એક્સપ્લોર ઇન્ડિયા:આપણા હેરિટેજની વૈશ્વિક ઓળખ એટલે અમદાવાદનું પોળ કલ્ચર - હેરિટેજ વોક

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદની ધરોહરની કેડીઓનો આપણો પ્રવાસ યાને કે અમદાવાદની ‘હેરિટેજ વોક’ ગયા અંકમાં જ્યાં અટકી હતી ત્યાંથી આજે ફરી શરૂ કરીએ. આપણે કાલા રામજી મંદિરની મુલાકાત લીધી ત્યારબાદ આગળના પડાવ પર જતાં જતાં રસ્તા પર અનેક જૂનાં મકાનો જોવા મળશે. બે માળના સુંદર બારીના ઝરોખાવાળાં મકાનો આજના આધુનિક મકાનોથી ક્યાંય ચઢિયાતાં છે. પોળની ખાસ બાબત ત્યાંની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ છે. ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિથી પોળની ભૂગર્ભ ગટર યોજના ખૂબ જ સારી રીતે વિકસિત થઈ હતી. પોળની ગટરો ભારે વરસાદમાં પણ પાણી ભરાવા દેતી નથી. અહીં થોડા થોડા અંતરે ભૂગર્ભ ગટરની દુર્ગંધ દૂર કરવા અને હવા ઉજાસ માટે ઊંચા થાંભલાઓ લગાવામાં આવ્યા છે, જેના ઉપર બે હોલ જેવું રાખવામાં આવ્યું છે, જેથી દુર્ગંધ ત્યાંથી બહાર નીકળી જાય.

અમદાવાદની પોળોનાં મોટાભાગનાં મકાનો બર્માનાં લાકડાંથી બનાવેલાં છે, જે ખૂબ જ ટકાઉ ગણવામાં આવે છે
અમદાવાદની પોળોનાં મોટાભાગનાં મકાનો બર્માનાં લાકડાંથી બનાવેલાં છે, જે ખૂબ જ ટકાઉ ગણવામાં આવે છે

દરેક પોળમાં ચબૂતરાઓ તો જોવા મળશે જ. આ જ માર્ગ પર આગળ જતાં યૂનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની જર્જરિત પરંતુ આકર્ષક ઓફિસ આવેલી છે. અહીંની ખાસ વાત એ છે કે પોળના મોટાભાગનાં મકાનો બર્માના લાકડાંથી બનાવેલાં છે, જે ખૂબ જ ટકાઉ ગણવામાં આવે છે. પોળમાં મોટાભાગે વ્યાપારીઓ અને કારીગરો રહેતા હતા. તેઓ શસ્ત્ર કે યુદ્ધ વિદ્યા જાણતા નહોતા. તેથી બાહ્ય આક્રમણ કે કોઈ વિપરીત પરિસ્થિતિમાં પોતાની રક્ષા કરવા અને ભાગી જવા માટે દરેક પોળમાં સિક્રેટ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, જે મોટાભાગે એવી રીતે બનાવવામાં આવ્યા છે કે એમ જ લાગે કે પોળના જ કોઈ મકાનનો દરવાજો છે અને તેની પર પાળી બનાવી અગાસીની પિલર બનાવે એમ ચણી લેવામાં આવતું. જેથી દૂરથી એમ જ લાગે આ કોઈનું મકાન જ છે અને આવા રસ્તાઓને તાળા મારવામાં ન આવતા. જેથી કોઈને પણ શંકા ન થઈ શકે. આવા રસ્તાઓ મારફતે એક પોળમાંથી બીજી પોળમાં સરળતાથી પહોંચી શકાતું. જેથી વિપરિત પરિસ્થિતિમાં એકબીજાને મદદ કરી શકાય.

અમદાવાદની દરેક પોળમાં પક્ષીઓને દાણા નાખવા ચબૂતરો તો જોવાં મળે જ છે
અમદાવાદની દરેક પોળમાં પક્ષીઓને દાણા નાખવા ચબૂતરો તો જોવાં મળે જ છે

દરેક પોળમાં મોટાભાગે નાના-મોટા વ્યાપારીઓ રહેતા હતા. આ વ્યાપારીઓને વ્યાપાર અર્થે અવારનવાર બહાર જવાનું થયું. ક્યારેક વિદેશમાં પણ જવાનું થયું. એ દરમિયાન ત્યાંના બાંધકામ રાચરચીલું વગેરેથી પ્રભાવિત થઈને આ વ્યાપારીઓ પોતાના ઘરે સજાવટ માટે લાવતા અથવા તો અહીં આવીને બનાવડાવતા. તેથી પોળમાં વિવિધ પ્રકારની શૈલીનાં મકાનો પણ જોવા મળે છે. કૂવાવાળા ખાંચામાંથી આગળ જતાં એક જ લાઈનમાં અલગ અલગ શૈલીમાં ઘરો જોવા મળશે. તેમાં મરાઠા શૈલીના પ્રભાવવાળું વિશાળ હવેલી જેવું ભવ્ય મકાન જોવા મળશે. તેની જ બાજુમાં ઇન્ડો-યુરોપિયન શૈલીના પ્રભાવવાળું, બ્રિટિશ કોલોનિયલ શૈલીના પ્રભાવવાળું તેમજ ચાઈના અને પર્શિયન શૈલીનાં અલગ અલગ મકાનો એક જ ગલીમાં જોવા મળશે. આવું અમદાવાદની પોળમાં જ જોવા મળશે. સામાન્ય રીતે દરેકને એવું હોય કે પોતાનું ઘર સુંદર દેખાય. જેના કારણે આવી વિવિધતાઓનો વિકાસ થયો. બીજી એક વિશેષતા એ છે કે અમદાવાદની દરેક પોળમાં પક્ષીઓને દાણા નાખવા ચબૂતરો તો જોવા મળે જ છે સાથે સાથે બીજી વ્યવસ્થા જોવા મળે છે, જેમાં મકાનની બહારની બાજુ બાંધકામ દરમિયાન પોપટ તેમજ બીજાં પક્ષીઓ માટે સુરક્ષિત રહેવા નાની ગોખલાની રચના કરવામાં આવે છે. જેથી નાના ગોખમાં તેમને માળો બનાવી આશ્રય મળી શકે. પોળમાં ઘણાં મોટાં મકાનોને આજે હોમસ્ટેમાં તબદીલ કરવામાં આવ્યા છે. જેથી જે લોકોને પોળમાં રહેવાનો અનુભવ લેવો હોય તે અહીં આવીને રહી શકે છે. તેમ ડોડીયાની હવેલી ખૂબ જ આકર્ષક છે. પોળના દરેક ઘરોમાં ઉપર મોટી બારીઓ ચોક્કસથી જોવા મળશે જ.

દેરાસરની 32 પ્રતિમાઓ રતિકર પર્વતના લાલ આરસ, 16 પ્રતિમા દધિમુખ પર્વતના લાલ આરસ અને નંદીશ્વર દ્વીપના અજયગીરી પર્વતના શ્યામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે
દેરાસરની 32 પ્રતિમાઓ રતિકર પર્વતના લાલ આરસ, 16 પ્રતિમા દધિમુખ પર્વતના લાલ આરસ અને નંદીશ્વર દ્વીપના અજયગીરી પર્વતના શ્યામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે

તંબોળીના ખાંચામાંથી પસાર થયા બાદ દોશીવાડની પોળના છેડે જૈન ગ્રંથભંડારની પાસે અષ્ટપદજીનું આરસનું દેરાસર આવેલું છે. હિંદુ અને જૈન સ્થાપત્યશૈલીના સમન્વયથી બંધાયેલું આ દેરાસર ખૂબ જ સુશોભિત છે. અહીં નૃત્ય કરતી અને વાજિંત્રો વગાડતી માનવીય આકૃતિ, પ્રાણી, ફૂલવેલનાં શિલ્પ અને પ્રતિમાઓ વડે દેરાસરને સુંદર રીતે સુશોભિત કરવામાં આવેલી છે. શેઠ મગનલાલ કરમચંદ દ્વારા ઈસવીસન અઢારસો છપ્પનમાં બધાવવામાં આવ્યું હતું. તેમાં આદીશ્વર ભગવાન અને મહાવીર સ્વામી પ્રતિમાઓ ઉપરાંત શેઠ અને શેઠાણી તેમજ તેમના ગુરુની તેમજ બીજી અન્ય મૂર્તિઓ આવેલી છે.એવું માનવામાં આવે છે કે દેરાસરની 32 પ્રતિમાઓ રતિકર પર્વતના લાલ આરસ, 16 પ્રતિમા દધિમુખ પર્વતના લાલ આરસ અને નંદીશ્વર દ્વીપના અજયગીરી પર્વતના શ્યામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ દેરાસરમાં અદભુત શાંતિનો અનુભવ કરી શકાય છે. અષ્ટપદજી દેરાસરની બીજી એક વિશેષતા અહીં આવેલ વરસાદી જળસંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે. તાંબાની મોટી પાઈપ મારફતે વિશાલ હોજમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને તેમાં ઉતરવા માટે પગથિયાં પણ બનાવવામાં આવ્યા છે. દેરાસરના પૂજારી દ્વારા એવું જાણવા મળે છે કે એ ટાંકાનું પાણી બાવીસ વર્ષથી ખાલી નથી થયું!

દેરાસરના સાંનિધ્ય બાદ હરકુંવર શેઠાણીની હવેલી તરફ પ્રયાણ કરીએ. ઇન્ડો-ચાઈનીઝ આર્કિટેક્ચરના સમન્વયથી બનેલી આ હવેલી અત્યંત આકર્ષક છે. 60 જેટલા રૂમ ધરાવતી આ હવેલીમાં લાકડાંનું આકર્ષક કોતરણીકામ જોવા મળે છે. હરકુંવરબા શેઠાણી મહિલા શિક્ષણના પણ અગ્રગણ્ય હિમાયતી હતાં. અષ્ટપદજી દેરાસર અને હરકુંવર શેઠાણીજીની હવેલી વચ્ચે અંદાજે 600 વર્ષ પહેલાં સાબરમતી નદીની એક નાનકડી શાખા માણેક નદી વહેતી હતી. અહીંથી આગળ પસાર થતા ફર્નાન્ડિઝ પુલ આવેલો છે. ગાંધીરોડને લંબાવવામાં માટે આ પુલ બાંધવામાં આવ્યો હતો. હાલ અહીં અમદાવાદનું સૌથી મોટું પુસ્તક બજાર છે. આપણે પોળ તો સાંભળેલું જ છે પણ અમદાવાદની બીજી એક વિશેષતા ઓળ છે. ઓળ વિશે એવું કહેવાય છે કે ઉપર મકાન નીચે દુકાન. આપણું વર્ક ફ્રોમ હોમ અહીં પહેલાંથી જ ચાલતું આવ્યું છે. અમદાવાદનું મોટું પૂજા સામગ્રી માટેનું અહીં બજાર ભરાય છે. ગાઈડના જણાવ્યા અનુસાર, અહીં પરિવારના તમામ સભ્યો કામમાં મદદ કરી શકે છે અને વ્યાપારમાં પોતાનો ફાળો આપી શકે છે.

અમદાવાદની સૌથી જૂની અને પ્રથમ પોળ એટલે મહુર્ત પોળ કે જ્યાં સૌ પ્રથમ રહેણાંક શરૂ થયું હતું. આ પોળનું નામ મુહૂર્ત પોળ એટલે જ છે કે અહીં પ્રથમ રહેવાનું મુહૂર્ત થયું હતું. મુહૂર્ત પોળની સામે જ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ આવેલું છે, જે બ્રિટીશ આર્કિટેક્ચર મુજબ ઇ.સ. 1894માં બાંધવામાં આવેલું હતું. અહીંના લોગો તરીકે સ્વસ્તિકનું પ્રતિક રાખવામાં આવ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ બાદ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ ભારતનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. અહીં માણેકચોકમાં ખૂબ જ વિશાળ સોની બજાર આવેલું છે. દિવસે અહીં સોનીબજાર જ્યારે રાત્રે ફૂડ બજાર શરૂ થાય છે. તેથી આ વિસ્તાર ચોવીસ કલાક ખુલ્લો જ રહે છે. અહીં માણેકનાથનું મંદિર પણ આવેલ છે. માણેકચોકમાં જ મુહૂર્તપોળ, અમદાવાદ સ્ટોક એક્સચેન્જ, બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો આવેલો છે. આજે રાણીના હજીરા પાસે મહિલાઓનાં કપડાં, એક્સેસરીઝ, ચણિયાચોળીનું મોટું માર્કેટ ભરાય છે. બાદશાહના અને રાણીના હજીરામાં શાહી પરિવારના સભ્યોને દફનાવવામાં આવ્યા છે.

પીળા પથ્થરોથી નિર્મિત જામી મસ્જિદ ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે
પીળા પથ્થરોથી નિર્મિત જામી મસ્જિદ ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે

મંદિરથી શરૂ થયેલી હેરિટેજ વોકનો અંતિમ પડાવ એટલે જામી મસ્જિદ. આ મસ્જિદની નિર્માણ બાદશાહ અહેમદશાહ પ્રથમ દ્વારા કરાવવામાં આવ્યું હતું. મસ્જિદની પરસાળમાં અરેબિક કેલિગ્રાફી કરવામાં આવેલી છે. પીળા પથ્થરોથી નિર્મિત આ મસ્જિદ ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મસ્જિદમાં હિંદુ અને જૈનશૈલીની અસર જોવા મળે છે, જે સમગ્ર ભારતમાં ચાંપાનેર અને અમદાવાદમાં જ જોવા મળે છે. મસ્જિદમાં વિશાળ પાણીનો હોજ આવેલો છે. જામી, જુમ્મા અને જામા મસ્જિદ તરીકે આ સ્થાન ઓળખાય છે. બાદશાહ દ્વારા તેમની બેગમો નમાજમાં સામેલ થઈ શકે તે હેતુથી તેમને અલગ બેસવાની વ્યવસ્થા પણ કરાવી હતી. ખરેખર અદભુત છે.

જૂનું અમદાવાદ પોતાનામાં અનેક વાર્તાઓ સાચવીને બેઠું છે. ક્યારેક સમય કાઢીને અમદાવાદની પોળમાં રખડીને એની ખડકીને સાંભળવી જોઈએ, મસ્જિદના પથ્થરો પર હાથ ફેરવી તેની અનુભૂતિ કરવી જોઈએ. જૈન દેરાસરની શાંતિ સાંભળવા જરૂરથી જવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત પ્રયાસથી ચાલતી હેરિટેજ વોકમાં એક વખત ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ. આપણે દરરોજ જોતા હોઇએ એવી સામાન્ય બાબતની પણ આપણને કિંમત થશે. આ સાથે જ આપણા પૂર્વજો કુદરત સાથે સાયુજ્ય સાંધીને તેને નુકસાન પહોંચાડ્યા વિના કેવા આનંદથી જીવન વ્યતીત કરતા એ જોવા ચોક્કસથી સાંકડી પોળમાં રખડવું જોઈએ.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...