ઇતિહાસ ગવાહ હૈ:ઝીણાને ભાગલાની જીદ છોડવા પ્રધાનમંત્રી બનાવવાની સૌપ્રથમ ઓફર કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચંદ્ર બોઝે 1940માં કરી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણો દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવવા જઈ રહ્યો છે. આ અવસરે દેશના રાજકારણ અને સમાજકારણ પર ઊંડો પ્રભાવ છોડી જનારી જાણી-અજાણી ઘટનાઓ પર નવેસરથી પ્રકાશ પાડશે આ લેખશ્રેણી.
***
ભારતને સંગઠિત રાખવા માટે અને ગૃહયુદ્ધને ટાળવા માટે તેમજ ફરી ભારત અને પાકિસ્તાન એક થાય એ હેતુસર જ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આઝાદીના સંગ્રામના સૌથી મહાન યોદ્ધા તેમજ કોંગ્રેસના સૌથી વધુ પ્રભાવશાળી નેતાએ પોતાના મૂળ ભાગલા વિરોધી સંકલ્પને ત્યાગ્યો હતો. વાત કંઈક અટપટી લાગે પણ જ્યારે સ્વયં સરદાર પટેલ જ આ વાત કહેતા હોય ત્યારે એને ન માનવાનું કોઈ કારણ નથી. સરદાર બંધારણ સભાની ચર્ચામાં અને જાહેર સભાઓમાં જ નહીં, અખંડ હિંદુસ્તાનની ચળવળ ચલાવનારા ક.મા. મુનશી જેવા વિશ્વસનીય સાથીને પણ આ વાત કહે છે. સરદારે ભાગલાના દોષને પોતાને શિરે લેતાં ગૃહયુદ્ધ ખાળવા માટે વિભાજનને અનિવાર્ય લેખાવ્યું હતું. અંગ્રેજો આ દેશમાંથી 30 જૂન 1948 પહેલાં “ટળવાના” હતા, પણ 15 ઓગસ્ટ 1947ના રોજ એમણે પોતાના વાવટાને સંકેલી લીધો.

સરદાર પટેલે તો ડિસેમ્બર 1946માં જ ભાગલાને અનિવાર્ય દૂષણ તરીકે સ્વીકારી લેવાનું મન બનાવી લીધું હતું. વચગાળાની મુસ્લિમ લીગ સાથેની સરકારમાં રહીને આ કોંગ્રેસી નેતાનો જાણે કે જીવ ગૂંગળાતો હતો. અંગ સડતું હોય તો એના સડતા ભાગને કાપીને ફેંકી દેવો પડે. સરદાર પટેલ મુસ્લિમ લીગના સર્વોચ્ચ મોહમ્મદઅલી ઝીણાની અલગ મુસ્લિમ રાષ્ટ્ર માટેની જીદ સ્વીકારીને કાયમ માટે ભારતમાં શાંતિ અપેક્ષિત માનતા હતા. એટલે જ જ્યારે શિમલાથી પંડિત નેહરુ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન પાસેથી એમના બંધારણીય સલાહકાર વી.પી.મેનને તૈયાર કરેલી ભાગલાની યોજના અંગે જરા ધ્રૂજતા અવાજે સંમતિ આપવી કે નહીં એ માટે સલાહ માગી ત્યારે વલ્લભભાઈએ હા પાડી દેવા હોંકારો ભણ્યો હતો. “બાપુ શું કહેશે?” “એમને સમજાવી દઈશું,” સરદારે જવાબદારી લીધી હતી. નેહરુની જાણ બહાર મેનન મારફત આ અંગે વાઇસરોયે સરદારના મતને અગાઉથી જાણી લીધો હતો. કોંગ્રેસના કોઈ એક નેતાના વચનમાં જો અંગ્રેજોને સૌથી વધુ ભરોસો હતો તો એ હતા સરદાર પટેલ. ગાંધીજી દૂર નોઆખલીમાં હતા ત્યારે એમના બે પટ્ટશિષ્યોએ એમની જાણ બહાર ભાગલા માટે જીભ કચરી હતી. બાપુ વિવશ હતા. કોંગ્રેસ કારોબારીમાં પોતાના બે મુખ્ય સાથીઓએ જેનો સ્વીકાર કર્યો એને સમર્થન આપવાની અપીલ કરવા છતાં છેલ્લે સુધી તેઓ ભાગલાને સ્વીકારી શક્યા નહોતા.

કોંગ્રેસે ભાગલાનો સ્વીકાર ભલે કર્યો, પણ તેણે દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત (ટૂ નેશન થિયરી)ને ક્યારેય માન્ય રાખ્યો નહોતો. ગાંધી-નેહરુ-સરદારના વડપણવાળી કોંગ્રેસે ધાર્મિક ધોરણે વસ્તીની અદલાબદલીને કબૂલ રાખી નહોતી. એવું જ પાકિસ્તાનમાં પણ હિંદુ, ખ્રિસ્તી અને શીખ સહિતના બિન મુસ્લિમો રહ્યા.

ઝીણાને વડાપ્રધાનપદની ઓફર

ભાગલા ટાળવા માટે મહાત્મા ગાંધીએ તો એપ્રિલ 1947માં મુસ્લિમ લીગના સર્વોચ્ચને વડાપ્રધાન જ નહીં, એમને ઠીક લાગે તો તમામ મુસ્લિમ પ્રધાનો લઈને કેન્દ્રનું પ્રધાનમંડળ રચવા માટે મોકળાશ કરી આપવા સુધીની તૈયારી પણ વાઇસરોય સમક્ષ પ્રસ્તુત કરી હતી. વક્રદ્રષ્ટાઓ ગાંધીજી મુસ્લિમો સામે ઝૂક્યાની વાત આમાં નિહાળતા હોય ત્યારે એ વાત ભૂલી જાય છે કે આ જ મુસ્લિમ લીગી નેતા ઝીણાને ભાગલા માટેની જીદ ત્યાગવા સાટે વડાપ્રધાન પદ આપવાની સૌપ્રથમ ઓફર તો કોંગ્રેસ અધ્યક્ષ રહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝે જૂન 1940માં કરી હતી! એના થોડા મહિનાઓ પછી સી.રાજગોપાલાચારીએ ઝીણાને ભાગલાની જીદ છોડવા સાટે વડાપ્રધાન પદ જ નહીં, તમામ મુસ્લિમ પ્રધાનો નક્કી કરવા સુધીની મોકળાશની ખાતરી આપવાની તૈયારી બતાવી હતી. કોંગ્રેસના નેતાઓએ છેલ્લે સુધી ઝીણાને સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો પણ ભાગલા અટળ બન્યા.

મુસ્લિમ લીગવિરોધીમાંથી સર્વોચ્ચ
23થી 25 માર્ચ 1940 દરમિયાન બેરિસ્ટર ઝીણાની અધ્યક્ષતામાં લાહોરમાં યોજાયેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં બંગાળના મુસ્લિમ લીગી પ્રીમિયર ફઝલુલ હકે રજૂ કરેલા પાકિસ્તાન ઠરાવ પર લાંબી ચર્ચા થઇ અને એ ઠરાવ મંજૂર થયો. આ ઠરાવમાં “પાકિસ્તાન” કે “ભાગલા” એવા શબ્દપ્રયોગને બદલે “સ્વતંત્ર રાજ્ય” (ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ)ના “સ્વાયત્ત અને સાર્વભૌમ” (ઓટોનોમસ એન્ડ સોવરીન) સ્વરૂપની વાત કરાઈ છે. એનો અર્થ એ કે ઝીણા ભાગલા કે પાકિસ્તાનની વાત કરતા નહોતા, એવું પાકિસ્તાની મૂળનાં અમેરિકાનિવાસી ઇતિહાસકાર આયેશા જલાલનું તારણ છે. એ સંદર્ભમાં આ અધિવેશન પછી ઝીણાએ સંબોધેલી પત્રકારપરિષદમાં જે કહ્યું તે ટાંકવાનું રસપ્રદ થઇ પડે: “હું તો માનું છું કે એક સંયુક્ત ઇન્ડિયા એ એક સ્વપ્ન છે. સદભાવ અને મૈત્રીપૂર્ણ સમજદારીથી મુસ્લિમ ઇન્ડિયા અને હિંદુ ઇન્ડિયા બંને મિત્ર પાડોશીની જેમ શાંતિપૂર્વક અને અથડામણો વિના પોતપોતાની સરકારો વિકાસ સાધે એ રીતે રહી શકશે.” ચૌધરી રહેમત અલી નામના કેમ્બ્રિજના પાકિસ્તાની વિદ્યાર્થીના 28 જાન્યુઆરી 1933ના એ પ્રેફ્લેટ “નાઉ ઓર નેવર; આર વી ટુ લિવ ઓર પેરીશ ફોરએવર?”માં કાશ્મીર સહિતના પાકિસ્તાન (પંજાબ, વાયવ્ય પ્રાંત-અફઘાન પ્રાંત, કાશ્મીર, સિંધ અને બલુચિસ્તાન)ની કલ્પના રજૂ કરાઈ હતી, એ વાતને ઝીણા કે એમના સાથીઓએ લાહોરના 1940ના અધિવેશનમાં મહત્ત્વ આપ્યું નહોતું. અગાઉના વર્ષે 1932માં તૃતીય ગોળમેજી પરિષદ લંડનમાં મળી ત્યારે આ પ્રેફ્લેટ એમાં પ્રસારિત કરાયું હતું. પરંતુ પાકિસ્તાન નામ એમાં વ્યાખ્યાયિત કરાયું નહોતું. એ પણ સંયોગ છે કે જેણે પાકિસ્તાન નામ આપ્યું એ રહેમત અલી પાકિસ્તાન બન્યા પછી પોતાના દેશમાં આવ્યા ત્યારે એમનો સામાન ફેંકાવી દેવાયો હતો અને એમને ભગાડી મુકાયા હતા. વાત આટલે અટકતી નથી. કેમ્બ્રિજમાં રહેમત અલીનું મૃત્યુ થયું ત્યારે એમના પ્રાધ્યાપકે એમની અંતિમવિધિ કરવી પડી હતી. જો કે, પાકિસ્તાન સરકારે પાછળથી એ ખર્ચ એમને ભરપાઈ કરી આપ્યો હતો.

છિન્નભિન્ન પાકિસ્તાનથી સંતોષ
એ પણ સંયોગ કહી શકાય કે વર્ષ 1906માં અંગ્રેજ વાઇસરોય લોર્ડ મિન્ટો તેમજ નામદાર આગાખાન અને ઢાકાના નવાબની પ્રેરણા અને પ્રયાસોથી મુસ્લિમ લીગની સ્થાપના થઇ ત્યારે જે કોંગ્રેસી ઝીણા એના વિરોધમાં નિવેદન કરીને મુસ્લિમ લીગને દેશ તોડવાના ષડયંત્ર તરીકે જોતા હતા એ જ ઝીણા મુસ્લિમ ઇન્ડિયા અને હિંદુ ઇન્ડિયાની વાત કરતા થયા હતા. 23 નવેમ્બર 1940ના રોજ ઝીણાએ દિલ્હીમાં મુસ્લિમ સ્ટુડન્ટ્સ એસોશિયેશનના કાર્યક્રમમાં કહ્યું હતું, “હિંદુઓએ હિંદુરાજ કે હિંદુરાષ્ટ્રના સ્વપ્નનો ત્યાગ કરીને હિંદુ હોમલેન્ડ અને મુસ્લિમ હોમલેન્ડમાં ઈન્ડિયાને વિભાજિત કરવા સંમત થવું જોઈએ. અમે ચોથા ભાગને લઈને પોણો ભાગ એમના માટે છોડવા તૈયાર છીએ.” લગભગ આ જ પ્રમાણમાં ભાગલા થયા. જો કે, ઝીણાને તો આખા બંગાળ સહિતનું ઇશાન ભારત અને આખું પંજાબ જોઈતું હતું. સરદાર પટેલે બંધારણ સભામાં આ અંગે વિગતે વાત કરતાં કહ્યું કે, અમે ઝીણાની આખું પંજાબ કે આખું બંગાળ પાકિસ્તાનમાં ભેળવવાની મુરાદને બર આવવા ના દીધી અને એ બંનેના ભાગલા કરાવ્યા. ઝીણાએ છિન્નભિન્ન પાકિસ્તાનથી સંતોષ માનવો પડ્યો હતો.

હિંદુ મહાસભા અને દ્વિરાષ્ટ્ર
હિંદુ મહાસભાના સર્વોચ્ચ સ્વાતંત્ર્યવીર સાવરકર ભારતના ભાગલાના વિરોધી રહ્યા. પણ એમણે તો કાઇદઆઝમ ઝીણા કરતાં પણ ઘણા વહેલાં ભારતમાં બે રાષ્ટ્રો વિદ્યમાન હોવાની વાત લખી અને પોતાના અધ્યક્ષીય ભાષણમાં પણ કહી હતી. આ દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને કારણે જ ભારતનું વિભાજન અટળ બન્યું હતું. મુસ્લિમ લીગે તો માર્ચ 1940માં આ દેશમાં બે રાષ્ટ્ર અસ્તિત્વમાં હોવાની વાતને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી પણ એનાથી 17 વર્ષ પહેલાં સાવરકરે તો 1923માં જેલવાસ દરમિયાન લખેલા ગ્રંથ ‘હિંદુત્વ’માં નોંધ્યું હતું કે, આ દેશમાં બે રાષ્ટ્રો છે. એક હિંદુ રાષ્ટ્ર અને બીજો મુસ્લિમ રાષ્ટ્ર. જેલમુક્તિ પછી એમણે રત્નાગિરીમાં રહેવાનું હતું પણ એમને 1937માં જ્યારે પ્રવાસની છૂટ મળી ત્યારે કર્ણાવતી (અમદાવાદ)માં હિંદુ મહાસભાના અખિલ ભારતીય અધિવેશનમાં તેમણે કરેલા અધ્યક્ષીય ભાષણમાં “હિંદુસ્તાન મેં દો વિરોધી રાષ્ટ્ર વિદ્યમાન હૈં” એવી ભૂમિકા લઈને સાવરકરે હિંદુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની વાત વિગતે કરીને દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો હતો. કર્ણાવતીમાં સાવરકરનું આ ભાષણ ‘સાવરકર સમગ્ર’ના 9મા ખંડમાં સમાવાયું છે. જો કે, ઝીણાએ 1940માં દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતની વાતને સ્વીકારીને 1 ઓગસ્ટ 1947 આવતાં લગી તો એને આધારે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન મેળવ્યું. એ મેળવ્યા પછી પાકિસ્તાનની બંધારણ સભામાં ઝીણા એકદમ સેક્યુલર ભૂમિકા સ્વીકારતા હોય એ રીતે તમામને પોતાના ધર્મ પાળવાની અને ધર્મસ્થળોમાં બંદગી-પૂજાવિધિ કરવાનો અધિકાર હોવાની વાત કરતા થયા હતા.

ફઝલુલ હક સરકારમાં શ્યામાબાબુ

સામાન્ય છાપ એવી છે કે સાવરકરની હિંદુ મહાસભા અને ઝીણાની મુસ્લિમ લીગ આઝાદી પૂર્વે એકમેકની વિરોધી છાવણીમાં હતાં. હકીકત એનાથી સાવ જ વિપરીત હતી. બંને પક્ષો વાઇસરોય સાથે મધુર સંબંધ ધરાવતા હતા. આટલું જ નહીં, હિંદુ મહાસભાના નેતાઓ તો વાઇસરોયની કારોબારીમાં એટલે કે સરકારમાં મંત્રીપદે પણ હતા. વાત એટલે અટકતી નથી. માર્ચ 1940માં મુસ્લિમ લીગના પાકિસ્તાન માગણીના ઠરાવ પછી પણ બંને પક્ષોએ બ્રિટિશ સરકારની કૃપા હેઠળ વિવિધ પ્રાંતોમાં સંયુક્ત સરકારો પણ ચલાવી. વર્ષ 1941-42 દરમિયાન કોંગ્રેસના મોટાભાગના નેતાઓ જેલવાસ ભોગવતા હતા અને 1937માં યોજાયેલી ચૂંટણી પછી રચાયેલી તમામ કોંગ્રેસ સરકારોએ રાજીનામાં આપ્યાં હતાં ત્યારે બ્રિટિશ કૃપા હેઠળ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના નેતાઓએ બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં સંયુક્ત સરકારો ચલાવી. વર્ષ 1941-42માં એ જ ફઝલુલ હક કે જેમણે લાહોરના મુસ્લિમ અધિવેશનમાં 1940માં પાકિસ્તાન ઠરાવ રજૂ કર્યો હતો એમની સરકારમાં, સાવરકરના આશીર્વાદ સાથે, તેમના પક્ષના કાર્યાધ્યક્ષ બેરિસ્ટર ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી નાણામંત્રી હતા. એ પછીથી શ્યામાબાબુ હિંદુ મહાસભાના અધ્યક્ષ પણ બન્યા. હિંદુ મહાસભા છોડીને ડૉ. મુકરજી પંડિત નેહરુની સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રહ્યા. નેહરુ સરકારમાંથી રાજીનામું આપી તેઓ પછીથી વર્તમાન ભારતીય જનતા પક્ષના પૂર્વઅવતાર ભારતીય જનસંઘના 1951માં સંસ્થાપક અધ્યક્ષ બન્યા હતા. માર્ચ 1943માં સિંધ પ્રાંતિક ધારાસભામાં પાકિસ્તાન પ્રસ્તાવ મંજૂર કરાયો ત્યારે ત્યાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકાર હતી. આ ઠરાવ મંજૂરી માટે આવ્યો ત્યારે હિંદુ મહાસભાના ધારાસભ્યો સભાત્યાગ કરી ગયા હતા. એમના પક્ષના ત્રણ મંત્રીઓએ વિરોધમાં મતદાન કર્યું. પરંતુ તેમણે સરકારમાંથી રાજીનામું આપ્યું નહોતું! સિંધ અને વાયવ્ય પ્રાંત જ્યાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો હતી એ અત્યારે પાકિસ્તાનનો હિસ્સો છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)

અન્ય સમાચારો પણ છે...