તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Carcass Of Bharatmata Was Formed By Quoting Suffering, It Is Our Origin And It Is Our Clan; I, You And We Are All Children Of A Sage!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેદવાણી:વેદના ટાંકણે ઘડાયું ભારતમાતનું કલેવર, એ આપણું મૂળ અને એ જ આપણું કુળ; હું, તમે અને આપણે સૌ ઋષિનાં સંતાન!

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાચક મિત્ર, તમે ‘નેતિ નેતિ’ શબ્દ સાંભળ્યો હશે. ‘નેતિ’ એટલે ‘ન ઈતિ’. જેનો અંત કે છેડો ન હોય તે નેતિ! શાસ્ત્રકારો કહે છે, વેદા અનંતા! વેદ શું છે? તેમાં શું શું છે? તેની રસપ્રદ વાતો કરીશું પણ તે પહેલાં તૈતિરીય આરણ્યકની વેદની અનંતતા દર્શાવતી એક સુંદર કથા માણીએ.

માણસ કેટલું જાણી શકે? પર્વતમાંથી મુઠ્ઠી જેટલું!
વેદના મહાન ઋષિઓમાં એક નામ મહર્ષિ ભરદ્વાજ છે. તેમની જ્ઞાનની તરસ પણ ખૂબ તીવ્ર. તેમણે ત્રણ જન્મ સુધી જીવનભર વેદદર્શન કર્યું. તો પણ તેમની જાણવાની ઇચ્છા વધુને વધુ તીવ્રતર બનતી રહી. તેમની સાધનાથી પ્રભાવિત થઇ ઇન્દ્રદેવ તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે જો તમને ચોથી વાર માનવજીવન મળે તો શું કરશો? મહર્ષિએ કહ્યું, ‘હું બસ આમ સતત અભ્યાસ કરતો રહીશ, જ્યાં સુધી મને તેનો અંત ન જડી જાય ત્યાં સુધી.’ ઇન્દ્રદેવે તેને ત્રણ મોટા પર્વત દેખાડ્યા. અને કહ્યું, ‘આ વેદત્રયી (ઋક, યજુસ્ અને સામ) છે. મહર્ષિ ભરદ્વાજ ચકિત થઇ ગયા. એ પર્વતોનો છેડો તેમને દેખાતો જ નહોતો! પછી ઇન્દ્રદેવે તેમને એ ત્રણેય પર્વતોમાંથી એક એક મુઠ્ઠી માટી લઇને ભરદ્વાજને આપી અને કહ્યું કે માણસ માટે આટલું જ કાફી છે, વેદ તો અનંત છે!’

આ વાતનો સાર કેવો મજાનો છે? કોઇ એક વિષયમાં પીએચ.ડી. કરી લઇએ તો પણ બધું ક્યાં જાણી શકીએ છીએ? અને તે પણ આધુનિક યુગમાં આટઆટલા સાધનો હોવા છતાં! ગ્રીક વિદ્વાન એરિસ્ટોટલ કહે છે, ‘The more you know, the more you realize you don’t know!’ અર્થાત્ તમે જેટલું વધુ જાણો તેમ તેમ હજુ શું શું નથી જાણી શક્યા નથી એ વાતનો તમને અહેસાસ થાય! આવી જ વાત ‘તાઓ તે ચિંગ’માં લાઓ ત્ઝુ કહે છે, ‘The wise man is one who knows what he doesn’t know!’ પોતે શું નથી જાણતો, એ જાણે તે ખરો જ્ઞાની. વેદ અનંતા!

વેદ કેટલા? ત્રણ કે ચાર?
વિદ્વાનો વેદત્રયી એવો શબ્દ વાપરે છે. બીજી બાજુ વેદોની સંખ્યા ચાર- ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ- હોવાનું બધા સ્વિકારે છે. અહીં સ્પષ્ટતા કરીએ કે વેદત્રયી શબ્દ વેદની સંખ્યા માટે નથી. ચારેય વેદોમાં ઋક્, યજુષ્ અને સામ નામના ત્રણ પ્રકારના મંત્રો છે. જેને વેદત્રયી કહે છે. ‘ઋક્’માં શબ્દસંખ્યા નિશ્ચિત હોય છે અને તે પદ્યાત્મક હોય છે અને તેનો ઉચ્ચાર છંદબદ્ધ રીતે કરવામાં આવે છે. તેને ઋચા પણ કહે છે. ઋગ્વેદમાં મોટેભાગે આ પ્રકારના મંત્રો છે. યજુષ્ શબ્દ યજ્ પરથી આવ્યો છે. તે યજ્ઞયાગાદિ કર્મકાંડમાં ઉપયોગમાં લેવાય છે. આ મંત્રો ગદ્યાત્મક છે. છેલ્લો પ્રકાર સામ છે. સામ એટલે સંગીત. જે લયબદ્ધ રીતે ગવાય તે સામ! સામવેદમાં આ પ્રકારના મંત્રો છે. જો કે સામવેદમાં મોટે ભાગે ઋગ્વેદના મંત્રો છે. આ ત્રણેય પ્રકારના મંત્રો ચારેય વેદમાં ઓછેવધતે અંશે જોવા મળે છે. આપણે ચારેય વેદ અંગે આગળ વાત કરીશું પણ અત્યારે આટલું સમજી લઇએ કે વેદ ચાર છે અને તેમાં આવતા મંત્રો ત્રણ પ્રકારના છે.

શા માટે વેદને શબ્દપ્રમાણ (Ultimate Authority) માનવામાં આવે છે?
વેદ શબ્દની વ્યાખ્યા ચાર રીતે થાય છે. ‘વિદ્ સત્તાયામ્’, ‘વિદ્ જ્ઞાને’, ‘વિદ્ વિચારણે’ અને વિદ્લૃ લાભે’. એટલે કે વેદમાં સત્તા (Authority, Relevance), જ્ઞાન (Knowledge), વિચાર (Thinking) અને લાભ (Usefulness) એમ ચાર ગુણો જોવા મળે છે. સત્તા શબ્દ ‘સત્’ પરથી આવ્યો છે. જે અવિનાશી અને સ્થળ-સમયની મર્યાદાઓથી પરે હોય તે સત્. વેદ પરમાત્માની વાણી છે અને ઋષિએ તેનું પ્રત્યક્ષ દર્શન કર્યું છે, એટલે તેની સત્તા અમર્યાદ અને અનંત છે.

આપણે ત્યાં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ ત્રણ પ્રકારનાં પ્રમાણ (પુરાવા) માનવામાં આવ્યા છે. કોઇપણ થિયરી આ ત્રણની કસોટીએ ચકાસવામાં આવે છે. જે આંખથી જોયું હોય તે પ્રત્યક્ષ. રોજબરોજની કે રંગ, આકાર કે અંતર જેવી સામાન્ય બાબતોમાં પ્રત્યક્ષ પ્રમાણ વાજબી છે. જો કે માણસની ઇન્દ્રિયો અને તેની સમજશક્તિ મર્યાદિત છે. ઘટના જટિલ હોય તો આંખે જોયેલું પણ પૂરેપૂરું ન સમજાય. એક જ ઘટનાના બે સાક્ષીઓની અનુભૂતિ અલગ પણ હોઇ શકે. જેને આપણે દૃષ્ટિકોણ કહીએ છીએ. એટલે પ્રત્યક્ષ પ્રમાણ સો ટકા આધારભૂત ન કહેવાય. એ જ રીતે અનુમાન પણ માણસની માનસિક મર્યાદાઓથી બંધાયેલું છે. જેમ કે, ધુમાડો હોય ત્યાં અગ્નિનું અનુમાન થઇ શકે પણ અગ્નિ હોય ત્યાં ધુમાડો હોવો જરુરી નથી! વેદના મંત્રોને શબ્દપ્રમાણ કહે છે. ઋષિએ શાંત, તટસ્થ અને પારદર્શક સમાધિ અવસ્થામાં પરમાત્માનો સાદ ઝીલેલ છે. વળી ગુરુ-શિષ્ય પરંપરાથી શ્રુતિ પરંપરાથી (સાંભળીને) અકબંધ રીતે જાળવવામાં આવ્યા છે. એટલે વેદ અને તેનું શબ્દપ્રમાણ આખરી છે.

વેદ, નિરુક્ત અને સાયણાચાર્ય:
વેદ ક્યાંથી આવ્યા? એ વાતનો ફોડ નિરુક્ત પરના ભાષ્યકાર સાયણાચાર્ય આપે છે, ‘યસ્ય નિ:શ્વિતં વેદા યો વેદેભ્ય: અખિલં જગત!’ વેદ એ પરમાત્માના પ્રાણમાંથી પ્રગટ થયા કે જે પોતે અખિલ જગતને જાણે છે! ‘અથાપિ પ્રત્યક્ષકૃતા: સ્તોતારો ભવન્તિ’ જે વેદના મંત્ર, દેવતા અને જ્ઞાનને પ્રત્યક્ષ રીતે જોઇ શકે એવા દૃષ્ટા એટલે ઋષિ! નિરુક્ત એટલે વેદના શબ્દોનો અર્થ સમજવાની ડિક્શનરી. સાયણાચાર્યે નિરુક્ત પર ભાષ્ય (સમજુતિ) લખીને બહુ મોટો ઉપકાર કર્યો છે. જેના આધારે આપણે વેદમંત્રોને સમજી શકીએ છીએ.

વેદ - સત્યમ્-શિવમ્-સુંદરમ્ જીવનમાર્ગ

કોઇ કહેશે કે મારી પાસે વેદો વાંચવા સમજવાનો સમય ક્યાં છે! તમે માનશો? મોટાભાગની આપણી માન્યતાઓ, પરંપરાઓ અને જીવનવ્યવહારમાં ક્યાંક ને ક્યાંક વેદ વણાયેલા છે. વડીલો અને વિદ્વાનોને આદર આપવો એ વાત સહુ માને છે, ખરું ને? બાળકો, વૃદ્ધો અને દુ:ખી-બીમાર વ્યક્તિની સેવા કરવી જોઇએ. કવિશ્રી દુલા ભાયા કાગના ભજન ‘એ જી તારા આંગણિયાં પૂછીને જો કોઇ આવે તો આવકારો મીઠો આપજે હો જી’માં આપણી ગૌરવશાળી અતિથિ-સત્કારની પરંપરાની વાત છે. સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, નિ:સ્વાર્થ સેવા, ત્યાગ-બલિદાન જેવા માનવધર્મો હજારો વર્ષથી આ વિશાળ દેશમાં પળાઇ રહ્યા છે. આ બધું કોઇ અકસ્માત્ કે યોગાનુયોગ નથી. આ જીવનમૂલ્યોને લગતા મંત્રો, સૂક્તો અને આખ્યાનોથી વેદસંહિતા છલોછલ છે. એ વેદની શિક્ષા-દીક્ષા જ છે, જેણે ભારતીયતા ઘડી છે!

શ્રીમદ્ભાગવતના મંગલાચરણમાં વેદ વ્યાસજી શ્રીકૃષ્ણ લીલામૃતને ‘નિગમ (વેદ) કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ’ કહે છે. ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણ માટે કહેવાય છે કે તેમણે વેદધર્મની વેલને પુનર્પલ્લવિત કરવા અવતાર ધરેલ હતો! થીયરીને કોઇ પ્રેક્ટિકલ કરી બતાવે તો લોકો માને, ખરું ને? તમે આ આદર્શોને માનો અને પાળો છો મિત્ર? તો સમજી લો કે તમે વેદના ઋષિનાં ગૌરવશાળી સંતાન છો!

આજનું અમૃતબિંદુ: ‘દેવ પિતૃ મનુષ્યાણાં વેદશ્ચક્ષુ સનાતન:!’ વેદ દેવતા, વિદ્વાન પૂર્વજો અને માણસની સનાતન દૃષ્ટિ છે. જેણે જોયું તેણે જાણ્યું! વળી એમ પણ કહે છે, ‘ભૂતં ભવ્યં ભવિષ્યં ચ સર્વં વેદાત્ પ્રસિદ્ધ્યતિ!’ જે કંઇ બની ગયું છે, બની રહ્યું છે અને બનવાનું છે, તેનો તાળો વેદમાં મળે છે. જય વેદમાતા!

holisticwisdom21c@gmail.com

(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો