• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Fire Of Jealousy Burns A Man Alive ... So If Jealousy Turns Into A Tendency To Learn, Jealousy Will Give Happiness Instead Of Giving Sorrow.

સુખનું સરનામું:ઇર્ષાની અગ્નિ માણસને જીવતા જ બાળી નાખે છે... એટલે ઇર્ષાને શીખવાની વૃત્તિમાં પલટો તો ઇર્ષા દુ:ખ આપવાને બદલે આનંદ આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો. એમને ભગવાન પર પૂરી શ્રધ્ધા હતી કે પ્રભુ મારી પ્રાર્થના ચોક્કસ સાંભળશે અને એક દિવસ દર્શન પણ આપશે. આ માણસની પ્રાર્થનાથી પ્રસન્ન થઇને એક દિવસ ભગવાન પ્રગટ થયા. પોતાની આંખો સામે જ ભગવાનને ઊભેલા જોઇને એ માણસને બહુ જ આનંદ થયો. ભગવાને માણસને કહ્યું, 'હું તારી પ્રાર્થનાથી તારા પર ખુબ રાજી છું.' માણસે તુરંત જ કહ્યું, 'પ્રભુ તો પછી આપના રાજીપાનું ફળ પણ મને આપો. આપ મારા પર પ્રસન્ન થયા છો તો મારી મનોકામના પણ પૂર્ણ કરો.' ભગવાને કહ્યું, 'તારે જે જોઇએ એ માગી લે, હું તને આપવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે તું જે માગીશ એના કરતાં તારા આખા શહેરને બમણું મળશે.'

ભગવાન રાજી થયા છે અને આજે તો મારી ઇચ્છા પૂરી થશે એ વાતના આનંદમાં ભગવાન કઇ શરત સાથે માગ પુરી કરી રહ્યા છે એની ખબર જ ન રહી. એણે તો ફટાક દઇને કહી દીધું, 'પ્રભુ જો આપ મારી મનોકામના પૂર્ણ કરતા હોય તો મને આપની તમામ શરતો મંજૂર છે.' ભગવાને કહ્યું, 'મારી શરત મંજૂર હોય તો તારી ઇચ્છા પૂરી કરવામાં મને કોઇ વાંધો નથી. તારે જે જોઇએ એ બિંદાસ માગી લે.' પેલા માણસે ભગવાનની પાસે માગણી કરી કે, પ્રભુ મને એક સુંદર મજાનું ઘર જોઇએ છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય. મારે એક અતિ આધુનિક કાર પણ જોઇએ છે અને સારું એવું બેંક બેલેન્સ પણ જોઇએ છે. પ્રભુ દેખાવમાં પણ હું રૂપાળો અને નમણો હોય એવી મારી ઇચ્છા છે.' ભગવાને એને થોડીવાર આંખો બંધ રાખી અને પછી ખોલવાની આજ્ઞા કરી.

માણસે થોડીવાર પછી આંખો ખોલી તો ભગવાન અદ્રશ્ય થઇ ગયા હતા. ભગવાન જતા રહ્યા એનું દુ:ખ થવુ જોઇએ એને બદલે એ માણસના આનંદનો કોઇ પાર ન હતો. એ જે વસ્તુઓના કાયમ માટે સપનાઓ જોતો હતો એ બધી જ સમૃદ્ધિ આજે તેની નજર સામે હતી. પોતાનું ભવ્ય મકાન જોઇને એ તો નાચવા અને કુદવા લાગ્યો. અરીસા સામે ઊભા રહીને એ એની જાતને જોતો જ રહ્યો. ભગવાને જાણે કે ઠાંસી ઠાંસીને રૂપ અને ઘાટ એને આપ્યા હોય એવુ લાગતું હતું. ભગવાને જગતનું બધું જ સુખ એની ઝોળીમાં નાંખી દીધાની અનુભૂતિ એને થવા લાગી. ગીતો ગાતો ગાતો એ ઘરની બહાર નીકળ્યો. પોતાના પાડોશીને આવા જ બે બંગલા જોઇને એને આંચકો લાગ્યો. ભગવાને આપેલી આધુનિક ગાડી લઇને એ શહેરમાં ફરવા માટે નીકળ્યો. આખા શહેરમાં દરેકને પોતાનાથી બમણી સમૃદ્ધિ મળી છે એ જોઇએ એનો આનંદ શોકમાં પલટાઇ ગયો.

માણસ પાસે બધું જ હોવા છતાં પણ માણસને સુખનો અનુભવ નથી થતો એના ઘણાબધા કારણો પૈકીનું એક કારણ ઇર્ષા છે. અગ્નિ માણસને મર્યા પછી બાળે, પણ ઇર્ષા તો જીવતા જ બાળી નાખે. આપણે બધા આપણી જાત સાથે સંવાદ કરીએ તો ખબર પડશે કે આપણે આપણા દુ:ખને કારણે જેટલા દુ:ખી છીએ એના કરતાં બીજાના સુખને કારણે વધુ દુ:ખી છીએ. વસ્તુઓ કે સુવિધાઓના અભાવનું દુ:ખ નથી પરંતુ આપણા કરતાં બીજા પાસે વધુ વસ્તુઓ કે સુવિધાઓ છે એનું દુ:ખ સતત ખટક્યા કરે છે. જેને આંખમાં કણ કે કોઈ કચરો પડ્યો હોય એને અનુભવ હશે કે આંખમાં પડેલો કણ તમારી નજર સામેની સુંદર દુનિયાની મજા માણવામાં કેટલું અવરોધરૂપ બનતું હોય છે. વારંવાર ખટકા મારે, થોડીવાર શાંત થાય વળી પાછા ખટકા શરૂ થાય. બસ આવી જ રીતે ઇર્ષાનું કણું માણસને સતત ખટ્ક્યા કરે અને જીવનની મજા માણવા જ ન દે. ઇર્ષા આપણો આનંદ કેવી રીતે છીનવી લે તેને એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ.

ધારો કે, કોઇ એક શહેરમાં રહેતા અને એક સમાન ધંધો કરતા બે વેપારીઓ છે. 2019ના વર્ષમાં બંનેની કમાણી લગભગ એક કરોડની આસપાસની હતી. બંને ખુશ હતા કારણ કે, બંનેની કમાણી સરખી હતી. 2019 પછી 2020નું વર્ષ પૂર્ણ થયું. એક વ્યક્તિની કમાણી જે ગયા વર્ષે એક કરોડ હતી તે વધીને હવે આ વર્ષે બે કરોડની થઈ. સ્વાભાવિક છે કે કંપનીનું સરવૈયું જોઇને આ માણસને ખૂબ આનંદ થયો હોય કારણ કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કમાણી બમણી થઇ ગઇ છે. પરંતુ જેવી આ માણસને એવી જાણ થઈ કે એના જેવો જ ધંધો કરતા એના પેલા હરીફ 2020ના વર્ષમાં 3 કરોડ કમાયો છે કે તુરંત જ બમણી કમાણીનો આનંદ બાષ્પીભવન થઇ ગયો. આનંદ વેદનામાં કેમ પલટાઇ ગયો? કમાણી વધી તો પણ મજા ક્યાં ચાલી ગઇ? આપણે બીજાની પ્રગતિ જોઇ શકતા નથી અને પરિણામે આપણા જીવનધોરણમાં સુધારો થવા છતાં પણ બીજાનું વધુ સમૃદ્ધ જીવન જોઇને આપણને વગર એસિડિટીએ બળતરા થાય છે. આજથી 10 વર્ષ પહેલાં આપણે જે જીવન જીવતા એના કરતાં આજે વધુ સુવિધાયુક્ત જીવન જીવીએ છીએ. તેથી, સુખ કે આનંદમાં પણ વધારો થવો જોઇએ પણ એમ નથી થતું. વધારો થવાની વાત તો એક બાજુ રહી ઊલટાનું સુખ ઘટતું જાય છે. એનું કારણ માત્ર એટલું જ છે કે, આપણે બીજાના સુખને જોઇ નથી શકતા.

ઇર્ષા એ માણસનો સ્વભાવ છે. તેથી, દરેક માણસ ઇર્ષાના ભાવથી બંધાયેલા હોય એ સ્વાભાવિક છે. આપણા જેવા પામર મનુષ્યોની વાત છોડો, પણ દુનિયાને ઇર્ષામુક્ત રહીને જીવન જીવવાનો ઉપદેશ આપનારા સાધુ સંતો પણ ઇર્ષાથી મુક્ત થઇ શકતા નથી. ઇર્ષાને નિર્મૂળ કરવી શક્ય નથી પણ ઇર્ષાના રૂપને બદલી ચોક્કસ શકાય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં નારદજીના જેવી ઇર્ષા કરવાની સલાહ આપી છે. નારદજીને તુમરુની બહુ ઇર્ષા થતી હતી કારણ કે, તુમરુ સંગીતમાં પારંગત હતા અને પોતાની સંગીતવિદ્યાથી ભગવાન વિષ્ણુને રાજી કરતા હતા. નારદજીથી આ રાજીપો જોઇ શકાતો નહોતો. ભગવાન નારદજી પર કુરાજી હતા એવું પણ નહોતું, પરંતુ તુમરુ પરનો વિશેષ રાજીપો નારદજીને જંપવા દેતો નહોતો. નારદજીએ પણ સંગીત શીખવાનું નક્કી કર્યું. સંગીત શીખીને ભગવાન પાસે વિદ્યા પ્રદર્શન માટે ગયા. ભગવાને કહ્યું, 'તમે સારું ગાઓ છો, પણ તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું.' ભગવાનની આવી ટીપ્પણીથી નારદજીને વધુ દુ:ખ થયું. ફરી થોડો ઊંડો અભ્યાસ કર્યો અને ભગવાન પાસે ગાયન કર્યુ. ભગવાને દરેક વખતે એક જ વાત કરી કે તમને તુમરુ જેવું ગાતા નથી આવડતું. છેવટે નારદજીએ નક્કી કર્યુ કે ભગવાનને તુમરુનું ગાયન ગમે છે તો તુમરુ કેવી રીતે ગાય છે એ જાણું અને શીખું. નારદજી તુમરુ પાસેથી સંગીત વિદ્યા શીખ્યા અને પછી ભગવાન પાસે ગાયન કર્યું. આ વખતે ભગવાન ખૂબ રાજી થયા અને કહ્યું હવે તમને સરસ ગાતા આવડ્યું.

આપણને પણ જેની પ્રગતિથી ઇર્ષા આવે એ માણસે પ્રગતિ કેવી રીતે કરી એ જાણવાનો અને સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. ઇર્ષા જ્યારે શીખવાની વૃત્તિમાં પલટાય ત્યારે ઇર્ષા દુ:ખ આપવાને બદલે આનંદ આપવાનું કામ કરશે.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...