• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Definitions Of Perfection Are Also Different And The Understanding Is Also Different ... But The Rhythm Of The Relationship Should Not Be Disturbed In Preserving Perfection.

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:પરફેક્શનની વ્યાખ્યાઓ પણ જુદી અને સમજણ પણ અલગ... પણ પરફેક્શન સાચવવામાં સંબંધનો લય ન ખોરવાઈ જવો જોઇએ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ દુનિયા જેણે પણ બનાવી હોય તે પરફેક્ટ છે કે નહીં તેની ખબર નથી, પણ આ દુનિયામાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે પરફેક્શનની દુરાગ્રહી હોય છે. તેમનો સ્વભાવ એવો હોય છે કે દરેક કામ પરફેક્ટ થવું જોઈએ. દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ. દરેક ક્રિયા અને પ્રક્રિયા એકદમ ચોક્કસ હોવી જોઈએ. બધું નિયત ધોરણો અનુસાર જ થવું જોઈએ. આવી વ્યક્તિઓ ડગલે ને પગલે પરફેક્ટ રહેવાનો અને પોતાની સાથે રહેતી વ્યક્તિઓને પરફેક્ટ રાખવાનો આગ્રહ સેવે છે.

આ આગ્રહ ઘણી વખત આતંકવાદ કે અત્યાચારની હદે આચરવામાં આવતો હોય છે. પરફેક્શનના આગ્રહની સંબંધો ઉપર અસર પડે? ચોક્કસ પડે. વિશ્વમાં અત્યાર સુધી પતિ-પત્નીના સંબંધોમાં પડેલી તિરાડો અને પતિ-પત્નીના સંવાદો વખતે પડાયેલી રાડોમાં આ પરફેક્શનના પરિબળનો સૌથી મોટો ફાળો હોઈ શકે છે. તમે આસપાસમાં નજર કરશો તો પતિ-પત્નીના સંબંધોમાં જે નાનો-મોટો સંઘર્ષ થતો હોય છે તેમાં કામ કરવાની રીત જુદી જુદી હોય તે પરિબળ સૌથી મહત્ત્વનું હોય છે.

અમારા એક મિત્ર ઉદ્યોગપતિ મુંબઈમાં રહે. ખૂબ સારું કમાય. તેમને સાહિત્ય અને સંગીતમાં ગહન રૂચિ. આવા કાર્યક્રમો મન ભરીને માણે અને મિત્રોને પણ તેમાં જોડે. ધબકતા માણસ. માનવતાવાદી સ્વભાવ. જીવનરસ દરેક ક્ષણે માણવો જોઈએ એવું માને. તેમના સ્વભાવની એક ખાસિયત. જબરદસ્ત પરફેક્શનના આગ્રહી. તેમને પોતાનું દરેક કામ પરફેક્ટ રીતે જ થયેલું જોઈએ. બ્રશ કરીને પેસ્ટ અમુક ચોક્કસ રીતે જ મુકાવી જોઈએ. ડાઈનિંગ ટેબલ નક્કી થયેલી રીતે જ ગોઠવાયેલું જોઈએ. ઘરની દરેક ચીજ યોગ્ય જગ્યાએ જ જોઈએ. એ જ રીતે દરેક કામ સમયસર અને સહેજ પણ ભૂલ વગર જ થવું જોઈએ. ભૂલ કે ચૂક તો થવી જ ન જોઈએ. આવો તેમનો આકરો સ્વભાવ. કહેવાની જરૂર નથી કે તેમનું લગ્નજીવન બરાબર નહોતું. તેઓ પોતાની પત્ની પાસેથી એક એક બાબતમાં પરફેક્ટનેસનો આગ્રહ રાખતા હતા અને બીજીબાજુ તેમની પત્ની એવું કરી શકતાં નહોતાં. એને કારણે ઘરમાં સતત વિસંવાદનું વાતાવરણ રહ્યા કરતું.

આવું સ્ત્રીના કિસ્સામાં પણ બનતું હોય છે. ઘણી સ્ત્રીઓ જબરદસ્ત પરફેક્શનનો આગ્રહ રાખતી હોય છે. તેઓ પોતાના ઘરમાં દરેક ચીજવસ્તુ યોગ્ય રીતે અને યોગ્ય ક્રમમાં મુકાયેલી હોય તેવું માને અને મનાવે. એવું જ લાગે કે, ભગવાને આ જીવન વ્યવસ્થા જાળવવા માટે જ આપ્યું છે. જીવન માટે વ્યવસ્થા નથી, પણ વ્યવસ્થા માટે જીવન છે, એ રીતે તેઓ જીવે. એક બહેન તો હદ બહારનાં ચોક્કસ. એટલા બધા ચોક્કસ કે કોઈ સારા મનોચિકિત્સકને બતાવવાનું મન થાય. સવારે જાગે ત્યારથી શરૂ કરીને આખો દિવસ તેઓ સતત કામમાં રોકાયેલાં હોય અને ઘરના તમામ સભ્યો યોગ્ય રીતે યોગ્ય કામ કરી રહ્યા છે કે નહીં તેનું સતત ધ્યાન જ રાખતાં હોય.

દીકરો બેઠો હોય તો કઈ રીતે બેઠો છે, દીકરીએ વાળ ઓળ્યા છે તો કેટલા સમયમાં અને કેવી રીતે ઓળ્યા. પતિદેવ મોબાઈલ ફોન પર કઈ રીતે વાત કરતા હતા, તેમણે ચા કઈ રીતે પીધી, ચાવવામાં વધારે સમય લીધો કે ઓછો... આવી ઝીણી ઝીણી બાબતોનું તેઓ ખૂબ ધ્યાન રાખે. ધ્યાન રાખવામાં સહેજ પણ ચૂક ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખે. જાણે કે, ચોકીદાર કે સુપરવાઈઝર ના હોય. એમાંય જો કોઈ કામ યોગ્ય રીતે ન થયું તો આવી બન્યું. બીજી બધી વાતો બાજુ પર રહી જાય અને એ કામ કેમ પરફેક્ટ ન થયું તેની ચર્ચા ચાલ્યા કરે.

એકવાર, એક બહેને પોતાના પતિની બંદૂકની ગોળી મારીને હત્યા કરી. પોલીસ કોન્સ્ટેબલો પહોંચી ગયા. પોલીસે તરત ઈન્સ્પેક્ટરને ફોન કરીને કહ્યું કે, એક સ્ત્રીએ પોતાના પતિની હત્યા કરી છે. પત્નીએ પોતું માર્યું હતું અને પતિ તેના પર ચાલ્યો હતો. ઈન્સ્પેક્ટરે કહ્યું કે, તાત્કાલિક એ સ્ત્રીની ધરપકડ કરી લો. કોન્સ્ટેબલે જવાબ આપ્યો કે, સાહેબ પોતું હજી સુકાયું નથી અને એના હાથમાં બંદૂક છે.

આ આમ તો રમૂજ છે. પરંતુ તેમાં ભારોભાર તથ્ય છે. અનેક પતિદેવો અને પરિવારજનો પત્નીઓના ચોક્કસ આગ્રહને કારણે હેરાન થતા હોય છે. સ્ત્રીઓના આવા વર્તન અને વલણ પાછળ પણ ચોક્કસ કારણો હોય છે. એને સવારથી સાંજ સુધી અનેક પ્રકારનાં કામો કરવાનાં હોય છે. સ્ત્રીઓને અબળા ગણનારા લોકો સ્ત્રીઓ કેટલાં કામ કરે છે તેની જો સૂચિ બનાવે તો જ ખબર પડે કે સ્ત્રીને કેટલો બધો શ્રમ કરવો પડે છે.

કવિ ઉમાશંકર જોશી સાચું જ કહેતા હતા કે, આપણે સ્ત્રીઓ પાસેથી આટલાં બધાં કામ લેવાં જોઈએ? કવિના આ પ્રશ્નનો ઉત્તર હજી સુધી સમાજે આપ્યો નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે સદીઓથી સ્ત્રીઓને ઘરમાં અને રસોડામાં પૂરીને તેના મનોજગતને સંકુચિત કરી દેવાયું છે. આ સંકુચિતતાની અસર સ્ત્રીના સ્વભાવ ઉપર પણ પડે જ. સ્ત્રી સવારથી ઊઠે ત્યારથી અનેક કામો તેની રાહ જોઈને ઊભાં હોય છે. માનસિક રીતે સ્ત્રી સતત એકનાં એક કામો કરીને કંટાળેલી હોય છે. એ પરિબળ પણ ખૂબ મહત્ત્વનું છે. આવી સ્થિતિમાં ઘરના સભ્યો અને ખાસ કરીને પતિએ તટસ્થ અને ઉદારતાથી સ્ત્રીઓને જોવી અને મૂલવવી જોઈએ. ભારતીય સમાજમાં પુરૂષો ઘરકામ કરવામાં માનતા જ નથી. આ મોટું દૂષણ છે. પુરૂષો એવું માને છે કે, અમે આર્થિક ઉપાર્જન કરીએ એટલે વાત પૂરી. અમે કમાઈએ પછી કંઈ ના કરીએ. જે ઘરમાં સ્ત્રીઓ નોકરી કરતી હોય છે એ ઘરમાં પણ પુરૂષો ઘરકામમાં મદદ કરતા નથી. આવી સ્થિતિમાં સ્ત્રીઓનું વલણ ચોક્કસ પ્રકારનું થાય છે. જો સ્ત્રીઓને મેનોપોઝની અવસ્થા હોય તો સ્થિતિ વધારે સંવેદનશીલ બને છે.

આવી સ્થિતિમાં ઘરના પુરૂષવર્ગે શાણપણ દાખવીને વર્તન કરવું જોઈએ. પરફેક્શન ઘણી સારી બાબત છે. એ ગુણ છે. દરેક કાર્ય યોગ્ય રીતે થાય તે ઉત્તમ સ્થિતિ છે. જાણીતા મોટિવેશનલ મહાનુભાવો શિવ ખેરાનું જાણીતું પુસ્તક છે 'યુ કેન વિન.' આ પુસ્તકની અત્યાર સુધી લાખો નકલો વેચાઈ છે. આ પુસ્તકનું ધ્યાન વાક્ય એ છે કે, વિશ્વના સફળ લોકો જુદું કાર્ય નથી કરતા, જુદી રીતે કાર્ય કરે છે. આ વાત ખૂબ મહત્ત્વની છે. દરેક કામ કઈ રીતે થાય છે તે મહત્ત્વનું છે. આપણાં શાસ્ત્રોમાં પણ આ વાત કહેવાઈ જ છે. દરેક કાર્ય યોગ્ય રીતે કરો. દરેક કાર્ય પૂર્ણ ધ્યાનથી કરો. વેઠ ના ઉતારો. કરવા ખાતર કામ ના કરો. જે કરો તે શ્રેષ્ઠ કરો. આ વાત એકદમ યોગ્ય છે. દુનિયાની દરેક વ્યક્તિએ દરેક કાર્ય શ્રેષ્ઠ રીતે જ કરવું જોઈએ.

વાસ્તવિકતામાં એ કાયમ શક્ય બનતું નથી. દરેક વ્યક્તિની ક્ષમતા અને સજ્જતા જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિ જીનિયસ હોતી નથી. દરેક વ્યક્તિ પ્રતિભાશાળી હોતી નથી. દરેક વ્યક્તિ તેજસ્વી હોતી નથી. દરેકની શક્તિઓ જુદી જુદી હોય છે. આવી સ્થિતિમાં સામૂહિક કાર્ય કાયમ પરફેક્ટ જ થાય એ જરૂરી નથી. થાય તો સારું પણ ના થાય તો? ના થાય તો તેને સંઘર્ષનો, વિવાદનો કે પછી ચર્ચાનો મુદ્દો ન બનાવવો જોઈએ. જ્યારે એવું કરવામાં આવે ત્યારે સંબંધો ડહોળાય છે. જ્યારે એવું કરવામાં આવે ત્યારે એવી એરર આવે છે જે એન્ટિ સોફ્ટવેરથી પણ રોકાતી નથી. ઘણીવાર તો એવી ભારે માઈલી એરર કે વાયરસ આવી જાય છે કે સિસ્ટમ આખી ફોર્મેટ કરો ત્યારે જ મેળ પડે છે.

પરફેક્શનની બધાની વ્યાખ્યા પણ જુદી જુદી હોય છે. સમજણ પણ જુદી જુદી હોય છે. અમુક લોકો અમુક સ્તરે રાખેલી કાળજીને પરફેક્ટ માનતા હોય તો અમુક લોકો કામ થાય એને જ પરફેક્ટ ગણતા હોય છે. વિશ્વમાં એવા અનેક લોકો છે જે લોકો કામ થાય એને જ સાધ્ય ગણે છે. એ કામ કેવું થયું એમાં તેમને રસ હોતો નથી. કામ થઈ ગયું એટલે વાત પતી ગઈ. દરેક કામ વિધિ હોય અને તે પતાવવાની હોય તેમ તેઓ માને છે. આવા લોકો દરેક કામને પતાવી દેવાના મૂડમાં જ હોય છે. કામ સામે આવે એટલે બસ એને કરી નાખો. એને પતાવી નાખો. વાત પૂરી. જ્યારે કેટલાક લોકો દરેક કામને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ કામ હોય તેમ માનીને તે કરે છે. પોતાનું બધું જ શ્રેષ્ઠ તેમાં આપી દે છે.

સમાજમાં આ બંને પ્રકારના લોકો રહેવાના જ. એમાં સારા કોણ છે અને ઓછા સારા કોણ છે એવો ભેદ કરવાની જરૂર નથી. એમાં પડવાની જરૂર નથી. જો સંબંધોને મોટી અસર થતી હોય તો આવી નાની નાની બાબતોને અવગણવી જોઈએ. હિન્દી ફિલ્મોના અભિનેતા આમિર ખાન ‘મિ. પરફેક્ટ’ તરીકે ઓળખાય છે. તેમણે બે-બે લગ્ન કર્યાં. પરંતુ એ બંને તૂટ્યાં. પરફેક્ટ રહેવાની લ્હાયમાં આવું થયું હશે?

જતી વેળાનું સ્મિતઃ
કાયદેસર છૂટાછેડા લીધા પછી પણ કેટલાંક દંપતી એકબીજાને માનસિક રીતે, આર્થિક રીતે અને લાગણીથી મદદ કરતા હોય છે. તેનો અર્થ જ એ થયો કે, લગ્ન એ માત્ર સેક્સ્યુઅલ જરૂરિયાત નથી.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...