બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા થતાં વર્તમાન ભારત અને પાકિસ્તાન (અત્યારના બાંગલાદેશ સહિતનું) 15 ઓગસ્ટ 1947ના રોજ અસ્તિત્વમાં આવ્યાં પણ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન સાથેની સરહદ રેખા ખેંચવા માટે નિયુક્ત રેડક્લિફ બાઉન્ડ્રી કમિશનમાં બંને પક્ષના બબ્બે ન્યાયાધીશોએ આદરેલી કવાયત પછી 17 ઓગસ્ટ 1947ના રોજ એ અહેવાલ પ્રકાશિત થયો. લાખો પરિવારો ભારતમાંથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતરિત થવા ઉપરાંત બંને પક્ષે લાખોની કત્લેઆમ જોવા મળી. એ વેળાના એ ઘા હજુ રૂઝાયા નથી. એ વેદાનામયી ઘટનાક્રમના કેટલાક સત્યો સમયાંતરે પ્રકાશમાં આવતાં રહ્યાં છે. એમાંનું એક સત્ય એ હતું કે પશ્ચિમ પાકિસ્તાનની સરહદે આવેલા બિકાનેરના રજવાડાના રાજવી મહારાજા સાદુલ સિંહે પોતાના પૂર્વજે બાંધેલી ગંગા કેનાલ અને ફિરોઝપુર મુખપ્રદેશ પાકિસ્તાનમાં જતો હોય તો પોતે પણ પોતાના રજવાડાને પાકિસ્તાન સાથે ભેળવવું પડશે, એવી ધમકી વિદાય લેતા અંગ્રેજ શાસકોને આપવી પડી હતી.
બિકાનેરના મહારાજા હિંદુ હતા અને એમની મોટાભાગની પ્રજા પણ હિંદુ હતી એટલે સ્વાભાવિક હતું કે એ ભારત સાથે જોડાય પણ રેડક્લિફ અહેવાલ અને નક્શામાં ફિરોઝપુર તેમજ ગંગા કેનાલનો મોટો હિસ્સો પાકિસ્તાનમાં જતો હોવાના વાવડ મળ્યા કે મહારાજા વિફર્યા હતા. એમણે છેલ્લાં અંગ્રેજ વાઇસરોય માઉન્ટબેટન સાથેના પોતાના અંગત સંબંધો કામે લગાડીને જો ફિરોઝપુર અને ગંગા કેનાલ પાકિસ્તાનમાં જવાની હોય તો પોતે પણ પાકિસ્તાનમાં જોડાવાનું પસંદ કરશે એવું તેમને સંભળાવ્યું હતું. માઉન્ટબેટન વિશે ભલે ગમે તેવી વાતો કરવામાં આવતી હોય પણ રિયાસત ખાતાના પ્રધાન અને ગૃહમંત્રી એવા નાયબ વડાપ્રધાન સરદાર પટેલ સાથે પણ એમનું ટ્યુનિંગ એટલું સારું હતું કે દેશી રજવાડાંના ભારતમાં વિલીનીકરણમાં એમણે મહદઅંશે ભારત તરફી વલણ અપનાવ્યું હતું. માઉન્ટબેટન થકી રેડક્લિફ રિપોર્ટ અને સીમા રેખામાં ફેરફાર કરાવીને પણ બિકાનેર રજવાડું ભારતમાં રહે એ પ્રકારે મહારાજાએ ધાર્યું કરાવ્યું હતું. આ નિર્ણયને પગલે બિકાનેરના મહારાજાએ પોતાના રજવાડાને ભારત સાથે જોડ્યું. આટલું જ નહીં, પોતાના દીવાન કે પ્રાઈમ મિનિસ્ટર સરદાર કે.એમ. પણિક્કરને ભારતીય બંધારણસભામાં પાઠવ્યા હતા.
જળ અધિકારોનું માહાત્મ્ય
પાકિસ્તાનમાં જોડાયેલા ચિત્રાલ રજવાડાના મહેતર (શાસક) મનાતા ફતેહ-ઉલ-મુલક નાસીરે 14 ઓગસ્ટ 2020ના રોજ લાહોરના 'ધ ફ્રાઇડે ટાઈમ્સ' અખબારમાં નોંધ્યું હતું કે બિકાનેર પાકિસ્તાનમાં જોડાય એ સ્વાભાવિક હતું. શ્રી ગંગાનગર આસપાસનો કેનાલના મુખપ્રદેશનો મોટાભાગનો વિસ્તાર રેડક્લિફ અવોર્ડ હેઠળ પાકિસ્તાનને મળતો હતો એટલે સતલજનાં જળનો વિચાર કરીને મહારાજાએ ભોપાલના નવાબ હમીદુલ્લા ખાનની મારફત ઝીણાને સંદેશ પાઠવ્યો હતો કે બિકાનેર એના જળ અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં જોડાવા માટે તૈયાર છે. આ વાતનો અણસાર માઉન્ટબેટનને આવ્યો અને તેમણે ફિરોઝપુર મુખ પ્રદેશનાં શ્રી ગંગાનગરને મળતાં જળ પશ્ચિમ પંજાબને બદલે પૂર્વ પંજાબને મળે એવો ફેરફાર કરાવ્યો અને બિકાનેર ભારત સાથે જોડાયું. મહારાજા ઝીણાને મળ્યા જ નહીં.' રેડક્લિફ કમિશનના સચિવ રહેલા ક્રિસ્ટોફર બેઉમોન્ટની 24 ફેબ્રુઆરી 1992ના 'ધ ડેઈલી ટેલિગ્રાફ'ના અંકમાં પ્રકાશિત મુલાકાતમાં રેડક્લિફને ફિરોઝપુર અને ઝિરા એ બંને મુસ્લિમ બહુલ તાલુકા ભારતને ફાળવવા માટે સમજાવી લેવાયા હોવાનું રહસ્યોદઘાટન કર્યું હતું. બિકાનેર રાજ્યના ઇજનેર કંવર સેને પણ પોતાનાં સંસ્મરણોમાં 1978માં રેડક્લિફ અવોર્ડમાં ફેરફાર કરાયાની વાતને સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી એ.જી. નૂરાનીએ પણ 1 મે 2015ના 'ફ્રંટલાઈન' સામાયિકમાં પણ આ વાતને નોંધી છે.
મહારાજા-માઉન્ટબેટનની મૈત્રી
બિકાનેરના મહારાજા સાદુલ સિંહ અને વાઇસરોય માઉન્ટબેટન વચ્ચેની મૈત્રી ઘનિષ્ઠ હતી. મહારાજાએ માઉન્ટબેટનને લાંબો તાર પાઠવ્યો અને પાકિસ્તાન સાથે જવાની પોતાને ફરજ પડશે એવું જણાવ્યું હતું. ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન પાકિસ્તાનના સર્વેસર્વા ઝીણાના મુસ્લિમ લીગી મિત્ર હતા. એ 'ભોપાલ યોજના' હેઠળ હિંદુ મહારાજાઓને પાકિસ્તાન સાથે જોડવા માટે પ્રયત્નશીલ પણ હતા. પશ્ચિમ પાકિસ્તાનની સરહદે આવેલાં જોધપુર, જેસલમેર અને બિકાનેર તો એમના પ્રભાવમાં આવી પણ ગયાં હતાં. સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતના ભાગલા હિંદુ-મુસ્લિમ વિભાજન સંદર્ભે થયા હતા. હકીકતમાં ભારતમાંનાં અનેક હિંદુ રજવાડાં પાકિસ્તાન સાથે જોડાવા માટે ઇલુ ઇલુ કરી રહ્યાં હતાં. કેટલાંક તો સ્વતંત્ર રહેવા માગતાં હતાં. જેમ કે, ત્રાવણકોર અને જમ્મુ-કાશ્મીર હિંદુ રાજવીઓ ધરાવતાં હોવા છતાં સ્વતંત્ર રહેવા ઈચ્છુક હતાં.
હિંદુ રજવાડું અમરકોટ (હવેનું ઉમરકોટ) ભારતને બદલે પાકિસ્તાનમાં જોડાવામાં પોતાનું હિત નિહાળતું હતું. ભારતમાંથી અંગ્રેજ શાસકો ઉચાળા ભરે એવી જાહેરાત કરનારા વડાપ્રધાન ક્લેમન્ટ એટલીના પુરોગામી વિન્સ્ટન ચર્ચિલ તો વાસ્તવમાં ભારતને આઝાદી આપવાના પક્ષે નહોતા અને ભારતને સ્વતંત્ર કરવામાં આવે તો બ્રિટિશ ઈન્ડિયા અને અંગ્રેજ શાસકો સાથે જોડાયેલાં દેશી રજવાડાંના પ્રદેશને ત્રણ ભાગમાં વહેંચી નાખવાના પક્ષધર હતા. ભારત, પાકિસ્તાન અને દેશી રજવાડાંના પ્રિન્સીસ્તાન એમ ત્રણ ભાગલા પડે અને સંયુક્ત આરબ અમિરાત (UAE) કે મલયેશિયાના મોડેલ પર પ્રિન્સીસ્તાન બને એવો પ્રબળ અંગ્રેજ મત હોવાનું ચિત્રાલના રાજવી પરિવારના ફતેહ-ઉલ-મુલકે પણ નોંધ્યું છે. સ્વયં મહારાજા સાદુલ સિંહની જીવનકથા લખનાર હગ પુર્સેલે નોંધ્યું છે: 'મહારાજા સાદુલ સિંહે પાકિસ્તાનમાં જતા ગંગા કેનાલના ફિરોઝપુરના વિસ્તારો પાકિસ્તાનને આપતા રેડક્લિફ ચુકાદાને બદલીને સીમારેખા ભારતના હિતમાં ફરી દોરવામાં નહીં આવે તો પાકિસ્તાન સાથે જોડાવાની ધમકી ઉચ્ચારીને રેડક્લિફ સરહદ રેખા બદલાવીને જ બિકાનેરના રજવાડાને ભારતમાં આણ્યું હતું.' જોધપુરના મહારાજા હણવંત સિંહ સમક્ષ ઝીણાએ કોરા કાગળ પર સહી કરી આપીને પાકિસ્તાનમાં જોડાવા માટેની શરતો ભરવા કહ્યું હતું પણ જેસલમેરના મહારાજકુમારની હાજરજવાબી થકી જોધપુરને પુનઃવિચાર કરવાની ફરજ પડી હતી. બિકાનેર મહારાજા પ્રજા માટેના જળના અધિકારોના મુદ્દે પાકિસ્તાનમાં જોડાતાં અટક્યા હતા. અન્ય રાજાઓની ભારતમાં જોડાવાની રસપ્રદ કહાણીઓ રહી છે. કેટલાકને વ્યક્તિગત સ્વાર્થ હતા તો કેટલાકને પોતાની પ્રજાના હિતની ચિંતા હતી.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.