તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિન્જ વૉચ:ભારતીય ફિલ્મમાં ચાર મિનિટ લાંબા ચુંબને નવ દાયકા પહેલાં વિવાદ જગાવેલો, આજે પણ એ જ સ્થિતિ છે

22 દિવસ પહેલા
 • કૉપી લિંક

આ માર્ચ મહિનાની શરૂઆતમાં દેશ જ્યારે કોરોનાની રસીની રાહમાં હતો ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હળવેકથી એક પ્રેસ કોન્ફરન્સ ભરીને કાયદાનો એક ‘ગુલદસ્તો’ દેશવાસીઓને ભેટ આપી દેવાયો. આ ગુલદસ્તાનું દસ્તા જેવું ભારેખમ નામ છે ‘ઇન્ફર્મેશન ટેક્નોલોજી ગાઇડલાઇન્સ ફોર ઇન્ટરમીડિયરીઝ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ, રુલ્સ 2021’. આ ભારેખમ નામની અમ્બ્રેલા હેઠળ સોશિયલ મીડિયા, ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ્સ અને ‘નેટફ્લિક્સ’, ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ જેવાં વીડિયો સ્ટ્રીમિંગ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ્સ સરકારી કાયદા હેઠળ આવી ગયા છે. સરકારે આ તમામ પ્લેટફોર્મ્સ પર શું દર્શાવી શકાય, શું ન દર્શાવી શકાય, તેમાંના કોઈ કન્ટેન્ટ વિશે ફરિયાદ આવે તો તેનો નિકાલ કરવા માટે માણસો રાખવા, વ્હોટ્સએપ જેવા પ્લેટફોર્મ પર ફોરવર્ડ થતા મેસેજનું ઉદગમસ્થાન શોધવું, સોશિયલ મીડિયા પર યુઝરે ડિલીટ કરેલો ડેટા પણ છ મહિના સુધી સાચવી રાખવો, મુવી વગેરેને તે કઈ ઉંમરના લોકો માટે સ્યૂટેબલ છે તેનું સેલ્ફ ક્લાસિફિકેશન કરવું વગેરે ટાઇપનાં ડિટેઇલ્ડ ‘કોડ ઑફ એથિક્સ’ બહાર પાડ્યાં છે. ડિજિટલ ન્યૂઝ, સોશિયલ મીડિયા અને OTT એમ ત્રણેય પ્રકારનાં પ્લેટફોર્મ્સ માટે સરકારે ‘કન્ટેન્ટ વિચ ડિસ્ટર્બ ધ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર’ નામનું લટકણિયું ઉમેરી દીધું છે. આ ઉપરાંત આ તમામ પ્લેટફોર્મ્સ પર જે સામગ્રી વિશે સરકારને લાગે કે તેના પર એક પળનો પણ વિલંબ કર્યા વિના પ્રતિબંધ મૂકી દેવો જોઇએ, તો તેના પાવર્સ પણ દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયને આપવામાં આવ્યા છે.

કુલ મિલા કે, આખિર જિસકા ડર થા વોહી હુઆ. ઘણા સમયથી આ દિશામાં કંઈક નવાજૂની થશે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી અને આ માર્ચ મહિનામાં સ્વતંત્રતાના તાબૂત પર છેલ્લો ખિલ્લો પણ ખોડાઈ ગયો. નો ડાઉટ, આ તમામ નિયમોમાં ડ્રાફ્ટ થયેલી મોટા ભાગની વિગતોમાં દેશમાં શાંતિ, સલામતી, સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને કોઇપણ પ્રકારનું વૈમનસ્ય ન ફેલાય તેની કાળજી લેવાઈ હોય તે દેખાઈ રહ્યું છે. પરંતુ સત્તાધારી પક્ષને માફક ન આવે તેવી સામગ્રી પર પ્રતિબંધનું તાળું વાસી દેવાય તે શક્યતા પણ નકારી શકાતી નથી.

થોડા દિવસો પહેલાં જ ‘બોમ્બે બેગમ્સ’ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી થયેલી
થોડા દિવસો પહેલાં જ ‘બોમ્બે બેગમ્સ’ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી થયેલી

સેન્સરશિપઃ આગે સે ચલી આતી હૈ
છેલ્લા થોડા સમયમાં ‘સેક્રેડ ગેમ્સ’, ‘ઘૂલ’, ‘તાંડવ’ અને લેટેસ્ટમાં ‘બોમ્બે બેગમ્સ’ જેવી વેબસિરીઝો પર લાગણી દુભાવો કંપનીએ માછલાં ધોયાં છે. પરંતુ આ જરાય પહેલીવારનું નથી. ફિલ્મ ક્રિટિક રાજા સેને નોંધ્યું તે પ્રમાણે 1995માં લેખક સલમાન રશ્દીની નોવેલ ‘ધ મૂર્સ લાસ્ટ સાઈ’ પર શિવસેના અને કોંગ્રેસ બંને ખફા થઈ ગયેલા. તે નોવેલમાં એક પાત્ર કાર્ટૂનિસ્ટમાંથી ફાસિસ્ટ બનતું દેખાડાયેલું, જેની સામે શિવસેનાને વાંધો પડેલો (બાળાસાહેબના સંભવિત પ્રભાવની વાતે). જ્યારે કોંગ્રેસને એ વાતે વાંકુ પડેલું કે તે નોવેલમાં એક પાત્રએ પોતાના કૂતરાનું નામ ‘જવાહરલાલ’ રાખેલું. રશ્દીની ‘સેતાનિક વર્સિસ’ પર ભારતમાં 1988માં જ પ્રતિબંધ મુકાયેલો, ત્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા. રસપ્રદ વાત છે કે જ્યારે ‘સેક્રેડ ગેમ્સ’ સિરીઝમાં રાજીવ ગાંધી વિશે ઘસાતા શબ્દોમાં ટિપ્પણી કરાઈ ત્યારે રાહુલ ગાંધીએ મૅચ્યોર સ્ટેન્ડ લઇને કહેલું કે, ‘મારા પિતા આ દેશની સેવા માટે જીવ્યા અને દેશ માટે જ જીવ આપ્યો છે, કોઈ કાલ્પનિક સિરીઝના કાલ્પનિક પાત્રના વિચારોથી તેમાં કશો ફરક પડતો નથી.’ લાગણી દુભાવાની, સેન્સરની વિચિત્ર માગણીઓને વશ થઇને ફિલ્મમાં કાતર ચલાવવાની અને ફિલ્મમાં દેખાડાયેલી સંભવિત સામગ્રીથી ખફા થઇને થિયેટરોમાં કે ફિલ્મના સેટ પર તોડફોડ કરવાની ઘટનાઓથી ભારતનો ઇતિહાસ ભરેલો પડ્યો છે.

દેવિકા રાણીની 1933માં આવેલી ફિલ્મ ‘કર્મા’માં પતિ હિમાંશુ રાય સાથેની આ ચાર મિનિટ લાંબી કિસથી ત્યારે અનેક લોકોનાં ભવાં ચડી ગયેલાં
દેવિકા રાણીની 1933માં આવેલી ફિલ્મ ‘કર્મા’માં પતિ હિમાંશુ રાય સાથેની આ ચાર મિનિટ લાંબી કિસથી ત્યારે અનેક લોકોનાં ભવાં ચડી ગયેલાં

કાપકૂપની પરંપરા અંગ્રેજોની દેણ
આજથી એક્ઝેક્ટ 103 વર્ષ પહેલાં 1918ના આવા જ માર્ચ મહિનામાં ભારત પર રાજ કરી રહેલી બ્રિટિશ સરકારે ‘સિનેમેટોગ્રાફ એક્ટ – 1918’ પાસ કર્યો હતો. ત્યારથી ભારતમાં સત્તાવાર રીતે ફિલ્મ સેન્સરશિપનાં મંડાણ થયાં એવું કહી શકાય. એ વખતે ફિલ્મ રીલ બનાવવામાં ‘નાઈટ્રોસેલ્યુલોઝ’ વપરાતું હતું, જે અત્યંત જ્વલનશીલ હતું. તેને કારણે આગ લાગ્યાના અને લોકોએ જીવ ગુમાવ્યાના પણ દાખલા હતા. એવો કોઈ બનાવ ન બને તે માટે સલામતીની વ્યવસ્થા કર્યાનું લાઈસન્સ લીધા પછી જ ફિલ્મ દર્શાવવાનો અને ‘જાહેરમાં બતાવી શકાય તેવી’ ફિલ્મ હોય, તે જોવાનું આ એક્ટનું કામ હતું. એમાં જોકે પછી બ્રિટિશ સરકારે સ્વતંત્રતાની લડતમાં પેટ્રોલ રેડતી ફિલ્મો પર કોરડો વીંઝવાનો હેતુ પણ ઉમેર્યો. ભારતની ‘અપરિપક્વ’ ઓડિયન્સને માફક નહીં આવે એવું માનીને આપણે ત્યાં બહારથી આયાત થતી ઘણી ફિલ્મોમાં કિસિંગ સીન્સ સેન્સર થયાનું પણ નોંધાયેલું છે. જોકે એ જ વખતે એ પણ સ્વીકારવું જોઈએ કે એ વખતની 1920-1930ના દાયકાઓની ફિલ્મોમાં જે પેશનેટ કિસિંગ સીન્સ જોઈએ તો આજે પણ આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. જેમ કે, 1933માં આવેલી દેવિકા રાણી-હિમાંશુ રાયની ફિલ્મ ‘કર્મા’માં ચાર મિનિટ લાંબો કિસિંગ સીન હતો, જેણે ખાસ્સો વિવાદ જગાવ્યો હતો.

ઉપક્રમ અત્યારે ભારતમાં ફિલ્મ સેન્સરશિપનો ઈતિહાસ જણાવવાનો નથી. લેકિન સમગ્ર ક્વાયતમાં દેશમાં સર્જકોનું આર્ટિસ્ટિક ફ્રીડમ છિનવાઈ રહ્યું છે તે હકીકત છે. કેમ કે, હદ બહારના પ્રતિબંધોને કારણે વિચારવાના તબક્કે જ સેલ્ફ સેન્સરશિપ શરૂ થઈ જાય છે. 2019માં ‘બઝફીડ’ પર પ્રકાશિત થયેલો એક રિપોર્ટ કહે છે કે એપલ કંપનીએ પોતાના OTT પ્લેટફોર્મ ‘એપલ+’ માટે કન્ટેન્ટ બનાવતા નિર્માતાઓને સૂચના આપે કે તેમનું કોઈ કન્ટેન્ટ ‘ચીની સરકારને ગુસ્સો આવે એવું ન હોવું જોઇએ.’ હવે આપણે ત્યાં પણ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ આણિ પ્લેટફોર્મ્સે પણ પોતાના માટે કન્ટેન્ટ બનાવતા મેકર્સને આવી જ સૂચના આપી હોય તો નવાઈ નહીં.

જ્યાં પડદા પર સ્ત્રી-પુરુષને સ્પર્શ કરતાં પણ ન બતાવી શકાય તેવા ઇરાનની આ ફિલ્મ ‘ધ સેલ્સમેન’ (2016)માં સેક્સ્યુઅલ અસોલ્ટની વાત હતી અને આ ફિલ્મ ઓસ્કર જીતી ગયેલી
જ્યાં પડદા પર સ્ત્રી-પુરુષને સ્પર્શ કરતાં પણ ન બતાવી શકાય તેવા ઇરાનની આ ફિલ્મ ‘ધ સેલ્સમેન’ (2016)માં સેક્સ્યુઅલ અસોલ્ટની વાત હતી અને આ ફિલ્મ ઓસ્કર જીતી ગયેલી

ઇરાન ચીંધ્યા માર્ગે?
ફિલ્મ સેન્સરશિપ મુદ્દે ઇરાનનો વિરોધાભાસ જગજાહેર છે. વર્લ્ડ ક્લાસ અને ઓસ્કર વિજેતા ફિલ્મો બનાવવા માટે જાણીતા ઇરાનમાં સેક્સ, વાયોલન્સ, ડિસ્ટર્બિંગ રિયાલિટી કે ડાર્ક થીમવાળી ફિલ્મો બનાવવા વિશે તો વિચાર સુદ્ધાં કરી શકાય નહીં. ત્યાં ફિલ્મો માટેના નિયમો જોઇએ તો હસવું કે રડવું તે જ સમજાય નહીં. જેમ કે, ફિલ્મોમાં સ્ત્રીઓના હિજાબને પૂરતું સન્માન આપવાનું. સ્ક્રીન પર સ્ત્રી-પુરુષને એકબીજાને સ્પર્શ કરતા પણ નહીં બતાવવાનાં (હવે કલ્પના કરો કે 2016ની ઑસ્કર વિનર ઈરાનિયન ફિલ્મ ‘ધ સેલ્સમેન’માં બાથરૂમમાં નહાઈ રહેલી સ્ત્રી પર થયેલા સેક્સ્યુઅલ અસોલ્ટનું દૃશ્ય ડિરેક્ટર અસગર ફરહાદીએ કેવી રીતે બતાવ્યું હશે?). ફિલ્મમાં સારા પાત્રને ટાઈ પહેરેલું નહીં બતાવવાનું. સારા પાત્રને પવિત્ર ઈસ્લામિક નામ આપવાનાં (અને વાઇસેવર્સા ખરાબ પાત્રોને એવાં નામો નહીં આપવાનાં). ફિલ્મમાં પોલિટિકલ-ઈકોનોમિકલ મુદ્દાઓ પર કમેન્ટ નહીં કરવાની… માર્ક કરો કે કેવી ચાલાકીથી ઈરાનિયન સરકારે ધર્મ અને પોલિટિક્સને સેન્સરશિપમાં મર્જ કરી દીધાં છે. જાફર પનાહી જેવો ધુરંધર ફિલ્મમેકર આ નિયંત્રણોને લલકારવા બદલ વર્ષોની નજરકેદ અને ફિલ્મ લખવા-બનાવવા પર પ્રતિબંધ વેઠી રહ્યો છે (અને છતાં ચોરીછૂપે બનાવી રહ્યો છે). એની એક ફિલ્મને તો બર્થડે કેકમાં પેનડ્રાઇવ છુપાવીને દેશની બહાર સ્મગલ કરવામાં આવેલી અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવેલી.

2017માં પોતાની (ઈશાન ખટ્ટર સ્ટારર) ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ના પ્રમોશન માટે અન્ય એક દિગ્ગજ ઈરાનિયન ફિલ્મમેકર માજિદ મજિદી ભારત આવેલા. ત્યારે તત્કાલીન ફિલ્મ પત્રકાર (અને હવે કરણ જોહરની કંપનીના COO) રાજીવ મસંદે એમને એક ઓબ્વિયસ સવાલ પૂછેલો, ઈરાનમાં સિનેમા પરની સેન્સરશિપ વિશે. ત્યારે એમણે કોન્ટ્રોવર્સી ટાળીને જે સલામત જવાબ આપ્યો તે શૉકિંગ અન્ડરકરન્ટવાળો હતો. એમણે કહ્યું કે, ‘જાફર પનાહી જેવા ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મમાં પોલિટિકલ સ્ટેટમેન્ટ કરે છે, સ્ટેન્ડ લે છે, અને એટલે વિવાદમાં ફસાય છે…’ જ્યારે એક સર્જક પોતાની જાતે સેલ્ફ સેન્સરશિપ કરતો થઈ જાય તે સ્થિતિ સૌથી ખરાબ છે. ઈરાનિયન ફિલ્મો વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે, એનો અર્થ એ નથી કે સેન્સરશિપ ક્રિએટિવિટીને કશી અસર જ નથી કરતી. એક લિમિટ પછી સર્જકો તે સેન્સરશિપ સામે ઝૂકીને પોતાની રીતે રસ્તો કાઢતા થઈ જાય છે. એટલે જ ત્યાંની ફિલ્મોમાં ડીપ મેટાફર્સ અને બાળકોનાં પ્રતીકોનું પ્રમાણ ખાસ્સું હોય છે.

શ્યામ બેનેગલની ‘ભૂમિકા’ અને ‘મંડી’ જેવી ફિલ્મોને માત્ર સ્ટ્રોંગ થીમને કારણે સેન્સર દ્વારા એડલ્ટ માટેનું ‘A’ સર્ટિફિકેટ અપાયેલું
શ્યામ બેનેગલની ‘ભૂમિકા’ અને ‘મંડી’ જેવી ફિલ્મોને માત્ર સ્ટ્રોંગ થીમને કારણે સેન્સર દ્વારા એડલ્ટ માટેનું ‘A’ સર્ટિફિકેટ અપાયેલું

બેનેગલ ક્રોનિકલ્સ
આપણે ત્યાં સેન્સરશિપના કિસ્સા ગણાવવા બેસીએ તો મનોજ ખંડેરિયાના શબ્દોમાં ‘વરસોનાં વરસ લાગે’! ક્યારેક જેમ્સ બોન્ડની કિસનો સમયગાળો ઘટાડવાની માગ થાય, તો ક્યારેક ટોપીનો કલર બદલવાની કે દારૂની બોટલો-સિગારેટ બ્લર કરવાની માગ થાય. ડિરેક્ટર શ્યામ બેનેગલે એક ઇન્ટરવ્યૂમાં જણાવેલું કે તેમની બસ્તરના આદિવાસીઓ પરની એક ડોક્યુમેન્ટરીમાં પોતાની પરંપરા પ્રમાણે ઉઘાડી છાતીએ ફરતી આદિવાસી સ્ત્રીનું દૃશ્ય કાપવામાં આવ્યું. ‘ફિલ્મ્સ ડિવિઝન’ માટે જ 1968માં તેમણે બનાવેલી બીજી એક ડોક્યુમેન્ટરી નામે ‘ઈન્ડિયન યુથઃ એન એક્સપ્લોરેશન’માં સંસદ ભવનની સામે પ્રદર્શન કરવા આવેલા વિદ્યાર્થીઓ પર તૂટી પડતી પોલીસનાં સાચુકલાં વિઝ્યુઅલ્સ પણ સેન્સર બોર્ડે કઢાવી નાખેલા. સેન્સર બોર્ડે એમની ‘નિશાંત’ ફિલ્મને સરકારવિરોધી ગણાવીને બૅન કરી દીધેલી. ત્યારપછી ઈન્દિરા ગાંધીએ તે ફિલ્મ જોઈને તેને લીલી ઝંડી આપેલી. એમની ‘ભૂમિકા’ અને ‘મંડી’ જેવી ફિલ્મોને તેની સ્ટ્રોંગ થીમને કારણે ‘A’ સર્ટિફિકેટ અપાયેલું.

ધૂળ ખાતાં સુધારા
ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જ શ્યામ બેનેગલને સરકારે (તત્કાલીન વડા પહલાજ નિહલાણીના સંખ્યાબંધ તરંગી ભોપાળાં પછી) આખાય સેન્સર બોર્ડનું ઈવેલ્યુએશન કરવાનું કામ સોંપેલું. પ્રચંડ સ્ટડી અને સ્ટેક હોલ્ડર્સ સાથે સંખ્યાબંધ મિટિંગ્સ પછી શ્યામ બેનેગલ કમિટીએ ચાર મુખ્ય સુધારા સૂચવેલાઃ

એક, આ ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન’ છે. તેનું કામ ફિલ્મને રેટિંગ આપવાનું છે, કટ સૂચવીને ફિલ્મોને કાપવાનું નહીં.

બે, સામાન્ય કરતાં વધારે સેક્સ-હિંસા ધરાવતી ફિલ્મોને ‘Adult with caution’ સાથે રિલીઝ કરવી, જે અમેરિકાના ‘NC-17’ (એટલે કે નો ચિલ્ડ્રન અન્ડર 17 એડમિટેડ) સર્ટિફિકેટને સમકક્ષ હતું.

ત્રણ, ફિલ્મને સર્ટિફિકેટ આપતી પૅનલને નેશનલ ફિલ્મ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ, નેશનલ કમિશન ફોર વિમેન જેવી સંસ્થાઓ ઉપરાંત લેખકો, સમાજશાસ્ત્રીઓ, વકીલો વગેરેને લઈને બનાવવી જોઈએ.

ચાર, ફિલ્મ જોવાની મજાને ખલેલ પહોંચાડતી હેલ્થ એડવાઈઝરીઓ (નો સ્મોકિંગ, નો ડ્રિંકિંગ વગેરે)ને નડે નહીં તે રીતે બતાવવી.

પરંતુ આ કમિટીનો રિપોર્ટ પણ ક્યાંક કોઈ સરકારી ઑફિસમાં ધૂળ ખાતો પડ્યો હશે, કેમ કે એટલિસ્ટ હજી સુધી તો તેનું ઈમ્પ્લિમેન્ટેશન નથી થયું. *** અંગત રીતે એવું લાગે છે કે ફિલ્મમેકરે શું બનાવવું-બતાવવું અને લોકોએ શું જોવું તેનો નિર્ણય આ બંને પક્ષો પર છોડી દેવો જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પોતે જ પોતાની એક બૉડી બનાવે અને જાતે જ પોતાની ફિલ્મોને સર્ટિફિકેટ આપે તે આદર્શ પરિસ્થિતિ છે. કોઈને પણ કોઈ ફિલ્મ સામે વાંધો હોય તો તે કાયદાનાં દ્વાર ખખડાવી શકે છે. આવું ન થાય અને દર ત્રીજી-ચોથી ફિલ્મમાં કોઈ ધર્મ-સમુદાય-સંપ્રદાય-રાજકીય પાર્ટીઓને વાંકું પડી જાય, તેઓ કાયદો હાથમાં લઈ લે, કોર્ટના આદેશ છતાં ફિલ્મને રિલીઝ ન થવા દે, આખાં ને આખાં રાજ્યો બાનમાં લે, સર્જકો પર હુમલા કરે અને સરવાળે તે સ્થિતિનો શૅડો ગ્લોરી ઊસેટવા માટે, ક્વિક પબ્લિસિટી માટે કે રાજકીય ઉપયોગ થઈ જાય… આ બધી પરિસ્થિતિ ડિસ્ટોપિયન (Dystopian) છે, વિનાશક છે. ધ્યાનથી માર્ક કરશો તો દેખાશે કે આપણી ફિલ્મોની શરૂઆતમાં આવતાં ડિસ્ક્લેમર્સ વધુ ને વધુ લાંબાં થઈ રહ્યાં છે. હાસ્યાસ્પદ સ્થિતિ તો એ હોય કે રિયલ લાઈફ પર્સનાલિટી-ઈવેન્ટ્સ પર બનેલી ફિલ્મોને પણ ‘વાસ્તવિકતા સાથે સંબંધ નથી’ તેવી ચોખવટ સાથે રિલીઝ કરવામાં આવે! પુખ્ત વયનાં ‘A’ સર્ટિફિકેટ સાથે રિલીઝ થયેલી ફિલ્મને પણ કાટછાંટ અને શબ્દો મ્યુટ-વિઝ્યુઅલ્સ બ્લર કરીને રિલીઝ કરવામાં આવે એ કેવી હાસ્યાસ્પદ સ્થિતિ છે!

અત્યારના સંજોગો જોતાં ‘બ્લેસિંગ્સ ઇન ડિસગાઇસ’ના ન્યાયે એવી આશા રાખીએ કે કાલે ઊઠીને આપણું સિનેમા પણ અત્યાધિક પ્રતિબંધો પછી ઇરાન જેવી ટકોરાબંધ ફિલ્મો બનાવતું થઈ જાય. જોકે, એવી ફિલ્મોને બદલે એક્સેપિસ્ટ ફિલ્મોનું પ્રમાણ વધે તેવા ચાન્સિસ વધારે છે.

jayesh.adhyaru@dainikbhaskar.com

(લેખક બે ફિલ્મ કે સિરીઝનાં સ્ક્રીનિંગ વચ્ચે જીવતા સિનેમાના આકંઠ રસિયા છે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો