તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Important Role Of Parents In Developing The Art Of Communicating With A Child Like A Blank Slate ... Once A Child Opens, All Their Treasures Will Open !!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ પેરેન્ટિંગ:કોરી પાટી સમાન બાળકમાં વાતચીત કરવાની કળા વિકસાવવામાં માતા-પિતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા, બાળક એકવાર ખૂલી ગયું તો તેમના બધા ખજાના ખૂલી જશે!

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

18 વર્ષનો સેમ વડોદરાના પોતાના સાધન સંપન્ન ઘર, પરિવાર, ગાડી અને બંગલો છોડી અચાનક ગાયબ થઈ જાય છે, છ મહિના બાદ હિમાચલ પ્રદેશના એક નાનકડા ઢાબામાં કામ કરતો મળી આવે છે, ઘરે પરત આવી એ નાસી જવાનું કારણ જણાવે છે કે, મને એશ આરામની જિંદગી કરતાં મારુ સ્વાતંત્ર્ય વધારે પ્રિય છે, હું એ ઢાબામાં વાસણ માંજીને ખુશ છું કારણ કે, એ લોકો મારી વાત સાંભળે છે, તમે બધા માત્ર તમારા કામમાં વ્યસ્ત છો, મારી વાત કોઈ સાંભળતું નથી તો મારે મારા મનની વ્યથા કોની પાસે વ્યક્ત કરવી?

ટેકનોલોજીના પ્રભાવથી દુનિયા બિલકુલ નાની થઈ ગઈ છે. ક્ષણાર્ધમાં જોજનો દૂર વસતા સ્નેહીજન સાથે વીડિયો કોલ દ્વારા રૂબરૂ વાતચીત થઈ શકે છે, અજાણ્યા લોકો સાથે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ઢગલો ચેટિંગ કરવું એકદમ સરળ છે. પરંતુ ચાર દીવાલમાં સાથે રહેતા પરિવારજનો વચ્ચે 'સંવાદ' સાધવો બહુ અઘરો થઈ ગયો છે. એમાં પણ યુવા સંતાનો સાથે માતા-પિતા ખુલીને વાત જ કરી શકતાં નથી, તેમની વાતચીતના મુખ્ય વિષયો પણ શિક્ષણ, પરીક્ષા, ફી, વેકેશન, કઈ લાઈન લેવી છે અને મોબાઈલ વધારે ન મચડો એની આસપાસ જ ફર્યા કરે છે. સતત ઓનલાઈન ચેટિંગ કરતા બાળકો કેમ ઘરમાં મૌન થઈ જાય છે તે આપણે ક્યારેય વિચાર્યું છે? સેમ કેમ ઘર છોડી જતો રહે છે? કેમ અમદાવાદની આઇશા જેવી યુવતીઓ પોતાની મહામૂલી જિંદગી પાણીમાં નાખવા મજબૂર થઈ જાય છે?

જવાબ માત્ર એટલો જ છે કે બાળકો પોતાના મનની વાત, વિચાર કે વ્યથા યોગ્ય સમયે માતા-પિતા કે વડીલ સમક્ષ અભિવ્યક્ત કરી શકતાં નથી, તેમની અંદરનો મૂંઝારો કોઈની પાસે ઠાલવી શકતા નથી. તો ચાલો બાળકોને બોલતાં કરીએ.

ઘરની વાણી પોપટ બોલે
સ્વાતિએ એક મજાનો પોપટ પાળ્યો છે, સ્વાતિ જે બોલે તે પોપટ સામે બોલી સંભળાવે. સ્વાતિ જો શ્લોક બોલે તો પોપટ પણ શ્લોક બોલે. પરંતુ સ્વાતિ જો અપશબ્દ બોલશે તો પોપટ પણ અપશબ્દ જ શીખશે ને? આપણું બાળક કોરી પાટી સમાન છે, આપણે ઘરમાં જે રીતે વાતચીત કરીશું, ચર્ચા કરીશું એવું જ બાળક નાનપણથી શીખશે. એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર, સંયુક્ત પરિવારમાં રહેતું બાળક જલ્દી બોલતા શીખે છે, જ્યારે વિભક્ત કુટુંબમાં રહેતું બાળક થોડું મોડેથી બોલતા શીખે છે કારણ કે, મોટા કુટુંબમાં તેની સાથે વાત કરવા ઘણા લોકો મળી જાય છે. એટલે નાનપણથી જ બાળકમાં વાતચીત કરવાની કળા વિકસે છે. બાળકો સાથે નાનપણથી જ વાતચીત કરવી જોઈએ, બાળક સાથે તોતડી ભાષામાં વાત ન કરવી જોઈએ અને બાળકને શું સમજ પડે એવું વિચારવાના બદલે તેના વિચારો વ્યક્ત થવા દેવા જોઇએ.

બાળક સાથે રોજ વાત કરીએ
સ્નેહા જ્યારે શાળાએથી ઘરે પરત આવે છે ત્યારે તરત જ તેની માતાની આસપાસ ફરતી રહે છે, પોતાની શાળાની તમામ અતઃ થી ઈતિ માને કહી સંભળાવે છે, કાલીઘેલી ભાષામાં પોતાની મસ્તી, તોફાન, લડાઈ-ઝઘડા, અભ્યાસની પરેશાની બધું જણાવી દઈ સાવ હળવીફૂલ થઈ જાય છે, તેની માતા તેને ટોકતી નથી કે શું બકબક કરે છે? મારું માથું દુઃખી ગયું, જા અહીંથી, મારે નથી સાંભળવું વગેરે વગેરે. તેથી, સ્નેહા પોતાની તમામ સમસ્યા કે ખુશી તેની માતા સાથે વહેંચતા શીખી ગઈ છે. તેમના બંને વચ્ચે એક સરસ સંવાદ સધાયો છે. જો આવો સંવાદ સેમ અને તેના પરિવારજનો વચ્ચે હોત તો સેમને ઘર છોડી જવું ન પડયું હોત.

બાળકો સાથે તેમના ગમતા વિષય પર વાત કરીએ

આપણને પ્રશ્ન થાય કે આજકાલનાં છોકરાંઓ સાથે વાત શું કરવી? તેમના અને આપણા રસના વિષયો સાવ અલગ હોય છે, તેમને આપણી વાતોમાં રસ ન પડે. તેઓ ઝડપથી બોર થઈ જાય છે. બાળકો સાથે વાત કરવા આપણે પણ તેમની ભૂમિકામાં આવવું પડે. બાળકો સાથે જ્ઞાતિ- જાતિની ગોસિપને બદલે સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ, ટેકનોલોજી, મૂવીઝ, નવા ફૂડ ઝોન્સ, ફ્રેન્ડશિપ ઉપર વાતચીત શરૂ કરવાથી તેમને કમ્ફર્ટનો અનુભવ થાય છે. આ માટે માતા-પિતાએ પણ આ બધા નવા ટ્રેન્ડ્સ અને ટેકનોલોજી શીખવી પડે છે અને જો બાળક એકવાર ખૂલી જાય તો તો પછી તેમના બધા ખજાના ખૂલી જતા હોય છે.

બાળકો મહેમાન સાથે વાત નથી કરતા

આપણા ઘરે કોઇ મહેમાન આવે કે આપણે કોઈના ઘરે મહેમાન બની જઈએ એટલે સામાન્ય રીતે ઘરનાં બાળકો પોતાનો મોબાઈલ, ટીવી કે ટેબ્લેટ લઈને એક ખૂણામાં બેસી જશે, તેમને મહેમાનની સાથે વાત કરવાને બદલે પોતાના મોબાઈલમાં ગેમ રમવી વધુ સરળ લાગે છે. આ બાળકોનાં મોં ખોલવા માટે, તેમના વિચારો જાણવા માટે તેમની દુનિયામાં ડોકિયું કરવું ખૂબ જરૂરી છે, બાળકોની પસંદ-નાપસંદ, તેમની આવડત, સ્કિલ, તેમનું શાળા કોલેજનાં જીવન વગેરે વિશે વાત કરવાથી, તેમની પ્રશંસા કરવાથી, બાળક ધીમે ધીમે ખૂલશે, મહેમાનોની સામે બાળકોને ઉતારી ન પાડીએ કે તે દેખાડાનું સાધન હોય એ રીતે પ્રસ્તુત ન કરીએ તો બાળકને પણ બધા સાથે વાત કરવાની મજા આવશે અને તે તેમની સાથે હળીમળી જશે.

ઈતર પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરિત કરીએ
ઘણાં માતા-પિતા બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન અપાવવા જ પ્રવૃત્ત હોય છે. તેથી, બાળકોનો સંપૂર્ણ વિકાસ થતો નથી, બાળકોની સંવાદ ક્ષમતા વધારવા માટે તેમની શાળા-કોલેજમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ, ગ્રૂપ ચર્ચા, નાટક, ગીત-સંગીત, લેખન કૌશલ્ય, રમતગમત વગેરેમાં ભાગ લેવા પ્રેરિત કરવા જોઈએ. વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તેમનો આત્મવિશ્વાસ, સ્વ ઓળખ અને જ્ઞાનમાં વધારો થાય છે, તેઓ પોતાની જાત અને વાતાવરણ પ્રત્યે સજાગ બને છે અને સહજતાથી પોતાના વિચારો પ્રસ્તુત કરી શકે છે.

બાળકોની કલ્પનાશક્તિને છૂટો દોર આપીએ
માનીતની ઉંમર આઠ વર્ષની છે. તે ખૂબ જ કલ્પનાશીલ અને ચંચળ બાળક છે. સતત નવી-નવી કલ્પનાઓ કરવી, વાર્તાઓ બનાવવી, ઉછળકૂદ કરવી, બે-ચાર રમકડાં ભેગાં કરી નવું રમકડું બનાવવું આ તેની રોજિંદી પ્રક્રિયા છે, તેની ઢંગધડા વિનાની કલ્પનાશક્તિને તેના માતા-પિતા વાહિયાત ગણી તેને ચૂપ કરાવી દે છે, તેની પર ગુસ્સો કરે છે. આનાથી માનીતનું બોલવાનું ધીમે-ધીમે ઓછું થઈ ગયું છે, તે પોતાની કલ્પના હવે માતા-પિતા સાથે શેર કરતો નથી. આપણે માતા-પિતા તરીકે આપણા બાળકોની વિચારક્ષમતા, કલ્પનાશક્તિ અને મૌલિકતાને જાગૃત કરવી જોઈએ. દુનિયામાં કલ્પનાશક્તિ જ ન હોત તો આજે આપણા હાથમાં આટલી ટેકનોલોજી ન હોત, બાળકોની ક્ષમતાઓને પાંખ આપવાનું કામ આપણે કરવાનું છે.

બાળકો સાથે બેસીને મૂવીઝ, નાટક, પુસ્તકો માણીએ
બાળકોને બોલતા કરવા માટે સૌપ્રથમ તેમને સાંભળતા શીખવીએ કારણ કે, જે સારું સાંભળે છે, તે જ સારું બોલે છે. ઉત્તમ વક્તાઓની સ્પીચ તેમની સાથે બેસીને સાંભળીએ. આનાથી વક્તાના હાવભાવ, ભાષા કૌશલ્ય, આરોહ અવરોહ, બોડી લેન્ગવેજ જેવા કૌશલ્ય બાળક શીખશે. વળી, બાળક સાથે બેસીને મહિનામાં એકાદ વખત કોઈ મૂવી, નાટક કે પુસ્તક માણીએ. અભિજ્ઞા અને અભિનવ દર બે મહિને એક વખત બાળકો સાથે બેસી કોઈ સારું મૂવી જુએ છે. વચ્ચે વચ્ચે તે ફિલ્મ વિશે ચર્ચા કરી એકબીજાના વિચારો રજૂ કરે છે. ઘણીવાર તેમના આશ્ચર્ય વચ્ચે બાળકો કોઈક નવો જ દૃષ્ટિકોણ તેમની સમક્ષ લઈ આવે છે.

બાળકોમાં શોખ જગાવીએ
દરેક માણસમાં એક શોખ હોવો અત્યંત આવશ્યક છે. બાળકોને નાની ઉમરથી જ તેમની રસ-રૂચિ અનુસાર કોઈ એક શોખ જગાવવા પ્રેરિત કરીએ. રમત-ગમત, કલા કૌશલ્ય, વાંચન, ડાયરી લેખન, બ્લોગ રાઇટિંગ, ડાન્સિંગ, સંગીત, સ્ટોરી ટેલિંગ જેવા અવનવા શોખ કેળવી શકાય. તેમના શોખ પૂરા કરવા માટે બાળકને પૂરતો સમય પણ આપીએ અને આપણે પણ તેમાં રસ લઈ ઓતપ્રોત થઈ બાળકની આંતરિક શક્તિઓ વિકસાવવા મદદ કરીએ. ઉત્તમ શોખની મૈત્રીમાં બાળકની કલ્પનાશક્તિ, મૌલિકતા અને સર્જનાત્મકતામાં વધારો થાય છે, તેના તણાવમાં ઘટાડો થાય છે, બાળક એકલતા નથી અનુભવતું અને તેને પોતાની જાતમાં શ્રદ્ધા વધે છે. એક સારો શોખ પણ આઇશા જેવી દીકરીઓના મહામૂલા જીવનને બચાવી શકે છે.

આમ, બાળકને બોલતા કરવા માટે, તેના વિચારોને વ્યક્ત થવા દેવા માટે આપણે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું અત્યંત જરૂરી છે. બાળકોને કોઈની સામે ઉતારી ન પાડીએ, તે બોલતું હોય તો વારંવાર ટોકીએ નહીં, અન્ય બાળક સાથે તેની સરખામણી કરીને તેને નીચાજોણું ન કરીએ. દરેક બાળક અલગ વ્યક્તિત્વ લઈને જન્મે છે. દરેક બાળકની ક્ષમતા, બુદ્ધિ અને કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. મહત્ત્વની બાબત એ હોવી જોઇએ કે બાળક પોતાને સારી રીતે અભિવ્યક્ત કરે. બાળકો પર માત્ર આપણા વિચારો કે સામાજિક બંધનો થોપી આપણે તેમનો વિકાસ ન રોકવો જોઇએ. sweta_mehta@yahoo.com

(લેખિકા યુવા માતા-પિતાઓને માર્ગદર્શન રૂપ ‘ખીલતી કળીને વહાલ’ નામે પુસ્તક લખી ચૂક્યાં છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો