મનન કી બાત:કળિયુગનો એવો જમાનો, જેમાં યોગી બનવું સારું પણ ભોગી બનવું ખરાબ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી ગયે હજી ગણતરીના દિવસો થયા છે પણ આ પર્વની ઉજવણીમાં લક્ષ્મી પૂજા એક ખૂબ મહત્ત્વનું અંગ ગણાય છે. વ્યાપારીઓ માટે લક્ષ્મી પૂજા અથવા ચોપડા પૂજન કર્યા વિના નવું વર્ષ શરૂ નથી થતું. ચોપડા પૂજન કરતી વખતે આપણે લક્ષ્મીની પૂજા કરી અને એમને વિનંતી કરીએ છીએ કે આપણા ઉપર એમના આશીર્વાદ બનાવી રાખે. આપણે કળિયુગના એવા જમાનામાં જીવીએ છીએ કે જેમાં યોગી બનવું સારું છે, પરંતુ ભોગી બનવું ખરાબ છે.

વેદોના જમાનામાં લોકો સારું નરસું કાળું ધોળું એ રીતે નહોતા વિચારતા. વિચાર એ હતો કે સામાન્ય પ્રજા માટે સૌથી સારું શું છે? પુરાણોનો ભક્તિ રસ આવ્યા બાદ જે વ્યક્તિ લક્ષ્મીથી દૂર રહી અને યોગ કરે છે એને સામાન્ય પ્રજા ખૂબ માન આપે છે અને જે વ્યક્તિ ભોગી તરીકે અથવા વ્યાપારી તરીકે ઓળખાય છે એને એક તીરછી નજરે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ તો લાલચુ છે. વ્યાપારને આવી કંપનીની નજરે જોવું એ કળિયુગમાં જ થયેલું છે. તો ચાલો આજે સમજીએ કે સાચા અર્થમાં લક્ષ્મી પૂજા શું છે અને શું લક્ષ્મીનો મોહ રાખવો એક ખરાબ વસ્તુ છે?

જૂની કથાઓમાં લક્ષ્મી હંમેશાં ઈન્દ્રદેવની બાજુમાં બિરાજે. ઈન્દ્રદેવ એટલે સ્વર્ગના રાજા. પરંતુ ઈન્દ્રદેવનું સ્વર્ગ, લક્ષ્મી ઉપસ્થિતિના કારણે જ સ્વર્ગ છે. એકવાર જ્યારે ગુસ્સામાં ઈન્દ્રદેવે લક્ષ્મીનું અપમાન કરેલું તો લક્ષ્મી જમીનની નીચે બિરાજી ગયાં અને સ્વર્ગ સ્વર્ગ ન રહ્યું. ઇન્દ્રદેવે અસુરોની મદદ લઈને સમુદ્રમાં તોફાન ઊભું કર્યું ત્યારે છેક લક્ષ્મી બહાર આવ્યાં. આ બધું કરવા માટે ઈન્દ્રદેવે વિષ્ણુની મદદ લેવી પડી. વિષ્ણુદેવે એ પણ ધ્યાન રાખ્યું કે અમૃત અસુરોના હાથમાં ન જાય. પરંતુ આ ઘટના બાદ લક્ષ્મીજી ઈન્દ્રદેવની બાજુમાં બિરાજવા કરતાં વિષ્ણુ દેવની બાજુમાં બિરાજ્યાં.

લક્ષ્મીજી એની જ પાસે બિરાજે છે જેની પાસે સૌથી વધુ શૌર્ય અને બુદ્ધિ હોય. છલ અને કપટથી દુર્યોધને પણ લક્ષ્મીજીને પામ્યા હતા. પરંતુ દુર્યોધનથી વધુ ચતુર કૃષ્ણદેવ નીકળ્યા. એ જ રીતે છલ અને કપટથી રાવણે પણ લક્ષ્મીજીને પામ્યા હતા. પરંતુ રાવણને પણ એનાથી વધુ ચતુર અને બળવાન રામ મળ્યા. જ્યારે પણ લક્ષ્મીજી છલ અને કપટથી પામવામાં આવે છે અને જે વ્યક્તિ લક્ષ્મીને પોતાની પાસે સંગ્રહ કરીને રાખવાની કોશિશ કરે છે એની પાસે લક્ષ્મી રહેતી નથી. એવું કહેવાય છે ને કે લક્ષ્મી ખૂબ ચંચળ છે એને વહેવા દેવી પડે.

સાચા અર્થમાં લક્ષ્મી લાંબે ગાળે એની પાસે નથી રહેતી જેને લક્ષ્મી સૌથી વધુ જોઈતી હોય છે. એવી વ્યક્તિ લક્ષ્મી જ્યારે એની પાસે હોય ત્યારે પણ ખુશ નથી હોતી. જ્યારે લક્ષ્મીજી ઈન્દ્રદેવ સાથે બિરાજતાં તો ઈન્દ્રદેવ સતત ચિંતિત રહેતા. એ સતત વિચાર્યા કરતા કે કોઈ તપસ્વી ઘોર તપ કરી અને લક્ષ્મીજીને લઈ જશે. એના કરતાં એની તપસ્યાને હું ભંગ કરું. અથવા જ્યારે કોઈ વ્યક્તિ બળવાન થતી હોય તો એને નિર્મળ કરવી જરૂરી છે અથવા એ મારી લક્ષ્મી પામી લેશે. આના કારણે જે વ્યક્તિ પાસે લક્ષ્મી હોય અને એને સંગ્રહ કરી રાખવો હોય એ વ્યક્તિ હંમેશાં એ જ ચિંતામાં રહે છે કે લક્ષ્મી જતી રહેશે તો? અને સાચા અર્થમાં લક્ષ્મી ટૂંક સમયમાં જ જતી પણ રહે છે.

પરંતુ જમીનમાંથી બહાર નીકળ્યા બાદ લક્ષ્મીજી વિષ્ણુ પાસે કેમ ગયાં? વિષ્ણુજીનું લક્ષ્ય ક્યારેય પણ લક્ષ્મીને પામવાનો નહોતું. વિષ્ણુજીનું લક્ષ્ય ધર્મ માટે જે સાચું કરવું જોઈએ એ જ કરવાનું હતું. વિષ્ણુએ દરેક યુગમાં એ જ કર્યું કે જે ધર્મ માટે અને પ્રજા માટે સારું હોય. જે વ્યક્તિ એવી કોઈ ક્રિયા કરશે કે જેનાથી સમાજનો ફાયદો થતો હોય અને જેનાથી સમાજમાં ખુશાલી પ્રસ્થાપિત થતી હોય એની પાસે લક્ષ્મી સામેથી ચાલીને આવશે. ટૂંકમાં કહીએ તો તમે કોઈપણ એવો વ્યવસાય કરો કે જેના કારણે સમાજમાં પ્રગતિ થાય, સમાજમાં ખુશાલી આવે તો તમારે લક્ષ્મી પાછળ નહીં ભાગવું પડે. એવું કહેવાય છે ને કે જો તમે સતત સ્કોર બોર્ડ સામે જોયા કરશો તો તમે ક્યારેય સેન્ચુરી નહીં બનાવી શકો.

મન: લક્ષ્મીનો સાચો ધર્મ સમાજની સફળતા અને ખુશીમાં છુપાયેલો છે. લક્ષ્મી નામનું મૂળ જ આ વસ્તુ કહે છે. સજીવ અને નિર્જીવ વ્યક્તિ વચ્ચે તફાવત છે ભૂખ. ઝાડ-પાન સૂર્યના તાપનો ભોગ કરે છે. કેટલાક પ્રાણીઓ ઝાડ-પાન ઊભાં કરે છે અને બીજા પ્રાણીઓ આ પ્રાણીઓનો સંભોગ કરે છે. આ રીતે ભોગ કરવો જીવનનું લક્ષ્ય છે અને આ લક્ષ્યમાંથી ઉત્પન્ન થાય છે લક્ષ્મી. એટલે ભોગ કરવું એ કોઈ ખરાબ વાત નથી. પરંતુ એકલા ભોગ કરવાની લાલસા રાખવી એ ચોક્કસ આપણા ભૂખ્યા સૂવાનું કારણ બની શકે છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)

અન્ય સમાચારો પણ છે...