• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • The Behavior Of The Parents Towards Each Other Is The Foundation Of The Child's Future Relationship, So Maintain Mutual Harmony And Respect.

પોઝિટિવ પેરેન્ટિંગ:માતા-પિતાનું એકબીજા સાથે વર્તન બાળકના ભવિષ્યના સંબંધોનો પાયો, એટલે પરસ્પર સામંજસ્ય અને માન જાળવી રાખો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડર્ન પેરેન્ટ્સની સૌથી મોટી મૂંઝવણ એ છે કે બાળક જોડે બંનેમાંથી કોણે સ્ટ્રિક્ટ રહેવું જોઈએ અને કોણે સોફ્ટ રહેવું જોઈએ, પણ અહીં વધારે જરૂરી એ છે કે બંનેમાં પરસ્પર સામંજસ્ય અને આદર હોવો જોઈએ, કારણ કે તેમનું આજનું વર્તન તેમના બાળકના ભવિષ્યના સંબંધોનો પાયો બનશે. આ વિશે વધુ જાણવા માટે આ લેખ વાંચીએ...

પેરેન્ટલ રોલ (ભૂમિકા) અને પોલ (થાંભલા)
બાળકના વ્યક્તિત્વનું ઘડતર મા-બાપના એકમેક સાથેના વર્તન પર આધાર રાખે છે. જ્યારે બંને વાલી એકબીજાનું માન રાખે તો બાળક પણ બંને લિંગો (સ્ત્રી અને પુરુષ)ને સરખું માન આપતા શીખે છે. કમનસીબે ઘણા કુટુંબોમાં આ મા-બાપનો સંબંધ બેલેન્સ્ડ નથી. બેમાંથી એકનું વર્ચસ્વ વધુ હોય છે. મોટાભાગે પિતાનું કારણ કે આપણો સમાજ પુરુષપ્રધાન છે. ઘણીવાર પેરેન્ટ્સ આ પૂર્વનિર્ધારિત જેન્ડર પેટર્નના શિકાર બની જાય છે, જ્યાં પિતા કડક હોવાની ભૂમિકા નિભાવે છે અને માતા સોફ્ટ (કોમળ) અને ગમ્ય હોવાનો રોલ નિભાવે છે. જો કે, આ કોઈ નિયમ નથી, કારણ કે ઘણા એવાં કુટુંબો પણ છે જ્યાં પિતા એક નર્ચરિંગ (પાલક) ભૂમિકા ધારણ કરી લે છે.

બાળક માટે કેવી રીતે કડક અને સોફ્ટ વચ્ચેનું સામંજસ્ય બનાવી રાખવું?
બાળકને મેટર્નલ (માતૃત્વ) અને પેટર્નલ (પૈતૃક) આ બંને પોલની સરખી જરૂરિયાત છે. આનો અર્થ એ છે કે બાળકને પોષણની જેટલી આવશ્યકતા છે તેટલી જ જરૂરિયાત સંરક્ષણ અને સીમારેખાઓની છે. બંનેમાંથી કોઈપણ વાલી આ ભૂમિકા નિભાવી શકે છે પણ અહીં યાદ રાખવાનો મુદ્દો એ છે કે બંને રોલમાં સામંજસ્ય બનેલું રહે.

એટલે જ્યારે એક પેરેન્ટ કડક રોલ ધારણ કરે છે ત્યારે બીજું સોફ્ટ ભૂમિકામાં આવી જાય છે. જેથી બાળક માટે એક બેલેન્સ બનેલું રહે. અસંતુલન ત્યારે થાય છે જ્યારે

  • બંને પેરન્ટ્સ વધુ પડતાં કડક અને અંકુશ રાખનારા હોય. જેથી બાળક ગૂંગળામણ અને રોષના વાતાવરણમાં ઉછરે છે.
  • બંને વાલીઓ વધુ પડતા સોફ્ટ, બેદરકાર અને છૂટછાટ આપનારા હોય ત્યારે સીમારેખાઓની અછતને કારણે બાળક જિદ્દી બની જાય છે.

બાળક માટે પેરેન્ટ્સ રોલ મોડલ છે
બાળક અને તેનાં પેરેન્ટ્સ એકબીજા સાથે કેવી રીતે વર્તી રહ્યા છે તે ઓબ્ઝર્વ કરે છે, કારણ કે બાળક માટે વાલી તેના રોલ મોડલ છે અને આ આગળ જઈને પાયો બને છે સંસારને લઈને બાળકના દૃષ્ટિકોણનો. પોતાના માતા કે પિતા સાથેના સબંધ બાળક માટે ભવિષ્યમાં બનતા સંબંધ નક્કી કરે છે.

તો જો ઘરે એક પેરેન્ટ વધુ પડતું ડોમિનેટિંગ હોય અને બીજું આજ્ઞાકારી તો બાળક પણ આવો જ વ્યવહાર અપનાવશે અને વળી એવા પણ કેસ હોય છે કે જ્યાં બાળક પછી તે દીકરો હોય કે દીકરી, જ્યારે એવું ઓબ્ઝર્વ કરે કે બેમાંથી એક પેરેન્ટ સફર (સહન) કરી રહ્યું છે ત્યારે તે બાળક મોટું થઈને પોતાના લગ્નજીવનમાં એક ખૂબ જ સકારત્મક રોલ ધારણ કરે છે. આનું એક સરસ ઉદાહરણ છે ત્રીસ વર્ષનો રોહન, જેના હાલમાં જ લગ્ન થયાં છે. તે શેર કરે છે કે, 'મારા પિતા ખૂબ જ ડોમિનેટિંગ અને ઓથોરિટેરિયન (સરમુખત્યારશાહી) વ્યક્તિ રહ્યા છે. હું એમને ખૂબ પ્રેમ કરું છું અને તેઓ પણ મને એટલો જ પ્રેમ કરે છે, પણ કુટુંબના બધા નિર્ણયો તેઓ આપમેળે લેવાથી ટેવાયેલા છે. મારાં પેરેન્ટ્સનાં લગ્ન ખૂબ જ નાની વયે થઇ ગયાં હતાં અને એમણે ક્યારેય મારી માને આગળ ભણવા ન દીધા કે બહાર કામ નથી કરવા દીધા. વળી, મારી માનું આખું જીવન એક જોઈન્ટ ફેમિલી (સંયુક્ત કુટુંબ) ની જરૂરિયાતો પૂરી કરવામાં અને બીજાના બાળકોના ઉછેરમાં વ્યસ્ત રહ્યું. મેં મારી નજરે મારી માની આવડતને દબાઈ જતા જોઈ છે. આમાંથી પાઠ ભણીને હું મારી પત્ની જોડે આવું નહીં થવા દઉં. હું તેને તે મૂળ સ્વાતંત્રતા આપીશ કે તે જાતે નક્કી કરી શકે કે તે શું કરવા માગે છે. પછી ભલે તે આગળ ભણવા માગતી હોય કે પછી કામ કરવા માગતી હોય કે પછી ઘરમાં રહેવા માગતી હોય, હું તેને તેના દરેક નિર્ણય જાતે લેવા માટે ફક્ત પ્રોત્સાહન જ નહીં આપું પણ તેને તેના લીધેલા નિર્ણયમાં સપોર્ટ પણ કરીશ.'

એક સરસ ઉદાહરણ
21 વર્ષની દીકરીની મા અમિતા શેર કરે છે કે, 'રિયા અમારું એકનું એક સંતાન છે. અમે (મારા પતિ અને મેં) ખાસ ધ્યાન રાખ્યું છે કે અમે તેની સામે પોતાને એક યૂનિટ તરીકે પ્રસ્તુત કરીએ અને ભેગા મળીને નિર્ણયો લઇએ અને આ સંદર્ભમાં અમે આ કરીએ છીએ. કોઈપણ વિષય પર જ્યારે કંઈ પણ નક્કી કરવાનું હોય તો અમે તેની હાજરીમાં તે મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. જેથી તેને ખબર પડે કે કદાચ અમારા દૃષ્ટિકોણ અને વિચારો જુદા હોઈ શકે છે પણ અંતિમ નિર્ણય તો અમે ભેગા મળીને જ લેતા હોઈએ છીએ. આમાંથી રિયાને એ પાઠ આપીએ છીએ કે અમારા સંબંધમાં અમને બંનેને પોતાનો મુદ્દો મૂકવાનો સરખો હક છે, અમે એકમેકનો પુરેપૂરો આદર કરીએ છીએ અને તેના ઉછેરમાં અમારો ફાળો સરખો છે.'

સમય કાઢી ચિંતન કરીએ
અંતમાં પોતાના ઉચ્છેર પર ચિંતન કરવું પણ જરૂરી છે. તમારા મા-બાપ એકમેક સાથે કેવું વર્તન કરતા હતા અને આની તમારા પર શું અસર થઇ, ખાસ કરીને દુનિયાને લઈને તમારા દૃષ્ટિકોણ પર? શું તમને એવું લાગે છે કે તમે ઘણી પેટર્ન રિપિટ કરી રહ્યા છો? અને શું તમે તમારા વ્યવહારમાં કોઈ ફેરફાર લાવવા માગો છો? આ આત્મજાગૃતિની એક સરસ પહેલ છે, કારણ કે આપણે ત્યારે જ આગળ વધી શકીએ જ્યારે આપણે આપણા પોતાના વર્તનની પેટર્ન વિશે માહિતગાર હોઈએ.

વાલીમાંથી જે પણ કડક હોય કે સોફ્ટ હોય તેનાથી કોઈ ફેર પડતો નથી. અહીં જે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તે એ છે કે તમારા બાળકના સંતુલિત વિકાસ માટે તમે બંને એકમેકનું માન રાખો.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)