• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Father Of The Nation Was Constantly Foreshadowed By His Own Death ... And One Day The Creature Who Went Out To Pray To The Lord Was Found In The Lord

ઈતિહાસ ગવાહ હૈ:પોતાના મૃત્યુનો પૂર્વાભાસ રાષ્ટ્રપિતાને સતત થયા જ કર્યો હતો... અને એક દિવસ પ્રભુની પ્રાર્થના કરવા નીકળેલો જીવ પ્રભુમાં મળી ગયો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીજીએ જિંદગીનો ભરોસો નહીં હોવાનું એ જાન્યુઆરી મહિનામાં સતત કહ્યું હતું
  • 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્માની હત્યાનો એ છઠ્ઠો પ્રયાસ અંતે સફળ રહ્યો
  • હત્યારા નથુરામ ગોડસેએ નહીં ભાગવાનો દાવો કર્યો, પણ માળી રઘુએ એને પકડ્યો

'હું દસ મિનિટ મોડો છું. મોડા થવાનું મને બિલકુલ પસંદ નથી. બરાબર પાંચને ટકોરે પ્રાર્થનામાં હું હોઉં એ મને ગમે.' રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ શબ્દો શુક્રવાર, 30 જાન્યુઆરી 1948ની સાંજે દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભાના ચોતરા તરફ જતાં બોલાયા હતા. જો કે, એ દિવસે તેઓ પ્રાર્થનામાં પહોંચી જ ન શક્યા. સચિવ પ્યારેલાલ 'મહાત્મા ગાંધીઃ પૂર્ણાહુતિ'માં નોંધે છે: 'વ્યાસપીઠ પર પહોંચવા માટે મેદનીએ ગાંધીજીને માર્ગ કરી આપ્યો. જનમેદનીના અભિવાદનનો જવાબ વાળવાને ગાંધીજીએ બે બાળાઓ (મનુ અને આભા)ના ખભા પરથી પોતાના હાથ ઉઠાવ્યા ત્યાં જમણી બાજુએથી લોકોને હડસેલીને માર્ગ કરતું કોઈક આવ્યું. તેનો હાથ પકડીને મનુએ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે જોરથી તેને હડસેલી મૂકી અને પ્રણામ કરતો હોય તેમ પોતાના હાથ જોડીને વાંકા વળી સાત બારની ઓટોમેટિક પિસ્તોલથી છેક નજીકમાંથી એક પછી એક ત્રણ ગોળીબાર કર્યા. તેણે એટલા બધા નજીકથી ગોળી છોડી હતી કે એક ગોળીનું કોચલું તો પાછળથી ગાંધીજીનાં કપડાંની ગડીમાંથી મળી આવ્યું હતું.' ગાંધીજીને છેલ્લે મળીને હજુ માંડ ઘરે પહોંચેલા સરદાર પટેલ આ આઘાતજનક સમાચાર મળતાં જ પરત ફર્યા. એમના સાથીઓમાં સૌથી પહેલાં એ પહોંચ્યા.

પંડિત નેહરુ સહિતના બીજા બધા પણ આવ્યા. જનમેદની એકઠી થઇ. તે દિવસે જ મદ્રાસ (હવેના ચેન્નઈ)થી પાછા ફરેલા માઉન્ટબેટન પણ જનમેદની વિંધીને મહામહેનતે અંદર આવ્યા. ભીડમાંથી કોઈ માથાફરેલ માણસને કહેતાં સંભાળ્યો: 'મારનાર મુસલમાન હતો!' માઉન્ટબેટને પાછા વળીને બૂમ પાડી: 'અરે બેવકૂફ! સૌ કોઈ જાણે છે કે એ હિંદુ હતો!' નારાયણ દેસાઈ 'મારું જીવન એ જ મારી વાણી'માં નોંધે છે: 'ખૂની કોણ હતો તેની માઉન્ટબેટનને તો ત્યારે ખબર નહોતી જ. પણ એટલી ઝડપથી વિચારી શક્યા કે જો ખૂન કોઈ મુસલમાને કર્યું હશે તો દેશમાં અંતરવિગ્રહ જ ફાટી નીકળશે અને હિંદુ હતો એમ કહેવાથી એ ખરેખર મુસલમાન હોય તો કડક બંદોબસ્ત કરવા સારુ બે-એક કલાક તો બીજા મળી જાય એમ હતું.'

એ નિશ્ચિત ઈચ્છામૃત્યુ જ
એ દિવસે સવારના સાડા ત્રણ વાગ્યે ઊઠેલા મહાત્માએ ઉપવાસ પછી બહાર ફરવા જવા જેટલું શરીર વળ્યું નહોતું એટલે પોતાના ઓરડામાં જ થોડીવાર આંટા માર્યા હતા. રોજના નિયમ મુજબ આભા પાસે બંગાળીનો પાઠ લીધો. ઉપવાસ પછી ઉધરસ પીછો છોડતી નહોતી એટલે ખજૂરીના ગોળામાં લવિંગનો ભૂકો મેળવીને ટીકડી તેમને આપવામાં આવતી. મનુ લવિંગનો ભૂકો કરતાં 'થોડી વારમાં આવું છું' એવું કહી બેઠી અને ઉમેર્યું હતું 'રાતે સૂતા પહેલાં ટીકડી લઇ શકો માટે લવિંગનો ભૂકો કરું છું.' બાપુના 'બાબલા’ એટલે કે એમના 1942માં મૃત્યુ પામેલા અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈએ નોંધ્યું: 'તત્કાળની ફરજ છોડીને કોઈ ભવિષ્યની તૈયારીમાં સમય ગાળે એ ગાંધીજીને પસંદ નહોતું. એમણે કહ્યું:’રાત પડતાં પહેલાં શું થશે અને હું પણ જીવતો હોઈશ કે કેમ એની કોને ખબર?' નોઆખલીમાં ફરતા હતા ત્યારથી જ તેમણે પોતાના ભાવિ અંગે આવા ઉલ્લેખ કરવા માંડ્યા હતા. આ જાન્યુઆરી માસમાં તો ભાગ્યે જ કોઈ દિવસ એવો જતો કે જયારે એ જિંદગીનો ભરોસો ન હોવાનો ઉલ્લેખ કરતા ન હોય. કોઈ એવું અનુમાન કરે તો નવાઈ નહીં કે ગાંધીજીને મરવાનો પૂર્વાભાસ થયો હતો.

અગાઉ પણ મહાત્માએ પોતાના મોત વિશે વાત કરી હતી. હજુ આગલા દિવસે જ મનુને કહ્યું હતું કે, જો હું પ્રાર્થના કરવા જતો હોઉં અને કોઈ માણસ આવીને મને ગોળી મારે અને હું સામી છાતીએ ગોળી ઝીલું, મારા મોંમાંથી રામનું નામ નીકળે તો કહેજે કે આ માણસ ભગવાનનો ભક્ત હતો. આવું જ થયું. ખૂનીને બિરલા હાઉસના માળી રઘુએ પકડી પાડ્યો. અદાલતમાં હત્યારા નથુરામ ગોડસેએ દાવો કર્યો કે, એણે ભાગવા પ્રયત્ન જ નહોતો કર્યો. નજરે જોનારા કહે છે કે, એણે રઘુ પાસેથી છટકવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાં બીજા બે-ચાર જણ આવી પહોંચ્યા હતા. થોડીવાર પછી બિરલા હાઉસ પહોંચેલા ડો. ગોપીચંદે જાહેર કર્યું હતું કે (બાપુનું) મરણ તત્ક્ષણ નીપજ્યું હતું. કોઈ દાક્તર વહેલા પહોંચ્યા હોત તોય કંઈ વળવાનું નહોતું. નારાયણ દેસાઈ એને ઈચ્છામૃત્યુ ગણાવીને કહે છે: 'પ્રભુની પ્રાર્થના કરવા નીકળેલો જીવ પ્રભુમાં મળી ગયો હતો. પ્રાર્થનાનો સમય હતો, સામી છાતીએ ગોળી ખાધી હતી, મુખમાં રામનું નામ હતું. એક કરતાં વધારે વાર જેની ઈચ્છા દર્શાવી હતી તેમ જ થયું. એ ઈચ્છામૃત્યુ હતું.'

સુરક્ષા લેવાનો સાફ નન્નો
મહાત્મા ગાંધીની જ નહીં, સરદાર પટેલ, પંડિત નેહરુ અને મૌલાના આઝાદ સહિતના કોંગ્રેસી આગેવાનોની હત્યાના પ્રયાસો અને કાવતરા હિંદુ મહાસભાવાળાઓ થકી આદરવામાં આવ્યા છતાં મહાત્માએ પોતે સુરક્ષા લેવાનો કે પ્રાર્થના સભામાં આવનારાઓ પર સાદા વેશમાંય પોલીસ થકી નજર રાખવામાં આવે એવી ગૃહમંત્રી સરદાર પટેલ સહિતનાની દરખાસ્તોને ફગાવી દીધી હતી. 79 વર્ષના ગાંધીજીની હત્યા કરાઈ એ પહેલાં એમને મોતને ઘાટ ઉતારવાના પાંચેક પ્રયાસો થઇ ચૂક્યા હતા: 25 જૂન, 1934ના રોજ પુણેમાં બાપુની ગાડી સમજીને તેના પર બોંબ ફેંકાયો પણ બાપુ બચ્યા, નિર્દોષ માર્યા ગયા. નથુરામ ગોડસે પચગણીમાં ખંજર લઈને મહાત્મા સામે ધસી ગયો હતો. એ વેળા મણિશંકર પુરોહિત અને ભિલ્લારે ગુરુજીએ મહાત્માને બચાવી લીધાનું કપૂર કમિશન સમક્ષ બંનેએ કહ્યું હતું. ત્રીજો પ્રયાસ ગાંધીજી અને ઝીણાની મુલાકાત સામે હિંદુ મહાસભાના વિરોધને પગલે સપ્ટેમ્બર 1944માં ગોડસે અને એલ.જી. થત્તેએ આશ્રમમાં જ એમને રોકવા નિમિત્તે કર્યો હતો. એ વેળા પણ ગોડસેએ ગાંધીજી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એની પાસેથી ખંજર જપ્ત કરાયું હતું. ચોથો પ્રયાસ જૂન 1946માં નેરળ અને કર્જત વચ્ચે ગાંધીજીની ટ્રેનમાં હત્યા કરવાના ઈરાદે થયો પણ બાપુ બચી ગયા હતા. પાંચમો પ્રયાસ 20 જાન્યુઆરી, 1948ના રોજ બિરલા હાઉસમાં મદનલાલ પાહવાએ બોમ્બ ફેંકીને બાપુની હત્યા કરવાનો કર્યો પણ એમાં પણ સફળતા ન મળી. એ પણ હિંદુવાદીઓ નથુરામ ગોડસે, દિબંગર બડગે, ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે અને શંકર કિસ્તૈયાનું કાવતરું હતું.

ડો. મુકરજીને પ્યારેલાલ મળ્યા
કમનસીબે ગાંધીજીની હત્યા પછી જયપ્રકાશ નારાયણ અને કમ્યૂનિસ્ટ આગેવાનોએ સરદાર પટેલ પર 'રાષ્ટ્રપિતાની સુરક્ષા નહીં કરવા સહિતનાં' દોષારોપણ કરવાની લગભગ ઝુંબેશ જ ચલાવી. એ વેળા વલ્લભભાઈને લાગેલા આઘાત થકી એ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા કે મને પણ બાપુ પાસે લઇ જા. સરદારને હૃદયરોગનો હુમલો પણ આવ્યો. બાપુને 30 જાન્યુઆરીએ મળીને સરકારમાંથી પોતે ફારેગ થવા માગતા હોવાની વાત કરનારા સરદાર મહાત્માની હત્યા પછી માઉન્ટબેટને ગાંધીજી દ્વારા તેમને કહેવામાં આવેલા શબ્દોને સ્વીકારીને નેહરુ સરકારમાં ચાલુ રહ્યા. ગાંધીજીએ સરદાર સાથેની અંતિમ મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, 'બેમાંથી એકે સરદાર અથવા પંડિત નેહરુ, પ્રધાનમંડળમાંથી નીકળી જવું જોઈએ એવો વિચાર મેં અગાઉ દર્શાવ્યો હતો. પરંતુ પછીથી હું એવા મક્કમ નિર્ણય પર આવ્યો છું કે, બંનેની હાજરી અનિવાર્ય છે. આજની ઘડીએ તમારા પક્ષકારો વચ્ચે કશું પણ ભંગાણ પડે એ આપત્તિજનક થઇ પડશે. આજની સાંજની પ્રાર્થના સભામાં હું મારા ભાષણમાં એ વિષય ચર્ચીશ. પ્રાર્થના પછી પંડિત નેહરુ મને મળવાના છે. તેમની સાથે પણ હું એ સવાલ ચર્ચીશ. જરૂર પડશે તો સેવાગ્રામ જવાનું હું મુલતવી રાખીશ અને તમારા બંને વચ્ચે વૈમનસ્યના પ્રેતને છેવટનું દફનાવવામાં આવે ત્યાં સુધી દિલ્હી છોડીશ નહીં.' માઉન્ટબેટન પણ નેહરુ અને સરદાર બંને સરકારમાં ચાલુ રહે એવો આગ્રહ મહાત્મા સાથેની મુલાકાતમાં કરી ચૂક્યા હતા. ગાંધીજીની હત્યા પછી બંને કને માઉન્ટબેટને સાથે રહેવાના બાપુના આગ્રહનું સ્મરણ કરાવીને એ કબૂલવાં પ્રેર્યા હતા. અંતિમ દિવસ સુધી સરદારે બાપુની એ વાત માની. નેહરુ સાથે રહેવાનો બાપુનો છેલ્લો આદેશ સરદારે પાળ્યો. આટલું જ નહીં, મૃત્યુ નજીક હતું ત્યારે પણ કાકાસાહેબ ગાડગિળ પાસેથી સરદારે વચન પણ લીધું કે તેઓ કાયમ નેહરુની સાથે રહે.

'પૂર્ણાહુતિ'માં પ્યારેલાલ એક ચોંકાવનારી વાત નોંધે છે. બાપુની હત્યાના આગલા દિવસે ગાંધીજીએ ડો.રાજેન્દ્ર પ્રસાદની તબિયતના ખબર પૂછવા પ્યારેલાલને મોકલ્યા હતા. એ વેળા હિંદુ મહાસભાના કાર્યકર્તાની પ્રવૃત્તિ વિશે બાપુએ પ્યારેલાલને નેહરુ સરકારમાં મંત્રી અને હિંદુ મહાસભાના અધ્યક્ષ રહી ચૂકેલા ડો. શ્યામાપ્રસાદ મુકરજી પાસે પણ વાત કરવા જવાનું કહ્યું હતું. ડો. મુકરજીનું ધ્યાન ખેંચી તેઓ પેલા મહાશયને વારે એવું પણ સૂચવ્યું હતું. કેટલાક કોંગ્રેસી નેતાઓનાં ખૂન કરવા માટે હિંદુ મહાસભાના એ કાર્યકર્તા અતિશય ઉશ્કેરણી કરનારાં ભાષણો કરતા હતા. પ્યારેલાલ નોંધે છે: 'ડો.મુકરજીનો જવાબ ખંચકાતો અને અસંતોષકારક હતો. આવા બેજવાબદારીભર્યાં ભાષણો અને પ્રવૃત્તિઓમાં તથા એને લીધે થોડા જ વખતમાં ખુનામરકી થવાની શક્યતામાં રહેલાં જોખમની ગંભીરતા તે ઓછી આંકતા હોય એમ લાગ્યું. ડો.મુકરજીનો જવાબ મેં (બાપુને) કહી સંભળાવ્યો ત્યારે ગાંધીજીના વદન પર કાલિમા છવાઈ ગઈ.' ગાંધીજીને અશુભની એંધાણીઓ મળી ચૂકી હતી કે પછી એમની હત્યાનોય પૂર્વાભાસ થઇ ચૂક્યો હતો.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)