તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ પેરેન્ટિંગ:એજ્યુકેશન સિસ્ટમે માહિતી યાદ રાખવાની આવડત શીખવાડી...પણ જીવનના કૌશલ્ય અને મૂલ્યો ન શીખવ્યાં!!

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક સમાજ તરીકે આપણે બધા અત્યારે એક અતિ વ્યગ્ર, શોક, ડર અને સ્ટ્રેસના સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છીએ. જયારે પણ દુઃખ આવે ત્યારે આપણી સમગ્ર માન્યતાઓને તે તિતર-બીતર કરી નાખે છે. આપણે સવાલો પૂછવા માંડીએ છીએ. કદાચ આ સમય આપણી શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલ પૂછવા જેવો છે કારણ કે, તે જ આપણને અહીં સુધી લાવી છે અને કદાચ એના જવાબ થકી આપણને આ સમસ્યાનો ઉકેલ પણ મળશે.

સૌથી પેહલો પ્રશ્ન જે આપણે પૂછવો જોઈએ તે એ છે કે આપણે સ્કૂલમાંથી શું શીખવું જોઈએ? આપણે જે પણ ભૂતકાળમાં શીખ્યું છે તેનો કોઈપણ અંશ આપણને આજના આ ક્રાઈસિસ જોડે ઝૂઝવાનો રસ્તો નથી બતાવતો. હું ઘણી વખત વાલીઓને પૂછું કે તેમના સ્કૂલના અભ્યાક્રમમાંથી તેમને તેમના જીવન માટે શું ઉપયોગી લાગ્યું તો મોટાભાગના માણસોનો જવાબ હોય છે 'કંઈ નહીં!' સ્કૂલ મજા માટે હતી કારણ કે, ત્યાં મિત્રો હતા. જેથી, તેઓ ઘણા સામાજિક કૌશલ્ય શીખ્યા. પણ કોઈએ પણ એમ ન કહ્યું કે જે તેમણે પાઠ્ય પુસ્તિકામાંથી શીખ્યું તે તેમના જીવનમાં ઉપયોગી રહ્યું. સાચું કહું તો ઘણાને તો યાદ પણ નહોતું કે તેઓ પાઠ્ય પુસ્તિકામાંથી શું શીખ્યા હતા! છતાંય આપણે કલાકો સુધી તે બધી માહિતીને ગોખવામાં વીતાવીયે છીએ જે દિવસે-દિવસે આઉટડેટેડ થતી જાય છે. ગોખણપટ્ટીથી શીખેલી વસ્તુ આપણે આપણી શોર્ટ ટર્મ મેમરીમાં સ્ટોર કરીએ છીએ એટલે પરીક્ષા પૂરી થતાં જ તે ભૂંસાઈ પણ જાય છે! આ માહિતી આપણા લોન્ગ ટર્મ મેમરીમાં સ્ટોર ત્યારે જ થાય છે જ્યારે તે વિદ્યાર્થીના રસની અથવા તેની લાગણીઓને સ્પર્શે એવી હોય છે.​​​​​​​

પરીક્ષાની જે સિસ્ટમ છે તે ફક્ત આપણી માહિતીને યાદ રાખવાની આવડતની ચકાસણી કરે છે. સ્કૂલની સિસ્ટમે આપણને જીવનના કૌશલ્ય અને મૂલ્યો વિશે શીખવા માટે ક્યારેય પ્રોત્સાહિત નથી કર્યા જેમ કે, જવાબદારીસભર નેતૃત્વ, શેર કરવું, ક્રિટિકલ થિંકિંગ, વિનયી અને લાગણીશીલ વર્તન, આયોજન કરવું, સારી રીતે કમ્યુનિકેટ કરવું, બીજાને મદદરૂપ થવું, પહેલેથી જ પ્રોબ્લેમ અને તેના સોલ્યુશન વિશે વિચારી રાખવું, માનવ સમાજમાં ફેલાયેલા અદ્રક મુદ્દાઓને ગોતીને તેને ઉકેલવા માટેનું કૌશલ્ય કેળવવું...આ લિસ્ટમાં ઘણું બધું હજી ઉમેરી શકાય છે!

આપણે જે સ્કૂલની પાઠ્ય પુસ્તિકામાં શીખ્યા તે આપણા જીવનમાં તાત્કાલિક લાગુ પડી શકાય એવું નહતું. પરિભાષાઓને યાદ કરવી અને ઈક્વેશનને સોલ્વ કરવી તે ન તો જરૂરી છે અને ન આપણા વાસ્તવિક જીવન જોડે સંકળાયેલું છે. સ્કૂલે જે સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ શીખવવી જોઈએ તે છે કઈ રીતે શાંત રહીને સ્ટ્રેસનો સામનો કરવો. આપણે એ શીખવું જોઈતું હતું કે કઈ રીતે આપણે ખુશાલ અને પરિપૂર્ણ જીવન જીવવું જોઈએ. આપણે મૃત્યુ વિશે શીખવું જોઈએ...તેનો અર્થ શું છે અને કઈ રીતે તેનો સામનો કરવો. આપણે સ્વાસ્થ્ય અને આપણા શરીર વિશે જાણવું જોઈએ અને સ્વસ્થ અને મજબૂત રહેવા માટે આપણે સ્ટ્રેસથી આઝાદ રેહવું જોઈએ. તેના બદલે સ્કૂલો એ સિસ્ટમ છે જે પરીક્ષાઓ અને સજાઓ થકી સ્ટ્રેસ પેદા કરે છે.

યાદ રાખો કે સ્ટ્રેસના લીધે શરીર અડ્રેનલિન છોડે છે, જે ટોક્સિક (ઝહેરી) છે. સ્ટ્રેસ 'ફાઇટ ઓર ફ્લાઇટ'નો પ્રતિભાવ બનાવે છે, જે શરીરના અસ્તિત્વ માટેનું એક પ્રાકૃતિક મિકેનિઝમ છે. આનો અર્થ એ છે કે જ્યારે આપણે કોઈ ઘાતક પરિસ્થિતિનો સામનો કરીએ છીએ જે આપણામાં સ્ટ્રેસ લાવે ત્યારે આપણું શરીર અડ્રેનલિનનું ઉત્પાદન કરે છે, જે ક્યાં તો આપણને શિકારી જોડે લડવાની કે તેનાથી દૂર ભાગવાની તાકાત આપે છે. એ રીતે અડ્રેનલિન એક્શનમાં વપરાઈ જાય છે. જ્યારે આપણા બાળકો ટેસ્ટ અથવા પરીક્ષાનો સ્ટ્રેસ અનુભવે છે ત્યારે અડ્રેનલિન એક્શનમાં નથી વપરાતું કારણ કે, તેઓ શારીરિક રીતે સ્થિર છે. આ અડ્રેનલિન પછી શરીરમાં શોષાઈ જાય છે અને તેમાં ટોક્સિન બનાવે છે. સતત સ્ટ્રેસનો સામનો આપણી ઈમ્યુનિટી અને આયુ મર્યાદા ઘટાડી દે છે.

આપણું શૈક્ષણિક મોડેલ જેલ અને ફેક્ટરી સિસ્ટમ ઉપર આધારિત બ્રિટિશ સરકારની દેન છે. તે પરાધીનતા શીખવાડે છે, ક્રિટિકલ રીતે પૂછપરછ કરવી નહીં અને જે લોકો સવાલ પૂછે તેને તે નિરાશ તો કરે જ છે પણ સાથોસાથ તેને સજા પણ આપે છે. આશા રાખીએ કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 થકી વધુ સ્કૂલો એક્સપેરેન્શિયલ (પ્રાયોગિક) અને આનંદિત શિક્ષણની આ સોનેરી તકને ઝડપી લેશે.

હવે આવીએ વાલીઓ અને શિક્ષકોના એ સવાલ ઉપર કે 'અમે ઘરે બાળક પાસે શું કરાવી શકીએ?'

  • બાળકના સુખાકારી ઉપર ફોકસ કરો. એને મદદ કરો એ બધું શીખવા માટે જે તેના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે; એમાં પોષક ખોરાક જ નહીં પણ બ્રિધીંગ ટેક્નિક અને માઇન્ડફુલનેસનો પણ સમાવેશ થાય છે.
  • બાળકને કોઈ નવી સ્કિલ અથવા નવી હોબી શીખવા માટે પ્રોત્સાહન આપો. કોઈક વાજિંત્ર વગાડવું કે પછી ગાવું; કોઈ નવી કલા શીખવી; નૃત્ય શીખવું; માર્શલ આર્ટ કે યોગ શીખવા...એવી કોઈપણ વસ્તુ જે તેમના શરીરને અનુકૂળ હોય અને જે તેમને અભિવ્યક્તિમાં મદદરૂપ નીવડે. આના માટે કોઈ મોંઘા કલાસ જોઈન કરવાની જરૂર નથી. નાના-નાના ગ્રુપ બનાવીને એકબીજાને જે આવડે છે તે શીખવાડવાનું શરૂ કરી દો. આ રીતે આપણે એકબીજા પાસેથી ઘણું શીખી શકીએ છીએ.
  • અભ્યાસક્રમ અને પરીક્ષાઓનું વળગાડ છોડો. દુનિયા બદલાઈ ગઈ છે. આપણે બાળકોને તે બધું શીખવા માટે મદદ કરવાની છે, જે તેમને તેમના રોજિંદા જીવનમાં ખરેખર કામ લાગે. એમાં સૌથી જરૂરી છે સુખાકારી...ના કે કલાકો સુધી સ્ક્રીન સામે અભ્યાસક્રમ પતાવવા માટે જોયા રાખવું!
  • જેટલો સમય બાળક ઈન્ટરનેટ ઉપર સર્ફ કરવામાં વેડફે છે તેઓ તેમાં વધુ-ને-વધુ ઉતારતા જાય છે. તેઓ માહિતીના નિષ્ક્રિય કન્ઝ્યુમર બની જાય છે. આના કરતાં તેમને મદદ કરો કંઈક એવું બનાવવાની જે તેઓ બીજા જોડે શેર કરી શકે, કોઈ કલાકૃતિ, કવિતા, રેસિપી વગેરે, જે રસપ્રદ અને બીજાને કામ લાગે એવી હોય. હું એક બારમા ધોરણની છોકરીને ઓળખું છું, જે ઇન્સ્ટાગ્રામ ઉપર કેલિગ્રાફી અને લેટરિંગ શિખવાડે છે અને હવે તે પેડ વર્કશોપ પણ ચલાવે છે!
  • એક પેટ હોવું તે સૌથી મોટું સ્ટ્રેસ બસ્ટર છે. જો તમારા બાળક પાસે પેટ ન હોય તો તમારા આડોશ-પાડોશમાં ચોક્કસ હશે. સૌથી સરસ વસ્તુ તો એ છે કે ગલીના કુતરા અથવા બિલાડીને ખવડાવો અથવા તમારા પ્રાંગણમાં બર્ડ ફીડર કે પાણીનું ફીડર મૂકો. જેથી, આપમેળે પક્ષીઓ ત્યાં ચણ ખાવા કે પાણી પીવા આવશે.
  • ગાર્ડનિંગ એક ખૂબ જ રોગનિવારક પ્રવૃત્તિ છે. બાળકોને કહો કે તેઓ પોતાના ગાર્ડનિંગના અનુભવનું નિરીક્ષણ કરે, તેને રેકોર્ડ કરે અને તેના ઉપર વિચારણા કરે. કઈ રીતે છોડ વધુ સારી રીતે ઉગી શકે? આપણે કઈ રીતે ઘરના વધેલા ખોરાકમાંથી કમ્પોસ્ટ બનાવી શકીએ?
  • નિરુદ્દેશ ઈન્ટરનેટ ઉપર સર્ફ કરતા બાળક જોડે બેસીને પ્રેરક અને પોઝિટિવ ફિલ્મો જુઓ; પ્રકૃતિને લગતા વીડિયો જુઓ અને મોટિવેટિંગ પોડકાસ્ટ સાંભળો.
  • શક્ય હોય ત્યારે બાળક જોડે રમતો રમો - બોર્ડ ગેમ અથવા ફિઝિકલ ગેમ.

તમારા કુટુંબીજન અને પ્રિયજનની સુરક્ષા અને સુખાકારી માટેની પ્રાર્થના સહ... હૅપ્પી મધર્સ ડે!
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)