘટના ઘટી છે એને સંપૂર્ણપણે નકારી દે છે, આપણું મન એમ જ કહે છે કે 'આ જે ઘટ્યું છે એ શક્ય જ નથી. ચોક્કસ કંઈક રસ્તો નીકળશે.'
ગુસ્સો - નકારવા પછીના સ્ટેજમાં જ્યારે સહેજ સ્વીકૃતિ આવે તો એ ગુસ્સા જોડે આવે છે. જે ઘટ્યું એના માટે આપણે ઈશ્વરને અથવા કોઈ વ્યક્તિને દોષી માનીએ છીએ. આ થવું ખૂબ નોર્મલ છે. તકલીફ ત્યારે પડે છે જયારે આ સ્ટેજમાં લોકો ગુસ્સા અથવા બદલાની ભાવનાથી ન કરવાવળી વસ્તુઓ કરી બેસે છે. આવા સમયે પ્રિયજનોએ વ્યક્તિને બને ત્યાં સુધી એકલા ન મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સમાધાન - આ સ્ટેજમાં જે ઘટ્યું છે એના વિશેની સ્વીકૃતિ થોડી વધે છે. વ્યક્તિ એ સ્વીકારતી થાય છે કે એ વ્યક્તિ એના જીવનમાંથી જતી રહી છે અને દરેક સમાજની સમાધાનની એક ચોક્કસ રીત જોવા મળે છે. આપણા સમાજમાં એવું જોવા મળે છે કે આપણે એ વ્યક્તિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે 'એ જ્યાં હશે ત્યાં ખુશ હશે' આવા વિચારો આપણા મન માટે સમાધાન છે કે એ વ્યક્તિ દુઃખી નથી.
ડિપ્રેશન - આ પરિસ્થિતિમાં ચોથું સ્ટેજ હોય છે ડિપ્રેશન. આ મેહસૂસ કરવું ખૂબ જ નોર્મલ અને હેલ્ધી છે. આમાં કંઈ જ ખરાબ અથવા ઘાતક નથી. નજીકની કોઈ વ્યક્તિ દૂર થઈ જાય તો ડિપ્રેશન અને દુઃખનો અનુભવ કરવો એ આપણને મનુષ્ય બનાવે છે. મનુષ્ય સિવાયના પણ મોટાભાગનાં પ્રાણીઓમાં આ દુઃખ જોવા મળે છે. જેમ ગુસ્સાના સ્ટેજમાં વ્યક્તિ જેના પર ગુસ્સે છે એની જોડે કંઈ ખરાબ ન કરી નાખે એટલે જોડે રહેવું જરૂરી છે. એ જ રીતે આ સ્ટેજમાં વ્યક્તિ પોતાની જોડે કંઈ ખરાબ ન કરી નાખે એટલા માટે જોડે રહેવું ખૂબ જરૂરી છે.
સ્વીકૃતિ - પાંચમું અને છેલ્લું સ્ટેજ છે સ્વીકૃતિ. આવી પરિસ્થિતિમાં આ બધા સ્ટેજમાંથી પસાર થયા બાદ એક વ્યક્તિ સ્વસ્થ રીતે જે ઘટ્યું છે એ સ્વીકાર કરી આગળ વધવા અને નવાં સપનાં જોવાં માટે તૈયાર થતી હોય છે.
મન : કોઈપણ આવી ઘટના પછી 6 મહિના સુધી એ વ્યક્તિના અવાજો સંભળાવવા પણ નોર્મલ કહેવાય અને ધીરજ અને પ્રેમ જ એનો ઉપાય છે. આપણે નસીબદાર લોકો છીએ કે એક એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં વ્યક્તિના મૃત્યુ પછીની શોક વિધિઓ ખૂબ વિકસિત અને હૂંફવાળી છે. આવી જ વિધિઓ કદાચ બ્રેકઅપ અને ડિવોર્સ પછીની પણ વિકસિત અને સ્વીકૃત થાય તો ઘણા આપઘાતો થતા બચી શકે છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.