વેદવાણી:વેદનાં મહાન નારીરત્નો: વેદ-સંસ્કૃતિમાં ઋષિ અને ઋષિમાતા બંનેનું સરખું મહત્ત્વ છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વશિષ્ઠ-અરુંધતી, અત્રિ-અનસૂયા કે અગત્સ્ય-લોપામુદ્રા નામો આદરથી સાથે જ લેવાય છે! આશ્રમ અને ગુરુકુળ વ્યવસ્થામાં ઋષિકુમારોનાં પાલનપોષણ અને સંસ્કાર સિંચનમાં મહાન નારીરત્નોનું યોગદાન અમૂલ્ય છે!

ભારતમાં પ્રાચીનકાળથી જ નારીનું સન્માન કરવાની પરંપરા છે. 'જ્યાં નારીને આદર મળે છે ત્યાં દેવતાઓ રમણ કરે છે!' ગૌરીશંકર, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ અને સીતારામ. આ બધામાં દેવી પહેલાં છે અને દેવ પછી! વેદિક યુગમાં સ્ત્રી માત્ર ગૃહિણી ન બની રહેતાં જ્ઞાન-વિજ્ઞાનની ઉંચી ઉડાન ભરતી, કઠોર તપસ્યા કરતી અને યુદ્ધમાં પણ ખભેખભા મિલાવીને લડતી! આજે આપણે વેદમંત્રોનું દર્શન કરનાર વિદુષી ઋષિકાઓની પ્રેરક વાત કરીશું.

દેવસામ્રાજ્ઞી શચી
શચીદેવી દેવરાજ ઈન્દ્રના મહારાણી અને ભગવતી આદ્યશક્તિનું સ્વરૂપ છે. તેમણે ઋગ્વેદના મંત્રોનું દર્શન કર્યું છે. શચી સ્વયંવરના અધિષ્ઠાત્રી દેવી છે. કોઇ કન્યા પોતાના ઇચ્છિત વરને પ્રાપ્ત કરવા સ્વયંવર કરે ત્યારે સૌપ્રથમ શચીદેવીની પ્રાર્થના કરવામાં આવતી. ‘સ્વયંવર’ શબ્દ પોતે જ ઘણું કહી જાય છે, ખરું ને? સ્ત્રીને સાથી પસંદ કરવા માટેના અબાધિત મૌલિક અધિકારનું મૂળ અહીં છે.

શચીદેવીનો જન્મ પુલોમા નામના દાનવરાજને ત્યાં થયો હતો એટલે તેને પૌલોમી પણ કહે છે. તમે જુઓ કે દાનવકુળમાં જન્મવા છતાં તેણી સ્વર્ગની અધિષ્ઠાત્રી બની. આને જન્મ નહીં પણ ગુણ આધારિત સમાજવ્યવસ્થાનું પ્રમાણ કહી શકાય. દેવરાજ ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો અને તેને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું અને તે પદભ્રષ્ટ થયા. સ્વર્ગની વ્યવસ્થા જાળવવા દેવતાઓ અને ઋષિઓ પૃથ્વીના રાજા નહુષને લાવે છે. ઇન્દ્રાસન પર બેસવા સાથે નહુષની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ. તેણે શચીને અંકે કરવાના કારસા રચ્યા. તેમ છતાં સતી-સાધ્વી શચીદેવી વશ ન થયા. અંતે અહંકારી નહુષનું પતન થાય છે અને તે ઇન્દ્રપદ ગુમાવે છે. પોતાના ચારિત્ર્યની તાકાત વડે શચીદેવી ઇન્દ્રને દેવરાજપદ પાછું અપાવે છે!

વિદુષી ગાર્ગી
વેદના ઋષિઓમાં ગાર્ગી નામ બહુ જાણીતું છે. વચક્રુ ઋષિના પુત્રી હોવાને લીધે વાચક્રવી અને ગર્ગ ગોત્રમાં જન્મવાને લીધે ગાર્ગી કહેવાયાં. બૃહદ્દારણયક ઉપનિષદમાં તેમના શાસ્ત્રાર્થનું સુંદર કથાનક છે.

વિદેહરાજ જનકે એક મોટો યજ્ઞ કર્યો હતો. યજ્ઞ દરમિયાન ઋષિઓ અને વિદ્વાનો વેદની ચર્ચા-વિચારણા કરતા. જનક રાજાએ જાહેરાત કરી કે જે સર્વશ્રેષ્ઠ વિદ્વાન હોય તે સુવર્ણથી મઢેલી શિંગડાંવાળી એક હજાર ગાયો લઇ જાય. આ જાહેરાત જોઇને ઘણાને મન થયું પણ સામે બેઠેલા વિદ્વાનોને જોઇ પોતાની પાત્રતા અંગે શંકા થઇ. એ સભામાં શુક્લયજુર્વેદના દૃષ્ટા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય બિરાજમાન હતા. તેમણે પોતાના શિષ્યને ગાયો હાંકી જવા આજ્ઞા કરી. એ જોઇ અનેક વિદ્વાનોએ તેમને સવાલો પૂછ્યા પણ યાજ્ઞવલ્ક્યની વિદ્વતા સામે સૌએ હાર માની.

ભલભલા પંડિતો ચૂપ થઇ ગયા ત્યારે ગાર્ગી સવાલ કરે છે અને યાજ્ઞવલ્ક્ય ઉત્તર આપે છે; 'બધા પાર્થિવ પદાર્થો જળમાં ઓતપ્રોત છે તો જળ શેમાં ઓતપ્રોત છે? ઉત્તર: જળવાયુમાં ઓતપ્રોત છે' એમ કરતાં કરતાં વાયુ, આકાશ, અંતરિક્ષ, ગંધર્વલોક, આદિત્યલોક, ચન્દ્રલોક, નક્ષત્રલોક, સ્વર્ગલોક, દેવલોક અને પ્રજાપતિલોકના સંદર્ભમાં પ્રશ્નોત્તરી થઈ. છેલ્લે ગાર્ગીએ સવાલ કર્યો કે 'બ્રહ્મલોક શેમાં ઓતપ્રોત છે?' આ સવાલે યાજ્ઞવલ્ક્યને મુંઝવી દીધા. તેમણે કહ્યું કે, આ સવાલ જિજ્ઞાસાની પરાકાષ્ઠા છે! અંતે ગાર્ગી પોતે જાહેરાત કરે છે કે, આ સભામાં યાજ્ઞવલ્ક્યથી મોટું કોઇ વિદ્વાન નથી! વિદુષી ગાર્ગીના સવાલોની ગંભીરતા અને તેણે કરેલા નિર્ણયને લીધે મહાન ઋષિકા તરીકે તેમનું નામ અમર થઇ ગયું છે.

બ્રહ્મવાદિની મમતા
મમતા! જેના નામમાં જ વાત્સલ્યની મહેક છે. મમતા દીર્ઘતમાં ઋષિના માતા છે. તેણી મહાન વિદુષી અને બ્રહ્મજ્ઞાની હતા. બ્રહ્મ એટલે પરમાત્માને જેણે જાણ્યા હોય તે બ્રહ્મજ્ઞાની. આ કંઇ જેવી-તેવી ઉપમા નથી! ઋગ્વેદના પ્રથમ મંડળમાં દસમા સૂક્તમાં તેમણે અગ્નિદેવની કરેલી સ્તુતિ છે. ઋષિઓ મમતાદેવીના આ ‘માનવ સ્તોત્ર’ને પવિત્ર હોમદ્રવ્ય તરીકે ઉપયોગમાં લે છે.

બ્રહ્મવાદિની વિશ્વવારા
ઋષિકા વિશ્વવારાની અગ્નિદેવને સમર્પિત છ ઋચાઓમાં નારીની મહત્તા જોવા મળે છે. (ઋગ્વેદ, 5/2/28) 'દેવ-અર્ચનમાં જોડાયેલા સાધકો અને અતિથિઓનું અન્નદેવથી સ્વાગત કરનારી સ્ત્રીઓ અગ્નિદેવ જેટલી જ સુશોભિત છે!' વિશ્વવારા સ્ત્રીત્વનું માહાત્મ્ય દર્શાવતાં કહે છે, 'હે અગ્નિદેવ, જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક તમારી વંદના કરે છે, તે ઐશ્વર્યની સ્વામિની બને છે. તેનું અંત:કરણ પવિત્ર હોય છે. તેનું મન સ્થિર અને ઇન્દ્રિયો વશમાં રહે છે' સાથે કુટુંબજીવનની ચાવી આપે છે, 'હે અગ્નિદેવ! અમને મહાસૌભાગ્યની પ્રાપ્તિ થાઓ. તમારા દ્વારા મળેલું ધન પરોપકારમાં વાપરીએ. અમારા દામ્પત્યભાવને સુદૃઢ કરો. અમારાં દુષ્કર્મ, અવળાં કર્મો અને લોભને બાળીને ભસ્મ કરો!'

બ્રહ્મવાદિની અપાલા અને ઘોષા
મહર્ષિ અત્રિના વંશમાં પ્રગટેલા અપાલા ઋગ્વેદના આઠમા મંડળના એકાણુમાં સૂક્તના પહેલી સાત ઋચાઓના દૃષ્ટા ઋષિકા છે. તેમને કોઢ થયેલો એટલે પતિએ તરછોડી દીધી હતી. તે પોતાના પિતાના ઘરે રહેતી અને વેદાભ્યાસ કરતી હતી. તેની તપસ્યાથી ઇન્દ્ર પ્રસન્ન થઇ તેના ઘરે પધાર્યા અને તેના હાથે સોમરસનું પાન કર્યું. સોમરસ એ સોમવલ્લી નામની દિવ્ય વનૌષધિનો રસ છે. ઇન્દ્રદેવના આશિર્વાદથી તેનો કોઢ મટ્યો અને તેનાં ખેતરો લીલાછમ થઇ ગયા. બીજા બ્રહ્મવાદિની ઘોષાને કોઢ નિકળ્યો હોવાથી તેણી અપરિણિત હતી. જો કે, તેની સાધનાથી પ્રસન્ન થયેલા દેવોના વૈદરાજ અશ્વિનીકુમારોએ તેનો રોગ મટાડ્યો. તેને સુંદર પતિ મળે છે. આ બંને કથાઓમાં રોગને લીધે તિરસ્કૃત સ્ત્રીના પુનરુદ્ધાર અને સન્માનનો કેવો સુંદર ભાવ છે! આ કથાનકમાં એક વૃદ્ધ ઋષિના કાયાકલ્પ અને વિશ્પલા નામની કન્યાને લોખંડના કૃત્રિમ પગના પ્રત્યારોપણનો પણ સંદર્ભ છે. (ઋગ્વેદ, ૧૦/૩૯/૮)

બ્રહ્મવાદિની સૂર્યા
બ્રહ્મવાદિની સૂર્યાને લગત અત્યંત રસપ્રદ સૂક્ત છે, જેનો સંબંધ વિવાહસંસ્કાર સાથે છે. (ઋગ્વેદ, 10/85) પરણીને પતિના ઘરે જતી સ્ત્રી માટે કહે છે, 'સમ્રાજ્ઞી શ્વસુરે ભવ સમ્રાજ્ઞી શ્વશ્ર્વાં ભવ, નનાન્દરિ સમ્રાજ્ઞી ભવ સમ્રાજ્ઞી અધિ દેવૃષુ!' હે પરિણિતા! તું પ્રેમપૂર્ણ વ્યવહારથી સાસુ-સસરા, નણંદ-દિયર અને સૌનું દિલ જીતી લે અને આખાયે પરિવારની સામ્રાજ્ઞી બન!' આ સૂક્તના 47 ઋચાઓ વૈવાહિક જીવન અને પારિવારિક મૂલ્યોનો ખજાનો છે, જે ભારતીય કુટુંબ વ્યવસ્થાના મૂળની ઉંડાઇ દર્શાવે છે, ખરું ને? લગ્નમંડપમાં ડીજેના ઘોંઘાટને બદલે આ મંત્રો ગવાય તો કેવું સારું!

બ્રહ્મવાદિની વાક્
અમ્ભૃણ ઋષિની કન્યા વાક્ મહાન બ્રહ્મજ્ઞાની હતા. તેમણે સાધના વડે દેવી ભગવતી સાથે એકત્વ સિદ્ધ કર્યું હતું! ઋગ્વેદના દસમા મંડળના એકસોપચીસમા સૂક્તમાં ‘દેવી સૂક્ત’ નામે જે આઠ મંત્રોનું દર્શન તેણીએ કર્યું છે. ચંડીપાઠ સાથે આ આઠ મંત્રનો પાઠ કરવાનું ખાસ મહત્ત્વ છે. આ મંત્રોમાં અદ્વૈત (પરમાત્મા એક છે) સિદ્ધાંત છે. આ એક મંત્ર જુઓ: 'હું જ સચ્ચિદાનંદમયી સર્વાત્મા દેવી છું, જે રુદ્ર, વસુ, આદિત્ય અને વિશ્વદેવરૂપે વિચરું છું! હું જ મિત્ર અને વરુણ, ઇન્દ્ર અને અગ્નિ અને બંને અશ્વિનીકુમારોને ધારણ કરું છું.'

આજનું અમૃતબિંદુ: વેદોમાં કે પરંપરાઓમાં નારીનું સ્થાન ઊંચું છે, એ વાતે કોલર ઉંચો રાખ્યે વાત પૂરી ન થાય. આજે જ્યારે ભારત આધુનિક વિશ્વનું યુથ કેપિટલ બનીને ઊભરી રહ્યું છે ત્યારે મહિલાને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને વિકાસના સમાન અધિકારો મળે તો જ આપણે ધારેલું ડેમોગ્રાફિક ડિવિડન્ડ હાંસલ કરી શકીશું. સ્ત્રીભ્રુણ હત્યા, ઉછેરમાં ભેદભાવ કે દહેજ જેવી પ્રથાઓ સમાજ માટે કલંક છે. તેને મૂળ સોતી ઉખેડ્યે જ છૂટકો છે!
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...