એક પિતાએ એની લાડકવાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખૂબ સારો અને સંસ્કારી હતો એટલે છોકરીના પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઊતરી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એક દિવસ છોકરીના સાસરિયાંવાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા. દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી. ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખૂબ સાવચેતી રાખવાનું કહેલું અને ખાંડવાળી ચા પીવાની મનાઈ કરેલી, પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી. ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે?
બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડૉકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા, ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી. છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધી ખબર કેમ પડી? જ્યારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગર ના રહી શક્યા કે મારે શું ખાવાનું છે, શું પીવાનું છે, મને કેવો ટેસ્ટ પસંદ છે... આ બધી ખબર તમને કેમ પડી? દીકરીનાં સાસુએ કહ્યું, ‘કાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો. એણે મને કહ્યું કે મારા પપ્પા એના સ્વભાવ પ્રમાણે કંઈ બોલશે નહીં, પણ એની તબિયતને ધ્યાને લેતાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે મારા પપ્પાને સાચવજો.’
બાપની આંખ ભીની થઇ ગઈ.
છોકરીના પિતા ઘરે આવ્યા એટલે ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દીધો. એનાં પત્નીએ પૂછ્યું, ‘કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો?’ આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને કહ્યું, ‘મને આજે ખબર પડી કે મારું ધ્યાન રાખનારી મારી મા ગઈ જ નથી. આ જ ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે.’
***
જેના ઘરમાં દીકરી હોય એને બે માનો પ્રેમ મળે છે, એક જન્મદાત્રી મા અને બીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ સાચવતી મા. દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની મા પણ હોય છે. ઘણી દીકરીઓએ આ સાબિત કરીને બતાવ્યું છે કે એક મા જેવી રીતે એના દીકરાનું ધ્યાન રાખે એવી જ રીતે દીકરી એના પિતાનું ધ્યાન રાખતી હોય છે અને એટલે દીકરીનાં લગ્નબાદ વિદાય વખતે ગમે તેવો ભડવીર બાપ પણ ભાંગીને ભુક્કો થઇ જાય છે. મા બનીને પિતાનું ધ્યાન રાખનાર, પિતાની ચિંતા કરનાર અનેક દીકરીઓ પૈકી આજે એક દીકરીની વાસ્તવિક વાત કરવી છે અને કોરોનાકાળ દરમિયાન પિતા માટે અકલ્પનીય કામ કરનાર દીકરીના બાપ પરના વ્હાલની યાદ અપાવવી છે.
દિલ્હીના ગુડગાંવમાં રહેલા બંસીલાલ ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રિક્ષાનો અકસ્માત થતા બંસીલાલ પથારીવશ થયા. 7મા ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષની દીકરી જ્યોતિ પિતાનું તમામ રીતે ધ્યાન રાખતી અને સારવાર કરતી. કોરોનાના પ્રથમ વેવ વખતે લોકડાઉનના કારણે મકાન ભાડું ન ચૂકવી શકતા સામાન્ય મકાનમાં રહેતા મકાન માલિકે બંસીલાલને મકાન ખાલી કરવાનું કહ્યું. હવે શું કરીશું એની ચિંતા કરતા પિતાને દીકરીએ સાંત્વના આપી અને અન્ય કોઈ આશ્રયસ્થાનમાં રહેવાના બદલે વતનમાં જવાનું નક્કી કર્યું. બિહારમાં આવેલું વતન દરભંગા પોતે જ્યાં રહેતા હતા ત્યાંથી 1200 કિમી. દૂર હતું. બિહાર તરફ જતા ટ્રકવાળાનો સંપર્ક કર્યો તો તેણે ભાડાના 6000 રૂપિયા કહ્યા. આટલી રકમ એમની પાસે હતી નહિ એટલે નાની દીકરીએ વતન જવા માટેનો બીજો રસ્તો વિચાર્યો.
અકસ્માતનો ભોગ બનેલા પિતાને સાયકલ પર બેસાડીને વતન જવાનું જ્યોતિકુમારીએ નક્કી કર્યું. પિતાએ સમજાવી કે, ‘બેટા, આ કાંઇ 15-20 કિલોમીટર નથી જવાનું, પણ 1200 કિમી દૂર જવાનું છે. 15 વર્ષની દીકરીએ હિંમતપૂર્વક કહ્યું કે ભલે 1200 કિમી કાપવાના હોય, હું તમને પહોંચાડી દઈશ. તમે અત્યાર સુધી મારો ભાર ઉપાડ્યો છે. હવે હું તમારો ભાર ઉપાડીશ. તમને કોઈ વાંધો નહોતો આવ્યો એમ મને પણ કોઈ વાંધો નહિ આવે.’
ઘરમાં સાયકલ પણ નહોતી એટલે 500 રૂપિયામાં સાયકલ લીધી અને પિતાને પાછળની સીટ પર બેસાડીને 7મા ધોરણમાં ભણતી દીકરી વતન જવા નીકળી પડી. તા. 10મી મે 2020ના રોજ એણે યાત્રા શરૂ કરી અને 7 દિવસમાં 1200 કિમીનું અંતર કાપીને જ્યોતિ એના પિતા સાથે વતનના ગામમાં પહોંચી હતી.
દિલ્હીથી નીકળ્યા ત્યારે સાથે માત્ર 600 રૂપિયા હતા. રાત-દિવસ જ્યોતિએ સાયકલ ચલાવી. 2-3 કલાક સાયકલ ચલાવ્યા બાદ રસ્તામાં આવતા પેટ્રોલપંપ પર ઊભા રહીને થોડો આરામ કરી લે અને ફરીથી સાયકલ ચલાવવા માંડે. રસ્તામાં આવતી રાહત છાવણીઓમાં ભોજન કરી લે અને યોગ્ય જગ્યા મળે ત્યારે થોડી ઊંઘ કરી લે. આવી રીતે મુસાફરી કરીને પોતાના પિતા સાથે આ દીકરી વતનના ગામ પહોંચી ગઈ. જેવી રીતે એક મા પોતાના દીકરાની ચિંતા કરે અને એના માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરે એવી રીતે જ્યોતિએ માની જેમ પિતાની ચિંતા અને મદદ કરી.
દીકરીઓ પિતાને મા જેવો જ કે કદાચ એથી પણ અધિક પ્રેમ કેવી રીતે કરે છે એ તો દીકરીના પિતાને પૂછો તો ખબર પડે!
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.