વહેલી સવારે સ્વપ્નમાં જ જાણે કંઈક બન્યું, અનુની આંખો ખૂલી ગઈ.
'શું થયું હતું?' યાદ કરતી હોય એમ એ પડી રહી.
'દરિયો ઘેરા અવાજે જાણે મને કંઈક કહેતો હતો.'
'મારા જેવો ગાઢ નાતો મૂંગા પ્રાણીઓની જોડે છે, એવો દરિયા જોડે પણ ખરોને! કંઈક તો કહ્યું એણે મને!' પણ પછી એણે રોજિંદા કામમાં મન પરોવ્યું. કુદરતની દરેક ચીજ ઝાડ, પાન, પશુ, પંખી, વાદળ, વરસાદ બધાં એને ખૂબ વહાલાં. એ તો બધાં જોડે વાતો કરે ત્યારે લોકો એને ઘેલી ગણે અને હરણાં જોડે વાતચીત કરતાં જોઈ ગયા ત્યારે તો લોકોએ હસી જ કાઢ્યું કે અનુ હવે પાગલ થઈ ગઈ છે.
કાયમ ભળભાંખળું થતાં પહેલાં તો એ ઊઠી જતી, હરણાં, સસલાં, મોર, કબૂતર, બુલબુલ, ચકલી એવા બધાં એનાં બાળકો માટે ટિફિન બનાવતી. પ્રાણીઓ માટે ખાસ પ્રકારની બ્રેડ બનાવતી, પોતાના માટે રોટલી શાક બનાવતી. સાથે લીલાં શાકભાજી અને ઘઉંનો થેલો તો ખરો જ! આખા દિવસના જરૂરી સામાન સાથે દોડતી એ પોર્ટ બ્લેરના દરિયા કિનારે જેટ્ટી પર પહોંચી જતી અને બોટ હાજર હોય એમાં બેસી જતી.
'ચુન્નુ, સોનાલી, જાનકી, મીનુ, બાબા, ચીકલેટ બધાં પણ હમણાંથી જાણે કંઈક કહેવા માગતાં હતાં. હું ખવડાવું ત્યારે વિહવળ થઈને દરિયો સૂંઘતા હતાં. જાણે કંઇક કહેવું હતું પણ બિચારા ભોળા જીવને ભગવાને જીભ ક્યાં આપી છે? નહીં તો એ પણ આખો દિવસ મારી જોડે વાતો ન કરતા હોત!'
આ અનુ એટલે મૂળે એક ટૂરિસ્ટ ગાઈડ, જે આંદામાનના પોર્ટબ્લેરમાં રહેતી. એ રોજ બધો સામાન લઈને બોટમાં બેસી રોસ ટાપુ પર જાય અને વીસમી મિનિટે પહોંચે ત્યારે વન્ય જીવો એની રાહ જોતાં જ હોય. 'આજે મીનુનો પગ મચકોડાયો છે તો હળદરનો લેપ લગાવવાનો છે અને સોનાલી એને સારું હશે ને? બિચારી ગાભણી! હું હમણાં પહોંચી જઈશ ત્યાં સુધી બચ્ચાંને જન્મ ન આપી દે તો સારું.' એનું મન હરખાયું.
'એક હરણનો વધારો થશે હવે. માંડ વીસ હરણ હતાં. અત્યારે સંખ્યા બમણી થવા આવી છે. મોર અને સસલાં પણ ખાસ્સાં બચ્યાં છે અહીંની વિષમતામાં ભગવાને મને એમની સેવાનો મોકો આપ્યો! ધન્યવાદ પ્રભુ! મારો પરિવાર વધતો જાય છે.' મનમાં સતત એના પશુ પંખી રૂપી બાળકોનો વિચાર કરતી રહેતી હતી. આવી હતી અનેક બેઝુબાનની માતા અથવા તો એવું કહી શકાય કે આધુનિક શકુંતલા કે રોસ આઈલેન્ડની મધર ટેરેસા.. શું ઉપનામ આપવું એને?
બસ, બોટ નજીક જ હતી ટાપુથી પણ રોસ આઈલેન્ડ પર સન્નાટો લાગતો હતો. અનુ હજુ તો ટાપુ પર પગ મૂકે છે ત્યાં તો પેટાળમાં એક ભેદી ઘરઘરાટી સંભળાઈ. દરિયાનો રંગ બદલાઈ ગયો, જાણે જંગલનો દાવાનળ હોય, એ આગનો રંગ હોય, એવો કેસરી પીળો દરિયો થઈ ગયો. દુર્ગંધથી વાતાવરણ બદલાઈ ગયું. બોટમાંથી ટાપુ પર ઉતરેલા થોડાક લોકો કંઈ સમજે એ પહેલાં તો દરિયાનું પાણી ગુમ થઈ ગયું. નાની મોટી માછલીઓ તરફડવા લાગી. થોડીવારમાં ફરી એક જોરદાર ગર્જના સંભળાઈ. જાણે કોઈ મોટો દૈત્ય બધું ભરખી જવા આવ્યો! લોકો ડરને સમજે, શું થઈ રહ્યું છે એ વિચારે, એ પહેલાં તો ખરેખર બસ્સો ફૂટ ઊંચો જળરાક્ષસ, પ્રચંડ દરિયો ધસી આવ્યો. આ દરમિયાન અનુને તો ખ્યાલ આવ્યો એની સોનાલીનો. બહાદુર સોનાલી એટલે સોહામણી હરણીએ જાણે ભવિષ્ય ભાખી લીધું હોય એમ ઊંચા ટેકરા પર ચડી રહી હતી. બધાં જ પ્રાણીઓ તો ઊંચાણવાળી જગ્યાએ ચડી ગયાં હતાં. ગાભણી સોનાલીને ચાલતા વાર લાગી રહી હતી. અનુને જીવમાં જીવ આવ્યો. એ દોડી. પાછળ નજર કરતાં જોયું તો દરિયાએ ટાપુની ઘણી બધી વસ્તુઓ પોતાનામાં સમાવી લીધી હતી. ચીજ વસ્તુ, ઝાડ પાન, જાપાની હકુમત વખતની બંકરો, બ્રિટિશ રાજ વખતનો રેલવે ટ્રેક, બેકરી, લાયબ્રેરી, સંસદ બધું જ તૂટી ફૂટીને દરિયાના પેટાળમાં સ્વાહા થઈ ગયું હતું.
'કંઈ વાંધો નહીં, જેવી કુદરતની ઈચ્છા, હવે જે બચ્યું છે એને સંભાળવાનું'. અનુ બબડી અને મૂંગા પ્રાણીઓની સાથે રહીને એમને સુરક્ષિત રહેવામાં મદદ કરવા લાગી. 'આ અંગ્રેજોની રેલવેને આપણા ભારતીય લોકો પોતાના હાથે ખેંચીને ચલાવતા હતા. એમાં મારા પપ્પા પણ હતા. હવે આ રેલવે ટ્રેક, ભારતીયો પર થયેલા જુલમોની મને કારમી યાદ નહીં અપાવે.' અનુ મનમાં જ બોલી. રોસ આઈલેન્ડ હજુ પણ એની ભવ્યતા અકબંધ રાખી શક્યો હતો. અંગ્રેજોના રાજમાં ગુલામી સહન કરનાર પેઢીની ચોથી પેઢી હતી અનુ.
અનુને મનમાં તો સોનાલીની ચિંતા હતી. એ દોડી હરિણી સોનાલીને શોધવા. ઊંચા ટેકરે બેઠેલી સોનાલી એકદમ ઢીલીઢસ થઈને પડી હતી. હવે એને વેણ ઊપડી હતી. અનુ જઈને એને હાથ ફેરવતી ધીરેથી એના કાનમાં બોલી, 'તું આ જ કહેતી હતી મને? હું સમજી નહીં.' સોનાલી સખત ગભરાયેલી પણ હતી. અનુની મમતાથી એના જીવમાં જીવ આવ્યો. એ ફરી માતૃત્વની ફરજ નિભાવવા કોઈ જીવને જન્મ આપવાની તૈયારી કરવા લાગી.
સુનામી પછી કોઈ જ વસ્તુ એની જગ્યાએ નહોતી અને કોઈ ખાસ બીજી મદદ નહોતી. ખાલી એક સરકારી કર્મચારી અને આઈસ્ક્રીમ અને પોપકોર્ન વેચવાવાળા બે માણસો સિવાય અહીં કોઈ નહોતું. સુનામીના પ્રકોપે નોકરીના સમયની અને ટૂરિસ્ટને લાવતી એકપણ બોટ આવી શકી નહોતી. અનુએ મનથી ભગવાનનો આભાર માન્યો કે એ તો ઊગતા સૂરજ સાથે જ રોસ આઈલેન્ડમાં પ્રવેશી ગઈ હતી.
કુદરતી કોપ પછી રોસ આઈલેન્ડની જમીન માત્ર ત્રીજા ભાગની જ બચી હતી. અનુને એના ભાઈઓ તથા બેનની પણ ચિંતા હતી. બેન તો એના ઘરે હતી પણ ભાઈઓ દરિયાની ખેપ પર હતા પણ અત્યારે એનું બધું ધ્યાન એની નાનકડી પોતાની બનાવેલી દુનિયામાં હતું. આખા ટાપુ પર એ ફરી આવી. જો કે, બધાં ફફડેલાં હતાં, ફરી આવું કંઈ નહીં થાય ને?
આખા ટાપુ પર દરિયાનો કાદવ, જીવો, માછલીઓ, નાના-મોટા પથ્થરો બધું ફેલાઈ ગયું હતું. ટાપુ પરના નાની ખિસકોલી કે બિલાડીની ભાળ પણ અનુને લેવી હતી. એની નજર પડી, કાદવમાં લથબથ ખિસકોલી કાટમાળમાં દબાઈ ગઈ હતી. ખિસકોલીઓ તો અનુ જોડે ખૂબ રમતી. કાયમ એની કુર્તીમાં અટવાતી રહેતી. અનુ બેસી ગઈ. ધીરેથી ખિસકોલીને બહાર કાઢી. એને યાદ આવી ગયો એ દિવસ. જ્યારે પોતે કાદવ ખાય છે એવું માનીને મમ્મીએ એને ખૂબ મારી હતી પણ એણે મોં ખોલ્યું જ નહોતું કારણ, એ કાદવમાં તો ઉંદરના બચ્ચાં હતાં. જે એણે એટલા માટે સંતાડી રાખ્યા હતા કે કોઈ એને ભગાડી ન દે અને એ પોતે ધારે ત્યારે એનાથી રમી શકે. એ ખિસકોલીને એણે ઉંદરના બચ્ચાની જેમ જ પંપાળી અને હૂંફ આપી. એ બીજા જીવો તરફ એ દોરાઈ.
અંતે બધાંને મળીને એ પાછી સોનાલી પાસે આવી ત્યારે સોનાલીનું બચ્ચું આ ધરતી પર આવવા તૈયાર હતું. અનેક વિષમતાને પાર કરી ગણ્યા ગાંઠ્યા એ ત્રણ જણે જીવસૃષ્ટિનો ધ્વજ ફરકતો રાખ્યો. એ રાતે તો અનુ ત્યાં જ રોકાઈ ગઈ. બને એટલી પોતાની ઓરડી સાફ કરીને નાના જીવોને ત્યાં રાખ્યા. પોતે લાવી હતી એ ભોજન તો ક્યાંય તણાઈ ગયું હતું.
સૂરજ, બીજા દિવસે એ પણ થોડો નિરાશ લાગતો હતો પણ બહાદુર અનુએ બે આંખની અમીથી ટાપુને વચન આપી કહ્યું, 'અહીં વસે છે એ બધાં મારો પરિવાર છે. એમનું ક્ષેમ કુશળ હું ઉપાડી લઉં છું. ભલેને કુદરત વિફરે, મારા ખોળામાં આ જીવસૃષ્ટિ સમાઈ જશે.'
આ સૂર્યોદય એના બંને ભાઈઓ છિનવાઈ ગયાની ખબર લાવવાનો હતો. દરિયાનું આ પ્રચંડ અને ભીષણ સ્વરૂપ એને 'સુનામી' કહેવાય એ તો આજે ખબર પડવાની હતી પણ દરિયો તો ખારવાનો બાપ કહેવાય. એનાથી રીસ થોડી રખાય? એણે સોનાલી દ્વારા નવા જન્મેલા હરણનું નામ 'છોટા બાબુ' રાખ્યું. બધાં જાણતા હતા કે એના બંને ભાઈનું નામ 'છોટુ' અને 'બાબુ' હતું.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.