મનન કી બાત:ગામ કે દેશ બદલવાની માનસિક ચેલેન્જઃ કર્મભૂમિ ક્યારેય જન્મભૂમિ જેટલી પ્રિય બની શકે ખરી?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે આપણા જીવનમાં અલગ અલગ સમયગાળામાં અલગ અલગ રોલ ભજવતા હોઈએ છીએ. બાળપણમાં આપણે વિદ્યાર્થીકાળમાં હોઈએ છીએ, તો મોટા થઈએ ત્યારે વ્યાપારકાળમાં હોઇએ છીએ અને વૃદ્ધ થઈને આપણું જીવન આપણાં બાળકો અને એમનાં બાળકોની આજુબાજુ ફરે છે. વિદ્યાર્થી હોઈએ ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભણવા માટે જવું, અથવા વેપારમાં હોઈએ ત્યારે વેપારના કારણે અથવા નોકરીના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, અને વૃદ્ધ થઈએ ત્યારે આપણાં બાળકોની નોકરી અથવા બાળકોના ભણતર માટે થઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થતું હોય છે. ઉંમર નાની હોય કે મોટી, ગામ અને દેશ બદલવાના પડકારો ખૂબ મોટા હોય છે.

મનોવિજ્ઞાનના એવા ઘણા સ્ટડી થયેલા છે જેમાં એવું પુરવાર થયું છે કે ઇમિગ્રેશન કરનાર વ્યક્તિ ખૂબ વધારે માનસિક તણાવ મહેસુસ કરે છે અને એના કારણે આવી વ્યક્તિઓમાં ડિપ્રેશન, સ્ટ્રેસ અને ચિંતારોગનું પ્રમાણ ખૂબ વધુ હોય છે.

જ્યારે આપણે એક દેશથી બીજા દેશમાં અથવા એક ગામથી બીજા ગામમાં જઈએ તો સૌથી પહેલું આપણા કોઈ ને કોઈ વાલીજનને પાછળ મૂકતા જઈએ છે. પછી એ ભણતર માટે હોય કે વ્યાપાર માટે. આપણા પ્રિયજન જેમાં આપણાં માતા-પિતા, આપણું પાર્ટનર, આપણાં બાળકો અને આપણા મિત્રો ઉપરાંતનું સોશિયલ સર્કલ પાછળ મૂકે છે. જ્યારે આપણે એક જ ગામમાં એક સોશિયલ સર્કલ જોડે રહીએ તો આપણને એક સ્થિરતા મહેસૂસ થાય. માણસ પોતાની દરેક જરૂરિયાત માટે અનુકૂળ માણસો શોધી લે છે. આપણા ધ્યાનમાં એક ક્રિકેટવાળો મિત્ર હોય છે, એક પાન-સોડાવાળો મિત્ર હોય છે, એક પાર્ટીવાળો મિત્ર હોય છે, વગેરે. એવી જ રીતે આપણા જીવનની અમુક વાતો આપણે આપણી માતાને કરીએ છીએ ત્યારે અમુક તકલીફો આપણી બેન જોડે ખુલ્લા મને વાત કરીએ છીએ. આવી વાતો અને આ બધી ચર્ચાઓ આપણે એ લોકો સાથે ફોન અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કરી જ શકીએ છીએ, પરંતુ ખાસ કરીને એક દેશથી બીજા દેશમાં જઈએ તો સમયનું અંતર, સાથે સાથે અમુક એવી વસ્તુઓ કે જે એ જગ્યાએ રહીને જ સમજાય, તેના કારણે આ વાતચીતમાં ખૂબ બંધારણ આવતું હોય છે. જેમકે તમે અમેરિકા જેવા દેશમાં જાવ તો ત્યાંની કામ કરવાની પદ્ધતિ, ત્યાંના લોકોનો વ્યવહાર, ત્યાં તમારે કરવું પડતું એ બધું જ કામ કે જેના માટે તમારા ઘરે કામવાળા હતા, ત્યાં શીખવી પડતી નવી ભાષા, ત્યાંના લોકોનો તમારી જોડે વ્યવહાર, વગેરે એવી બધી વસ્તુઓ જ્યારે બંને દેશ વચ્ચે 12 કલાકનો સમયગાળો હોય, ત્યારે તમારા પ્રિયજનને કહેવી ખૂબ અઘરી પડતી હોય છે.

વળી તમને સતત એવું તો થાય જ છે એમને કહીને ક્યાં ચિંતા અપાવવી. આના કારણે લોકો દરેક વસ્તુ પોતાના મનમાં રાખતા થાય છે. ભારતમાં આપણી જીવનશૈલી પણ એવી છે કે જેમાં આપણે વધારે સામાજીક જીવન જીવીએ છીએ. નાતના જમણવાર, લોકોના લગ્ન પ્રસંગ, કોઈનું મૃત્યુ થાય તો એમનું ઊઠમણું-બારમું, ત્યાં સુધી કે કોઈની છઠ્ઠીનું ફંક્શન... આ બધા એવા સામાજીક પ્રસંગો છે જેના કારણે આપણને એકબીજા સાથે મળવાની અને સુખ-દુઃખની વાત કરવાની તક આપે છે. પરંતુ જ્યારે તમે એક નવા દેશમાં જાવ તો ત્યાં તમને ન કોઈની છઠ્ઠીનું આમંત્રણ આવશે, કે ન કોઈનાં લગ્નનનું. ઊલટું, ત્યાંની દરેક પદ્ધતિ જોઈ તમને નવાઈ લાગશે અને એવું લાગશે કે ‘શું અહીંયા આ પદ્ધતિમાં સેટલ થઈ શકીશ?’

સાથે સાથે જ્યારે તમે એક નવા દેશમાં અથવા નવા ગામમાં જાવ, ત્યાં જઇને તમે કોઈ શાળામાં અથવા કોઈ જોબમાં જોડાઓ, તો તમે જોશો કે ત્યાં ઘણા બધા લોકો એક બીજાને ઓળખે છે. આ લોકોની એકબીજા જોડે મૈત્રી હોવા ઉપરાંત એકબીજા જોડે પારિવારિક સંબંધ પણ છે જ, અને આ લોકો પોતાના કમ્ફર્ટ ઝોનમાં છે. તમને સતત એ વિચાર આવે કે શું આ લોકોનાં જીવનમાં હજી એક મિત્ર માટે જગ્યા છે? તમને એવું પણ થાય કે હું કંઈક આડું-અવળું બોલી દઈશ તો એ લોકો મને જજ કરશે, અને મારા પર હસશે.

નવા ગામમાં જવા સાથે ત્યાંની નવી ભાષા શીખવી પણ એક નવી જ ચેલેન્જ છે. આપણે બધા અંગ્રેજી સિરિયલો જોતા હોઈએ છીએ, પરંતુ એક નવા દેશમાં જઇએ જ્યાં દરેક વ્યક્તિ એ જ ભાષામાં વાત કરે છે, અને એક અલગ લહેકામાં વાત કરે છે, ત્યારે ખાલી ટેક્સીવાળા ને તમારું સરનામું આપવું પણ અઘરું પડે છે, અથવા એક કૉફીનો ઓર્ડર કરવો પણ અઘરો પડે છે. અરે હા! એના પરથી યાદ આવ્યું કે આદુ મસાલાવાળી ચા તો મળશે જ નહીં. હા, સાત જાતની કૉફી મળશે, પરંતુ ટપરી-કિટલીની ચા નહિ મળે.

આવી રીતે જ્યારે પણ તમે નવી જગ્યાએ જાઓ, તો તમને હજાર મુશ્કેલીઓ પડશે. પરંતુ તમારા મનમાં એ પણ ચોક્કસ છે કે તમે અહીંયા એક કામ કરવા આવ્યા છો. આ તમારી જન્મભૂમિ નહીં હોય, પરંતુ તમારી કર્મભૂમિ ચોક્કસ છે. એ વસ્તુમાંથી પણ ખૂબ પ્રોત્સાહન મળે છે કે સારા માણસની કદર દુનિયાના દરેક ખૂણે છે. મોટાભાગના લોકો તમારી પાસેથી તમે એમના વિશે બધું સમજો અને જાણો એવી અપેક્ષા નથી રાખતા. તમારું દિલ સાફ હોય અને નવી વસ્તુ શીખવાની ઇચ્છા હોય તો તમે દુનિયાના કોઈપણ ખૂણે દુઃખી નહીં થાઓ. વહેલા-મોડા દરેક વ્યક્તિના રંગ બહાર આવતા હોય છે. જો તમે દિલથી સારા હશો અને જો તમે લોકોનું સારું ઇચ્છશો અને લગન અને મહેનતથી તમારું કામ કરશો, તો તમને ચોક્કસ ખુશી અને સફળતા બંને મળશે.

મન: જો તમારી કર્મભૂમિને તમારી જન્મભૂમિ જેટલી જ લાગણી, પ્રેમ અને આદર આપશો તો તમારી કર્મભૂમિ પણ તમને એટલો જ પ્રેમ, લાગણી અને આદર આપશે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)