પોઝિટિવ પેરેન્ટિંગ:બાળકોને વાર્તા કહેવી કે સંભળાવવી તે એક વિધિ પણ છે અને એક કલા પણ! માતા-પિતા માટે પણ સ્ટોરીટેલિંગ ફાયદાકારક છે!

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજના ડિજિટલ યુગમાં જ્યારે વાર્તાઓ માત્ર એક વોઈસ મેસેજના માધ્યમથી ‘સિરી’ અને ‘એલેક્સા’ જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ થકી બોલાવડાવી શકાય છે ત્યારે વાલીઓ પાસે આ પ્રવૃત્તિની અપેક્ષા રાખવી તે લગભગ અસંભવની અપેક્ષા કરવા જેવું છે…. પણ આ પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે કારણ કે તે વાલી અને બાળકો વચ્ચે એક સ્પેશિયલ પુલ બાંધે છે. આ વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

એડલ્ટ્સ (પુખ્ત વયના વ્યક્તિઓ) તરીકે જ્યારે આપણે આપણા બાળપણ તરફ પાછું જોઈએ છીએ, ત્યારે આપણને એ આનંદની ક્ષણો યાદ આવે છે જે આપણા કુટુંબ સાથે સંકળાયેલી હોય છે. આ ક્ષણો જન્મદિવસ અથવા તહેવારોની ઉજવણી, કૌટુંબિક મેળાવડા, પિકનિક, વેકેશન વગેરે હોઈ શકે છે. મોટાભાગે ઘણા એડલ્ટ લોકો દાદા-દાદી સાથે વિતાવેલી બિનશરતી પ્રેમની પળોને યાદ કરે છે, જ્યારે તેમને ખોરાક અને ભેટોથી નિખાલસ રીતે બગાડવામાં આવતું હતું.

પણ કેટલાંક માતા-પિતા સાથેની વાતચીતમાં, મને સમજાયું કે કુટુંબનું સર્જન તે સ્પેશિયલ સમયની આસપાસ ઘડાતું હોય છે જ્યારે ફક્ત વાલી અને બાળક એક-બીજા સાથે ઈન્ટરેક્ટ કરી રહ્યાં હોય છે. આવી જ એક મહત્ત્વની ક્ષણ છે- નિયમિત ધોરણે વાર્તા સાંભળવી અને વાંચવી.

વિધિ શું છે?
જ્યારે કોઈ વસ્તુ નિયમિત રીતે અને ચોક્કસ સમયે કરવામાં આવે છે, ત્યારે તે બાળક માટે એક વિધિ બની જાય છે અને તે બાળકને બાંધી રાખે છે. આ અનિશ્ચિત વિશ્વમાં બાળકને તે પ્રવૃત્તિ સ્થિરતા આપે છે. બાળક અને વાલી જાણે એક કરારમાં પ્રવેશ કરે છે જ્યાં બાળકને ખાતરી હોય છે કે પરિસ્થિતિ ગમે તે હોય, મને આ ક્ષણો તો ચોક્કસ મળશે જ! બાળપણની યાદો પછી આ સંસ્કાર સાથે જોડાઈ જાય છે અને આ જ બાળકને શક્તિ આપે છે.

સ્ટોરી ટેલિંગ આટલું સ્પેશિયલ કેમ છે?
જ્યારે વાલી બાળકોને વાર્તાઓ વાંચીને સંભળાવે છે, ત્યારે તે સમયે એક સ્પેશિયલ ક્ષણની રચના થાય છે જ્યાં વાલી અને બાળક બંને એક અનોખા ડાયમેન્શનમાં (પરિમાણમાં) પ્રવેશ કરે છે. સમય સ્થિર થઇ જાય છે, બધા કામકાજ બાજુએ મૂકવામાં આવે છે અને તે ક્ષણે વાલી અને બાળક ફક્ત એક-મેક માટે હોય છે. જેમ વાલી વાર્તા વાંચે અથવા કહે છે તેમ, જાણે બાળકનો એક અનોખો પ્રવાસ શરૂ થઇ જાય છે જે કેટલી વાર (અને ખરું કહું તો ઘણીવાર) વાસ્તવિક મુસાફરી કરતાં પણ વધુ અદભુત હોય છે.

કયા પ્રકારની વાર્તાઓ પસંદ કરવી?
ચોક્કસ હવે કેટલાક માતા-પિતાના મનમાં એ પ્રશ્ન ઊભો થતો હશે કે આપણે કેવા પ્રકારની વાર્તાઓ પસંદ કરવી જોઈએ? આના જવાબમાં હું કહીશ કે- ભારતમાંથી લોકકથાઓ; ભારતીય પૌરાણિક કથાઓ; ભારતીય મહાકાવ્યો જેમ કે રામાયણ અને મહાભારતમાંથી કેટલાંક પ્રકરણો- જો આ લેવામાં આવે તો બાળકોને મૂલ્યો, તત્ત્વજ્ઞાન, ભાષા અને સંબંધો વિશે શીખવામાં ખૂબ મદદ મળશે. ભારતીય મહાકાવ્યો જીવનની જટિલતાને તેના અસંખ્ય રંગોમાં દર્શાવે છે. ખરું કહું તો, ‘પંચતંત્ર’ અને ‘જાતકની વાર્તાઓ’ પણ અદભુત છે કારણ કે તેમનાં ઘણાં અર્થઘટન હોઈ શકે છે. વધુમાં- પાત્રોના પ્રકારો; દર યુગમાં તેમનો સંદર્ભ; અને નીતિશાસ્ત્ર– આ બધા જ સંદર્ભમાં આ વાર્તાઓમાં ખૂબ જ વૈવિધ્ય છે. માત્ર વાર્તા વાંચવી જરૂરી નથી, પણ તેનો અર્થ શું છે તેની ચર્ચા કરવી તે ખૂબ જ મહત્ત્વનું છે. અહીં હું એક ખાસ તથ્ય કહેવા માગું છું કે બાળકોને નૈતિકતા શીખવવા માટે જે વાર્તાઓ વધુ પડતી સરળ બનાવવામાં આવે છે તે વાર્તાઓ તેમના મૂળ હેતુનો નાશ કરી દે છે. વાર્તા સાંભળવી એ એક આનંદદાયક અનુભવ છે; અને જે વાર્તાઓમા નૈતિકતાનો ઉલ્લેખ સ્પષ્ટપણે કરવામાં આવે છે તે બાળકને વાર્તાના અર્થને પોતાની રીતે એક્સપ્લોર કરવાના રોમાંચક અનુભવથી વંચિત રાખે છે. બાળકોને સદા પોતાની રીતે વાર્તાનો અર્થ શોધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

વાર્તામાં એક સર્જનાત્મક તત્ત્વ ચોક્કસથી ઉમેરશોજી!
પણ શું તમે જાણો છો કે વાર્તાઓ વાંચવા કરતાં પણ વધુ શક્તિશાળી કંઈક છે? તે છે જાતે વાર્તાઓ બનાવીને તે બાળકને કહેવી. હું એવા ઘણાં વાલીઓને જાણું છું જેઓ એટલા સર્જનાત્મક છે કે તેઓ દરરોજ એક નવી વાર્તા બનાવીને પોતાના બાળકને કહે છે! રીના નાની હતી ત્યારથી, હું વાર્તાઓ બનાવતી અને તેને સંભળાવતી. હું તેના મૂડને સમજીને તે થીમની આસપાસની વાર્તા બનાવતી, પછી ભલે તે સત્ય બોલવાની મહત્તા પર હોય, અથવા લાગણીઓ અને સંબંધો સાચવવા પર હોય કે અન્ય કોઈ પણ વિશે. હવે મારી દીકરી 16 વરસની છે અને તેને વાંચવું ખૂબ જ ગમે છે. વધુમાં, હું જોઉં છું કે તેનામાં લોકોને સમજવાની અપાર પરિપક્વતા છે. મેં આમાંનાં કેટલાક વાલીઓને પૂછ્યું કે વાર્તાઓ બનાવવી કેટલી સરળ છે? અરે, બહુ જ મજા આવતી. હું ત્યાં સુધી વાર્તા ચાલુ રાખતી જ્યાં સુધી મારી દીકરી ઊંઘી ન જાય; અને પછી બીજા દિવસે અમે જ્યાંથી વાર્તા મૂકી દીધી હતી ત્યાંથી હું તે વાર્તાના તાર ઉપાડી લેતી. વળી ઘણી વખતે, હું એક ક્ષણ માટે અટકીને મારી દીકરીને પૂછતી કે 'તો તને શું લાગે છે, આ પાત્ર આગળ શું કરશે?' એટલે તે પણ વિચારતી થઈ જતી અને આ આખી પ્રવૃત્તિમાં ખરા અર્થોમાં સામેલ થઈ જતી!

આની અસર વાલી પર પણ એટલી જ મહત્ત્વપૂર્ણ અને ઊંડી હોય છે. રીનાના પિતાએ શેર કર્યું કે આ વિધિના લીધે તેઓ - તેમના ઓફિસના દબાણથી દૂર થઇ શક્યા; સર્જનાત્મક રીતે વિચારતા થયા; અને આ પ્રોસેસ થકી તેમને જે આનંદ મળ્યો તેના લીધે તેઓ હળવાશ અનુભવ કરી શક્યા. પરિણામે, જ્યારે ઓફિસમાં તેમને સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે તે તેના સર્જનાત્મક ઉકેલો મેળવવામાં સક્ષમ થઇ શક્યા છે.

અંતમાં...

છેલ્લે વાલી તરીકે આપણે બધાએ એટલું યાદ રાખવું જોઈએ કે વાર્તા વાંચન, વાર્તા કથન અને વાર્તા બનાવવી અને બાળકને સંભળાવવી એ માત્ર બાળક માટે જ નહીં, પણ વાલી માટે પણ ફાયદાકારક છે!

anjuparenting@gmail.com
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)